પ્રકરણ – ૬
કૉલૅજનાં બે વર્ષ ક્યાંયે પસાર થઈ ગયાં. કેતકી આતુરતાથી રાહ જોતી હતી, કયારે આ લાંબું લાંબું વૅકૅશન પૂરું થાય, અને કૉલૅજ શરૂ થાય. ‘ગીતાંજલિ’ તો એણે વારંવાર વાંચી. એ બધા ઋજુ, મૃદુ શબ્દોમાં એને પ્રેમ-ભાવ જ વર્તાતો હતો. કવિએ ઇશ્વરને સંબોધીને લખ્યાં હતાં એ કાવ્યો, તે એ જાણતી હતી, તોયે એને તો પ્રિયજનનો સંદર્ભ જ એમાં જણાતો હતો.
પ્રિયજનની ગેરહાજરીમાં જ કંઇક કૂણું – રવીન્દ્રનાથના શબ્દો જેવું જ ઋજુ ને મૃદુ – એના હૃદયમાં ઊગ્યું હતું. કૂણા ઘાસની પત્તી, જે જરાક અમથી હવામાં હાલી ઊઠે. ફૂલની કોમળ પાંદડી, જે ખીલતાંની સાથે મ્હોરી ઊઠે. સવારની સોનેરી દ્યુતિ, કે ઝરણાની રવાલ ગતિ, કે શ્યામલ મેઘનું ગર્જન, કે મેઘધનુષનું સર્જન. ઓહો, આ શબ્દ-રમણાને રવીન્દ્રનાથની અસર કહેવી, કે અસ્ફૂટ પ્રેમનો આવિર્ભાવ માનવો?
કેતકીનો સ્વપ્નિલ મૂડ દીજી કોઈક વાર પ્રમાણી લેતાં, ને વિમાસતાં, કે કંઇક થયું હશે કૉલૅજમાં? પણ તરત પાછી કેતકીને એવી જ રમતિયાળ જોતાં, ને માથું હલાવતાં, અરે, આ તો એવી ને એવી જ રહી. ક્યારે મોટી થવાની આ મારી તુકી?
કેતકીને માટે આ જુનિયર ઇયર હતું, એટલે હળવાશથી લેવાય એમ હતું. આ વર્ષે એકાદ નાનું નાટક કરાય તો કેવું?, એણે વિચારેલું. એટલી રજા તો ઘરમાંથી આપવી જ પડશે, ગમે તે રીતે હું મેળવીશ જ. નાટક કરવાની એની ઇચ્છા વધી હતી. એ રીતે વિકાસ સાથે એક વાર સ્ટેજ પર આવવાની ઇચ્છા પણ પૂરી થાય. જાહેરમાં સાથે હોઈએ, ને ખાનગી કશુંક અનુભવતાં હોઈએ, કેતકીએ વિચારેલું.
મારી બુદ્ધિ આમ પ્લૉટિન્ગ કરતી ક્યાંથી થઈ ગઈ?, કેતકી પોતાની હોશિયારી પર ખુશ પણ થતી હતી. ઠાકર સરને મળીને એ કહી આવી હતી, કે આ વર્ષે નાટક માટે એનો વિચાર કરવો હોય તો કરી શકાશે. ઓહો, તો તો બહુ સારું. ગ્રૂપનાં બધાં બહુ ખુશ થશે, એમણે કહેલું.
કેતકીએ ડહાપણપૂર્વક વિચારેલું, જો નાટક કરીશ તો આ વખતે ગાવાનું નહીં કરું. પછી કોઈને એમ થાય, કે આ તો બધામાં ઘુસે છે, એના કરતાં પહેલેથી ખસી જવું સારું. સંગીતના ગ્રૂપમાંથી ઘણો આગ્રહ થયો, પણ એણે ના જ પાડી. કહ્યું, બે બાજુ નહીં પહોંચી વળાય.
આ વખતે જે નાટક લેવાયું તે શેક્સપિયરના વિખ્યાત કરુણ નાટક ‘હૅમલૅટ’ પરથી હતું. ટૂંકાવી નાખેલું, પણ કેતકીને મળેલો ઑફિલિયાનો રોલ સારો એવો લાંબો હતો. વિકાસ હૅમલૅટના રોલમાં હતો. સ્ક્રિપ્ટ વાંચીને કેતકીને થયું કે અરે, સ્ટેજ ઉપર સાથે બહુ વાર નથી આવવાનું. પણ કાંઈ નહીં, રીહર્સલ વખતે તો સાથે જ હોઈશું ને.
એ સમય સૌથી વધારે સુંદર હતો – એક કળાના ક્ષેત્રમાં સાથે ગાળી શકાયો તે સમય. પાત્રોનાં ખોળિયામાં રહેવાનું હતું તે સમય. પાત્રોની વચ્ચેના પ્રેમ-ભાવને સાકાર કરવાનો હતો તે સમય. સાથે જ, પોતાના સાચા જગતમાં પણ, કેતકી અને વિકાસ બંને, સાથે હોવાનાં સંવેદન અનુભવતાં હતાં. હવે વાતો પણ થતી. વધારે તો નાટકની રજુઆત વિષે, પણ હવે નજીક રહેવાનું કેટલું બધું બનતું હતું.
પાત્રોના વસ્ત્ર-પરિધાનની બાબતે ઘણી ચર્ચાઓ થતી હતી. ઉપરાંત, ‘હૅમલૅટ’ પરની બે ક્લાસિક ફિલ્મ આખા ગ્રૂપને ઠાકર સરે બતાવી. એકમાં લૉરૅન્સ ઑલિવિયરને બધાંએ પહેલી વાર જોયા. બીજી ડેનિશ ભાષામાં હતી. શેક્સપિયરે હૅમલૅટને બતાવ્યો છે પણ ડૅનમાર્કના રાજકુમાર તરીકે જ ને. એ પ્રિન્ટ બહુ સારી નહતી, અને આખી જોઈ ના શકાઈ. પણ એમાં જે રીતે ઑફિલિયાનું પાત્ર નિરૂપાયું હતું તે કેતકીને બહુ અસરકારક લાગ્યું, અને સૅન્સિટીવ.
આવું સરસ કામ તો હું કરી જ નહીં શકું, કેતકીએ વિકાસને કહ્યું.
હા, પણ આમે ય ફિલ્મ અને નાટકનું મિડિયમ જુદું છે. બંનેમાં જુદી રીતની રજુઆત જ હોય. છતાં, એમાં હતો તેવો પોષાક કદાચ આપણે વાપરી શકીએ.
ઠાકર સરનું પણ એ જ મંતવ્ય હતું. ઑફિલિયા લાંબો સફેદ ડ્રેસ પહેરશે, વાળ છૂટા હશે, આગળથી થોડા વાંકડિયા કરવામાં આવશે, અને માથા પર જૂઈ કે ચમેલી જેવાં ઝીણાં ફૂલોની માળા, ગોળ મુગટની જેમ મૂકાશે. ઇન્ડિયન નહીં, કંઇક જુદી જ લાગશે આ ઑફિલિયા. જુદી, પણ પ્રમાણભૂત તો ખરી જ.
કેતકી આવા સાવ જુદા જ ડ્રેસિન્ગના વિચારથી, કદિ નહીં જાણેલી લાગણી અનુભવી રહી હતી. બધાં એની સામે જોતાં રહી જવાનાં. ફોટા લેવડાવવાનું યાદ રાખવું પડશે. આ નવ્ય સંવેદનો પોતાને છાજતાં પણ નથી, એક તરફ એને થતું હતું. તો બીજી તરફ, વય-સહજ દર્પ ક્યારેક પણ માફ ના કરાય?, એવો પ્રશ્ન ચિત્તમાં ફરફરતો હતો.
ખાસ રીતનો આવેગ તો જાણે બધાંને થઈ રહ્યો હતો. પ્રોગ્રામમાં આ નાટક, સાથે કંઠ્ય તેમજ વાદ્ય સંગીત, અને ફૅશન-શો જેવું પણ ગોઠવીએ તો કેવું?, ને મિમિક્રી પણ રાખીએ તો બધાંને વધારે મઝા આવશે. આમ, સારા એવા લાંબા કાર્યક્રમ અંગે વિચારણા થઈ રહી હતી. દિવસ પણ એ રીતે નક્કી થતો હતો, કે જેથી સિનિયર સ્ટુડન્ટ્સને પરીક્શાની તૈયારીમાં દખલ ના થાય. તારીખ ને દિવસ નક્કી થવામાં જ હતાં. એ પછી સરખી જાહેરાતનું કામ શરૂ કરી શકાય.
એક સવારે કેતકી કૉલૅજ પહોંચી, ને મનથી જ, એને કશું બની ગયું હોય તેમ લાગ્યું. રીહર્સલના ટાઇમે એ હૉલમાં ગઈ ત્યારે નોટિસ જોઈ, કે રીહર્સલ કૅન્સલ છે. ત્યાં જ એને સુરેશ મળી ગયો. હજી એ થોડો દૂર જ રહેતો હતો કેતકીથી. કદાચ છે, ને કેતકીને ના ગમતું કાંઈ બોલાઈ જાય. એને પણ આ નોટિસ પરથી જ ખબર પડેલી કે રીહર્સલ કૅન્સલ થયું છે. વિકાસ ક્યાં હતો તેની એને ખબર નહતી.
કેતકી ઠાકર સરની ઑફીસમાં ગઈ. એ ના મળ્યા. કોઈ જ નહતું એમની ઑફીસમાં. પછી એણે દિવસના બધા ક્લાસ અજંપા સાથે ભર્યા. ઘેર જતી વખતે, ફરી ઠાકર સરને શોધવા ગઈ ત્યારે એ મળ્યા. વધારે વાત કરવાનો એમને ટાઇમ નહતો, પણ જલદીમાં એટલું કહ્યું, કે આખો પ્રોગ્રામ આપણે પાછો ઠેલીએ છીએ. ચાલો તો, બીજી કોઈ માહિતી હશે તો તે પછીથી જણાવવામાં આવશે. આવજો.
પહેલી જ વાર ઠાકર સર એની સાથે આમ બીલકુલ બિનઅંગત રીતે બોલ્યા હતા. કેતકી કશું પૂછી ના શકી, વધારે કશું જાણી ના શકી. એ દિવસે નહીં, પછીને દિવસે નહીં, પછીને અઠવાડિયે કે મહિને પણ નહીં. સુરેશ કહે, મને કશી ખબર નથી, ઠાકર સર કહે, વધારે કાંઈ કહી શકાય તેમ નથી. ગ્રૂપના કોઈ પાસે કશી માહિતી નહતી. બધાં કહે, આપણે રાહ જોઇશું, એમાં શું છે?
જુનિયરનું વર્ષ તો પૂરું થવા આવ્યું. નાટક-સંગીતનો આખો કાર્યક્રમ ફરી યોજાયો જ નહીં. હવે આવતે વર્ષે ચોક્કસ કરીશું, એમ વાત ચાલતી હતી. કેતકીનું મન મુંઝવણમાં રહેતું હતું. વિકાસને પણ એને માટે લાગણી થવા માંડી હોય, એમ લાગ્યું જ હતું. એ કાંઈ કેતકીના મનની મૂર્ખામી નહતી. તો પછી એ એક પણ શબ્દ કહ્યા વગર ગૂમ કેમ થઈ ગયો? શું થયું હશે? ક્યાં જતો રહ્યો હશે? એના કુટુંબનું શું?
કેતકી ઉદાસ થઈ હતી, નિરાશ થઈ હતી, પણ હવે સમયને પસાર થવા દેવાનો હતો, ને રાહ જોતાં રહેવાનું હતું. બીજો કોઈ ઉપાય એને સૂઝતો નહતો. ‘ગીતાંજલિ’ એણે ક્યાંક ઊંચી મૂકી દીધી. એ હાથમાં લેતાં એની ગમગીની વધતી હતી. ને ફરી પાછી કેતકી લાયબ્રેરીના આશરે જતી રહી.
ભણવાનું વાંચવાની જરૂર નહતી, તો એ અન્ય કૃતિઓ વાંચવા લાગી. સૌથી પહેલાં ‘હૅમલૅટ’ આખું વાંચ્યું. પછી ‘રોમિઓ ઍન્ડ જુલિએટ’ વાંચ્યું. કેવાં કરુણતાથી ભરેલાં કથાનક. પછી એણે હાથમાં લીધું ‘મર્ચન્ટ ઑફ વૅનિસ’. એ ગમ્યું, પણ જ્યારે ‘મચ ઍડો અબાઉટ નથિન્ગ’ વાંચ્યું ત્યારે શેક્સપિયરની કૉમૅડીની ખૂબીઓને એણે બહુ રસથી માણી.
જુદી જ જાતની ભાષા. આમ તો ઇંગ્લિશ, પણ ઘણી અઘરી. વાક્યે વાક્યે જાણે કોયડા ઉકેલવા પડતા હતા. ધીમે ધીમે કરીને પણ એણે એ નાટકો પૂરાં કર્યાં જ. જાણે શબ્દો અને અર્થોની ભુલભુલામણીમાં એ પોતાના મનને પરોવી રાખવા માગતી હતી, નિરર્થક શક્યતાઓના વિચારો કરવાની તક જ એ મનને આપવા માગતી નહતી.
કેતકીએ વાંચવા માટે ઘેર લાવેલાં આ નાટકો ખોલીને દેવકીએ વાંચવા પ્રયત્ન કરેલા. પછી કહે, બાપ રે, કઈ ભાષામાં લખ્યું છે? કશું સમજાતું નથી મને તો. તને કઈ રીતે મઝા આવે છે આમાં, તુકી?
બધાંને એક સરખા રસ નથી હોતા, કેતકીએ કંઇક આત્મસંતોષ સાથે કહ્યું.
આખરે એ વર્ષ પૂરું થયું. વૅકૅશન પડે તે પહેલાં કૉલૅજનાં મિત્રો એક વાર ફરી મળ્યાં, સાથે ચ્હા-પાણી કર્યાં, ને આવતે વર્ષે મળીએ કહીને છૂટાં પડ્યાં. એ વખતે સુરેશ નહતો આવ્યો. એ હોત તો કેતકીએ ફરી એક વાર વિકાસના ખબર જાણવા માગ્યા હોત.
ને ત્યારે કેતકીને ખ્યાલ આવ્યો કે વિકાસને વિષે કશી જાણ જ નહતી એને પોતાને. અંગત કશું જાણવાનો કે જણાવવાનો હજી સમય જ નહતો થયો. કુટુંબીઓ સિવાયના કોઈને પણ માટેનું આવું ખેંચાણ પહેલવહેલી વાર જ થવા માંડ્યું હતું. હજી તો આ સરળ મૈત્રીનું સ્તર હતું. એના મનમાં વિકાસ પ્રિયજન જેવો બન્યો હતો, પણ પ્રિયતમ નહીં. હજી તો ઓળખાણનો આરંભ હતો, પ્રણયનો નહીં.
બસ, એક વાત- જાણે શરૂ થાય તે પહેલાં જ પૂરી થઈ ગઈ હતી. જાણે આરંભ કે અંત વગરનું નાટક. પોતે જાણે હવે નાટક વગરનું એક પાત્ર હતી.
પણ શું એ ઑફિલિયા જેવું કરુણ પાત્ર થવા માગતી હતી? કે જુલિએટ જેવું? ના, શેક્સપિયરના કોઈ સ્ત્રી-પાત્ર જેવા થવું જ હોય તો એ થશે પોર્શિયા જેવી, કે બિઆટ્રીસ જેવી. હોંશિયાર, મક્કમ મનની, અને પૉઝીટીવ.
સુમીનું વેવિશાળ શરદ સાથે થઈ ગયેલું, એટલે એ તો બિઝી થઈ ગયેલી. નીલુ નવરી હતી. એનાં બહેન-બનેવી એને મુંબઇ ફરવા બોલાવતાં હતાં. એણે કેતકીને પણ સાથે આવવા આગ્રહ કર્યો. માઇને ચિંતા હતી, તને ફાવશે? કોઈને ત્યાં? પણ કેતકીને થતું હતું, થોડા દિવસ માટે પણ જો ક્યાંક જુદી જગ્યાએ જઈ શકું, તો કદાચ નિરાંતે થોડા શ્વાસ લઈ શકું.
નીલુનાં બહેનનું ઘર દાદર પરામાંની એક ગલીમાં હતું. આગલા વરંડામાંથી જ દરિયો દેખાય. ગલીમાં જરાક જાઓ ત્યાં તો દરિયાની પાસે પહોંચી જવાય. કેતકીએ દરિયો પહેલી જ વાર જોયો. એ મા-બાપના ઘરની બહાર ક્યારેય નીકળી જ નહતી. હવે એને થયું, કે આમ દરિયો, ને જંગલ, ને પર્વતો, ને સુંદર જગ્યાઓ જેને જોવા ના મળે તેનો સમય નક્કામો છે. ક્યારે જોવા મળશે આ બધું એને પોતાને? પણ હાશ, અત્યારે દરિયો તો જોવા પામી.
શું પાણીનો રંગ. ક્યારેક ભૂરો હોય, ક્યારેક સાવ મેલખાઉ લાગે. તોયે ગમે. ઓહ, તો દરિયાનાં પાણીના રંગનો આધાર તો આકાશના રંગ પર છે, એમ ને? કેતકીની દૃષ્ટિ આકાશ પ્રતિ પણ ઊઘડી. હવે એને થયું, કે આ ગગન અને સાગર – બંને અનંત, અસીમ, ને જાણે છીપ જેવાં એ બેની વચમાં પોતે. મોતી જેવું કિંમતી જ છેને આ જીવન. બે હાથનો ખોબો કરીને, છીપ જેવું બનાવીને, એ સામે ધરી દેતી. આ મારો જીવ, તમારે બંનેને શરણે.
દરરોજ કેતકી એક વાર તો પોતાની મેળે જ દરિયા-કિનારે જઈ આવતી. પાણીના લયનું સાતત્ય એને જીવનના પર્યાય જેવું લાગ્યું. કેટલા દૂર દૂર છે સાગરના કિનારા, પણ એમની વચ્ચે સંબંધ ચાલુ રહે છે નિત્ય-પ્રસન્ન મોજાંને કારણે. ક્શિતિજ પાસે ક્યારેક એકાદું વહાણ દેખાય, તો વિચારે કે, એ કાંઈ દૂરના બે કાંઠાની અધવચ વિખૂટું, કે બિચારું નથી. એ તો નસીબદાર છે, કે પોતાનો લય જાળવીને આમ ગમન કરી શકે છે આ નિઃસીમ પ્રસ્તાર પર. વિસ્તૃતિના સાક્શી બનવાનું એનું ભાગ્ય છે.
છેલ્લે આ જ કલ્પન કેતકીના મનમાં સ્થાયી રહ્યું. અંતર હોય તે સારું છે, કારણકે તો જ તે ગમનનું અર્થપૂર્ણ કારણ બને છે.
“છેલ્લે આ જ કલ્પન કેતકીના મનમાં સ્થાયી રહ્યું. અંતર હોય તે સારું છે, કારણકે તો જ તે ગમનનું અર્થપૂર્ણ કારણ બને છે.”
વાર્તાના પ્રવાહ સાથે કેતકીનુ મનોવિશ્વ પણ ઉઘડતું જાય છે, વિચારોમાં પરિપકવતા આવતી જાય છે.
આગળ જાણવાની ઉત્કંઠા…
LikeLike
કેતકીનું ચિંતન ‘પાણીના લયનું સાતત્ય એને જીવનના પર્યાય જેવું લાગ્યું. કેટલા દૂર દૂર છે સાગરના કિનારા, પણ એમની વચ્ચે સંબંધ ચાલુ રહે છે’
ઘણા ખરાએ જીવનમા અનુભવેલી વાત …
ખૂબ ગમી
રાહ બે કાંઠાની વચ્ચે –૭ ની
LikeLike