ઊર્મિલ સંચાર. નવલિકા…પ્ર-૩ સરયૂ પરીખ
પ્રકરણ-૩ પરિચય
શોમને માયાએ આપેલ ઝટકાને બે વર્ષ પસાર થઈ ગયાં હતાં. શોમનો ઉદાસ ચહેરો અને પ્રયત્નપૂર્વક આવતું સ્મિત માતા-પિતાને કાંટાની જેમ વાગતું. આ ખરાબ અનુભવ પછી માહી કે રમેશ લગ્નની વાત છેડતા નહીં. કેલિફોર્નિઆથી બહેન નીના ફોન જોડી આપે પછી, બે વર્ષનો ભાણો અયન, મામા સાથે લગભગ રોજ ભાંગીતૂટી ભાષામાં વાતો કરતો. એ અશ્વાસન હતું કે કેંસર રીસર્ચના કામમાં શોમની પ્રગતિ અસાધારણ હતી.
શોમ દર રવિવારે સાંજે ઘેર આવી માહીની બનાવેલ રસોઈ શોખથી જમતો. એ રવિવારે તે અદમ્ય ઉત્સાહમાં હતો. “ડેડ! ગોઆમાં વૈદ્ય ભાણજી સાથે બધું નક્કી થઈ ગયું છે. બે ડોક્ટર્સ આજે આવી રહ્યાં છે. તેમનું આયુર્વેદિક જ્ઞાન આપણી એલોપથિક સારવાર સાથે કઈ રીતે કેંસરનાં દરદીઓને લાભદાયી થાય તેનાં પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બે યુનિટ્સ તૈયાર કર્યા છે. એક હ્યુસ્ટનનું એલોપથિ ક્લિનિક જે અત્યારે ચાલુ છે, અને નવું આયુર્વેદિક સેંટર શરૂ કર્યું છે. તમને આ વ્યવસ્થા કેમ લાગે છે?” વર્ષોથી ત્યાંની હોસ્પિટલમાં કામ કરતા પિતાનો અભિપ્રાય મહત્વનો હતો.
એ બન્નેની વાતો પૂરી થતાં માહીએ પૂછ્યું, “શોમ, તું કહેતો હતો કે છ મહિના આ લોકોની રહેવાની વ્યવસ્થા કરવાની હતી, તેનું શું થયું?” મેડિકલ સેંટર સાથે જોડાયેલા ભારતિય પરિવારોમાં ઘણી નિકટતા હતી.
“એક લેડી ડોક્ટર, અંજલિ, પંડ્યાસાહેબને ઘેર, અને ડો. રાકેશ તેમના સગાને ઘેર રહેવાના છે. હું મળ્યો નથી, પણ વૈદ્યરાજ ડો.અંજલિનાં બહુ જ વખાણ કરતા હતા. આવતીકાલે મિટિંગ છે, જોઈએ કેમની વ્યવસ્થા થાય છે.”
જમવાનું પૂરું કરી હાથ ધોતા જ શોમ બોલ્યો, “આજે જલ્દી જવું છે, શાસ્ત્રીય સંગીતના કેફીનનો સમય નથી. આવતા રવિએ…” તેની મમ્મીને વ્હાલ કરી, શોમ જતાં જતાં બોલ્યો, “અને હાં, આજ રાતના મુંબઈ દાદાજીને ફોન કરવાનો છું.”
“શોમ કેટલો ખુશ છે!” રમેશ અને માહી ટેબલ પર પ્રસન્નતાથી એ પળને મમળાવતા બેસી રહ્યાં.
બીજે દિવસે, મિટિંગ માટે શોમ અને તેના સાથી ડોક્ટરો અને બીજા સભ્યો સમયસર હાજર હતા. તેમના ડીન બે વ્યક્તિને લઈને રૂમમાં દાખલ થયા. પરિચય આપતા જણાવ્યું કે, “આપણાં સારા નસીબે, આ કુશળ ડોક્ટરોને આવકારતા આનંદ અનુભવું છું. ડોક્ટર અંજલિ મારુ, અને ડોક્ટર રાકેશ રોય… શોમ, હું આમને તમારી સંભાળમાં સોંપુ છું.”
શોમે ઊભા થઈ રાકેશ સાથે હાથ મિલાવ્યા. અંજલિ ‘નમસ્તે’ કહી હસી. શોમ હાથ જોડીને થોડી પળો ભૂલી ગયો કે હવે શું કહેવાનું છે! …’આહ, શું હાસ્ય છે!’ શોમની નજર તેને એક ખુરશી તરફ જતી જોતી રહી. ગોળ ટેબલ આસપાસ બધાં ગોઠવાયાં. શોમે તેના વિચારોને કાબુમાં લાવી, વ્યવસ્થિત યોજનાની રૂપરેખા દોરવાની શરૂઆત કરી. શોમની ઊંડી સમજ અને દરદીઓ વિષેની અનુકંપાની વાત અંજલિ અહોભાવથી સાંભળી રહી.
“આપણે બે પધ્ધતિથી કેંસરના દરદીઓની સારવાર કરશું. હ્યુસ્ટન ક્લિનિકમાં આવતા દરદીઓને આયુર્વેદિક સારવાર વિષે માહિતી આપશું અને જે દરદી સહમત થશે તેમને એબી સેંટરમાં મોકલશું…મેં આયુર્વેદિક સેંટરને ‘એબી સેંટર’ નામ આપ્યું છે.” શોમે સ્પષ્ટતા કરી. “રાકેશ અને અંજલિની સાથે પત્રવ્યવહારથી અને વૈદ્ય ભાણજીની સલાહ અનુસાર અમે સારવારની ચોક્કસ યોજના બનાવી છે.”
ઘણી ચર્ચા વિચારણા પછી લંચ સમયે બધાં કાફેટેરિયા તરફ ગયા. અંજલિને લાઈનમાં જોઈ શોમ તેની પાછળ જોડાયો. અંજલિએ આભાર માન્યો કારણકે તેને ભય હતો કે નવી જગ્યામાં એ કાંઈક મૂર્ખામી ન કરી બેસે! જમતી વખતે, બન્ને માટે પહેલો રસનો વિષય વૈદ્ય ભાણજીનો હતો.
અંજલિ બોલી, “મારા પિતાની સાથે હું પોંડિચેરીથી ગોઆ આશ્રમમાં જતી હતી. હું ચૌદ વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે મને અને મમ્મીને ખુબ સ્નેહ અને સંભાળ આપ્યા છે. વૈદ્ય ભાણજી, હું બાબા કહીને બોલાવું છું, તેમની હું માનસ પુત્રી બની ગઈ. મેડિકલ કોલેજ પછી, ખાસ આયુર્વેદનો અભ્યાસ કરવા હું ગોઆમાં બે વર્ષ રહી અને હવે અહીં.” …ફરી, એ જ મધુ સ્મિત!
શોમને બીજા કામનું દબાણ ન હોત તો ખબર નહીં ક્યાં સુધી અંજલિ સાથે વાતો કરતો રહેત.
શોમની યોજના પ્રમાણે કામ શરૂ થઈ ગયું. નિયમિત ક્રમ પ્રમાણે હ્યુસ્ટન ક્લિનિકમાંથી એબી સેંટરમાં આવતાં કેંસર દરદીઓને તપાસી, ટ્યુમરનું માપ નોંધી લેવાનું કામ રાકેશનું હતું. ત્યારબાદ, કઈ આયુર્વેદિક દવા અને કેટલી માત્રામાં આપવી તે નક્કી કરી, સારવાર શરૂ કરવાની જવાબદારી અંજલિની હતી. દર અઠવાડિએ એક વખત મિટિંગમાં શોમ અને અંજલિને મળવાનું શક્ય બનતું. કામ વિષે વાતો કરી પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતાં… પણ છૂટાં પડતી વખતે, અંજલિના ગાલનું ખંજન, અલવિદા કહેતી એક નજર, અને એવી યાદો એ જરૂર મનની મંજૂષામાં આવરીને લઈ જતો.
એક દિવસ શોમ અને સ્ટિવ કાફેટેરિયામાં સવારનો નાસ્તો કરી રહ્યા હતાં. સ્ટિવ કહે, “સારા કહેતી હતી કે આપણે આ શનિવારે દરિયા કિનારે જઈએ.” ડોક્ટર સારા, બન્ને ક્લિનિકને સાંધતી કડી હતી, જે સ્ટિવની મિત્ર પણ હતી. છેલ્લા બે મહિનાની મુલાકાતો પછી સારા અને અંજલિ વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. “આરી પણ આવશે.” તેમનો નાનપણનો દોસ્ત આયંગર ઉર્ફે આરી, એંજિનીઅર હતો. આ ત્રણ બાલમિત્રોની જોડી અતૂટ હતી.
“જોઈએ, શક્ય છે કે નહીં!” શોમ વિચાર કરતા બોલ્યો.
“સારા અંજલિને પણ કહેવાની છે.” સ્ટિવે આપેલી માહીતિ પછી શોમનું, ‘જોઈએ’… ‘ચોક્કસ’માં બદલાઈ જતું સાંભળી સ્ટિવ હસી પડ્યો.
શનિવારે સ્ટિવની કારમાં બધાં ગોઠવાયા. શોમ અંજલિની બાજુમાં બેસીને હાઇસ્કુલના કિશોર જેવો અધીર અને ઉત્તેજિત હતો. અંજલિની દશા પણ જરા એવી જ હતી. દરિયા કિનારે ટહેલતા અંજલિ એકદમ ચૂપચાપ હતી. એ દૂર જઈ એક પથ્થર પર બેસી ગઈ. મિત્રો વાતો કરતા આગળ નીકળી ગયા પણ શોમ પાછો ફરી, અંજલિની નજીક જઈ બેઠો.
“આ શું? તમારી આંખોમાં આંસુ?” શોમ બોલ્યો.
“હાં, ઘરની બહુ યાદ આવે છે. આ ઊમડતાં મોજા સાથે મારું દિલ મમ્મી પાસે દોડી જવા ઝંખે છે.” શોમ સંવેદનાથી અંજલિ સામે જોઈ રહ્યો. લાંબો સમય સાગરના ગહેરા અવાજમાં કોઈ અણકહી લાગણીઓમાં બન્ને અટવાઈ રહ્યાં. શોમને પોતાની લાગણીનો પ્રતિસાદ અંજલિની ધડકનમાં સંભળાયો. તેમની વચ્ચેનાં આકર્ષણની અનુભૂતિ જાણે આપસમાં સ્વીકારી લીધી. સાગરનાં સાનિધ્યમાં અંતરની સંવાદિતા તેમને પરિચયના ઘનિષ્ટ સ્તર પર લઈ ગઈ.
અને પછી જ્યારે મનચાહે ત્યારે, અકારણ ફોન કરવાનું, મીઠી મજાક મશ્કરી કરવાનું, ગમતાં પુસ્તકો એકબીજાને આપવાનું પ્રેમપ્રકરણ ચાલું થઈ ગયું.
એક વખત મેળાવડામાં રમેશ અને માહી સાથે અંજલિનો પરિચય થયો હતો. એબી સેંટરનું કામ સફળતાથી આગળ વધી રહ્યું હતું. ઘણાં દરદીઓમાં ચાર મહિનાની સારવારનું પરિણામ આશાજનક હતું. વ્યસ્ત હોવાથી બે રવિવાર પછી, શોમ તેનાં મમ્મીની રસોઈ માણવા જઈ રહ્યો હતો. માહીનાં મમતાભર્યા ચહેરા પર આશ્ચર્ય સાથે ખુશી જોવા માટે, ચાવી હતી તો પણ, શોમે ઘરની ઘંટડી વગાડી. બારણું ખોલનારને જોઈને તેને જ આશ્ચર્ય થયું, “અરે, અંજલિ! અહીં કેમ?”
માહી પાછળથી કહે, “મીસીસ પંડ્યાને ઓચિંતા ભારત જવું પડ્યું, તેથી અંજલિના યજમાન અમે છીએ.”
“માન ન માન મેં તેરા મહેમાન…” અંજલિ બોલી.
“અમારા માટે તો મોંઘેરા મહેમાન, કેમ માહી?” રમેશ રસોડા તરફ જતી માહીને સંબોધી બોલ્યા. પરિવારના સભ્ય જેવી સરળતાથી અંજલિ માહીને મદદ કરી રહી હતી. “જુઓને તેની સાથે ‘મહેમાન’ જેવું તો કશું લાગતું નથી.” માહીએ જવાબ આપ્યો.
જમ્યાં પછી પૂલ પાસે ચારે વાતોએ વળગ્યાં. “અંકલ! એક માંગણી…હું સપ્તાહમાં એક વખત મારી મમ્મીને ભારતમાં ફોન કરું છું. હાં, ટુંકો સમય રાખું છું. તેનું બિલ મને જણાવશો, તે હું આપી દઈશ.”
“કઈ જગ્યાએ તમારા મમ્મી છે?” રમેશે પૂછ્યું.
“પહેલી વાત. તમારે અને આંટીએ મને તું કહીને બોલાવવી… અને હાં, મમ્મી સ્કૂલ ટીચરની નોકરી પરથી રિટાયર થઈ પોંડિચેરીથી ગોઆ શિફ્ટ થઈ ગયા છે.”
“જરૂર ફોન કરવો, અને બિલની ચિંતા નહી કરતી.” રમેશની વાતમાં માહીએ હામી ભરી. મહેમાન સાથે વાતોમાં મગ્ન દીકરાને જોઈને માતા-પિતાએ હસીને એકબીજાને ઇશારો કર્યો કે, ‘આજે શોમને પોતાના એપાર્ટમેંટ પર જવાની ખાસ ઉતાવળ નથી લાગતી!’
“અંજલિ, આવતા શનિવારે નીના, રૉકી અને અયન કેલિફોર્નિઆથી આવશે. અયનની બીજી વર્ષગાંઠ હમણાં ગઈ છે. આપણે નાની પાર્ટી રાખશું. અંજલિ, મને મદદ કરીશને?” ક્યાં અને કેવી ગોઠવણી કરવી જેથી અયન ખુશ થઈ જાય, એ બાબત ચર્ચા ચાલી. શોમ મોડી રાતે પોતાના મુકામે પહોંચી, ઉપર વરંડામાં જઈ ચંદ્રમાને જોઈ રહ્યો…અને ત્યાં, એ પણ, ભાવથી ચંદ્રમાને જોઈ રહી!
શાને આ ચહેરો મારા મનને લુભાવે?
શાને દિન રાત મીઠાં દર્દથી સતાવે?
ઊર્મિલ દિલ ચાહે એ મૂજને બોલાવે,
ઓળઘોળ આજ તેની આંખને ઇશારે.
નીનાએ આવતાં વેંત ફરિયાદ કરી, “આવી છું ત્યારથી એક નામ સાંભળ્યાં કરું છું. પણ એ છે ક્યાં? હું જોઉં તો ખરી કે મારું સ્થાન કોણે કુશળતાથી પચાવી પાડ્યું છે? મારો નાનો ભાઈ પણ એનું જ નામ જપે છે, ખરું?”
અંજલિ અંદરના રૂમમાંથી બહાર આવી. નીના એકદમ અટકી જઈ, “ઓહ! માન ગયે…” કહીને તેને ભેટી પડી.
“અંજલિ, આ છે મારી જબરી બહેન. જરા સંભાળજે.” કહીને શોમે નીનાને ખભે હાથ મૂકી નજીક ખેંચી.
“ગઈ કાલે ‘મારી પ્યારી બહેન’ કહેતા હતા, એ જ આ છે ને?” અંજલિએ પ્રશ્ન કર્યો અને નીના ખુશ થઈને હસી ઊઠી. રૉકી અયનને તેડીને નજીક આવ્યો. “જુઓ, એક જ વાક્યમાં અંજલિએ નીનાને જીતી લીધી.”
માહીએ ખુશ થઈને નોંધ્યું કે દીકરો અંજલિને ‘તું’ કહે છે.
અંજલિને નવા કુટુંબ વચ્ચે રહેવામાં જરા સંકોચ થતો હતો. શોમની સાથે મળી જતી નજર, અહીં તહીં અજાણતા થઈ જતો સ્પર્શ તેને પાગલ બનાવી રહ્યાં હતાં. ઘણીવાર અંજલિ દિવાસ્વપ્નમાં ખોવાયેલી હોય તે પકડી પાડી નીના ચીડવતી. શોમ અંજલિની નજીક જવાની એકે તક છોડતો નહીં. ભલે આજુબાજુ ઘણાં લોકો હતાં, પણ મનોકુંજમાં સિર્ફ એ બે જ હતાં.
સાંજના ઝાંખા ઉજાસમાં બધાં ભેગા મળી બેઠાં હતાં. નીના અયનને સૂવાડીને આવી અને વાતોનો દોર શરૂ કર્યો. “અંજલિ, આટલા બધાં લોકો વચ્ચે કંટાળી તો નથી ને?”
“અલબત્ત, આ મારા માટે નવો અનુભવ છે, પણ મને ગમે છે?”
“નવો અનુભવ! કેમ એમ?” માહીએ પૂછ્યું. નીના અને શોમના ચહેરા પર ‘આવો અંગત પ્રશ્ન ન કરાય’ તેવો ભાવ આવ્યો.
પણ અંજલિએ હસીને જવાબ આપ્યો, “મારા પપ્પા બહુ આદર્શવાદી અને સ્વતંત્ર વિચારોવાળા હતા. દાદા સાથે જરાય મેળ નહોતો પડતો તેથી પોતાની માના અવસાન પછી ઘેરથી કહ્યા વગર નીકળીને મુંબઈ પહોંચી ગયા. આપકર્મથી પગભર થયા. મારા મમ્મી સાથે પ્રેમલગ્ન કર્યા ત્યારે જ્ઞાતિભેદના નામે બન્ને પરિવારે તેઓનો બહિષ્કાર કર્યો. મમ્મી-પપ્પા શિક્ષકની નોકરી લઈ પોંડિચેરીમાં સ્થાયી થયાં.”
આગળ સાંભળવાના આશયથી બધાં શાંત હોય તેમ લાગતાં, અંજલિએ આગળ વાત કરી. “મારાં મમ્મી દાદા સાથે પત્રવ્યવહાર રાખતાં, પણ હું એકવાર જ મારા દાદાને મળી છું. મોસાળમાં હમણાંથી મમ્મીએ તેમનાં ભાઈને ત્યાં જવાનું શરૂ કર્યું છે. મારા પિત્રાઈઓનો મને પરિચય નથી.” પછી પ્રસન્નતાથી અંજલિએ વાક્ય ઊમેર્યું, “પણ મને ક્યારેય એકલું નથી લાગ્યું કારણ કે, પોંડિચેરી અને ગોઆમાં અમારું વિશાળ કુટુંબ છે.”
દિવસો આનંદમાં પસાર થઈ ગયા અને અયનની પાર્ટીના માહોલમાં ઘણાં ફોટા લેવાયા. નીનાનું કુટુંબ જવાથી ઘર સૂનું થઈ ગયું, પણ અંજલિ હતી તેથી રમેશ અને માહીને સારું લાગ્યું.
એક બપોરે અંજલિની ઓફિસમાં ફોન રણક્યો, “હેલો, આજે એક ખાનગી આમંત્રણ આપવા ફોન કર્યો છે. શનિવારે સાંજે સાત વાગે હું લેવા આવીશ. તમારા યજમાનથી છુપાઈને નીકળી શકાશે?”
“ચોક્કસ. યજમાન શનિવારે કોઈને ઘેર જવાના છે. ગુપ્તતા જાળવવા બનતા પ્રયત્નો કરવામાં આવશે.” અંજલિ ગહેરા અવાજે બોલી. “અને હાં, ફોટાઓની કોપીઓ વિષે યાદ કરાવું.”
શનિવારની સાંજે, સરસ રીતે સજ્જ થયેલા શોમે જોષીનિવાસના બારણે ટકોરા માર્યાં. બારણું ખૂલતાં, આસમાની રંગનાં સલવાર-કમીઝમાં મનોહર લાગતી અંજલિને શોમ અનિમેષ જોઈ રહ્યો. તેણે ઘરમાં દાખલ થઈ બારણું બંધ કર્યું. લાલ ગુલાબના ગુચ્છ સાથે લંબાયેલ બાંહોમાં અંજલિ અનાયાસ ખેંચાઈ આવી. એ પળ ત્યાં જ થંભી ગઈ. ‘બસ મારે આખી દુનિયામાં આ જ વ્યક્તિ જોઈએ’ એ સ્પંદન પતંગિયાની જેમ તેમના અસ્તિત્વને વીંટળાય વળ્યું. ધીમેથી શોમની આંખોમાં આંખો પરોવી અંજલિ પૂર્ણ વિશ્વાસ સાથે સમર્પિત થઈ ગઈ….પહેલું ચુંબન! પહેલાં કદી ન અનુભવેલું ચુંબન… ઉભરતી આકાંક્ષાઓથી ઉભયને બહેકાવી ગયું. ઊંડો શ્વાસ લઈ બન્ને આકસ્મિક સંયોગ પર મધુરું મલકાયા.
પહેલી પહેલી પ્રીતનો જુવાળ,
મત્ત ઝરણ બુંદબુંદનો ઉછાળ,
અલકનંદા આનંદનો ફુવાર,
વીજ વ્હાલપનો મીઠો ચમકાર.
જો ઉમંગ સંગ રંગનો નિસાર,
હેત હેલીનો રૂદિયે પ્રસાર,
મધુર મંદમંદ પમરાતો પ્યાર,
કસક કળીઓને ઝાકળનો માર.
રસિક નયણે ઈશારા દિલદાર,
અલી આછેરી ઓઢણી સંવાર,
મુકુલ ભાવુક આ સ્મિતની બહાર,
મદન મોરલીનો મંજુલ મલ્હાર.
“વધારે સમય અહીં એકલાં રહેવું સલામત નથી… ચાલો જઈશું?” મસ્તીભર્યાં અવાજમાં અંજલિ બોલી. ફૂલોને ફૂલદાનીમાં ગોઠવી, પોતાનું પર્સ લઈ અંજલિ અગ્રેસર થઈ. “મમ્મી કહેતાં કે આપ એવી પરિસ્થિતિમાં ન મૂકાવું જેના પર પોતાનો કાબુ ન હોય અને પરિણામ સહન કરવાની શક્તિ ન હોય. જોકે તારો પરિચય થશે પછી એમની સલાહ બદલાય તો નવાઈ નહીં.”
“તો બસ, જલ્દીથી પરિચય કરાવી દે.” શોમે અંજલિ માટે કારનું બારણું ખોલ્યું.
કાર શરૂ કરતાં પહેલાં શોમે ફોટાઓવાળું કવર આપ્યું. “આભાર. મારા મમ્મી સાથે હમણાં સરખી વાત થઈ નથી. હું પંડ્યાસાહેબને ઘેર નથી રહેતી એ વાત કહેવાની પણ રહી ગઈ છે. આ ફોટા સાથે કાગળ લખીને જણાવું તો ખરી કે હું કોની સાથે ગુલછલ્લા ઊડાવી રહી છું!”
——— ઊર્મિલ સંચાર…પ્રકરણ -૪ આવતાં રવિવારે
સરસ. વાર્તા નો આ સુખદ વળાંક ગમ્યો. અને ઇલા મહેતાની અદભુત સૌંદર્ય થી શોભતી રંગોળી પરથી તો નજર હટતી જ નથી
LikeLike
TRUE HEART FILLING LOVE ALWAYS MAKE MAGNET FOR EACH OTHER NICE NAVLIKA.
LikeLike
અંજલિ અને શોમની ઘનિષ્ટતા ગમી. આગળ શું વળાંક આવે છે એની ઈંતજારી!!
LikeLike