“ફક્કડ ફૂવા” – રશ્મિ જાગીરદાર
બાળપણથી યાદ કરવા માંડીએ, તો જીવનમાં એવાં કેટલાંક પાત્રો હોય જ. જેમની છબી મન પર અંકાઈ ગઈ હોય. તેમાં ય તમે જોજો, રમુજી પાત્રો આપણને વધારે યાદ રહી જાય. એમની અનેક વાતો એવી હોય જે વારંવાર યાદ કરીને આપણે અનુકુળ સમયે ચર્ચામાં ઉલ્લેખ કરતાં હોઈએ. આજે મને ફરીથી એ ફક્કડ ફૂવા યાદ આવી ગયા. એ હતા જ એવા. એમની વાતો સાંભળીને આપને હસી હસીને બેવડ વળી જઈએ!
બાફટાની આછા પીળાશ પડતા રંગની કફની અને અકબંધ ઈસ્ત્રીવાળો સફેદ બાસ્તા જેવો પાયજામો, જો તમને રસ્તામાં દેખાય તો એ બીજું કોઈ નહિ, ફક્કડ ફૂવા જ હોવાના. આખા ગામની દરેક વ્યક્તિ, આછી પીળાશ અને ઝગમગતા સફેદ રંગનું કોમ્બીનેશન જોતાં જ એમને ઓળખી જાય. પાછી ખાસ વાત એ કે, ફક્ત અને ફક્ત આ જ તેમનો હંમેશનો યુનિફોર્મ. સુરજદાદા ક્યારેક પશ્ચિમમાં ઉગવાની ઈચ્છા કરે તો કરે, અને સાગર પોતે સામે ચાલીને સરિતાને મળવા નીકળી પડે, તે કદા…ચ બને પણ આ ફૂવાના ડ્રેસમાં કોઈ જાતનો ફેરફાર? બને જ નહીંને! તેમના આવા અક્કડ ઈસ્ત્રીદાર પહેરવેશને લીધે જ તેમને “ફક્કડ ફૂવા” ઉપનામ મળેલું. ફૂવા પોતે પણ આ બિરૂદથી બેહદ ખુશ હતા.
ફક્ત દેખાવથી જ નહિ, સ્વભાવથી પણ તેઓ ફક્કડ હતા. બાપદાદાનો અઢળક પૈસો, અને ઉંચો મોભો તેમને વારસામાં મળેલા. આ કારણથી સૌ તેમનું માન રાખતા. પોતે જીવનભર જાળવેલો વારસો, હવે આગલી પેઢીના વારસદારોને સોંપીને નિવૃત્તિનો લ્હાવો લેવા માટેનો સંકલ્પ, તેમણે કરી લીધો હતો.
એમણે પોતાના પૈસાની કે મોભાની મોટાઈને ઊંચી ખીંટીએ લટકાવીને, સહજતા, સરળતા અને ફક્કડપણાને અપનાવી લીધું હતું. આ પરિસ્થિતિમાં ગામના દરેક જણ સાથે તેમણે ઘરોબો કેળવી લીધેલો. એટલે જ રોજ સવારે, નાહીધોઈને યુનિફોર્મમાં સજ્જ થઇને તેઓ નીકળી પડતા. રોજ કોઈ એક ઘર પકડી લેતા અને ત્યાં આરામથી અલકમલકની વાતો કરતા. તેમની વાતો હંમેશાં મજેદાર, માહિતીપ્રદ અને હાસ્ય પ્રેરક રહેતી, એટલે સૌને તેમનું આગમન ગમતું.
ગામમાં અમારું ઘર રોડ પર જ હતું એટલે દસ-બાર દિવસે અમને સૌને તેમનો લાભ મળતો રહેતો. દુરથી તેઓ આવતા દેખાય એટલે જેની નજર સૌથી પહેલી તેમના પર પડે, તે બાકીના સૌને એલર્ટ કરી દે.
“ચાલો, ચાલો, બધા ઝડપથી પરવારી જાવ અને ચાનું તપેલું ચઢાવી દો, જુઓ સામેથી ફક્કડ ફૂવા આવે છે.”
આ પરવારવાનું કેમ, ખબર છે? ફુવાની મઝા પડી જાય તેવી વાતો સાંભળવા બધાએ બેસી જવાનું, એ વણ કહ્યો અને સ્વ નિર્મિત નિયમ હતો. ફૂવાને તો ઓડીયન્સની ક્યારેય ચિંતા ના હોય. એ તો “ન-ફિકારાશ” થી આવે. તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે તે પહેલાં તો આદુ-ફૂદીનાથી મઘમઘતી ચા ધરી દેવાની. તેઓ પોતાને “ચેઈન ટી ડ્રીંકર” તરીકે ઓળખાવતા. પહેલીવાર પીરસેલી ચાનો ખાલી કપ લેવા જઈએ એટલે તરત જ કહે, “ચાનો ભરેલો કપ લીધા વિના ખાલી કપ લેવા આવવાનું હોય બકા?” આ ચા માટેનો ખાસ નિયમ જળવાઈ રહે ત્યાં સુધી તેમનો અસ્ખલિત વાક્ પ્રવાહ વહ્યા કરે.
એક દિવસ ફૂવા આવીને બેઠા અને કહ્યું, “આજે તો મારે વહેલા ઘરે જવું પડશે. મારાં સૌથી નાનાં સાસુ આવવાનાં છે.” “સૌથી નાનાં સાસુ?” કોઈ બોલ્યું. “હા મારા સસરા ત્રણ વાર પરણેલા, એમાં આ સૌથી નાનાં. બે જ સાસુ હયાત છે, મોટા સાસુ ગુજરી ગયાં છે.”
“પણ આપણા દેશમાં તો એક જ પત્નીનો કાયદો છે ને?”
“કાયદો ને બાયદો, કોણ ગણે છે? નાના ગામોમાં, છેક છેવાડે બે-ત્રણ વર્ષમાં દીકરો ના જન્મે તો બીજા લગ્ન કરાવી જ નાખે. કોણ જોવા જાય છે?”
“બે તો ઠીક પણ ત્રણ ત્રણ વાર?”
“લો કરો વાત! તમે ત્રણની વાત કરો છો? મારા બાપા તો પાંચ વાર પરણેલા. એમને એટલું સારું હતું કે, પાંચમાંથી કોઈ પણ બે ભેગી નહિ થયેલી. એક મરી કે બીજી આવેલી, બીજી મરી કે ત્રીજી .. ને એમ ક્રિકેટના મેદાનમાં જેમ એક ખેલાડી આઉટ થાય કે તરત બીજો હાજર થઇ જાય એના જેવું! એ જમાનમાં સા….બૈરાં મરતાં ય બૌ, દવાઓ ઓછી, ડોકટરો ઓછા એટલે પહેલી નહીં તો બીજી સુવાવડમાં તો વિકેટ પડી જ જાય. ને પાછી નવી ગીલ્લી નવો દાવની રમત શરુ થાય.”
ફૂવાનું હકારાત્મક વલણ પણ તેમની દરેક વાતમાં જણાઈ આવતું. એકથી વધુ લગ્ન એ ખરેખર સમાજનું દુષણ ગણાય, પણ તેમાં શું સારું તે શોધી કાઢતા. તેઓ કહેતા -આપણા કુટુંબો પહેલાં કેટલા વિશાળ અને મેન પાવરથી સમૃદ્ધ હતાં. ઘરનો લગ્ન પ્રસંગ હોય તો જાન જેટલું માણસ તો ઘરનું જ થઇ જાય. કોઈની સાડાબારી જ નહીં. મોટાને તો ખબર હશે, પણ છોકરાઓ, તમને મારી વાત સાંભળીને રમુજ થશે. જુઓ મારે નવ બેનો ને અમે ચાર ભાઈઓ, એટલે એક આખે આખી ઈલેવન ટીમ થઇ જાય. ઉપરાંત અમ્પાયર પણ એક પર એક ફ્રી મળી જાય. મારાં એકનાં એક પત્ની પણ મારાથી કંઈ કમ નથી. એમને નવ ભાઈઓ અને તેઓ ચાર બેનો છે! આમ બંને પક્ષે અમારી પાસે બે-બે ઈલેવન ટીમો છે. હવે આજે તો, બધાને ત્યાં ત્રીજી પેઢી પણ તૈયાર છે. હવે બોલો, અમે બધા થઈને કૌરવોને આંટી દઈએ કે નહી?
એક દિવસ ફૂવા આવ્યા અને કહે, “આજે મારે ચા -બા નથી પીવી, મને એક મઝાની વાત યાદ આવી છે. સાંભળી લો. હવે મા…ળી ઉંમર થઇ છે, એટલે પછી ભૂલી જવાય છે. એકવાર હું મારે સાસરેથી નીકળી કપડવંજ બસમાં જતો હતો. મારી બાજુમાં એક શામળા, નીચા ને પાતળા પાંત્રીસેક વર્ષના ભાઈ બેઠેલા હતા. આપણો તો બોલવાનો સ્વભાવ એટલે પૂછ્યું, “શું નામ છે ભાઈ?”
“જેન્તી” “હા પણ સાસરીમાં બે જેન્તી છે એટલી ખબર છે, તો તમે?”
“હું છોટા મરઘાનો જેન્તી.”
“હા, હા, ઓળખ્યા અને બીજો તો ઘેલા અમથાનો જેન્તી ખરું કે?”
હું વાતોડિયો પણ સામે પેલો મુંજી, તોલી તોલીને બોલે એટલે શું વાત થાય? છેવટે અમે કપડવંજ પહોંચી ગયા. મારે ત્યાં એક મોટા ડોક્ટરની હોસ્પિટલમાં કામ હતું. અમારા દસ ગામો વચ્ચે એ સૌથી મોટી હોસ્પિટલ અને ત્યાંના ડોક્ટર, સારામાં સારા હોશિયાર સર્જન ડોક્ટર – એવું કહેવાતું. આપણા રામને પહેલી વાર કામ પડ્યું હતું. દરદીઓની ખાસ્સી લાઈન હતી. શિસ્ત એવી હતી કે, આપણી કોઈ મોટાઈ અહીં ચાલશે નહિ, તેની ખબર પડી ગઈ હતી. મારી બાજુમાં બેઠેલો દરદી ગંભીર રીતે ગંધાતો હતો. મેં કહ્યું, “અલ્યા કેટલા દિવસે નહાય છે.?”
“ના સાહેબ ના’વાનું તો રોજ પણ, આજે ઝાડાનું સેમ્પલ લાવ્યો છું. એટલે બૌ વાસ મારે છે.”
“તો ઊઠ ભાઈ, એને ત્યાં આઘું મૂકી આવ”
તે એક તપેલું લઈને ઉભો થયો.
“એ તપેલાને કોઈ નઈ ખાઈ જાય એને અહીં રાખને!”
“પણ સાબ એ તપેલામાં જ ઝાડાનું સેમ્પલ છે.”
ઓત્તારી, ભલી થાય!
આ બધી રામાયણમા જ મારો નંબર આવ્યો. ને હું સાહેબની કેબીનમાં ગયો. ડોક્ટરની ખુરસી ખાલી હતી, ને બારી પાસે ઊંધો ફરીને કમ્પાઉન્ડર જેવો કોક ફોન પર ચોટેલો હતો. મેં પૂછ્યું,” અલ્યા ડોક્ટર ક્યારે આવશે?” અને તે મારી સામે ફર્યો. “અલ્યા, છોટા મરઘાના જેન્તી તું અહીં કમ્પાઉન્ડર છું? તો બસમાં મને કીધું નહિ? માળો હાળો મૂંગો!” અને કૈંજ બોલ્યા વિના એ મૂંગો, ડોક્ટરની ખુરસી પર બેસી ગયો. ને ત્યારે મારી બોલતી બંધ થઇ ગઈ! એ બોલતી બિચારી બંધ ના થાત તો જ નવાઈ, કારણ એક તો મારો હાળો છેક સુધી બોલ્યો નહિ, કે તે ડોકટર છે. બીજું વધારે ખાસ કારણ તો એ કે, એના હાઈટ, બોડી અને રંગ એવાં કે, એ પોતાના સમ ખાય, અરે! પોતાના શું? ઇવન છોટાના(બાપના) કે, મરઘાના(દાદાના) સમ ખાય, તોય કોઈ માને નહિ, કે એ ડોક્ટર છે.
પણ એક વાત કહેવી પડે, એની આંખોમાં જ્ઞાનની ચમક અને વ્યક્તિત્વમાં સ્માર્ટનેસ ચોક્કસ હતી! આ ટાણે મને અમારો નોકર જીવલો, એકદમ યાદ આવી ગયેલો. ઉંચો, રંગે ગોરો, માંજરી આંખો, એને જો હાથમાં સ્ટેથોસ્કોપ પકડાવી દઈએ ને, તો પછી, એ ડોક્ટર નથી, તે મનાવવા ચાર પેઢીના સમ ખાવા પડે!
અસ્તુ.
ફક્કડ ફૂવા નું ચરિત્ર ચિત્રણ બહુ જ સરસ.
આવા લોકો હવે દુર્લભ.
LikeLiked by 1 person
સુ શ્રી રશ્મિ જાગીરદારનો “ફક્કડ ફૂવા”- સ રસ ચરિત્ર લેખ –ધન્યવાદ
LikeLiked by 1 person
મઝા પડી ગઈ ! 😇😂🤣😂
LikeLiked by 1 person
મઝા પડી ગઈ !
LikeLiked by 1 person
NICE HASYA LEKH. ALYA TAPELU AHI MUKI JA NE. TAPELA MA J SANSAH NU SAMPL CHE.O TARI BHALI THAY.
LikeLiked by 1 person