શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા
પ્રથમ સ્કંધ – નૈમિષીયોપાખ્યાનનો ચોથો અધ્યાય – મહર્ષિ વ્યાસનો અસંતોષ
– જયશ્રી વિનુ મરચંટ
(પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયમાં આપે વાંચ્યું કે, આ સ્વરૂપને જ નારાયણ કહે છે, જે અનેક અવતારોનો અક્ષય કોષ છે. આ રૂપના કણ કાનમાંથી જ દેવતા, મનુષ્યો, પશુ, પક્ષી વગેરે યોનિઓની ઉત્પત્તિ થાય છે. આ જ સગુણ સ્વરૂપ દ્વારા જગ કલ્યાણ માટે દેશકાળની આવશ્યકતાનુસાર, એકવીસ અવતાર લીધા અને બાવીસમો કલ્કિ અવતાર, વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં કળિયુગના અંત સમયે થશે એવી પુરાણોમાં આગાહી કરવામાં આવી છે. સુતજી આ અધ્યાયના અંતમાં કહે છે કે, “ભગવાન વેદવ્યાસે વેદોના જેવું શ્રી હરિના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. આ કલ્યાણકારી મહાપુરાણ તેમણે, એમના મહા આત્મજ્ઞાની પુત્ર શુકદેવજીને આપ્યું. આ પુરાણમાં બધા જ વેદોનો અને ઈતિહાસનો સાર છે. મહા તેજસ્વી શુકદેવજી રાજા પરીક્ષિતને આ પુરાણની કથા જ્યારે સંભળાવી રહ્યા હતા ત્યારે અનેક ઋષિગણો સાથે હું પણ ત્યાં જ બેઠેલો હતો. એમની કૃપાપૂર્ણ અનુમતિથી મેં તેનું અધ્યયન કર્યું. મારા અભ્યાસ અને અનુગ્રહણ કરવાની સમર્થતા અનુસાર હું જે કંઈ પણ સમજ્યો છું તે તમને સંભળાવીશ.” હવે અહીંથી વાંચો આગળ.)
વ્યાસજીએ આ વાતની નોંધ ભાગવતમાં કરી છે કે, તે લાંબા અરસા સુધી ચાલનારા, યજ્ઞાદિ પૂજાના સત્રમાં સંમિલિત થયેલા સહુ ઋષિમુનિઓમાં વિદ્વાન અને વયોવૃદ્ધ કુલપતિ ઋગવેદી શૌનકજીએ સૂતજીની આગલા અધ્યાયના અંતમાં, ઉપર કહેલી વાત સાંભળીને તેમની ખૂબ પ્રશંસા કરી હતી.
શૌનકજીએ પ્રશંસા કરતા, સૂતજીને કહ્યુંઃ “હે સૂતજી, તમે વક્તાઓમાં સર્વશ્રેષ્ઠ છો અને ભાગ્યશાળી પણ છો. કારણ, આ શ્રીમદ ભાગવતપુરાણની પુણ્યમયી કથા, આપે પરમ પુણ્યશ્લોક, ભગવાન શુકદેવજીના મુખે સાંભળી હતી. કૃપા કરીને અમને પણ એ કથા સંભળાવો.
શૌનકજી આગળ ઘણાં પ્રશ્નો પૂછે છે. તેઓ કહે છે, “હે સૂતજી આ કથા, ક્યા યુગમાં, ક્યા સ્થળે અને શા કારણે થઈ હતી? મુનિવર શ્રી કૃષ્ણદ્વૈપાયને – (ભગવાન વ્યાસજીને આ નામે પણ સંબોધવામાં આવે છે.) કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું? શું વેદવ્યાસના પુત્ર શ્રી શુકદેવજી મહાન યોગી, સમદર્શી અને ભેદભાવ રહિત અને આત્મસ્વરૂપમાં જ પરમાત્માને પામ્યા હતા? એવું કહેવાય છે કે, તેઓ એમના વાસ્તવિકરૂપ સાથે જ એકરૂપ હતા આથી જગતના લોકોને તેઓ મૂઢ લાગતા હતા. વનમાં વેગથી જઈ રહેલા પુત્ર શુકદેવજીને, એમની જન્મની જ અવસ્થામાં એટલે કે સદંતર વસ્ત્રહીન જોઈને જળસ્નાન કરતી સ્ત્રીઓએ વસ્ત્રો ન પહેર્યાં કે ન તો પોતાને છુપાવવાની કોશિશ કરી. પરંતુ, પુત્રને પાછો બોલાવવા, એની બિલકુલ પાછળ જ આવી રહેલા, વસ્ત્ર પરિધાન કરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્ર પહેરી લીધાં. આ જોઈને અચંબામાં પડેલા વ્યાસજીએ કારણ પૂછ્યું ત્યારે તે વનની સ્ત્રીઓએ જવાબ આપ્યો, “તમારી દ્રષ્ટિમાં હજી સ્ત્રી-પુરુષનો ફેર છે પરંતુ, તમારા પુત્રની દ્રષ્ટિમાં સ્ત્રી-પુરુષ એવા કોઈ ભેદ રહ્યાં નથી કારણ એ દરેક જીવમાં માત્ર આત્મા જુએ છે અને એ આત્માનું અનુસંધાન પરમાત્મા સાથે કરે છે. શું આ વાતમાં તથ્ય છે? અમારે એ પણ જાણવું છે કે, હસ્તિનાપુરવાસીઓ એમને કઈ રીતે ઓળખી શક્યાં? પાંડવનંદન પરીક્ષિત કઈ રીતે મૌની શુકદેવજી સાથે સંવાદ સાધી શક્યા? પરીક્ષિતના જન્મનું અને કર્મોનું વર્ણન પણ અમને સાંભળવું છે કે શા માટે તેઓ સામ્રાજ્યલક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગાતટે મૃત્યુ પર્યંતનું અનશન વ્રત લઈને બેઠા હતા? રાજા પરીક્ષિતના શરીર સાથે તો પ્રજાના કલ્યાણકારી કાર્યો જોડાયેલાં હતાં એમનું શરીર તો આ કર્મો કરવાનું વાહન માત્ર હતું તો પછી એમણે આ બધાંથી વિરક્ત થઈને એ શરીરનો ત્યાગ કરવાનું કેમ નક્કી કર્યું?
આ બધા જ પ્રશ્નોનો જવાબ આપતા, શ્રી સૂતજી કહે છેઃ હે મુનિગણો આપના દરેક સવાલનો ઉચિત ઉત્તર આપવાનો હું પ્રયાસ અવશ્ય કરીશ. ત્રીજા દ્વાપરયુગમાં, મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી, ભગવાનના કલાવતાર ગણાતા, યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો હતો. મહર્ષિ વેદવ્યાસજી તો ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના જાણકાર હતા. તેમેણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણી લીધું હતું કે, આવનારા સમયમાં, લોકો ધર્મ સંકરતામાં અટવાતા જાય છે અને શ્રદ્ધાહીન ને વિવેકબુદ્ધિહીન થતા જાય છે. આ લોકોનું દુર્ભાગ્ય જોઈને મુનીશ્વરે પોતાની દિવ્યદ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રમોનું હિત કેમ થાય એનો ઊંડો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે, હોતા, અધ્વર્યુ, ઉદગાતા અને બ્રહ્મા, આમ ચાર હોતાઓ દ્વારા સંપાદિત થનારા અગ્નિષ્ટોમ જેવા ચાતુર્હોત્ર યજ્ઞો થકી લોકોના આચાર અને વિચારમાં શુદ્ધિ આવે છે. આ વિચાર આવતા એમણે યજ્ઞોને વધુ વિસ્તૃત કરવા માટે એક જ વેદના ચાર વિભાગ કર્યા. વ્યાસજી દ્વારા, ઋક, યજુ, સામ અને અથર્વ – આમ ચાર વેદોમાં પૃથક્કરણ થયું. આના પછી ઈતિહાસ અને પુરાણો પાંચમો વેદ કહેવાયા. આ પરંપરામાંથી, ઋગવેદના પૈલઋષિ, સામવેદના જૈમિનિઋષિ, યજુર્વેદના વૈશંપાયનઋષિ અને અથર્વવેદના દરુણનંદન સુમન્તુ મુનિ પ્રવીણ સ્નાતક થયા. મારા પિતા રોમહર્ષણ ઈતિહાસ અને પુરાણોના સ્નાતક થયા. આ સહુ ઋષિઓએ પોતપોતાની શાખાઓનું વળી વધુ વિભાગોમાં વિભાજન કર્યું. આ રીતે શિષ્યો, પ્રશિષ્યો અને એમનાયે શિષ્યો થકી વેદની અનેક શાખાઓ બની. આમ આ વિભાગીકરણને કારણે સામાન્ય લોકોને પણ વેદોને ખંડોમાં યાદ રાખતાં સહેલું પડે અને આ જ હેતુ હતો વેદવ્યાસજીનો વેદોનું વિભાગીકરણ કરવાનો. સ્ત્રીવર્ગ, શૂદ્ર, અને પતિત દ્વિજાતિ – આ ત્રણેયને પુરતું પ્રશિક્ષણ ન મળતું હોવાથી એમના સુધી પણ સરળતાથી વેદોનો સાર પહોંચે એ માટે વ્યાસજીએ મહાભારતની- જે એક ઈતિહાસ છે – એની રચના કરી. જોકે, વ્યાસજી, પોતાની પૂરી શક્તિથી સદાયે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખી, એમના કલ્યાણમાં જ રત રહેતા હતા, પણ, તોયે ખિન્નતા અને અસંતોષ એમના મનમાંથી કોઈ રીતે જતો નહોતો. એમને સતત એવું થતું હતું કે પોતે આટલા જ્ઞાની હોવા છતાં, સઘળું સમજતા હોવા છતાં આ ઉદાસીનતા કેમ લાગે છે? એમણે એ પણ વિચાર્યું કે, “સહુને સરખું વેદોનું જ્ઞાન મળે, ધર્મ અને કર્મોની સમજણ મળે એ માટે સરળ સ્વરૂપે મહાભારતના ઈતિહાસની રચના કર્યા પછી પણ આટલી અપૂર્ણતા કેમ લાગે છે? હું બ્રહ્મતેજથી સંપન્ન છું, સમર્થ છું છતાં મારા દેહમાં રહેનારા આત્માનો યોગ, સાચે જે પરમાત્મા સાથે નથી થયો. કદાચ મેં હજુ સુધી ઘણું કરીને, ભગવત્પ્રાપ્તિ કરાવનારા ભક્તિયુક્ત ધર્મનું નિરૂપણ નથી કર્યું, જે ભગવાનને પણ પ્રિય છે. શ્રી કૃષ્ણદ્વૈપાયન- વેદવ્યાસજી, આમ પોતાને અપૂર્ણ માનીને ખિન્નતા અનુભવતાં હતાં, અસંતોષ અનુભવતા હતા, ત્યારે જ વ્યાસજીના આશ્રમમાં નારદજી પધાર્યા. વેદવ્યાસજીએ ઊભા થઈને દેવર્ષિનું સ્વાગત વિધિપૂર્વક પૂજન કરીને કર્યું.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમિષીયોપાખ્યાનનો ચોથો અધ્યાય સમાપ્ત થયો
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર બીજઃ
૧. વેદવ્યાસ જેવા ઈશ્વરનો કલા અવતાર ગણાતા ઋષિ પણ પુત્રમોહમાં શુકદેવજીની પાછળ, એમને પાછા વળવા માટે સમજાવવા જાય છે. આ પુત્રમોહ ધૃતરાષ્ટ્ર જેવા રાજાનો હોય એ સમજાય છે પણ વ્યાસ જેવા મહાઋષિના આ પુત્રમોહ પાછળનું એક જ કારણ વિચારી શકાય છે અને તે એ કે, કદાચ હજી એમને જે વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાનનું સંજ્ઞાન આપવું હતું તે હજી અપાયું નથી.
૨. વેદોનું વિભાગીકરણ આજના બુદ્ધિજીવીઓને માટે સમજવાની વાત છે. કોઈ પણ જ્ઞાન કે વિજ્ઞાન, છેવટના તબકાના લોકો એટલે કે “એન્ડ યુઝર્સ” સુધી ન પહોંચે તો એ જ્ઞાન કેટલું પણ વિશદ અને કલ્યાણકારી હોય, એનાથી સમાજ સમસ્તનું ભલું નથી થતું
‘કોઈ પણ જ્ઞાન કે વિજ્ઞાન, છેવટના તબકાના લોકો એટલે કે “એન્ડ યુઝર્સ” સુધી ન પહોંચે તો એ જ્ઞાન કેટલું પણ વિશદ અને કલ્યાણકારી હોય, એનાથી સમાજ સમસ્તનું ભલું નથી થતું’ વાત ઘણી ગમી
LikeLike