અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
“તેજસ્વિતાઃ” પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનોના સ્મરણ ને સમજણ પર આધારિતઃ
(૫૦ વર્ષો પૂર્વે, મુંબઈમાં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના જોમવંતા પ્રવચનો સાંભળવાનો મોકો મળતો રહેતો. હું એ સાંભળીને આવતી અને મારી ડાયરીમાં જે યાદ રહ્યું હોય તે લખી લેતી. આજે કેટલા બધા સમય પછી, મારી એ ડાયરી હાથમાં આવી અને સાથે આ નોંધ પર પણ અચાનક નજર ઠરી. આપ સહુ સાથે આજે આ વહેંચી રહી છું. આજના આ કપરાકાળમાં એમની પ્રભાવશાળી વાણી, આત્મવિશ્વાસથી ટકી રહેવાની હિંમત પૂરી પાડે છે.) “માણસમાં તેજસ્વિતા આવવી જ જોઈએ. દીનપણું હીણપતની ભાવના જગાવે છે. નમ્રતા એ સજ્જનોનું આભૂષણ છે પરંતુ, હીનતાની લાગણી સાથેની નમ્રતા થી મોટું દુષણ બીજું કંઈ નથી હોતું. આ તેજસ્વિતા એ આત્મવિશ્વાસનું ફરજંદ છે કે આત્મવિશ્વાસ તેજસ્વિતાને કારણે જન્મે છે એના પ્રમાણભૂત સત્યોની ને તથ્યોની શોધ મનોવૈજ્ઞાનિકોએ કરવી જોઈએ. જેટલી તેજસ્વિતા વધશે તેટલો માણસ આત્મતત્વની વધુ નજીક પહોંચશે. “ન તો મને કંઈ બીજાની કૃપાથી જોઈએ છે કે ન તો મને કોઈ સંભાળવાનું છે કે ન મારે કંઈ સંભાળવાનું છે.” આ વાતો સમજાય એટલે તેજસ્વિતા સ્વભાવનું અવિભાજ્ય અંગ બનીને, આપણી પ્રકૃતિમાં જ વણાવા માંડે છે.
“મારા જીવનમાં દૈન્ય ન હોવું જોઈએ કે ન દૈન્યનું ગૌરવ થવું જોઈએ’ આમ પોતાની જાતને કાયમ કહેતા રહેવું જોઈએ. દીનતા આત્મશક્તિનો હ્રાસ કરે છે. કોઈનું અપમાન ન કરો, પણ, અન્યાય થતો હોય ત્યારે અન્યાય સામે ઊભા થવાની હિંમત અને આત્મનિર્ભરતાવાળી ખાતરી – Basically Conviction હોવી જ જોઈએ. આજના કળિયુગમાં આપણું મહાભારત લડવા અને આપણને કુરુક્ષેત્રની મધ્યમાં રથ ઊભો રાખીને “ त्वम् उत्तिष्ठ भारत् !” એવું કહેવા કૃષ્ણ નથી આવવાના. “કૃષ્ણતા” એટલે તેજસ્વિતા, ભક્તિ, શ્રદ્ધા, અને પ્રેમ. કોઈ પણ પરિસ્થિતિમાં કૃષ્ણ ન તો પોતે મોળા પડે છે કે ન તો દીનતાનું ગૌરવ કરે છે કે પછી એમના જીવનના કોઈ પણ પાસા થકી એ દૈન્યભાવનું સમર્થન પરોક્ષપણે પણ કરે છે. કૃષ્ણની આ “કૃષ્ણતા” જ વિપરીતતામાં ઊભાં રહેવાની તાકાત આપે છે. આપણે આપણી અંદર રહેલી, આ જ “કૃષ્ણતા”ને કોઈ પણ જાતની એપોલોજી સિવાય કે એપોલોજીસ્ટ થયા સિવાય ઝંઝોડીને જગાડવાની છે.
એક એવો સવાલ પણ થાય કે કોઈ સામાન્ય ગૃહસ્થ માણસ માટે આ કઈ રીતે શક્ય બને? એ સમયે, અહીં હવે પ્રવેશ થાય છે, આત્માના પરમ તત્વનો, પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનો. પ્રેમ અને ભક્તિ થકી ‘પરમ આત્મા’ એવા પરમાત્મામાં ધ્યાનનું આરોપણ થાય છે અને શ્રદ્ધાથી ‘કર્મો કરવા સિવાય બીજું કંઈ પણ મારા હાથમાં નથી’ એવી ધીરજ બંધાય છે. આમ પાયાનું નિષ્કાળજીપણું – basically carefreeness – સ્વયંભૂપણે પ્રગટે છે અને એને માટે મોટા ત્યાગની કે ક્રિયાકાંડની કે મંત્ર-તંત્રની જરૂર નથી રહેતી. આ નિષ્કાળજીપણું જ આત્માતત્વને અને સત્વને સતત જાગૃત રાખે છે. પણ, એટલું અવશ્ય ખ્યાલમાં રાખવું કે નિષ્કાળજીપણું અને અકર્મણતાની વચ્ચે આછી પાતળી જ લક્ષ્મણ રેખા છે. એ વળોટી ન જવાય એની સભાનતા સતત રાખવી જ જોઈએ. તેજસ્વિતા આત્મગૌરવને વધારે છે, ખોટા આત્મગર્વને નહીં. “હું જ સાચો” એવી જડ ભાવના એ તેજસ્વિતાનું હનન કરશે. સત્ય, શિવ અને સુંદર સમજાશે તો જ તેજસ્વિતા ટકશે. સત્ય, શિવ અને સુંદર ની સમજણનો ઉદભવ થાય છે, પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ થકી. આમ, અહીં જ જીવનનું વર્તુળ પૂર્ણ પણ થાય છે અને આરંભ પણ થાય છે.”
સરળ સંવેદનશીલ વાર્તા.
LikeLiked by 1 person
અંતરની ઓળખમા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા સંકલનઃમા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનોના સ્મરણ ને સમજણ પર આધારિત તેજસ્વિતાઃ અંગે સ રસ લેખ આ વાત ઘણી ગમી…હીનતાની લાગણી સાથેની નમ્રતા થી મોટું દુષણ બીજું કંઈ નથી હોતું. આ તેજસ્વિતા એ આત્મવિશ્વાસનું ફરજંદ છે અને સત્ય, શિવ અને સુંદર સમજાશે તો જ તેજસ્વિતા ટકશે. ધન્યવાદ
LikeLiked by 1 person
પ.પૂ. દાદાશ્રીના સ્વાધ્યાય સત્સંગમાં ૧૯૭૫માં કપણવંજમાં , મહા શોભાયાત્રામાં તેઓ પધારેલ. ગુજરાતના ગામે ગામથી પરિવારના લોકોની , ખૂબજ વિશાળ રેલી પછીના સંબોધનમાં, તેમણે ભક્ત તેજસ્વી હોવો જોઈએ, ટીલું કરી ગરીબડો ભક્ત નહીં પણ સ્વમાન , ખુમારી સાથે પોતાની વાત કરતો હોય એવો મને ખપે. આયોજક સમિતિ ના સૌજન્યે, જીઈબી ઓફિસની રુરલ ડીવીઝનના ઈજનેર હોવાથી, અમને રુબરુમાં આશિષ વાર્તાલાપનો લાભ પણ મળેલ, ને ધન્યતા અનુભવેલ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
પરમ પૂજ્ય દાદા જી-પાંડુરંગ શાસ્ત્રી જી કહેતા કે વાણી અગ્નિ સ્વરૂપ છે. તેમાં તેજસ્વી વિચાર આપવાની શક્તિ રહેલી છે. જયશ્રી બેને પ્રસ્તુત કરેલ દાદાજી ની તેજસ્વી વાણીનો આ પ્રસાદ આપણાંમાં પણ ખુમારી અને તેજસ્વિતા લાવશે. દાદાજી ને તેમના શતાબ્દીના વર્ષ પર કૃતજ્ઞ ભાવે પ્રણામ.
LikeLike
પરમ પૂજ્ય દાદાજીને શત્ શત્ પ્રણામ🙏!
LikeLike