ઊર્મિલ સંચાર. પ્ર.૨
પ્રકરણ-૨. હ્યુસ્ટન
શોમ તેના માતા-પિતા સાથે હ્યુસ્ટન પાછો ફર્યો. શોમ અને માયાનાં ઘડિયાં લગ્ન લેવાયા પણ ખાસ કોઈ લાગણીનાં બંધનમાં અટવાયા સિવાય, બન્ને પોત-પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગયા. શોમ તેના મિત્રોને ઉત્સાહપૂર્વક પોતાની ભારતની મુલાકાતની વાતો કરતો હતો. મિત્ર સ્ટિવન બોલ્યો, “તારા લગ્ન થઈ ગયા, તું બહુ ખુશ હશે!”
“હાં, ઘરમાં બધા ખુશ છે. પણ સાંભળ, એકદમ ઉમંગની વાત તને કરવાની છે. હું ગોઆ જઈને વૈદ્ય ભાણજીને મળ્યો. આશા છે કે આપણને તેમના તરફથી સહકાર મળશે. શક્ય છે કે આપણી કેંસર રિસર્ચ માટે આયુર્વેદ નિષ્ણાતોને અહીં મોકલશે. આપણે મેનેજમેન્ટ પાસેથી ડોલરની વ્યવસ્થા કરવાની છે.” સ્ટિવન તેના મિત્ર શોમનો એકલક્ષી ઉત્સાહ જોઈ રહ્યો.
શોમનું પોતાનું એપાર્ટમેંટ, મેડિકલ સેંટર નજીક હતું. દર રવિવારે મમ્મીની હાથની રસોઈ અને પિતા સાથે શાસ્ત્રીય સંગીત સાંભળવા ઘેર જવાનો શિરસ્તો રાખ્યો હતો, જે શોમ ક્યારેક જ ચૂકતો.
થોડાં મહિનાઓમાં માયાને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી ગયું અને આવવાની તારીખ નક્કી થઈ ગઈ. એ દરમ્યાન, નીનાને બાળક-જન્મનો સમય હોવાથી માયાનાં આગમનને દિવસે માહી કેલિફોર્નિઆમાં હતી. માહીની સૂચનાઓ શોમ સાંભળતો અને ‘હા’ અને ‘અહં’ વચ્ચે કેટલી અમલમાં મૂકશે તેની આશંકા હતી. તેનું ધ્યાન ફરીને પોતાના કામ તરફ ક્યારે દોડી જતું એ કહેવું મુશ્કેલ હતું.
શોમ લગ્નની વીંટી આંગળી પર ચડાવી, બને તેટલા આનંદિત દેખાવ સાથે માયાને એરપોર્ટથી ઘેર લઈ આવ્યો. સાંજનો સમય થતાં રમેશે હોસ્પિટલથી ઘેર આવીને માયાને સ્નેહથી આવકારી અને તેનાં પરિવારનાં ખબરઅંતર પૂછ્યાં. ત્યારબાદ દાદાજીની તબિયત અને બીજા સમાચારોની વાતચિત થઈ ગઈ.
“માયા પહોંચી ગઈ છે તેનો ફોન કરી દઉં ને?… માયા, તારા માતા-પિતાને ફોન કરવો છે ને?” શોમે પૂછ્યું.
“ના, તમે અંકલને કહી દો કે ત્યાં જણાવી દે.” માયાનો જવાબ જરા વિચિત્ર લાગ્યો.
કેલિફોર્નિઆમાં માહી સાથે વાતો કરી, અને નક્કી થયું કે એ ત્રણે જણા ચાર દિવસ પછી કેલિફોર્નિઆ બેબીને જોવા અને નીનાને મળવા જશે. માહીએ બનાવેલી રસોઈ, ફ્રિજમાંથી કાઢી, ગરમ કરીને ત્રણે જણા મજેસથી જમ્યાં.… ‘બીજા દિવસે વહેલા ક્લિનીક પર જવાનું છે’ કહી, રમેશ તેમના રૂમમાં જતા રહ્યા.
શોમ માયાની બેગ લઈ પોતાના રૂમ તરફ જવા જતો હતો, ત્યાં તેને માયાનાં અવાજે અટકાવ્યો.
“હું આજે થાકેલી છું, તો તમને વાંધો ન હોય તો ગેસ્ટ-રૂમમાં જ રહીશ.”
આ બીજું આશ્ચર્ય…”ઓહ, ભલે,” શોમે પોતે ગેસ્ટ-રૂમમા શિફ્ટ થવાનું સૂચવ્યું પણ માયાએ ના પાડી…અને શોમ તેને ગેસ્ટ-રૂમમાં લઈ ગયો. શોમ રાતના વિચાર કરતો રહ્યો કે માયાને અજાણ્યું ન લાગે તેને માટે બધો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની જવાબદારીને કેવી રીતે અદા કરવી તેની યોજનાઓ કરી. બીજે દિવસે સવારે રમેશ કામ પર જવા દરવાજો ખોલતો હતો ત્યાં માયા બહાર આવી, અને રમેશ પાસે જઈને પગે લાગી, “અંકલ, આભાર.”
રમેશ કહે, “અરે, આવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી …સાંજે મળીએ.”
શોમ ચા બનાવીને લઈ આવ્યો અને ટેબલ પર મૂકી. માયા સંકોચ સાથે બેઠી. દિવાલ પરના ટેલિફોન તરફ ફરી ફરીને જોયા કરતી હતી. જેવો ફોન રણક્યો કે એકદમ ઊભી થઈ ગઈ અને “હું લઈ શકું?” પૂછી, જવાબ મળતાં પહેલાં ઊંચકી લીધો.
“હાં, હં, ભલે…” કહીને માયાએ ફોન મૂકી દીધો.
માયા પાછી આવીને બેઠી, અને શોમની પ્રશ્નાર્થભરી નજર સાથે નજર મેળવ્યા વગર બોલી, “કેવી રીતે કહું એ ખબર નથી પડતી, પણ મેં તમારી સાથે લગ્ન… અમેરિકા આવવા માટે કર્યા હતા. મારા પ્રેમલગ્ન ભાસ્કર સાથે થઈ ગયા છે…ગયા વર્ષે. તે કાકાના આધારે અમેરિકા આવી ગયો. પણ તેના કાકા મને સ્પોંસર કરે તેવી શક્યતા નહોતી. મારા માટે અહીં આવવાનો આ રસ્તો તમે ખોલી આપ્યો. માફ કરજો.” અવાજમાં કંપારી વધી…”મારા માતા-પિતાને આ વાતની ખબર નહોતી…નીકળતા પહેલાં, મેં મુંબઈ એરપોર્ટથી તેમને કાગળ પોસ્ટ કર્યો હતો.”
માયા એકશ્વાસે બોલી ગઈ. શોમ અવાચક થઈ ગયો. આશ્ચર્યથી તેની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ…કળ વળતાં શોમ બોલ્યો, “ઓહ! આ તો અમારા ભોળપણ અને વિશ્વાસની મજાક ઊડાડવાની યોજના હતી? છટ્! તમે તો ગજબનાં ઠગારા નીકળ્યાં.” અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.
માયા ભયથી ધ્રૂજી ઊઠી, એકદમ ઊભી થઈ બોલી, “જુઓ, ભાસ્કર હમણાં જ આવી પહોંચશે.”
એ સાંભળી શોમ વ્યંગમાં હસ્યો, “તો તમે એમ માનો છો કે હું તમને જબરજસ્તી અહીં રોકવા પ્રયત્ન કરીશ?… આવી વ્યક્તિ સાથે મારે એક પળ પણ નથી ગાળવી. મને થતું હતું કે કેમ મને આ કહેવાતી પત્ની માટે કોઈ લાગણી નથી થતી? આજે ખબર પડી.” શોમ ખુરસીને ધક્કો મારી ઊભો થઈ ગયો.
શોમે આંગળી પરથી વીંટી ઉતારી ટેબલ પર પટકી. માયા કાંપતા અવાજે બોલી, “આપણા ડિવોર્સના કાગળિયા મુંબઈથી આવશે, મહેરબાની કરી સહી કરી દેશો.”
“જરૂર…આ સામે બારણું છે, ચાલતી પકડો.” કહીને શોમ પાછલું બારણું ખોલી પુલ પાસે જઈને બેઠો. થોડી વારમાં બેગોના ખસવાનો અવાજ અને પછી કારની ઘઘરાટી…શોમના મનને ડામાડોળ કરીને નીરવ થઈ ગઈ. એ સન્નાટામાં શોમને પોતાના મસ્તિષ્કની નસનાં ધબકારા સંભળાયા… ‘મારી મા કેટલી ખુશ હતી! અને દાદા-દાદી…પરિવારમાં બધાને હું શું કહીશ? મને જ કેમ આવું થાય છે! શું મારા માથા ઉપર ‘મૂરખ’ છપાયેલું છે?’
ગુસ્સાથી બળતા ચિત્તને શાંત કરવા શોમે શર્ટ-પેંટ ફેંકી દઈ સ્વિમિંગ પુલમાં ઝંપલાવ્યું. કેટલો સમય તરતો રહ્યો એ ભાન નહોતું. થાકીને વિવશ થઈ ગયો ત્યારે પરાણે બહાર આવી તેનાં પ્રિય ઓકના ઝાડ નીચે આરામ-ખુરસીમાં અઢેલીને ઊંઘી ગયો. એકાદ કલાકમાં શોમની નીંદર ખૂલી અને ‘શું મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું?’ પણ ના, તે હકીકત છે! એવા વિચાર સાથે દિલમાં ફરીને ડંખ વાગ્યો.
કાંટો કોઈ વાગ્યો તેના ઋજુ રુહમાં,
વેદના ઊભરશે સ્વજનોના ઉરમાં
સૂમસાન ઘરમાં દાખલ થયો અને કપડાં બદલી તેણે ફોન જોડ્યો, “ડેડી, તમે જલ્દી ઘેર આવશો?”
“કેમ દીકરા, તારો અવાજ કેમ બરાબર સંભળાતો નથી? તું અને માયા ઠીક છો ને?”
“હાં…” શોમ આગળ કશું બોલી શક્યો નહીં. ડો.રમેશને લાગ્યું કે શોમે કોઈ દિવસ તેને આ રીતે ‘જલ્દી ઘેર આવો’ તેમ કહ્યું નથી. કોઈ ગંભીર વાત હોવી જોઈએ તેમ સમજીને કહ્યું, “હું બે દરદીઓને જોઈને લંચ પહેલાં આવી જઈશ”
શોમ ઠંડુ પાણી લેવા ગયો અને ટેબલ પર વીંટી, દાદીએ આપેલ ચેઇન, બંગડી વગેરેની ઢગલી પડેલી જોઈ નફરતથી નજર ફેરવી લીધી. વ્યવસ્થિત રીતે ગોઠવેલા પુસ્તકોની તરફ અનાયાસ ખેંચાયો. વર્ષો પહેલાં પિતાએ ભેટ આપેલ, જે.કિશ્નમૂર્તિનું પુસ્તક હાથમાં લઈ ઉદાસિનતાથી પાનાં ફેરવવા લાગ્યો. એક વાક્ય પર નજર અટકી ગઈ…”જેને આપણે સત્ય, ઇશ્વર કે તથ્ય તરીકે જાણીએ છીએ તે સનાતન છે. તેને પરિસ્થિતિ, વિચાર કે માનવ છલ-કપટ, વિક્ષિપ્ત ન કરી શકે.”
આગળ વધારે વાંચતો ગયો અને આવાં સંજોગ સર્જાવા વિષે તેના મનમાં પ્રકાશ પડ્યો…’અશ્રધ્ધા અને ભય’. કેવી આશંકાઓ હતી…દાદા-દાદી નિરાશ થશે તો! બીજી ઉમેદવાર નહીં મળે તો! આવા નિર્બળ વિચારો સાથે લગ્ન કર્યા. જે કાર્ય પાછળ સ્વાર્થી હેતુ હોય તેનું પરિણામ આવું આવે, ત્યારે આશ્ચર્ય કેમ? … શોમ આત્મનિરીક્ષણ કરવા મજબૂર થઈ ગયો. પુસ્તક અને આંખો બંધ કરી તે ધ્યાનમાં બેસી ગયો.
ગરાજડોર ખૂલવાના અવાજથી શોમ જાગૃત થઈ ગયો અને પિતાને જોતા જ, ભેટીને લાગણીવશ થઈ ગયો. રમેશે આજુબાજુ માયાને શોધવા નજર નાખીં અને સવાલ પૂછ્યો, “શું થયું?”
માયાની કપટી યોજના વિષે સાંભળીને જાણે તેમને તંમર આવી ગયા. આશ્ચર્ય અને ન માની શકાય તેવી ઘટના ઘટી હતી. જીવનનાં અનેક અનુભવોમાંથી પસાર થયેલ સમજદાર પિતાને પણ કળ વળતા જરા વાર લાગી. પિતા પુત્ર એ વિષય પર થોડી વાતચીત કરી. થોડાં કલાકો પહેલાની શોમની મનઃસ્થિતિથી તે ઘણો ઊપર હતો. શોમે પ્રમાણિકતાપૂર્વક પોતાની ભૂલો વિષે વિવરણ કર્યું.
ત્યાં જ ફોનની ઘંટડી વાગી અને માહીએ અતિ ઉત્સાહથી જણાવ્યું, “હલો નાનાજી, પૌત્રને આવકારવા અહીં આવી જાવ. નીના અને બાબો બરાબર છે.”
“અભિનંદન…માહી! નીનાને વ્હાલ કહેજે.” પછી અટકીને બોલ્યા, “અને તું જ આ ખુશખબર ભારતમાં આપી દઈશ?”
“ભલે. તમને ત્રણેને જલ્દી મળીએ! આવજો.”
શોમે પોતાના અંગત મિત્રોને હકીકત જણાવી, પણ નીનાના બાળકની ખુશખબરની ઓઢણી તળે માયાના કુરૂપ સમાચાર ઢંકાઈ જતાં. નીનાને ઘેર જતાં પહેલાં શોમે ફોન પર રૉકીને વાત ખાનગી રાખવાનું કહી, માયા વિષે જણાવી દીધું હતું. મુસાફરી દરમ્યાન વિચારો ચાલુ હતાં. મુંબઈથી મોટાકાકાએ ફોન પર કહ્યું હતું કે, ‘માયાનાં પપ્પા આવ્યા હતા અને બહુ શરમિંદગી સાથે માફી માગતા હતા. તેમણે કહ્યું છે કે તમારે જે પગલાં માયા વિરુધ્ધ લેવા હોય તે લેજો. અમારા માટે તો એ મરી ચૂકી છે.’
નીનાનાં ઘરની ઘંટડી રમેશે વગાડી. માહી સિલ્કની સાડીમાં સજ્જ, મોટો ચાંદલો અને પ્રફુલ્લિત ચહેરા સાથે બારણું ખોલી ઊભી રહી. “તમે અંદર આવી જાવ. હમણાં રૉકી અને તેના મમ્મી, હોસ્પિટલથી નીના અને બાબાને લઈને આવશે.”
પછી ડોક લંબાવી, મીઠાં અવાજે બોલી, “શોમ! માયાને લઈને આવ… સ્વાગતની થાળી તૈયાર છે.” શોમ સૂટકેસ ખેંચતો આવીને, જરા નમન કરીને, અંદરના રૂમમાં જવા લાગ્યો.
“અરે, આમ કેમ અંદર જતો રહ્યો?” માહીએ આશ્ચર્યથી રમેશને પૂછ્યું. “માયા ક્યાં?”
“તું અહીં બેસ. તારી સાથે વાત કરવાની છે.” રમેશે બારણું બંધ કર્યું. માહીને માટે આ સમાચાર સહન કરવાં ઘણાં અઘરાં હતાં. પ્રયત્નપૂર્વક દિલ કઠણ કરી, નીનાના આવતાં પહેલાં સ્વસ્થ થઈ ગઈ. રૉકીની કારનો અવાજ સંભળાતાં જ પોતાની વ્હાલી બહેન અને ભાણજાને આવકારવા શોમ દોડ્યો અને તેની પાછળ તેના માતા-પિતા. કારમાંથી ઊતરતાં નીનાની ભીની નજર શોમ પર અટકી ગઈ. પોતાના નાના ભાઈને દૂભવવા માટે માયા તરફનો નીનાનો ગુસ્સો અમાપ હતો. જેવા તેની સાસુ બેબીને લઈને અંદર ગયા, તે રડમસ ચહેરે શોમને ભેટી પડી.
“મને એટલું ખરાબ લાગે છે. એ માયા છોકરીની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. મારી સામે આવી હોત તો સીધી કરી દેત.” નીના ઉગ્ર થઈને બોલતી હતી. શોમે તેને સોફામાં બેસાડી વ્હાલથી ખભે હાથ મૂકી બોલ્યો, “ઓ મારી પ્યારી ગુસ્સાભરી બહેના…શાંત થઈ જા. જો હું દુખી લાગું છું?”
માહીની આંખો આંસુથી છલકાઈ રહી હતી. તે પણ નીનાની જેમ જ વિચારતી હતી.
રૉકી કહે, “માયાએ ગઝબનું પગલું ભર્યું કહેવાય! તેના પક્ષમાં એક જ વસ્તુ અગત્યની બની રહી કે, શોમ એક સજ્જન વ્યક્તિ છે. નહીંતર તેની ખરી દુર્દશા થઈ હોત.”
રમેશ કહે, “સો વાતની એક વાત, આપણાં મનની શાંતિ માટે શું જરૂરી છે? અને જીવનમાં તે મુજબ જ આપણું વર્તન રાખશું. શોમનું લક્ષ ઘણું ઊંચું છે, તે એની શક્તિ આવા પ્રસંગો પર વેડફશે નહીં…. સંજોગો પર આપણો કાબુ નથી પણ સંજોગોને કેવી રીતે સંભાળવા તે આપણા કાબુમાં છે.”
કબીરા આપ ઠગાઈએ, ઓર ન ઠગીએ કોઈ,
આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે દુઃખ હોઈ.
——- પ્રકરણ-૩…. આવતા રવિવારે.
‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ્ઝ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. Flutter of Wings…a poetic novel by Saryu Parikh. The English novel is open to read on, https://saryu.wordpress.com saryuparikh@yahoo.com
રંગોળીઃ ઈલા મહેતા
સરસ રીતે વાર્તા આગળ વધે છે. અણધારી ઘટનાઓ જીવનમાં બને ત્યારે તેનાથી વિક્ષિપ્ત થયા વગર સ્વસ્થતાથી તે સ્વીકારી પોતાના માર્ગ પર ચાલતા રહેવાનું. I am responsible for my acts and the results.સુખદુ:ખ ઘટના સાથે નહીં પણ મનના પ્રત્યાઘાત સાથે જોડાયેલા છે.
LikeLiked by 1 person
સજ્જનતા છેતરામણ માં પરિણમે તો કોઈને ઉપયોગી થયા ના સંતોષ નો અભિગમ સ્વીકાર્યે જ છૂટકો.. રેતી ના કણ ની જેમ ભેળા પણ અલીપ્ત એ જીવન સત્ય સ્વીકારી સ્થિતપ્રજ્ઞ રહેવું .. એ જ મુક્તિ નો માર્ગ.
સર્જક સર્યું પરીખ ની સહજતા અને ઊંડાણ ને વંદન..
LikeLiked by 1 person
”જેને આપણે સત્ય, ઇશ્વર કે તથ્ય તરીકે જાણીએ છીએ તે સનાતન છે. તેને પરિસ્થિતિ, વિચાર કે માનવ છલ-કપટ, વિક્ષિપ્ત ન કરી શકે.”
સરયૂબહેન, વાર્તા છળ કપટના લિબાશમાં આગળ વધતી જાય છે. શોમનુ ઉદ્વેગ મન કૃષ્ણમુર્તિનુ વિધાન વાંચતા થોડું શાંત થયું અને પોતાના જીવનનો ધ્યેય યાદ આવ્યો.
આદળ વાંચવાની જિજ્ઞાસા….
LikeLiked by 1 person
સુ શ્રી સરયૂબહેનની સરસ રીતે છળ કપટના લિબાશમાં આગળ વધતી જાય છે.તેમા ‘જે.કિશ્નમૂર્તિનું પુસ્તક હાથમાં લઈ ઉદાસિનતાથી પાનાં ફેરવવા લાગ્યો. એક વાક્ય પર નજર અટકી ગઈ…”જેને આપણે સત્ય, ઇશ્વર કે તથ્ય તરીકે જાણીએ છીએ તે સનાતન છે. તેને પરિસ્થિતિ, વિચાર કે માનવ છલ-કપટ, વિક્ષિપ્ત ન કરી શકે.” વાતે વિક્ષિપ્ત મનને શાંતી લાગે
કબીરા આપ ઠગાઈએ, ઓર ન ઠગીએ કોઈ,
આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે દુઃખ હોઈ.
——- પ્રકરણ-૩…ની રાહ
LikeLiked by 1 person
શોમ અને માયા, દરેક પેઢીમાં નવા લિબાસધારીને આવતાં રહેશે પણ એમની મનોસ્થિતિને સમજવા અને શોમને સંભાળવા કુટુંબીઓ અને મિત્રોને નવા આયામો સાથે સજ્જતા કેળવવાની છે. જે. કે. ની વાત બહુ ગમી.
LikeLike
એન.આર. આઇ. યુવા પેઢીની દ્વિધાનું વાસ્તવિક વર્ણન. કબીર આપ ઠગાઈ… ઓર ઠગે દુઃખ હોય. વેલ સેટ. આગળના પ્રકરણની રાહ..
LikeLiked by 1 person