બે કાંઠાની અધવચ – પ્રીતિ સેનગુપ્તા
પ્રકરણ – ૪
ક્યાંય સુધી કેતકી રસોઈ કરતાં શીખી જ નહતી. અલબત્ત, સાવ નાનપણમાં તો કોઈ ગૅસની પાસે જવા જ ના દે. અને માધ્યમિકમાં આવી ત્યારે ભણવામાંથી ટાઇમ મળે તો ને. માઇ કહેતી, હું તને હંમેશાં ભણતી જ નથી જોતી, હોં. રમવાનો તો બહુ યે ટાઇમ મળતો લાગે છે.માઇ ગમે તે કહે, તો પણ કેતકી હસીને ભાગી જતી. એ માઇથી ગભરાતી નહીં. ખાસ તો એટલે કે એને દીજીનો બહુ આધાર રહેતો. ઘરમાં બે જ દીકરીઓ. મોટી કેતકી, અને માંડ બે વર્ષ નાની દેવકી. ભલેને માઇ લઢે, અથવા બાપ્સ ક્યારેક ચિડાય, તો પણ કેતકીને કશું થવાનું નહીં. તરત જ દીજી છોકરીઓનો પક્ષ લેવા માંડે. અરે, હજી નાની છે, અણસમજુ છે, છોકરાંની ભૂલ તો થઈ જાય, અત્યારે રમવા-હસવાનો જ સમય છે ને, વગેરે દલીલો દીજી પાસે તૈયાર જ હોય.
કેતકી એમને વળગે એટલે દીજી તો ખુશ. પછી દેવકી પણ વળગતી આવે. એને પણ દીજી એટલું જ વ્હાલ કરે, પણ કેતકીને થાય કે પોતે જ દીજીની લાડકી છે. એક વાર એણે દીજીને પોતાને વિષે વાત કરતાં સાંભળ્યાં હતાં. એ માઇને કહેતાં હતાં, કે કેતકી સરસ ઊંચી થતી જાય છે, એને માટે ઊંચો મૂરતિયો શોધવો પડશે.
મૂરતિયો એટલે શું, ને કશું શોધવાની ક્યાં જરૂર છે? કશું ખોવાયું જ ક્યાં છે? કેતકીએ પછી આ જ પ્રશ્નો દીજીને પૂછેલા. અરે, તું સાંભળી ગઈ અમારી વાત, એમ ને?, દીજીએ એને ગાલે નાની ટપલી મારેલી. પછી કહે, જો, તારે બધું જાણવાની જરૂર નથી. વખત આવ્યે સમજાશે. અત્યારે તો, ચલ, બેટા, તને નારકોળનો લાડુ આપું. હમણાં જ માઇએ બનાવ્યો છે.
કેતકીને રસોડામાં જવાની ક્યારેય જરૂર જ નહતી પડતી. ઘરમાં બાઈ હોય, તે મદદ કરે. ઘણી વાર રસોઇયાને પણ બોલાવાય. જોકે રોજનું રસોઈનું કામ તો માઇનું જ. બાપ્સને રસોઇયાના હાથનું ભાવે જ નહીં ને. દીજી પણ રસોઈ કરવા તૈયાર જ હતાં, પણ માઇએ પહેલેથી જ, પરણીને આવ્યાં ત્યારથી જ, રસોડું હાથમાં લઈ લીધેલું. દીજીને કહેલું, હું રસોઈ નહીં કરું તો તમારી પાસેથી બધું શીખીશ ક્યારે?
પણ જ્યારે કેતકી કૉલૅજમાં આવી ત્યારે માઇએ કહેવા માંડેલું, કે હવે તો એણે રસોઈ કરતાં શીખવું જોઇએ. હવે તો મોટી થઈ કહેવાય. કશું નહીં આવડતું હોય તો સાસરે જઈને હેરાન નહીં થાય?
ત્યારે પણ દીજીએ વાત ટાળેલી, કે થશે. શીખશે. તું શું કામ ચિંતા કરે છે અત્યારથી?
દીજી આગળ માઇનું કાંઈ ચાલતું નહીં.
સાવ નાની, ને પ્રાથમિકમાં હશે, ત્યારે કેતકીએ એક વાર દીજીને પૂછેલું, સ્કૂલમાં મારી બધી બહેનપણીઓ મમ્મી, મમ્મી કરતી હોય છે, ને મમ્મીની વાતો કરતી હોય છે, તો મારે મમ્મી કેમ નથી?
દીજીએ તરત એના મોઢા પર હાથ મૂકી દીધેલો. અરે, આવું ના બોલાય. પછી માથે હાથ ફેરવતાં કહે, અરે, તુકી, મમ્મી એટલે મા. તારી મા તો એ રહી રસોડામાં.
તરત કેતકી બોલેલી, તો એને હું પણ હવે મમ્મી કહીશ.
દીજીએ કહ્યું, જો, બેટા, આપણા ઘરમાં બધાંનાં નામો સાવ જુદાં જ છે. એવું કેમ થયું, તે મને ય નથી ખબર. પણ મારી માને પણ હું માઇ કહેતી, અને મારાં દાદીને દીજી કહેતી. એટલું મને યાદ છે. ને તેથી એ નામો જ ચાલુ રહ્યાં છે આપણે ઘેર. તારા દાદાજી હતા ત્યારે એમને દાજી જ કહેતાં હતાં બધાં. એવો જ રિવાજ છે આપણે ત્યાં.
કેતકીને હજી કંઇક મુંઝવણ હતી. એણે પૂછ્યું, પણ તો પછી મારી બહેનપણીઓ પપ્પા, પપ્પા કરે છે તો–
હા, બેટા, પપ્પા એટલે પિતા. તારા પિતાને પપ્પા કે બાપુજી કહેવાને બદલે આપણે બાપ્સ કહીએ છીએ. એમને માટે પણ કેવું સ્પેશિયલ નામ પાડ્યું છે. એમને પણ ગમે ને?
ઓહ, હા, હા, આ તો બહુ સરસ. બધાં કરતાં જુદાં જ નામો છે આપણે ત્યાં, નહીં, દીજી?
પછી એ બહુ ડહાપણથી દેવકીને બધું સમજાવવા બેસી ગઈ હતી. દીજીએ માઇને ઇશારો કરેલો. જો તો ખરી બંને બહેનોને.
ને, આ પછી સ્કૂલમાં પણ કેતકીએ બધી બહેનપણીઓ આગળ વટથી આ વાત કરવા માંડેલી, કે અમારે ત્યાં તો બધાંને ઘેર હોય એના કરતાં સાવ જુદાં જ નામો છે. કેટલીક છોકરીઓએ તો, ખરેખર, ઘેર જઈને બધાંનાં નામ બદલવાની જીદ કરેલી. એમને પણ સ્પેશિયલ નામો જોઇતાં હતાં મમ્મી અને પપ્પાને બદલે.
ઘણાં વર્ષો પછી, કેતકી છેક અમેરિકા આવી ગઈ તે પછી, પીપલ્સ માઇગ્રેશન પર એક લેખ એના વાંચવામાં આવેલો. લાયબ્રેરીમાં આશરે જ હાથમાં લીધેલા કોઈ મૅગૅઝીનમાં હતો. કદાચ કવર પર જ એને વિષેના ઉલ્લેખથી એનું ધ્યાન ખેંચાયેલું.
એ લેખ વાંચતાં એને ખ્યાલ આવેલો કે એક દેશમાંથી બીજા દેશમાં જતાં જ નહીં, પણ એક દેશની અંદર પણ જુદી જુદી જગ્યાઓએ વસતાં વસતાં, લોકો ત્યાં-ત્યાંની વિવિધ બાબતો અપનાવવા માંડતા હતા – પહેરવેશ, ને ખોરાક, ને રહેણીકરણી, ને વધારે અગત્યની રીતે, એ બીજી ભાષાઓના શબ્દો, પ્રતીકો વગેરે. એમાં કેટલાક દાખલા આપેલા, કે કેવી રીતે અન્ય ભાષાના શબ્દ-પ્રયોગો સ્થળની મૂળ ભાષામાં પ્રવેશી જતા હોય છે.
ફ્રેન્ચ, સ્પૅનિશ, ઇટાલિયન જેવી યુરોપી ભાષાઓના તો ઘણા શબ્દો અમેરિકી બોલીમાં, અને લખાણોમાં જોવા મળે છે, રિસર્ચ કરનારે લખ્યું હતું, પણ ચીની અને જાપાની જેવી ભાષાઓના ખાસ શબ્દો પણ અમેરિકી-અંગ્રેજીમાં જોવા-સાંભળવા મળે છે. અને મોટા મોટા સ્કૉલરો અને બુદ્ધિશાળીઓ તો લૅટીનના શબ્દો પણ છૂટથી વાપરતા હોય છે.
કેતકીને બહુ જ રસ પડી ગયેલો આ લેખમાં. જાણે પહેલી જ વાર દુનિયાની પ્રજાની ખૂબીઓ અને ખાસિયતો તરફ એનું ધ્યાન ખેંચાયું. એના પરથી એ પોતાના કુટુંબના ભૂતકાળ વિષે વિચારવા લાગી હતી. દાદાથી આગળના કોઈ વિષે એને ખાસ ખબર નહતી, પણ દીજીએ બહુ પહેલાં કહેલા શબ્દો એને યાદ હતા – કે આપણે ત્યાં આવાં, બધાંથી જુદાં જ નામો વપરાતાં આવ્યાં છે.
કઈ રીતે, ને ક્યાંથી આવ્યાં આ નામ, તે તો દીજી જાણતાં નહતાં, પણ દાદાજીના પિતા અને દાદા ક્યાં ક્યાં રહેલા તે રાજ્યોનાં નામ એમને ખબર હતાં. દીજીના કહેવા પ્રમાણે આગલી પેઢીઓ મધ્ય ને ઉત્તર પ્રદેશ બાજુ, અને પછી કર્ણાટક-મહારાષ્ટ્ર તરફ રહેતી આવી હતી. હવે કેતકીને ખ્યાલ આવ્યો કે માઇ, દીજી, દાજી જેવાં નામોનો રિવાજ ક્યાંથી પડ્યો હશે.
માઇ ને મૈયા તો જાણે બધે પ્રચલિત હોય, અને ઉત્તર તરફ બાબુજીનું બાઉજી, બીબીજીનું બીજી કરીને બોલાતું હોય છે. તો એના પરથી જ આ કુટુંબમાં દાદાજીનું દાજી, દાદીમાંથી દીજી ચાલુ થઈ ગયું હશે. પણ બાપ્સ? કેતકીને એ શબ્દ યાદ કરતાં હંમેશાં જરા હસવું આવી જતું. પિતા માટે આવો શબ્દ તો દુનિયામાં ક્યાંયે નહીં વપરાતો હોય.
આ જ લેખમાં એણે જોયું કે સ્પૅનિશ ભાષામાં પિતાને પપ્પાને બદલે પાપ, ને પાપી કહે છે. હાય રામ, એ નામ તો આપણે કોઈ રીતે વાપરી જ ના શકીએ. આપણી ભાષામાં કોઈ પાપ, ને પાપી જેવા શબ્દો કહેવા જાય તો મોટી તકલીફ થઈ જાય. પણ સ્પૅનિશ ભાષા માટે એ તદ્દન સ્વાભાવિક અને રોજિંદા શબ્દ હતા.
આગળ લખ્યું હતું કે સ્પૅનિશનો પૉપ્સ કે પાપ્સ શબ્દ પણ અમેરિકામાં સારો એવો વપરાતો હોય છે. ત્યારે કેતકીને બાપ્સ નામની નજીકનો કોઈ સંદર્ભ મળ્યો ખરો. જોકે વડદાદાને કોઈ પણ રીતે સ્પૅનિશ લોકો સાથે સંપર્ક થયો હોય, ને એમણે આ શબ્દ સાંભળ્યો હોય, એવું માનવું કેતકીને બહુ શક્ય ના લાગ્યું. કશોક આકસ્મિક સંયોગ જ થયો કહેવાય. તે ભલેને, પણ મઝા તો આવી જ ગઈ કેતકીને, આ બધું જાણવામાં.
પોતાનું નામ પણ ઘરમાં જુદી જ રીતે બોલાતું હતું ને. કેતકી નામ તો ખરું, પણ તે બહાર માટે. ઘરમાં માઇ, દીજી અને બાપ્સ એને તુકી કહેતાં. એમ તો દેવકીનું પણ ઘર માટેનું ખાસ નામ હતું. એ તો વધારે સરસ હતું. એને તો બધાં દેવી કહેતાં.
કેતકી ક્યારેક મોઢું ચઢાવતી, તો પછી એને વુકી કે વીકી કેમ નથી કહેતાં? દેવી તો બધાં જેની પૂજા કરતાં હોય તે. ને તુકી એટલે જાણે તકલી જેવું સંભળાય છે. ત્યારે પણ દીજી જ એને સમજાવતાં. અરે, તું તો તુકી, એટલે જાણે નાનકડી ઊડતી ચલ્લી ના હોય, એવું જ લાગે છે. કેટલું મીઠું મીઠું લાગે છે, ખબર છે?
ને ખરેખર બધાંને જ મીઠું લાગતું એ નામ. કેતકીની બે ખાસ બહેનપણીઓ તો એને કહેતી, અરે, દેવી તો સાવ આર્ટિફિશિયલ નામ છે. બધાં જાણે છે કે આ કાંઇ ભગવાનની દેવી નથી.
એ બે જણીઓને વળી આવો શબ્દ ક્યાંથી આવડ્યો હશે? કેતકીએ તો પહેલી જ વાર આર્ટિફિશિયલ જેવો શબ્દ સાંભળેલો. પણ એને ગમી ગયેલો, એના અર્થનો ય ચોક્કસ ખ્યાલ નહતો- તોયે. દેવકીના નામના સંદર્ભમાં હતો એટલે ખાસ.
પછી બંને બહેનપણીઓ આગળ બોલેલી, આ જોને, અમારાં નામ તો સાવ કેવાં છે – જો, આ સુમિતાનું સુમી થઈ ગયું, ને મારું તો આમે ય સાવ નકામું છે, નીલા, ને એનું યે તે નીલુ બન્યું. બોલ, તારા જેવું અમારું નામ હોત તો અમને કેટલું ગમતું હોત.
હાય, નાનાં હતાં ત્યારે આવાં જ નાનાં દુઃખો હતાં. નામ તો બદલી પણ શકાય છે, તેની ત્યારે ક્યાં કોઈને ખબર હતી. જોકે પછી બધાં ટેવાઈ પણ જતાં જ હતાં ને પોતાને મળેલાં નામથી?
પણ કેતકીને સરસ દેખાતાં, કે સરસ સંભળાતાં નામો બહુ ગમતાં. સુંદર ધ્વનિવાળાં નામો એને આકર્ષતાં. નાનપણમાં આ વિષે સમજણ નહતી, પણ આ આકર્ષણ તો હતું જ. એ કૉલૅજમાં ગઈ ત્યારે પણ રહ્યું. છતાં એનું લાડકું નામ ફક્ત ઘરનાં અને ખાસ બહેનપણીઓ જ જાણે, એમ એનો ખાસ આગ્રહ હતો. બધાંની સામે કોઈએ તુકી નામ નહીં જ બોલવાનું. જાહેરમાં એનું નામ કેતકી જ હતું, ને એમ જ રાખવાનું હતું બધાંએ. ખબરદાર!
અને, રસોઈ પણ સમય સાથે કેતકી શીખી જ ગયેલી. તે પણ રસોડામાં ગયા વગર. માઇ કશું પણ બનાવે એટલે એ ચાખતી, ને પછી કહી પણ આપતી, કે કઈ રીતે બની હશે એ ચીજ. લગભગ હંમેશાં કેતકી સાચી પણ પડતી. દીજીનું હસવું માય નહીં, આ તો જાણે આહાર-જાસૂસ છે. કોઈ વાનગી એનાથી છુપી નથી રહેતી.
છેવટે માઇના મનમાં શાંતિ થયેલી, કે સારું, આ રીતે તો આ રીતે, રસોઈ વિષે ખ્યાલ તો આવ્યો છે ને. હાશ, હવે સાસરામાં લજવાવું નહીં પડે.
સુ શ્રી પ્રીતિ સેનગુપ્તાની સરળ પ્રવાહે વહેતી નવલકથાનું પ્રકરણ – ૪ મા દરેક સામાન્ય માની લાગણીની અભિવ્યક્તિ ‘ માઇના મનમાં શાંતિ થયેલી, કે સારું, આ રીતે તો આ રીતે, રસોઈ વિષે ખ્યાલ તો આવ્યો છે ને. હાશ, હવે સાસરામાં લજવાવું નહીં પડે.’ ગમી
ધન્યવાદ
LikeLike
“ઘણાં વર્ષો પછી, કેતકી છેક અમેરિકા આવી ગઈ તે પછી, પીપલ્સ માઇગ્રેશન પર એક લેખ એના વાંચવામાં આવેલો.”
નામની પાછળ રહેલો ઈતિહાસ જાણવાની મઝા આવી. દરેક મા ની ચિંતા કે દિકરી સાસરે જાય પહેલા રસોઈ કરતાં આવડવી જોઈએ, એ અહીં પણ જોવા મળી.
LikeLike