આમ તો બધું એમનું એમ જ છે. બધા એના એ જ છે. ક્યાંય કશું વિખરાયું કે ખોવાયું નથી. મારી સાથે પેલી વાર્તા ‘મારો અસબાબ’ કે પેલી કવિતા ‘જૂનું પિયર ઘર” – એના જેવું કશું એક્ઝેટ બની નથી રહ્યું. કદાચ એ સમયની નાયિકાઓ અને આ સમયની નાયિકાઓ વચ્ચે ન જોઈ શકાય તેટલો મોટો ફેરફાર આવ્યો છે. પણ છતાંયે, ‘અહીં હવે કેટલું રહેવાનું?’ એ પ્રશ્ન સતત ઘમરોળાય છે. પડોશી તરત પૂછે, ‘બેન કેટલા દિવસ માટે પિયર આવ્યાં?’ ત્યારે શબ્દો જવાબ આપે એની પહેલા જ આંખોમાં ભેજ બાઝી જાય છે.આમ બધું જ મારું છે, ને આમ કશું જ નથી. આ સ્થિતિ સમય જતાં કદાચ ઓગળશે, પણ હાલમાં તો કોઈ ફેરફાર દેખાતો નથી. હવે જ્યાં જાઉં ત્યાં બધું ‘ક્ષણિક’ હોવાનો સતત ભાસ થયા કરે છે. વોટ્સએપમાં ઘણીવાર આ મૅસેજ ફર્યો કે ‘દીકરીને પિયરમાં બધા એમ કહે કે તું પારકી થાપણ, તારે બીજા ઘેર જવાનું. અને સાસરે એમ કહે કે ગમે તેમ તોયે વહુ.પારકા ઘેરથી આવેલી.’ હવે આમાં શું સમજવું? સાસરે કોઈ જ દુઃખ ન હોય, ને છતાંયે પિયર યાદ આવતા બોર બોર જેવડા આંસુ સરી પડે, ક્યારેક અડધી રાત્રે મન ‘મને મારા ઘરે જવું છે’ – ની ચીસ પાડી ઉઠે કે બીમાર થઈએ ત્યારે અંતર કકળી ઉઠે કે ‘મમ્મી પાસે જવું છે’ – ને તોયે તમે કશું જ ન કરી શકો!
અને જ્યારે અમુક મહિનાઓ પછી, એ’ ઘર’માં આવો, ત્યારે રોજ બે જણા પૂછે, ‘કેટલા દિવસ માટે?’
કેટલી રાહ જોઈ હોય છે આ ચાર-પાંચ દિવસ માટે! કેટલુંય કામ એમ વિચારીને ન કર્યું હોય કે ઘરે જઈશ ત્યારે કરીશ. પચ્ચીસ વર્ષ સુધીનું આ કાયમી સરનામું અચાનક ‘ક્ષણિક’ બની જાય, ત્યારે જે મન કઠણ કરવાની વાત આવે કે ‘આખી દુનિયામાં આમ જ હોય’, ‘તું નવાઈની નથી’ – આ બધું સાંભળતા અંતર જે વલોપાત કરે, એને મોટી સ્ક્રીનમાં દર્શાવી શકાય? એ ચીસો કોઈ સાંભળી શકે, મા-બાપ વિના?
મારા કબાટનાં અસ્તવ્યસ્ત કપડા અને વ્યવસ્થિત ગોઠવાયેલા પુસ્તકો પર મારી હસ્તરેખાઓના સળ હું હજીયે અનુભવી શકું છું. એને સ્પર્શતાં જ પેલી તોફાની ને વેર-વિખેર ‘હું’ ડોકાઈ જાય છે. જાણે કહે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, હું તો અહીં જ રહેવાની! બૅકગ્રાઉન્ડમાં અલતાફ રાજાની બૂમો પણ સંભળાઈ જાય કે ‘તુમ તો ઠહરે પરદેશી.’
હું આવી છું, પણ મારે કશું સમેટવું નથી. લગ્નની પહેલાં-પહેલાં મને મારા માવતરે કહેલું કે ‘બેટા, અહીંનું બધું અહીં જ મૂકીને જજે. અમે સાચવશું.’ એનો અર્થ હું ત્યારે બરોબર સમજેલી,પણ જેમ જેમ દિવસો જાય છે, તેમ તેમ તેમના વાક્યની મહત્તા વધારે સમજાતી જાય છે.મારી સફળતાઓ, સિદ્ધિઓની સાથે સાથે નિષ્ફળતા અને નાકામયાબીઓના કારણો પણ અહીં એ જ રીતે સાચવી રાખ્યા છે.
મારા આંગણે વાવેલા વૃક્ષે અચાનક વધવાનું બંધ કરી દીધું હોય એમ મને લાગ્યા કરે છે. જીવનમાં ઘણું એવું હોતું હોય છે કે કોઈ એક જગ્યાએથી કોઈ એક વ્યક્તિ આગળ વધી જાય, તો તેની પાછળ કોઈ એક કાયમ માટે સ્થિર થઈ જાય છે, જડાઈ જાય છે!
~ Brinda
https://youtu.be/iDF4FFRuRHs
Attachments area
Preview YouTube video મારું ઘર – સાસરે ગયેલી દીકરી જ્યારે પિયર આવે છે!
બ્રિન્દા ઠક્કરની સ્ક્રીપ્ટઃ પર – દિપલ પટેલની સ રસ રજૂઆત
LikeLike
લખાણ અને રજૂઆત બંને હ્રદયસ્પર્શી
LikeLike