“વહેલી પરોઢનું સૌંદર્ય”
– પ્રદીપ ત્રિવેદી
નવ આશાઓને પલ્લવિત કરતી સુંદર મજાની મસ્ત મસ્ત સવાર છે. ઠંડી ઠંડી મૌસમી હવાનો સ્પર્શ, તન અને મનને ગુલાબી ગુલાબી ખુશ્બુ આપી રહ્યો છે! સુપ્રભાતમાં, પ્રભાતના મંગલમય પ્રભાતિયાના ગાન કર્ણ પ્રદેશને મંહેકાવી રહ્યા છે. ખીલતી ફૂલની કળી જેવું વહેલી પરોઢનું સૌંદર્ય આહલાદક રીતે ખીલી રહ્યું છે. આસોપાલવના તોરણે, આંગણે રંગોળીના રંગે, કંકુ -ચોખાના ચોખલિયે અને ફૂલછાબના છાબડીયે સૂર્યદેવની લાડલી પુત્રી “કિરણ” ને પોંખવા સમગ્ર સૃષ્ટિ વહેલી પરોઢથી થનગની રહી છે. ગાઢ જંગલના મહાકાય વૃક્ષો પણ આખી રાત ગાઢ અંધકારને ગળી જઈને સૂર્યના કિરણોનું અમૃતપાન કરવા વહેલી પરોઢથી તલસી રહ્યા છે! આખી રાત શાંત પડેલી નવોઢાની ઝાંઝર, વહેલી પરોઢ ના મીઠાં સ્પર્શથી રૂમ -ઝૂમ થવા હળવા હૈયે ઝણ ઝણી રહી છે! વહેલી પરોઢના કોઈ કુમળી બાલિકાની ઝાંઝરીનો ઝંણકાર મંદિરના ઘંટનાદ જેવો લાગી રહ્યો છે. કઈંક રાધાઓના ‘સપના’ઓ ચોરી લેતી વહેલી પરોઢ, રાધાના માખણચોર કાના જેવી “ચોર” લાગે છે!
આખી રાત પ્રેમાલાપ કરતા તારલાઓને વહેલી પરોઢનું છાનું માનું આગમન તેમની “જુદાઈ “ની છડી પોકારતું હોય તેવું અગમ્ય લાગે છે. ચાંદ – સિતારાઓની ભરી મહેફિલમાં વહેલી પરોઢનું આગમન રંગમાં ભંગ પાડનારું લાગે છે.
શાંત દેવાલયો અને મહાલયોમાં આશાની જ્યોત પ્રગટાવવા, ઉત્સાહના દીપને દૈદિપ્યમાન કરવા પરોઢનું તેજસ્વી, સુવર્ણમય કિરણ સૃષ્ટિ ને ગાઢ અંધકારમાંથી ઢંઢોળી રહી છે. ગાઢ અંધકારમાં શયનામૃત થયેલ સૃષ્ટિને ઢંઢોળવાનું અને “દિવસ -દીપ” ને પ્રજ્વલ્લિત કરવા કિરણની જ્યોત લઈને ફરતી પરોઢ માનવીને દરરોજ ‘નવજીવન ‘ બક્ષે છે.
દિવસની “દીપજ્યોત “પ્રગટાવતી પરોઢ. સૃષ્ટિને ચેતનવંતી કરે છે, કલશોરનો કલરવ બક્ષે છે, નવ વિચારોની ગંજી ખડકે છે, મનમાં ઉજાસ ફેલાવે છે. જીવન નૈયાના તરાપા ને આગળ વધવાની વધામણી આપે છે. આગળ વધો, આગળ વધોની ઉછામણી રૂપ આ ‘પરોઢ’ જીવન ને મંઝિલ તરફ ગતિ કરવામાં તેજસ્વી ઉત્સાહની ઉર્જા પૂર્તિ કરે છે. વહેલી પરોઢનો નદી કિનારો પવિત્ર, આધ્યાત્મિક પટ જેવો લાગે છે. પરોઢના નીર નું ઐશ્વર્ય કઈંક ઔર જ હોય છે.
સૂર્યદેવ ખોબલે ખોબલે કિરણોનો અર્ધ્ય આ વસુંધરાને ચઢાવે છે, ત્યારે પરોઢ રાણીનું હળવા ઝાકળભીના સ્મિત અને ગુલાબી તાજગી સાથે મીઠું મીઠું આગમન થાય છે. પરોઢ રાણી નો ઘૂંઘટ ખોલ્યા પછી જ સુર્યમહારાજનો અશ્વરથ નીલગગનના પ્રવાસે નીકળે છે. “પરોઢ રાણી” ને વહેલી સવારનું ઝાકળભીનું ચુંબન કર્યા પછી જ સુર્યમહારાજની સવારી ના સુવર્ણમય ઓવારણાં લેવાય છે અને દિવસ ઉઘડે છે, બગીચાના ફૂલો ખીલે છે.
અમસ્તા અમસ્તા વ્હાલા લગતા બાળક જેવું પરોઢ પણ બસ એમજ “વ્હાલું” લાગે છે. આળસ મરડીને ઉભા થતા બાળકના ખીલખીલાટ અને તાજગી જેવું લાગે છે, આ વહેલી સવારનું પરોઢ!
ઉંબરે થતા પૂજન, તુલસીક્યારે થતા દીવા, માખણ માટે થતા ઘમ્મર વલોણાં અને ઘંટલે દળાતા દળણા એ વહેલી પરોઢના એંધાણ છે!
ચૂલે મુકાયા આંધણ અને ભીંતે થયા લીપણ, ઘૂંઘટે ચાંદ અંદર અને ઝળહળતા બેડલાં બહાર, પનઘટે પનિહારીઓની પાની ચમકે અને પનિહારીઓના કોમળ સ્પર્શે સીંચુડો મલકાય! ત્યારે વહેલી પરોઢ છલકાય!
ફૂલોને ચૂમવા, ઝાકળબિંદુઓ પણ રાતભર વહેલી પરોઢની પ્રતીક્ષા કરતા હોય છે! અને કેશભીની નારના મુલાયમ કેશમાંથી ટપકવા જળબિંદુઓ પણ વહેલી પરોઢ ની પ્રતીક્ષા કરતા હોય છે. ફૂલો પરના ઝાકળબિંદુઓ અને કેશભીના કેશના કોમળ બિંદુ એ વહેલી પરોઢનું નયનરમ્ય નઝરાણું છે.
નથ પહેરાવેલ બળદના ગળે રણકતા ઘુઘરાઓ અને શકરાભાઈ સુતારે બનાવેલ બળદગાડાના પૈડાંનો કીચુડ કીચુડ અવાજ અને શેઢે વળાતા પાણીનો ખળ ખળ અવાજ એ ગ્રામ્ય પરોઢનું અણમોલ સૌંદર્ય છે તો ક્યાંક દૂર સદૂર ઝાલરનો ઝણકાર અને ડોશીઓનો ઘૂંટણના દુઃખાવા વાળા પગનો પગરવ વહેલી સવારની ચાડી ખાતા હોય છે!
પરોઢ થી રોંઢા સુધીનો દિવસ એટલે સૂરજ સાથે સાથે કામ પર ચઢવાનો અને આગળ વધતા રહેવા નો સમય. વહેલી પરોઢે ગોવાળો ગાયો ચરાવવા લઈ જતા અને એ ગાયોનાં પગરવથી ઊડતી ધૂળ – ગોધૂલી -પવિત્ર ધૂળ બની જતી. પરોઢ રાણી નો એ પફ પાવડર બની જતી. પરોઢ રાણીના દર્શન કરવા માટે નસીબ હોવું જોઈએ. એ માટે વ્હાલથી વીંટળાયેલી ગોદડીનો સાથ છોડવો પડે!
પરોઢ રાણીનું સ્વાગત કરવા જ આ નીલગગનના પંખીઓ કલશોર કરતા હોય છે, કૂકડો તો તેમના આગમનની છડી પોકારતો હોય છે, સમીર મંદ મંદ હાસ્ય સાથે લહેરાતો હોય છે. ફૂલોની ફોજ ગુલાબી ગુલાબી ખુશ્બુ અને સ્મિત સાથે પરોઢ રાણીના આગમનને પોંખવા ખીલું ખીલું થતા હોય છે. ગુલમહોર અને ગરમાળોના ફૂલો પરોઢ રાણીની પગલીઓને પખાળવા જાતને બીછાવતી હોય છે. વન દેવતાઓ પણ દેવલોક અને ઈન્દ્રલોકને અલભ્ય એવી પરોઢ રાણીના આગમનને વધાવવા આસોપાલવના તોરણે અને ખળખળ વહેતા ઝરણે પતંગિયાંઓની બાલ સેનાઓ લઈને ખડે પગે ઉભા હોય છે.
વ્હાલી પરોઢ રાણી હળવા પગલે ધીરે ધીરે આવે છે અને મધુરા સ્પર્શ તેમજ મૌસમી મિજાજ ધરાવતા, મલકતા હોઠે, આપને દીર્ઘ ચુંબન આપીને આપને ઝંઝોળીને, માથા પર પ્રેમથી વ્હાલનો હાથ ફેરવીને, કાનમાં કર્ણ પ્રિય અવાજે, “જાગ ને જાદવા” કહી ને, પલ દો પલ નું મીઠું મિલન માણીને ઓઝલ થઇ જાય છે!
પરોઢ રાણી નો ઠસ્સો અને નજારો માણવા વહેલી પરોઢે ઊઠવું જ રહ્યું! હેં મનવા, તું વહેલો જાગ અને આંઠે પ્રહરમાં સર્વશ્રેષ્ઠ એવા પરોઢ નું અદભુત સૌન્દર્ય માણ!
હેં મનવા, ગુલાબી ગુલાબી મૌસમની નજાકત માણવા વહેલી પરોઢે ઊઠો અને તન-મનને પરોઢની બાહોમાં આલંગિ દો!
ઓ પ્રિયે, વહેલી પરોઢનું વ્હાલ તને મુબારક… 🦋
લાજવાબ પરોઢનું સૌંદર્ય.
LikeLike
સુંદર લલિત નિબંધ
LikeLike
શ્રી પ્રદીપ ત્રિવેદી “વહેલી પરોઢનું સૌંદર્ય
સ રસ નીબંધ
સુંદર પરોઢનું સૌંદર્ય
LikeLike
village-gamda ni vaheli savar yad avi gayi.back to 1954 of my village of kheda dist.
LikeLike