બેસણું
અનિલ ચાવડા
રાહુલનો અવાજ ખૂબ ગંભીર હતો, ”મયૂર, એક ખરાબ ન્યૂઝ આપવાના છે. મારા ફાધર મરી ગયા, ગઈ કાલે… આવતી કાલે એમનું બેસણું છે.” આટલું બોલતા તો તેનું ગળું ભરાઈ ગયું. શું બોલવું – શું ન બોલવું તે મને ન સમજાયું. હું માત્ર એટલું જ બોલી શક્યો, ‘સારું હું પહોંચી જઈશ.’
રાહુલ મારો બાળપણનો દોસ્ત, ગોઠિયો. મારો જિગરજાન ભાઈબંધ. તેના વિના હું કેટલો અધૂરો હોત…
રાહુલનો ફોન આવ્યા પછી વર્ષો પહેલાની એક ઘટના મારા મનમાં તાજી થઈ ગઈ. એ વખતે હું હોસ્ટેલમાં ભણતો હતો અને ત્યાં વોર્ડનની ઓફિસમાં રાહુલનો ફોન આવેલો. તેણે કીધેલું કે, મયૂરિયા, તારા ફાધરને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હું મારતે ઘોડે હોસ્પિટલ પહોંચ્યો. જઈને જોયું તો મારા પિતા એક પલંગ પર પર પડ્યા હતા. નાકમાં, મોમાં, હાથમાં નળી નાખેલી હતી. સાથે વેન્ટિલેટરની ઘણી નળીઓ તેમના શરીર સાથે જોડેલી હતી. હું જોઈને ડઘાઈ ગયો. રાહુલે આશ્વાસન આપતા કહ્યું કે ડોક્ટર કહે છે બંને ફેફસાં ખલાસ થઈ ગયાં છે, પણ ચિંતા ન કરતો ધીમેધીમે બધું સારું થઈ જશે.
મને એ નહોતું સમજાતું કે બંને ફેફસાં ખલાસ થઈ ગયાં પછી શું સારું થાય?
છતાં રાહુલ મને એ રીતે આશ્વાસન આપતો, જાણે બધું ઠીક થઈ જ જવાનું છે.
બીજા દિવસે એ ઘરે જતો રહ્યો. હું મારા પિતા સાથે ચાર દિવસ રહ્યો. પાંચમા દિવસે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, કહ્યું, હવે કશું થાય તેમ નથી. વધારેમાં વધારે બારેક કલાક ટકે. જો તમારે થોડું વધારે જીવાડવા હોય તો આઈસીયુમાં રાખો, કદાચ એકાદ-બે દિવસ ખેંચે. મમ્મી બોલ્યા, આઈસીયુમાં રાખીને એમને ક્યાં રીબાવવા, એ બોલતા-ચાલતા તો નથી. નહીંતરેય એમ થાય કે કશીક વાત કરશે. આપણે તો ફાટી આંખે એમના શરીરને જ જોયા કરવાનું ને? આઈસીયુમાં રાખીને એ જ વધારે હેરાન થાસે. એમને જોઈને આપણો જીવેય બળ્યા કરશે. હું તો કહું છું વેન્ટિલેટર પરથી કાઢી નાખો. હવે ભગવાને જે નિર્ધાર્યું એ થશે. તારું શું કહેવું છે માધા?
હું કશું બોલ્યો. નહીં, તેમની વાત દીવા જેવી ચોખ્ખી હતી.
“તું જવાન થઈને આમ ઢીલો ન થઈ જા. અતારે તો તારે મજબૂત થવું પડે. હું અસ્ત્રી થઈને આટલી કડક થઉં છું, તારે તો ઊલટાના મને હામ આપવાની હોય, એવા ટાણે મારે તને કહેવું પડે છે..”
મેં માથું હલાવીને હા પાડી.
ડોક્ટરે મારા પિતાને વેન્ટિલેટર પરથી ખસેડી લીધા. થોડી વારમાં શરીર શબ બની ગયું. હમણાં સુધી જે કડક થવાની વાત કરતા હતા એ મમ્મી ધ્રૂસકે ચડ્યાં. મેં તેમની પીઠે હાથ મૂક્યો. મને વળગીને પોક મૂકતા એ બોલ્યાં, “મયૂર્યા, મારા દીકરા… ઘણું હાચવું છું કે રુંગું ના આવે… પણ હવે નથી રેવાતું, હું તને કેતી ‘તી પણ હું જ ઢીલી થઈ ગઈ… મારે તો પાયે જ લુણો લાગી ગ્યો… આપણું છાપરું પડી ભાંગ્યું… મારી સેંથીનો શણગાર ભૂંસાયો… તારી ખાંભીને ખોડનાર વડલો પડી જ્યો… મારી બંગડીનો પેરણહારો જતો રિયો… મારો સોનાનો સંસાર નંદવાયો…” આવું આવું ઘણું બધું બોલતી જતી મમ્મીને કયા શબ્દોમાં આશ્વાસન આપવું તે મને સમજાતું નહોતું. હું પોતે જડવત પૂતળા જેવો થઈ ગયો હતો. મારે પણ રડવું હતું, પણ ખબર નથી કેમ મમ્મીની આટલી યાતના વચ્ચે ય મારી આંખનો ખૂણો ભીંજાયો નહીં, હું પથરા જેમ ફાડી આંખે બધું જોઈ રહ્યો હતો. શબ બની ગયેલાં મારા પિતાના શરીરની બાજુમાં હું પોતે શબ બનીને ઊભો હતો, જડવત! જાણે આખી દુનિયા ઊંધી થઈ ગઈ હતી. પૃથ્વીના ગોળાએ ફરવાનું બંધ કરી દીધું હતું, પોતાની ધરી પર તે ચોંટી ગયો હતો. સૂરજને કોકે પાણીમાં બોળી હોય એમ ટાઢોબોળ પડ્યો હતો ક્ષિતિજના અંધારિયા ખૂણામાં. ચાંદાને કોકે દ્રાક્ષની કળી જેમ મસળી નાખ્યો હતો. તેમાંથી ઢોળાતી ચાંદની રક્તનો રેલો બનીને રેલાઈ રહી હતી. આંખના તળાવમાં દુકાળ જેમ સુકારો આવ્યો હતો.
આ બધી રોકકળ વચ્ચે કાકાએ દવાખાનાની વિધિ પતાવી દીધી. બાપાના શરીરે પ્રાણને રજા આપી કે તરત જ દવાખાનાવાળાએ પણ પલંગ ખાલી કરી રજા લેવાનું ફરમાન આપી દીધું. શબને લઈ જવાની મંજૂરી મળી ગઈ. એ વખતે કોઈની પાસે ફોન નહોતા એટલે મોબાઇલ પર વાત થઈ શકે તેમ નહોતી, પણ કાકાએ બહાર એસટીડીમાં જઈને રાહુલના ઘરે ફોન કરી આવ્યો. કેમકે આખા વાસમાં એક એમના ઘરે જ ફોન હતો. ગામમાં સામાચાર પહોંચી ગયા કે મનસુખભૈ ગયા.
અમારી પર આભ તૂટી પડ્યું.
અમે એમ્બ્યુલન્સમાં ગામડે જવા નીકળ્યા. હોસ્પિટલથી છેક ઘર પહોંચતા સુધીમાં મારી આખમાંથી એક ટીંપું સુદ્ધા નહોતું આવ્યું. મને જોઈને મારા મમ્મી પણ ગભરાઈ ગયા હતા. વારેવાર કહ્યા કરતાં, “મયૂરિયા… કંઈક બોલ તો ખરો… તારા બાપા જતા રિયા… આમ પથરો ના થઈ જા બેટા. હવે તું જ કંઈ ના બોલે એ તે કંઈ હાલે? હવે તો જે કંઈ છે એ તારે ને મારે જ કરવાનું છે…” એ રડતાં જતાં ને બોલતાં જતાં. હું સૂકા પાણા જેવી આંખે સામે જોયા કરતો. જાણે મારી સામે કંઈક અદૃશ્ય વસ્તુ ઊભી છે અને તેને હું ધારી ધારીને જોઈ રહ્યો છું! અમદાવાદથી ઘરે પહોંચતા સુધી કાકાએ પણ મને ઘણું બોલાવવા કર્યો, રડાવવા માટે સંવેદનશીલ વાતો કરી, પણ મારી આંખે ન તો મટકું માર્યું કે ન તો એકે ટીંપું આસું સાર્યું. હું જીવતેજીવત મરી ગયો હોઉં એમ છેક સુધી બેસી રહ્યો. એમ્બ્યુલન્સની અંદર જાણે બે શબ હતાં, એક સ્ટ્રેચર પર અને બીજું મારામાં.
એમ્બ્યુલન્સ ઘર તરફની શેરીમાં વળી ત્યારે માથા પર સફેદ ફાળિયા, રૂમાલ અને ગમછા નાખેલી એક કતાર ઊભી હતી. બીજી તરફથી એક સાથે સહસ્ત્ર ધોબીઓ ધોબીઘાટ પર કપડાં પછાડતાં હોય તેવો અવાજ આવી રહ્યો હતો. ધડામ.. ધડામ.. ધડામ… એમ્બ્લ્યુલસ આવી કે તરત આ અવાજ ખૂબ વધી ગયો. એક ખૂણામાં સ્ત્રીઓનું એક ટોળું છાજિયા લઈ રહ્યું હતું. મોટેમોટેથી મરશિયાં ગાઈ રહ્યું હતું. મારા મામા-મામી, માસા-માસી, ફુઈ-ફુવા જેવા કેટલાય સ્વજનો અમારા પહેલા ઘરે પહોંચીને અમારી રાહ જોતા હતા. બાપાનું શબ એમ્બ્યુલન્સમાંથી ઊતર્યું, હું હજી એમનો એમ જ બેઠો હતો. આ બધી ધમાલમાં હું ક્યાં છું, એની પણ કોઈને ખબર નહોતી. મારું શરીર હજી પણ શબ જેમ હતું.
રાહુલ બોલ્યો, “મયૂર ક્યાં છે?” અંદર ખૂણામાં બેસેલા મારી તરફ કોઈનું ધ્યાન નહોતું, મારું નામ પડતાની સાથે જ કાકાનો છોકરો એમ્બ્યુલન્સ તરફ જોવા લાગ્યો. રાહુલ એમબ્યુલન્સના દરવાજા પાસે આવ્યો. તેણે મને સાદ પાડ્યો, “મયૂર…” હું નિર્જીવ મૂર્તિની જેમ બેઠો હતો. તે અંદર આવ્યો, ફરી બોલ્યો, “એ મયૂર્યા….”
અચાનક મારી નજર તેની પર પડી ને મારી આંખમાંથી ગંગા-જમના છૂટ્યાં. પથ્થર થઈ ગયેલી આંખમાંથી ધોધ વહેવા લાગ્યો. કોઈ આરસની મૂર્તિની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું હોય તેમ મારી આંખો વરસી પડી. હું રાહુલ સામે જોઈ રહ્યો. એ કશું જ બોલ્યો નહીં, મને બાથ ભરીને બેસી રહ્યો, એ પણ રડતો રહ્યો. જાણે મને રડવામાં મદદ કરી રહ્યો હતો. થોડી વાર પછી કોઈ બોલ્યું, “હવે નીચે ઊતરો તો બીજી વિધિ થાય.”
કાકા કહે, “ભલે રોતો, રોઈ લેવા દ્યો. અત્યાર સુધી રોયો નહોતો, પાણા જેવો થઈ ગયો છે. ઘરે પોચ્યા તાં હુદી એક આંસુનું ટીંપુ નથી પાડ્યું કે નથી કોઈની સામે એક અક્ષરેય બોઈલો. બાબરિયું ભૂત જોઈ ગિયો હોય એમ સામે ને સામે જોઈને બેસી રિયો તો. આ ઈના ભાઈબંધને જોયો તો ડચૂરો નીકળ્યો. ભલે રોતો, મૂંઝારો નીકળી જશે.”
એમ્બ્યુલન્સવાળાને પાછા જવું હતું. તે ઉતાવળ કરતો હતો. રાહુલ સમજી ગયો, તે મારો હાથ પકડી બહાર દોરી ગયો. હું જાણે તેની પત્ની હોવ તેમ વગર બોલ્યે તેના પગલે પગલે ચાલવા લાગ્યો. શું થઈ રહ્યું હતું તેનું મને કશું ભાન જ નહોતું. ક્યારે મને કઈ વિધિમાં લઈ જવામાં આવ્યો, ક્યાં લઈ જવામાં આવ્યો કશી જ ગતાગમ નહોતી. મને એટલી જ ખબર હતી કે રાહુલ મારી સાથે છે. માલિકની પાછળ ગાય દોરાય એમ હું એની પાછળ દોરાતો ગયો. રાહુલે ય જાણે મારા માટે જ હતો, પોતાનું ઘરબાર મૂકીને બે દિવસથી અહીં જ હતો. છેક બેસણું થઈ ગયું ત્યાં સુધી એ રાતદિવસ મારા ઘરે જ રહ્યો, ખડે પગે.
બેસણામાં હું અને રાહુલ બેઠા હતા, ત્યારે કોકે કહ્યું, “રાહુલ્યા, જલેબી ખવડાવવી પડશે હોં. દીકરી આવી છે.” મારામાં વીજળી પડી. મને યાદ આવ્યું કે રાહુલની પત્ની તો પ્રેગ્નેન્ટ હતી. હું પણ કેવો નગુણો થઈ ગયો કે ભાઈબંધની પત્ની પ્રેગ્નન્ટ છે, છેલ્લા દિવસો જઈ રહ્યા છે એ વાત સાવ વિસારી જ બેઠો. મને ભાભીના હાલહવાલ પૂછવાનું ય ન સૂઝ્યું? હું મારા ભાઈબંધને એની પત્નીથી દૂર રાખું એ ક્યાંનો ન્યાય?
મેં દુઃખદ આશ્ચર્ય સાથે તેની સામે જોયું એ તરત પામી ગયો. કહે, “ઠીક હવે, મારે ય દવાખાને તો જવું જ હતું, પણ આંયાં તારા ઘરમાં આટલી તકલીફ હોય તો મારાથી કેમ જવાય? અને એમાંય તારી હાલત જોયા પછી જવા સાટું મારો પગ જ ના ઉપડ્યો. મારી મા તારી ભાભીની હારે જ છે, દવાખાને. આ વિનોદ ખબર લઈ આયો.”
વિનોદ રાહુલનો નાનો ભાઈ.
“પણ મા કહેતાં તાં કે રાહુલભૈને ઘડીક તો હાજર રેવું તું… ડોક્ટરે કીધું કે કેસ આકરો સે, તો મા બહુ ગભરૈ જ્યા તા.” વિનોદની વાત સાંભળીને મારો વસવસો બમણો થયો. આવી સ્થિતિમાં ય રાહુલ અહીં હતો? હું તેનું આ ઋણ ક્યારે ઊતારી શકીશ?
“આયાં ય કેસ આકરો જ હતો.” આટલું કહીને તેણે મારા ખભે હાથ મૂક્યો.
“રાહુલ, તારે હવે તાત્કાલિક ભાભી પાસે જવું જોઈએ.”
“હા, મને ખબર છે, કયા બાપને પોતાના બાળકનું મોઢું જોવું ના ગમે? પણ સાચું કહું તો એમ્બ્યુલન્સમાં તારું મોઢું જોયું ત્યારે હું થોડો ગભરાઈ ગયેલો. ઘડીક તો મને એમ લાગ્યું કે આ મયૂરિયો છે જ નહીં, બીજું જ કોક છે. પણ તું મને બાથ ભરીને રોયો તો મનેય સારું લાગ્યું. હવે હિંમત રાખજે. તારે જ તારું ઘર સંભાળવાનું છે. બાપા તો બધાના મરે છે. આવતી કાલે મારા ય મરશે. હું પણ દુઃખી થઈશ. મને પણ તારા જેવા ભાઈબંધના ટેકાની જરૂર પડશે. આ જ તો જગતનો નિયમ છે. એકબીજાના ટેકે જ આગળ વધવાનું હોય. તું અને હું ક્યાં નોખા સીએ.”
હું તેને ભેટી પડ્યો.
“લે હવે ઢીલો ના થા. આ તો રાજી થવાના સમાચાર છે, “મારા બાપા નથી મરી ગયા. એ મરી જાય ત્યારે તમતમારે આવજેને ઘરે, બેય બાથ ભરીને ધરાઈને રોઈશું. પણ અત્યારે ઢીલો ના પડતો…”
“નહીં પડું મારા બાપા, તું જા હવે. મારા ભાભી મને ગાળો આપશે કે એવો કેવો ભાઈબંધ કે દીકરીના જનમના ટાણેય મારી સાથે ના રહ્યા.”
“ચિંતા ના કર. તારી ભાભી એક અક્ષરેય નહીં બોલે. તારું નામ આવશે એટલે એ ય ચૂપ થઈ જશે. એને ય ખબર છે કે તું હોઈશ, ત્યાં એનો નંબર બીજો આવે.”
******
એ પછી તો વર્ષો વીત્યાં. હું ભણ્યો, નોકરી મળી, પ્રેમલગ્ન કર્યા. એ લગ્ન મેં રાહુલના કાકા, એમનું નામ જયંતભાઈ, તેમની સાળીની છોકરી સાથે કર્યા હતા. ભાગીને…. કેમકે આ સંબંધ કોઈને મંજૂર નહોતો. અમારા ઘરમાં ખાવાના પણ સાંસા હતા, ત્યારે દીકરી કોણ આપે? ખેર, એ વાત લાંબી છે, રાહુલે પણ મને પરોક્ષ રીતે સપોર્ટ કર્યો હતો. ગામ સાથે છેડો ફાડવાનું એક કારણ આ પણ હતું કે પછી મમ્મીનું પણ અવસાન થયું. રાહુલના કાકા સાથે પણ મારા લવમેરેજને લઈને બવાલો થઈ. એટલે હું શહેરમાં જ સ્થિર થઈ ગયો. ધીમેધીમે રાહુલ સાથેનો નાતો પણ ઝાંખો થયો. પણ આજે જ્યારે એના પિતાના અવસાનના સમાચારનો ફોન આવ્યો, ત્યારે તેનું વર્ષો જૂનું સ્મિત મારી આંખ સામે છતું થઈ ગયું. આવતી કાલે બેસણું છે, આજે જ નીકળી જઉં તો વહેલા તેને મળી શકાય. થોડી હામ આપી શકાય.
*******
ગામનું એ જ જૂનું બસસ્ટેન્ડ, ત્યાં રખડતાં બેચાર કૂતરાં, તળાવની પાળ, બધું એમનું એમ જ હતું. કશું બદલાયેલું નહોતું લાગતું. જૂની શેરીમાં નવી ગાડીને લઈને હું પ્રવેશ્યો અને ઝાંપે પાર્ક કરી. ગાડીમાંથી બહાર નીકળ્યો. રાહુલનું ઘર થોડું બદલાયું હતું, તેની પર નવો રંગ ચડ્યો હતો, પણ એ રંગ ઘરમાં છવાયેલા શોકના લીધે ઝાંખો લાગતો હતો. થોડા લોકો ફળિયામાં બેઠા હતા. મને જોઈને રાહુલની પત્ની નીતા તરત ઓળખી ગઈ. તે દોડીને તરત મારી પાસે આવી. કહે, “રાહુલને દવાખાને લઈ ગયા છે?”
“કેમ શું થયું?”
“હાર્ટએટેક….” આટલું કહેતા એની આંખ ભીની થઈ ગઈ.
“તો તમે દવાખાને સાથે નથી ગયાં?”
“અત્યારે ક્યાં સાથે જાય, જયન્તકાકા ગયા છે, ઘરમાં મારા સસરાનું મરણ થયું, આટલી પળોજણ છે ત્યાં આ થયું…” કહેતાં એણે આંખોના ખૂણા લૂછ્યા.
એટલી વારમાં તો એક ગાડી ફળિયામાં આવી ઊભી રહી ગઈ. જયંતકાકા કહેતો એ અને બીજા બેચાર માણસો હતા. તેમણે રાહુલનું શબ અંદરથી બહાર કાહ્યું. મારું હૈયું જાણે ધબકારો ચૂકી ગયું. નીતા તો એ જોઈને જાણે બેહોશ જ થઈ ગઈ. આ બધું એટલી ઝડપથી બન્યું કે કંઈ ખબર જ ન પડી. માથે આકરો તાપ હોય અને અચાનક વાદળો વરસવા મંડી પડે તેમ આજે અણધારી ઘટનાઓ કરાની જેમ પડી રહી હતી. તે અણીદાર કરાથી બધા લોહીલુહાણ હતાં. હું દોડીને રાહુલ પાસે ગયો એને મારા ખોળામાં લઈ લીધો.
પણ ત્યાં જ એક ધક્કાએ મને દૂર હડસેલ્યો. મેં જોયું તો જયન્તકાકા. આટલાં વર્ષે પણ હજી તેમના મનમાંથી રંજ ઓછો નહોતો થયો.
“તને કોણ કીધું, આટલા વર્ષે અહીં કેમ ગુડાણો છે, નીકળ મારા ઘરમાંથી…”
હું વગર બોલ્યો નજીક ગયો, રાહુલને પકડવા પ્રયત્ન કરવા લાગ્યો. ત્યાં સટાક કરતી એક ઝાપટ મારા ગાલ પર પડી.
“મારા ભત્રીજાને હાથ કેમ લગાડ્યો?” એક થપ્પડની ગુંજ હજી શમી નહોતી ત્યાં બીજી ઝીંકી, પણ ત્રીજી વાગે એ પહેલાં જ નીતા આડી આવી. કાકાજી સસરાનો હાથ પકડી લીધો. ટોળામાં હોહા થઈ ગઈ. બધાંના શ્વાસ થોડી ક્ષણો માટે અટકી ગયા. મને નીતામાં અચાનક તાકાત ક્યાંથી આવી? “કાકા રહેવા દ્યો.” બધાંની લાજ કાઢનારી, ક્યારેય કોઈની સામે એક અક્ષર ન બોલનારી સીધી ગાય જેવી વહુએ કાકાનો હાથ પકડી લીધો. એટલું જ નહીં તે બોલી પણ ખરી, “કાકા, ઓલ રેડી પોતાના ભાઈબંધને નહીં મળી શક્યાનો બહુ મોટો લાફો એમણે ખાઈ લીધો છે. એમને હવે વધારે ન મારો. તમારા ભત્રીજાને સૌથી વધારે પ્રેમ એમના પર હતો, એમના મરેલા દેહ હારે જો એમને રહેવા નહીં દ્યો તો એમનો આતમા અવગતે જશે. હું નહીં હોઉં તો ચાલશે, મયૂરભૈ તો જોઈશે જ.”
સભામાં સન્નાટો પડી ગયો. કોઈ કશું બોલી શકે તેમ નહોતું. જયન્તકાકા ગુસ્સામાં રાતાપીળા થઈ ગયા હતા.
“તો પછી મારી શું જરૂર છે, હું જાઉં છું.” એ છણકો કરીને ચાલતા થયા.
“તમારીય જરૂર છે કાકા.” રડમસ છતાં દૃઢ અવાજે નીતા બોલી. “કાકા વિના ભત્રીજાનું શરીર સ્મશાનમાં જાય ને તોય એમના આત્માની ગતિ અધૂરી રહે. તમારા ખોળામાં એ રમ્યા છે, તમારી સાથે ખેતરે ગયા છે, તમારો મીઠો માર ખાધો છે. એ તમારા વખાણ કર્યે થાકતા નહોતા. તમે હાજર નહીં રહો તો હું મરીને જ્યારે એમને ભગવાનને ત્યાં મળીશ ત્યારે શું જવાબ આપીશ? એ મને પૂછશે કે ભૂંડી મારા પછી કાકાને ય હારે ના રાખી શકી? એ વખતે હું શું મોઢું બતાવીશ એમને? હું તમને હાથ જોડું છું કાકા, ખોળો પાથરું છું, તમારે હારે જ રેવાનું છે. અમારી એકની એક દીકરીના સમ સે તમને…’ નીતાએ રીતસર ખોળો પાથર્યો.. એની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. છતાં એનો અવાજ તરડાયેલો નહોતો.
મારાથી કશું જ બોલી શકાયું નહીં. હું બોલી શકવાના વેંતમાં પણ નહોતો. ખડતલ શરીર આરસના કાચ જેવું રૂપાળું અને હસતું વ્યક્તિત્વ મારા ખોળામાં મૃત થઈને પડ્યું હતું. મારા વસવસાનો પાર નહોતો. સભામાં બધા કહેવા લાગ્યા હવે જવા દે જયન્ત. માની જા… તારો ભત્રીજો છે ને… બધા જ નીતાની વાતમાં હામી ભરતા હતા. જયન્તકાકાથી કશું બોલાય એમ નહોતું. એ પરાણે તૈયાર થયા.
તે દાડે અમે બંનેએ સાથે રાહુલને કાંધ આપી. ખબર નથી તેમનું હૃદય પીગળ્યું કે ગામલોકોની શરમે, પણ તે છેક સુધી એક અક્ષર પણ નહોતા બોલ્યા. ભાભીએ જાણે પોતાની અંદર એક આખો જ્વાળામુખી શાંત રાખ્યો હતો. એમને રાહુલના નામનું પોકારી પોકારીને રોવું હતું, પણ ગળામાંથી ચીસ નહોતી નીકળતી. ચહેરો કહી રહ્યો હતો કે તેમને ખૂબ ચીસો પાડવી છે, છાતી કૂટવી છે. આમ અધવચ્ચે છોડી જવા માટે રાહુલને ધમકાવવો છે. પણ એ ચહેરો શાંત હતો, આંસુથી ભીંજાયેલો ઉદાસ, ઊંડી વાવના તળિયે પડેલા પાણી જેવો. એ ચહેરો કદાચ મને પણ ઘણું કહેવા માગતો હતો. પણ ફક્ત એટલું જ બોલ્યો, “ભૂંડા આવું કરાય, તમારો ભઈબંધ તમને મળ્યા વિના જ જતો રહ્યો. કેટલું તડપ્યો તમને મળવા! તમને શું કહું?…” એમના શબ્દે શબ્દે મારી છાતી પર પથ્થર મૂકાતો હતો.
રાહુલના અગ્નિસંસ્કાર થઈ રહ્યા હતા. જયંતકાકાએ એને મુખાગ્નિ આપ્યો. રાહુલનું શરીર ભડભડ બળી રહ્યું હતું અને હું એકબાજુ ઊભો ઊભો અનરાધાર આંસુનો અભિષેક એની ચિતા પર કરી રહ્યો હતો. ત્યાં જ હાજર રહેલા ડાઘુઓમાંથી કોઈકે કહ્યું, “ઘેર પાછા વળીએ. આંઈ આ રાહુલના ભઈબંધને રે’વા દઈએ. અસ્થિ લઈને એ ઘેર પાછો વળશે. આપણે હજુ રાહુલના બાપાનું બેસણુંની વિધી પતાવવાની છે!” જયંતકાકાએ સૂચક નજરે મારી સામે જોયું એવું મને આંસુના વાદળ પરે લાગ્યું. મેં ડોકું હલાવ્યું અને કહ્યું, “તમે જાવ. હું છું આંઈ…!” બધા ગયા અને રાહુલની બળતી ચિતા સામે હું ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યો હતો, એકલો, મારા વ્હાલા ભાઈબંધનું જાણે બેસણું કરતો હતો!
અનિલભાઈ,
આપની વાર્તા “બેસણુ” હ્રદયદ્રાવક પ્રસંગોથી ભરેલી છે. વાર્તા વાંચતા એ આખો બનાવ જાણે નજર સામે ચિત્રપટની રીલની જેમ પસાર થઈ રહ્યો. મયુરની પિતા ગુમાવવાની વેદના, રાહુલનુ એના જીવનમાં સ્થાન, રાહુલની અણધારી વિદાય, ગામડાની અબળા નારી નીતાનુ અડગ વલણ!!! વાર્તા પુરી થયા પછી પણ એ ભાવ સમાધિમાં થી બહાર આવવું અઘરું હતું. તમારી હર એક વાર્તા કાવ્યાત્મક તત્વથી ભરેલી સચ્ચાઈથી ભરેલી અને દિલના તાર ઝંકૃત કરે એવી હોય છે.
LikeLiked by 1 person
અત્યંત લાગણી સભર અને જીવનની કઠોર વાસ્તવિકતા દેખાડતી એક અવિસ્મરણીય વાર્તા.
LikeLiked by 2 people
શ્રી અનિલ ચાવડાની વાર્તા “બેસણુ” કરૂણ હ્રદયદ્રાવક પ્રસંગો એક કસક સાથે આંખ ભીની કરે તો
‘બધાંની લાજ કાઢનારી, ક્યારેય કોઈની સામે એક અક્ષર ન બોલનારી સીધી ગાય જેવી વહુએ કાકાનો હાથ પકડી લીધો. એટલું જ નહીં તે બોલી પણ ખરી, “કાકા, ઓલ રેડી પોતાના ભાઈબંધને નહીં મળી શક્યાનો બહુ મોટો લાફો એમણે ખાઈ લીધો છે’ વાતે આશ્ચર્યાનંદ થાય અને વણકલ્પ્યા અંત ‘ હું ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યો હતો, એકલો, મારા વ્હાલા ભાઈબંધનું જાણે બેસણું કરતો હતો!’
વારતા અ દ ભુ ત બની
LikeLiked by 2 people
ખરેખર હ્રદયદ્રાવક વાર્તા! લાગણીઓને કરુણતાથી તરબોળ કરી દે તેવું બેસણું…. જાણે આબેહૂબ દ્રશ્ય જોઇ રહ્યા હોય એવો અનુભવ થયો!
LikeLiked by 2 people