[૭૬] પ્રાર્થનાને પત્રો.
પ્રિય પ્રાર્થના,
22મી જુન, 2019ની રાત્રે ભાવનગરથી આવતાં પહેલા વરસાદનું આગમન થયું, રાત્રે, પવન સાથે, નારી ચોંકડીથી ફેદરા સુધીના રસ્તામાં આ ધોધમાર વરસાદે ધોધમાર થાક પણ દીધો.
કવિશ્રી હરદ્વાર ગોસ્વામી સાથે સવારે ભાવનગર ગયો, ત્યાં સહજાનંદ કૉલેજ ઑફ મેનેજમેંટ એન્ડ કોમર્સ ના પ્રાંગણમાં રક્ષા શુક્લના કાવ્યસંગ્રહ ‘આલ્લે લે’ નું વિમોચન કર્યું અને પાછા રાત્રે જ ફર્યા. લાંબી મુસાફરી, રાતના અંધારાની મુસાફરીમાં પહેલા વરસાદની અનુભૂતિ થોડી થકાઈ ગઈ. એક તો થાક હતો, ઉપર પાછું અંધારાનું લીંપણ, ઉબડખાબડ રસ્તો એ કો’ક રાક્ષસિણીની જીભ હોય અને વાહનોની ગતિ ચાવતી હોવાનો ઢૉંગ જેવો એ રસ્તો, ગાડીની લાઈટમાં ઉડતાં રુપેરી પતંગિયાં જેવાં ફોરાં… આ બધું છતાંયે પહેલા વરસાદની મસ્તી નહોતી એટલે મેં મને ઉંઘવાનું કહ્યું, પણ ઉંઘાયું નહીં. ઋતુઓ અને મન વચ્ચેના ઝઘડાને કોણ પામી શક્યું છે!
ભાવનગરની એક ઓળખ છે, એમાં પાછી આ નવી કોલેજની ઓળખાણ થઈ. બિલ્ડીંગ બિલકુલ નવું. એનો ચહેરો કોઇ કોર્પોરેટહાઉસના જેવો, ચોખ્ખાઈ સ્વિત્ઝર્લેંડની કોઇ કોર્પોરેટ ઑફિસની યાદ કરાવે. અહીં મહિલાઓનો મહિમા છે. એના નિયામક અને આચાર્ય હેતલ બહેન મહેતા અને મેનેજિંગ ટ્રસ્ટી સવાણીસાહેબ મળવા જેવા માણસ લાગ્યા. સવાણી સાહેબની બોલી લાક્ષણિક ભાવનગરના લ્હેંકાવાળી, આછો શ્યામ વાન, તિલક કરેલું કપાળ, શિક્ષકની નિવૃત્ત થવા માંગતી ના હોય તેવી આંખો અને મોટા દાનવીર હોવા છતાં સાદું સ્ટ્રાઈપવાળું શર્ટ. એમને ડીન ના બનાવ્યા એટલે આ કૉલેજ શરુ કરવાનો વિચાર આવ્યો. તો આ સંસ્થાના આચાર્ય હેતલબેંન મહેતાનું વ્યક્તિત્વ પણ એટલું જ પ્રભાવક લાગ્યું. થોડી અસામાન્ય લાગે એવી હેરસ્ટાઇલ અને કડક હોવાની છાપ પ્રગટાવતો ચહેરો. બન્ને મળી, આ યજ્ઞ ચલાવે છે. મહિલા પ્રાધ્યાપિકાઓ અને મહિલા કર્મચારીઓ. કોલેજના ટૉપફ્લોર પર એક ચોખ્ખું ગેસ્ટહાઉસ, ભીંતો પણ મહામહિલાઓના ફોટાઓથી શોભતી. એકદંરે એક નવો જ અનુભવ થયો. મઝા આવી.
રક્ષા શુક્લના કાવ્યસંગ્રહની વાત. એનું વિમોચન મારે કરવાનું હતું, ભાવનગરના વરિષ્ઠ કવિ તરીકે શ્રી હરિશ્ચંદ્રભાઇ જોશી હાજર હતા, નાઝિર સાવંત, હર્ષા દવે, નેહા પુરોહિત સ્થાનિક કવિઓ તરીકે કાવ્યસંગ્રહમાં ભાગ લઈ રહ્યા હતા જ્યારે શ્રી મનીષ પાઠક, ‘શ્વેત’, શ્રી રમેશભાઇ ચૌહાણ અને સભાસંચાલક તરીક કવિશ્રી હરદ્વાર ગોસ્વામી. આખો કાર્યક્રમ ખુબ જ ગરિમાપૂર્ણ રહ્યો.
રક્ષાબેનની કવિતા વિશે થોડી વાતો કહેવી છે. પહેલી વાત તો કવિ શબ્દ ક્યાંથી પામે છે. કવિ શૂન્યાવકાશમાં નથી પણ એક સમાજમાં છે, અને કવિનો શબ્દ એ ઇકો-સીસ્ટમમાંથી આવે છે, ચૂવે છે, નીતરે છે. મેં આ કવિ અને એની ઇકો-સીસ્ટમની વાત જ્યારે કવિશ્રી વિનોદ જોશીને ભાવનગરમાં ‘ગૌરવ પુરસ્કાર’ આપ્યો ત્યારે પણ કહી હતી. રક્ષા શુક્લના કાવ્ય સંગ્રહનુ શીર્ષક ‘આલ્લે લેં’ એ આ લ્હેંકાતી દુનિયાની ઓળખ છે.. અરર .. ઓ..યે.. જેવી કશીક અનુભૂતિનો આ લોક-ઉદગાર છે. આ vow અને omg વચ્ચેનો શબ્દ છે. રક્ષાબહેને પ્રસ્તાવનામાં જે કેફિયત લખી છે એમાં ‘આ એમની કવિતાનું કમબેક’ છે એવું લખ્યું છે. આ બહુ મહત્ત્વનું વિધાન છે. પોતે આજીવન શિક્ષિકા રહ્યાં, બાળકો, વિશેષ કરીને તરુણ કન્યાઓને ભણાવતાં ભણાવતાં જે દ્રશ્યો જોયાં, રચ્યાં તે પાંપણમાં ક્યાંક સાચવી રાખેલાં તે આ ‘કમબેક’માં પ્રગટ થયાં છે. કવિનો કમબેક એ એક રીતે જોઇએ તો પ્રતિક્રમણ પ્રકારનો છે. એમણે સોળ વરસની અનુભૂતિવાળી કવિતાઓ પણ આપી છે. કવિ લોકસૃષ્ટિમાં રમમાણ રહેતો હોય તો પણ એની ગતિ આત્માભિમુખ હોય છે, એ રીતે કવિયત્રીનું આ વિધાન અગત્યનું બની રહે છે. એટલે કવિ બોલી ઉઠે છે, તારે રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લેં, / ગરમાળો ગુલમ્હોંર ઉપર જો ઢળી ગયો છે, આલ્લે લેં !! ” આ રસ્તાનું મળી જવું એ કવિની તીવ્ર સંવેદનાઓ પ્રગટ કરે છે. રક્ષાબેન સારું ગાય છે, અનેક કવિ સમ્મેલનોમાં એમને એમના તરન્નુમથી ભવકોને મંત્રમુગ્ધ કર્યા છે. અહીં જે કેટલીક અદભુત પંક્તિઓ આપી છે એનો વિશેષ એનો લય પણ છે, અને ભાવસભર ઉર્મિસંચલનો સંભળાય છે. હરિવર સાથેની પ્રીતિનું જે ગીત છે એમાં સ્વાનુભવ કક્ષાની અભિવ્યક્તિ આ રીતે આવે છે, હરિવર ધીમું ધીમું મરકે. મંદ મંદ મર્માળું../ હરિ નામના મારગ ઉપર મહેંક બધીએ ઢાળું.. !!
મહાકવિ શેલીએ 1840માં એક નિબંધ લખેલો; In defense of poetry.. “Poets are like nightingales, they sing in darkness and cheer the listeners; actually they soften the human existence..કવિઓના વ્યક્તિત્વની આ વિશેષતા અગત્યની છે, તમે એક કવિને મળો તો તમે એક ઝાડને મળીને આવ્યા હો, એવી અનુભૂતિ થતી હોય છે. એમ કહી શકાય કે કવિ એ ઋજુતાનો ઉપાસક છે, જ્યારે સંત કે ઋષિ ઋતની ઉપાસના-સાધના કરે છે. રક્ષાબેન પ્રતીકો સરસ વાપરે છે અને આખી કવિતાના લયમાં એને સાધ્યંત સાચવી શકે છે. જુઓ, જળને બેઠું ચોમાસુ ને મને સોળમું વરસ../ ભારે પગલે વાદળ તો યે મારે હિસ્સે તરસ…. આ અને આવી અનેક પંક્તિઓમાં કવિ ચમત્કૃતિ સર્જે છે, આવા રક્ષાબેન શુક્લને આવકારું છું…
ચાલો, ત્યારે ફરી મળીએ, આવતા અઠવાડિયે…
ભાગ્યેશના
જયશ્રીકૃષ્ણ
જય જય ગરવી ગુજરાત.
પ્રાર્થનાને પત્રો. મા– ભાગ્યેશ જહાના બધા સ રસ લેખમા અમારા ભાવનગરની આ વાત ગમી ‘ભાવનગરની એક ઓળખ છે, . મહિલા પ્રાધ્યાપિકાઓ અને મહિલા કર્મચારીઓ. કોલેજના ટૉપફ્લોર પર એક ચોખ્ખું ગેસ્ટહાઉસ, ભીંતો પણ મહામહિલાઓના ફોટાઓથી શોભતી. એકદંરે એક નવો જ અનુભવ થયો. મઝા આવી.’ માણી અમને પણ મઝા આવી
LikeLike