સોનાલી બારીમાંથી આકાશને તાકી રહી હતી. એની આંખોના ખૂણા પર બે આંસુ જામી ગયા હતા. ધીમે ધીમે વરસાદ પડી રહ્યો હતો. દૂર વીજળી ચમકી રહી હતી. કદાચ વાવાઝોડું આવશે! શું એ વાવાઝોડું મારા જીવન કરતા વધારે ખરાબ હશે. આ વાવાઝોડું તો આવીને પસાર થઇ જશે, પણ મારા જીવનનું વાવાઝોડુ તો ત્યાં જ થંભી ગયું છે! સ્ત્રી હોવું એ ખૂબ ગર્વની વાત છે. સ્ત્રી શક્તિ છે, દેવી છે. અને સ્ત્રી માટે બોલાતા સ્લોગન યાદ આવી ગયા. અને આજ પૂરી સ્ત્રી જાતીનું જે અપમાન થયું તે યાદ આવી ગયું.
સોનાલી ફક્ત તેર વર્ષની ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિમાન ટીન એજર હતી. ભણવામાં ખૂબ હોશિયાર! આઠમી ના ત્રણે કલાસમાં હંમેશા પહેલો નંબર આવે. સ્પોર્ટસ અને ફિટનેસમાં પણ હંમેશા આગળ હોય. સોનાલી તંદુરસ્ત હતી. એટલે એની ઉંમરની બીજી છોકરીઓના પ્રમાણમાં એ ખૂબ મોટી લાગતી. બીજા શબ્દોમાં કહું તો હાડેતી હતી. ગોળ મટોળ ચંદ્રમા સમો ચહેરો. મસ્કરા લગાવ્યાં હોય એવી મોટી મોટી આંખો, લાંબા કાળા રેશમી વાળ સ્ટાઈલિશ પણ એટલી એટલે સ્કૂલમાં એ જુદી તરી આવતી.
રોજ ખીલખીલાટ હસતી અને ઘરમાં આવે એટલે આખું ઘર ઊંચું લઇ લેતી, મમ્મીની આસપાસ ફેરફુદરડી ફરતી પપ્પાને ગળે વળગી પડતી, દાદાને ગાલ પર કિસ કરતી! ખાવાનું લઇ પોતાના રૂમમાં દોડતી. મમ્મી એનો પાછળ પાછળ દોડતી બૂમો પાડતીસોનુ પહેલા હાથ ધોઈ લે હાથ ધોઈ લે પણ એક વાત ના માનતી! આજ કેમ આટલી ખામોશ હશે? પપ્પાએ પ્રશ્ન ભરી નજરે મમ્મી સામે જોયું? મમ્મી એ હાથના ઇશારાથી કહ્યું એને ખબર નથી શું કામ સોનાલી આટલી ખામોશ છે.
સોનાલી બારીમાં બેસી ટીપ ટીપ પડતા વરસાદને તાકી રહી હતી. એની આંખોમાં આંસુ હતા. પોતાના સ્ત્રી હોવાપણાને કોસી રહી હતી. એની નાની ગોળમટોળ વિકસવા મથતી છાતી એને આજ ગમતી ના હતી. લાંબા વાળ સર્પની જેમ ડસી રહ્યા હતા. એના તંદુરસ્ત સાથળ જે સ્પોર્ટસ રમીને વધારે મજૂબત થયા હતા તે છૂપાવવા મહેનત કરી રહી હતી. એક સમય હતો કે મીની સ્કર્ટ અને ટૂંકા ફ્રોક એને ગમતા!
એ જલ્દી ઊભી થઇ અને કબાટમાંથી ગાઉન કાઢ્યું અને પહેરી લીધું! પોતાની જાતને સંકોરીને પથારીમાં બેઠી. ફરી એકવાર પી.ટી ના સર યાદ આવી ગયા. એનો ચહેરો ધૃણાથી લાલ થઇ ગયો. આજ ગુરુકુળમાં અજબ બનાવ બની ગયો. શર્મનાક બનાવ. એને સ્ત્રી હોવાનો અફસોસ થઇ રહયો હતો. આજ એને પિરિયડ આવેલો. જ્યારે એને પિરિયડ આવતો એને સખત દુખાવો થતો. ક્યારેક તો એ સ્કૂલે પણ ના જતી. પણ પરીક્ષા માથા પર હોવાથી સ્કૂલે ગયા વગર ચાલવાનું ના હતું. માંડ માંડ તૈયાર થઇ એ સ્કૂલે ગઈ. પ્રથમ પિરિયડ જ પી. ટી નો હતો. એને સર પાસે જઈને કહ્યું કે સર એને સખત પેટમાં દુખે છે એને આજ કલાસ માંથી છૂટી આપે.
પણ સર એક પુરુષ હતા. એને વળી પિરિયડ ના દુખાવાની શું ખબર? કદી પોતાની પત્ની કે બહેનને પૂછ્યું પણ નહિ હોય કે આજ તમારો મૂડ કેમ ખરાબ છે કે આજ તમે પેઈન માં કે દેખાવ છો? સર એની વાત સ્વીકારી નહિ. પણ આ તો સોનાલી હતી! કોઈથી ડરે એવી નહિ. એ સર ની સામે પડી ગઈ.
“સર, તમે સમજતા નથી. મને સ્ત્રીને જે દુઃખ હર મહિને આવે છે તે દુઃખ છે. હું આજ કસરત નહિ કરી શકું!”
સરે લુચ્ચું સ્મિત કરતા પૂછ્યું, “તું સાચું કહે છે?” સોનાલીએ હકારમાં માથું હલાવ્યું. સરે એક લેડી ટીચરને બોલાવી કહ્યું કે સોનાલીને ચેક કરો કે શું એ પિરિયડ માં છે? સોનાલીના દિલમાં ધ્રાસ્કો પડી ગયો. પેલી લેડી ટીચર પણ મુસ્કુરાતી સોનાલીનો હાથ પકડી ખેંચવા લાગી. સોનાલી હાથ છોડાવતી રહી. ફરી પી.ટી ના સરે આદેશ આપ્યો કે અહીં જે છોકરીઓ એ પિરિયડનું બહાનું કાઢી પી.ટી કરવાની ના કહી છે તે બધાને ચેક કરો.
બધી દીકરીઓને લાઈનસર ઊભી રાખી. લેડી ટીચરે વારા ફરતી દરેકને નીકર ઉતારવા કહ્યું. છોકરીઓમાં હાહાકાર મચી ગયો. મોટે મોટેથી રડવાનો અવાજ આકાશને પણ ધ્રુજાવી ગયો. જમીન થરથરી ગઈ. પંખીઓ ખામોશ થઇ ગયા. ગ્રાઉન્ડનું ઘાસ અચાનક શરમાઈને જમીનમાં ધસી ગયું. ભગવાન પણ પોતાની સુંદર રચનાની હાલત જોઈ, આવી અપમાનિત દશા જોઈ આડું જોઈ ગયો.
બધી છોકરીઓને વારા ફરતી ચેક કરવામાં આવી. સોનાલી સ્કૂલમાં ના રોકાઈ શકી. એ ઘરે ભાગીને આવી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. ગાઉન પહેરી પથારીમાં ટૂંટિયું વળી એ પડી હતી. પિરિયડનો દુખાવો હજુ હતો, પણ જે અપમાન ટીચરે કર્યું એનો આઘાતે હૃદયને ચકનાચૂર કરી દીધું હતું।
મમ્મી રૂમમાં આવી. “સોનુ, બેટા ચાલ ભૂખ નથી લાગી?” માથું ધૂણાવી એણે ના પાડી. માને ખબર હતી કે સોનુ આજ પિરિયડમાં છે તેથી મૂડ ખરાબ હશે વિચારી રૂમનું બારણું બંધ કરી રસોડામાં ગઈ.
સોનુ વિચારી રહી. શું હવે મારે સ્ત્રી હોવાનો પુરાવો આપવાનો? ખાલી કસરત કરવા માટે? આ તે કેવી સ્કૂલ અને આ તે કેવી પ્રાર્થના અને આ તો કેવા ટીચર? અને આ તો કેવા પ્રિન્સિપાલ? આ તો કેવી દુનિયા? આવી દુનિયામાં રહીને શું ફાયદો? એને ફરી ફરીને ટીચર જબરદસ્તીથી એની નીકર ઉતારતી યાદ આવી રહી હતી. સોનાલીએ આનાકાની કરી તો ટીચરે એની નીકર ખેંચી કાઢી હતી. અને લોહીથી ભરેલું એનું પેડ જમીન પર સરકી ગયું હતું। એને પોતાનું મોં બે હથેળીમાં છૂપાવી દીધું। અને જોરથી રડી પડી. એ ધીરે ધીરે બારી પાસે ગઈ, અને આકાશ સામે જોયું, ધરતી સામે જોયું!! ભીંજાયેલી ધરતી એને બે હાથ પ્રસારીને બોલાવી રહી હતી. સોનાલીએ બારીમાંથી નીચે પડતું મૂક્યું!
મમ્મી પપ્પા બંને અવાજ સાંભળીને રૂમ માં આવ્યા. અવાક થઈ બારીની બહાર જોવા લાગ્યા. લોહીથી ખરડાયેલું સોનાલીનું શરીર પડ્યું હતું. એ લોકો સોનાલીને લઈને હોસ્પિટલ પહોંચી ગયા. સોનાલીને આઈ સી યુમાં રાખવામાં આવી. શ્વાસ ચાલી રહ્યા હતા. મમ્મી પપ્પાને સમજ પડતી ના હતી કે શું થયું હતું? એ સોનાલીના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. આખી રાત આઈ સી યુ ના વોર્ડની બહાર બેસી રહ્યાં.
સવારે પેપર વાળાએ પેપર હાથમાં આપ્યું. મોટા અક્ષરે હેડલાઈન હતી કે ગુરુકુળના પ્રિન્સિપાલ અને ટીચરને સસ્પેન્ડ કરી એના પર કાર્યવાહી કરવામાં આવશે, કારણકે એમને ટીનએજ બાળાઓને પિરિયડ છે કે નહિ તે ચેક કરવા માટે નીકર ઉતારવાની ફરજ પાડી હતી!
ઈન્સાનિયત સ્ત્રીનું આવું ઘોર અપમાન શી રીતે વિસરી શકશે? આ હીણું કામ લોકો કયામત સુધી રાખશે અને પછી આ બાળાઓ ક્યામતને દિવસે ઈન્સાફ માંગશે. પૂછશે એ ભગવાન ને એ ખુદાને કે સ્ત્રી હોવાનો આવો પુરાવો આપવાનો હોય? બાળકને ગર્ભ માં રાખવા માટે જે વ્યવસ્થા કરી એને ખુલ્લે આમ કોઈ પુરુષ ચેલેન્જ કરી શકે? હે ઈશ્વર તું આવા પુરુષની અમને મા બનાવે છે? જે સ્ત્રીઓના દર્દને તો શું સમજે પણ એને અપમાનિત કરવામાં કાંઈ બાકી નથી રાખતો! ઈશ્વર શું સ્ત્રીને તે આટલી કમજોર બનાવી કે કોઈ એના કપડાં પણ કઢાવી શકે? અને કોઈ સાબિતી માંગી શકે કે એ માસિકમાં છે કે નહિ? આવો હીણો પ્રસંગ આ માનવજાત ક્યારેય નહિ ભૂલે!!
પપ્પાના હાથમાંથી પેપર સરકી ગયું.
(વાર્તા સત્યઘટના પર આધારિત છે. ગોપનીયતા રાખવા નામ, ઠામ અને સમય બદલી નાંખવામાં આવ્યાં છે)
સુ શ્રી સપના વિજાપુરાની સત્ય ઘટના પર આધારીત વાર્તામા આ વાત ગમી ‘ગુરુકુળના પ્રિન્સિપાલ અને ટીચરને સસ્પેન્ડ કરી એના પર કાર્યવાહી કરવામાં આવશે, કારણકે એમને ટીન એજ બાળાઓને પિરિયડ છે કે નહિ તે ચેક કરવા માટે નીકર ઉતારવાની ફરજ પાડી હતી!’
સાંપ્રત સમયે મી ટુ વાતોમા ડોશી મરી ગઇ પોર અને આંસુ આવ્યા ઓણ જેવી વાતે સાબિત કરવામા
વધુ તક્લીફ પડે છે.
સુ શ્રી સપના વિજાપુરાની સત્ય ઘટના પર આધારીત વાર્તામા આ વાત ગમી ‘ગુરુકુળના પ્રિન્સિપાલ અને ટીચરને સસ્પેન્ડ કરી એના પર કાર્યવાહી કરવામાં આવશે, કારણકે એમને ટીન એજ બાળાઓને પિરિયડ છે કે નહિ તે ચેક કરવા માટે નીકર ઉતારવાની ફરજ પાડી હતી!’
સાંપ્રત સમયે મી ટુ વાતોમા ડોશી મરી ગઇ પોર અને આંસુ આવ્યા ઓણ જેવી વાતે સાબિત કરવામા
વધુ તક્લીફ પડે છે.
LikeLiked by 1 person