“જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે” – જયશ્રી વિનુ મરચંટ
(આ શ્રદ્ધાંજલિ માટેની ખૂબ અગત્યની માહિતી અને ફોટા આપવા બદલ આદરણીય વડીલ, સુ. શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસનો આભાર વ્યક્ત કરું છું.)
બહુ જ ભારે હ્રદયે આ અંજલિ લખી રહી છું. આ કપરા કોરોના કાળમાં એવું જ લાગે છે કે, “બારૂદ કે ઈક ઢેર પે બૈઠી હૈ યે દુનિયા!”
આજે આપણે એક સમર્થ સાહિત્યકાર અને એટલા જ સમર્થ અને સેવાભાવી તબીબ ડો. દિલીપ મોદીને ગુમાવ્યા છે. થોડા સમય પહેલાં એમના ૮૫ વર્ષના માતુશ્રીનું કોરોનાને કારણે અવસાન થયું હતું. અને સાથે જ ડૉ. દિલીપ મોદીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો. છેલ્લા ચાર-પાંચ દિવસોથી તેઓ સતત કોરોના સામે લડી રહ્યા હતા. બુધવારે સાંજે સવા છ વાગ્યાની આસપાસ એમનું નિધન થયું હતું. ડો. મોદી ૬૮ વર્ષના હતા. તા. ૩૦ જૂનને દિવસે એમણે સુરતના ગુજરાતમિત્રમાં પોતાનું છેલ્લું ચર્ચાપત્ર લખ્યું હતું. આ ચર્ચાપત્રમાં છેલ્લે છેલ્લે પણ સર્વ લોકોને કોરોનાને ગંભીરતાથી લેવાની વાત કહેતા ગયા. એક તબીબ તરીકે, કોરોનાથી પોતાના દર્દીઓને બચાવવાની જવાબદારી તેઓ સમજતા હતા અને કોરોનાને ખૂબ ગંભીરતાથી લેતા હતા. ડો. દિલીપ મોદી છેવટ સુધી આ મહામારીમાં, પોતાની જાનની પરવા કર્યા વિના એમના પેશન્ટોને સેવા આપવા તત્પર રહેતા. એમને એમના ગરીબ પેશન્ટ્સની સદા ચિંતા રહેતી હતી.
એમની ગઝલોમાં આત્મચિંતન અને ‘સ્વ” થી “સર્વ” સુધીની સફર હતી. લગભગ બે હજારથી પણ વિશેષ મુક્તકો તેમણે લખ્યા છે અને એ એક રેકોર્ડ છે. તાજેતરમાં બોલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યાથી તેઓ વ્યથિત થઈ ગયા હતા. એમનું આ મુક્તક એમના કોમળ હ્રદયની સાહેદી પૂરે છે.
“સહેજ હિંમત તેં જો રાખી હોત તો!
યાર, ક્ષણ ધીરજની ચાખી હોત તો!
મૃત્યુને બદલે જરા સંયમ થકી,
જિંદગી ખુદ બદલી નાખી હોત તો!”
એમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગત અને ચિકિત્સા જગતને મોટી ખોટ પડી છે. એમના પરિવારજનોને માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એમને દિલીપભાઈની કમીને સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને શાંતિ આપે. એમના આઅ દુઃખમાં અમે સહુ સહભાગી છીએ.
સહુ મિત્રગણ અને એમની ગઝલોના ચાહકો માટે એ જે ખજાનો મૂકી ગયા છે એ વાંચતાં, એમની યાદ આવશે અને એમની યાદની કુમાશ આંખોમાં ભીનાશ બનીને રહી જશે.
એમની જ એક ગઝલનો શેર યાદ આવે છેઃ
“રોજ માફક સાંજ આજે પણ ઉદાસ
આજ પાછો શું લખું? શેના વિશે?”
એક સંવેદનશીલ અને સેવાભાવી હ્રદય, જે ગઝલો અને મુક્તકોના પુષ્પોથી મહેકતો, ચહેકતો બાગ હતો, આજે એ ઉપવન આખું જ ન રહ્યું.
“જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે!
ડો. દિલીપ મોદી
કાવ્યઃ *મારું મૃત્યુ* – ડો. દિલીપ મોદી
(સાભારઃ ‘લિખિતંગ સહીદસક્ત પોતે…’કાવ્યસંગ્રહમાંથી)
આવતીકાલે જો હું નહિ હોઉં,
મારી આંખો કાયમને માટે મીંચાઈ જાય તો-
સૌપ્રથમ
મારા મૃતદેહને નવડાવશો નહિ
(નગ્નાવસ્થા મને શરમજનક લાગે છે)
મારા મૃતદેહ પર સફેદ ચાદર ઓઢાડો તેનો વાંધો નથી
પરંતુ મારું માથું તો ખુલ્લું જ રાખશો
(ચહેરા સુધી સંપૂર્ણપણે ઢાંકવાથી મને અકળામણ થાય છે)
મારા મૃતદેહને નનામી સાથે
દોરી વડે સખત બાંધશો નહિ
(બંધન થકી મને ગભરામણ થાય છે)
મારા મૃતદેહ પર ફૂલોના નાહક ઢગલા કરશો નહિ
(ફૂલ આપીને ફૂલ એટલે કે મૂરખ બન્યો છું ઉમ્રભર)
મારાં ચક્ષુદાન કરશો નહિ
(મારાં સપનાં એ મારાં અંગત છે, ભલે અધૂરા રહી ગયાં હોય)
મારા મોંમાં ગંગાજળ મૂકશો નહિ
(એની પવિત્રતા સંદર્ભે હજી ભીતર સંદેહ છે)
મારા મૃતદેહ પર ઘી ચોપડશો નહિ
(મને કોલેસ્ટરોલના ડરે હંમેશ સતાવ્યો છે)
મારા મૃતદેહ પર લાકડાં સીંચશો નહિ
(મારું ભારેખમ શરીર આમ સાવ તકલાદી છે)
અને પછી બાળશો નહિ
(પ્રદૂષણની નાહક સમસ્યા ઊભી થશે)
કે મારા મૃતદેહને ગૅસની ભઠ્ઠીમાં ધકેલશો નહિ
(ઉષ્ણ બંધિયારમાં મને ખૂબ જ ગૂંગળામણ થાય છે)
અને હા,અગ્નિની તો બહુ બીક લાગે છે મને
(જિંદગીભર હું દાઝયો છું છતાં પણ)
મારા નામ આગળ સ્વ. લખશો નહિ
(કદાચ હું નર્કમાં ગયો હોઉં, એવું પણ બને)
પાનાં ભરી ભરીને મારી અવસાનનોંધ
અથવા શ્રદ્ધાંજલિ છાપશો નહિ
(મારું નામ છાપાંમાં અવારનવાર છપાતું રહ્યું છે
એટલે મને નવાઈ નથી)
મહેરબાની કરીને મારી શોકસભા રાખશો નહિ
(અનિવાર્ય પ્રશંસાના શબ્દો સાંભળવા
મારા કાન હાજર નહિ હોય)
અને છેલ્લે,
મને કોઈ યાદ કરશો નહિ એમ હું ઈચ્છું છું
(સ્મરણ કેટલું બધું પીડાદાયક હોય છે!)
ખરેખર…
એક માણસ હતો-ન હતો થઈ જાય
એ કુદરતી ઘટના છે
વળી હું અસામાન્ય નથી
ક્ષમાયાચનાપૂર્વક
હું જલદીથી ભૂંસાઈ જાઉં, ભૂલાઈ જાઉં તો કેવું સારું! મારે કોઈને પણ કદી
બોજરૂપ નથી બનવું, યારો…
*ડૉ. દિલીપ મોદી*
(‘લિખિતંગ સહીદસક્ત પોતે…’કાવ્યસંગ્રહમાંથી)
ૐ શાંતિ
LikeLiked by 1 person
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
LikeLiked by 1 person
ૐ શાંતિ
LikeLiked by 1 person
“એક સંવેદનશીલ અને સેવાભાવી હ્રદય, જે ગઝલો અને મુક્તકોના પુષ્પોથી મહેકતો, ચહેકતો બાગ હતો, આજે એ ઉપવન આખું જ ન રહ્યું.”
દિલીપભાઈ જેવા તબીબ અને સાહિયકારને સો સો સલામ!!
ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
LikeLiked by 1 person
ૐ શાંતિ શાંતિ શાંતિ
LikeLiked by 1 person
ૐ શાંતિ ..
LikeLike
BAD FOR SAHITYA JAGAT. TWO STAR GONE, AS PER “VIJAY NU CHINTAN JAGAAT” SHAYER ‘RASIK SANGHVI PARMATMA PASE CHE. DR DILIP MODI PAN PARMATMA PASE GAYA. BOTH STAR NE PRABHU TEMNA ATMA NE SHANTI APE. SHANTI-SHANTI-SHANTI
LikeLiked by 1 person
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
LikeLiked by 1 person
એક સંવેદનશીલ સર્જકની વિદાય મનમાં ખાલીપો લાવી દે છે.ॐ શાંતિ શાંતિ શાંતિ
LikeLiked by 1 person