પ્રથમ સ્કંધ – નૈમિષીયોપાખ્યાનનો બીજો અધ્યાય – ભગવત કથા અને ભક્તિ
(પ્રથમ સ્કંધના પહેલા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ઋષિઓ શ્રી સૂતજીને કહે છે કે, “આ કળિયુગને આવેલો જાણીને અમે આ નૈમિષારણ્યમાં લાંબા સમય સુધીના યજ્ઞ અનુષ્ઠાનો સંકલ્પ કર્યો છે અને પૂરી કથા સાંભળવાનો અમને આ નૈમિષારણ્યમાં સંપૂર્ણ અવકાશ છે. આ કળિયુગ પાવનતા અને સત્યનો નાશ કરનારો છે. ઈશ્વરની પરમ કૃપાથી આ ભવસાગરને પેલે પાર જવાની ઈચ્છા રાખનાર અમને સહુને તમે મળી ગયા છો. ધર્મરક્ષક યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મે હવે કોનું શરણ લીધું છે એની પણ સમજણ અમને આપો હે મહાજ્ઞાની સૂતજી. અમે આપને પ્રાર્થના કરીને પૂછીએ છીએ કે વિશ્વમાં આટલા બધા જ્ઞાનના ભંડારો ભર્યા છે તો એમાંથી કળિયુગમાં સર્વ જીવોના કલ્યાણ માટેનું સહજ સાધન શું છે? આ કળિયુગના પ્રભાવથી ધેરાયેલાં લોકો સાંસારિક કાર્યોમાં જ સતત અનેક પ્રકારની અડચણોથી ઘેરાયેલાં જ રહે છે તો હે સાધો! આપ અમને આ બધાં જ શાસ્ત્રોના સારરૂપી એવું કશુંક તારવીને સંભળાવો. હે સૂતજી, અમને એ જાણવું છે કે યદુવંશીઓના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ વસુદેવની ધર્મપત્ની, દેવકીની કૂખે શા માટે જન્મ લીધો હતો? અમને એ ખબર છે કે શ્રી હરિનો અવતાર જીવોના કલ્યાણ માટે જ થાય છે તો એમના આ પૃથ્વી પરના આવિર્ભાવનો અન્ય આશય પણ હતો? તમે કૃપા કરીને અમારા માટે શ્રી કૃષ્ણની સંપૂર્ણ કથાનું વર્ણન કરો. હવે અહીંથી વાંચો આગળ.)
શ્રી સૂતજીએ એ સહુ ઋષિઓને કહ્યુંઃ હે મારા સહુ પ્રિય ધર્મજ્ઞાતા ઋષિઓ, આપના સહુ પ્રશ્નોના જવાબ આપું છું. જે સમયે શ્રી શુકદેવજીનો યજ્ઞોપવીત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી, એવા, ઘર છોડીને વેગથી જઈ રહેલા શુકદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહવ્યાકુળ થઈને પોકારવા લાગ્યા કે, “બેટા, પાછો વળ.” શુકદેવજી તે સમયે, જીવતા-જાગતા, હરતા-ફરતા હોવા છતાં બ્રહ્મની સમાધિમાં લીન હતા. જ્યારે જીવનો બ્રહ્મ સાથે મેળાપ થાય છે ત્યારે એ જીવની આસપાસની કુદરતની ‘કુંડલિની’ પણ જાગૃત થઈ જાય છે. શુકદેવજીની સમાધિસ્થ અવસ્થા જોઈને એમના વતી વૃક્ષો જવાબ આપે છે કે, “હે મહામુનિ વ્યાસજી, આપને પ્રણામ કરીને અમે જણાવી રહ્યાં છીએ કે શુકદેવજી એમની પોતાની લીન અવસ્થામાં ચાલી રહ્યા છે. તેઓ હાલ તો આ દુન્યવી વ્યવહારોથી અને લૌકિક જગતથી પર છે તો અમે એમના વતી ક્ષમાપ્રાર્થી છીએ.” આવા મહાન, બ્રહ્મસ્થ અવસ્થા જેને માટે સહજ છે એવા શુકદેવજીએ સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અંધકારની પેલે પાર જવા અને જ્ઞાનનો તથા પરમ તત્વનો તેજપુંજ પામવા ઈચ્છે છે તેમના માટે આધ્યાત્મિકતાને ઉજાગર કરવા શ્રીમદ ભાગવત ગ્રંથનું મોટા મોટા મુનિઓની પાસે પારાયણ કર્યું છે.
હે મહાભાગ ઋષિઓ, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે આ સવાલ શ્રી કૃષ્ણ વિષે છે, જેના નામ માત્રથી આત્મશુદ્ધિના દ્વાર ખૂલી જાય છે. મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેનાથી શ્રી કૃષ્ણમાં કામના રહિત ભક્તિ જાગે. આવી ભક્તિથી જ હ્રદય સચ્ચિદાનંદરૂપ બની જાય છે અને પછી ઈશ્વરમય થવાતાં જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. ધર્મનું બરબર અનુષ્ઠાન કરવા છતાંયે જો મનુષ્યના અંતરમાં શ્રી કૃષ્ણની લીલા કથાઓ માટે અનુરાગ ન જાગે તો એ નર્યો મન અને આત્મા પર પડેલો શ્રમ છે. મોક્ષ આપનારા ધર્મનું આચરણ અર્થપ્રાપ્તિ કરવા માટે નથી. ધર્મનું આચરણ તો નિષ્કામ ભાવે થવું જોઈએ. દ્રવ્યની ઉપલબ્ધિ પણ લોકસેવાર્થે થવી જોઈએ. તેનાથી ભોગવિલાસની તૃપ્તિ કરવી એ એનું પ્રયોજન નથી, આ સમજવું જરૂરી છે. શ્રદ્ધાવાન સાધુજનો શ્રવણ ભક્તિ દ્વારા, જ્ઞાન ને વૈરાગ્યયુક્ત બનીને અંતઃકરણમાં પરમાત્માનો અનુભવ કરે છે.
દરેક માનવીએ પોતાના વર્ણાશ્રમ અનુસાર, સ્વધર્મનું પાલન કરવું જોઈએ. અહીં ચાર વર્ણાશ્રમનો ઉલ્લેખ છે. એ જ સૂચવે છે કે ઉંમર પ્રમાણે, પોતાની જવાબદારીઓ નિભાવવાનો અને એ પ્રમાણે કર્તવ્યપાલનનો શાસ્ત્રોમાં મહિમા કરવામાં આવ્યો છે અને કોઈ ઈચ્છા રાખ્યા વિના, મનમાં ભક્તિભાવ રાખીને સ્વધર્મનું પાલન કરતાં કરતાં જ પ્રભુમય થવાથી વિચારશીલ અને ગુણવાન માણસ પોતાના કર્મોની ગાંઠ કાપી શકે છે. આથી જ, આ સંસારમાં ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે જેને ભગવાનની લીલાઓમાં રસ ન હોય, કારણ આ લીલાઓ થકી ખુદ ઈશ્વરે એ જ સાબિત કરવાની કોશિશ કરી છે કે સદા સ્વધર્મનું આચરણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવું તથા શ્રી હરિમાં સ્થાયી પ્રેમભાવ આરોપિત કરવો. આ રીતે જ્યારે ભગવાનની પ્રેમપૂર્વક આરાધના કરતાં, સંસારની સમસ્ત આસક્તિઓ છૂટી જાય છે અને હ્રદય આનંદથી ભરાઈ જાય છે. એ જ શિવોડ્હમ્ નું પરમ તત્વ છે.
માનવ પ્રાકૃતિના ત્રણ ગુણ છે – સત્વ, રજ, અને તમ. આ ત્રણ ગુણોને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર – આ ત્રણ નામ ધારણ કરે છે. તેમ છતાં, મનુષ્યનું પરમ કલ્યાણ તો શ્રી હરિના નામ સ્મરણથી જ થાય છે. સત્વગુણ શ્રેષ્ઠ છે કારણ કે તે ભગવાનનું દર્શન કરાવે છે. જે લોકો આ ભવસાગર પાર ઊતરવા ઈચ્છે છે તેવા અસૂયારહિત મનુષ્યો, સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને એમના અંશ – એવા એમના વિવિધ સ્વરૂપોની ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ જ વેદોનું તાત્પર્ય છે, શ્રી કૃષ્ણ જ યોગેશ્વર છે, શ્રી કૃષ્ણ જ યજ્ઞેશ્વર છે, “ભોક્તાડહમ્, ભોજ્યંહમ્, ભુક્તંહમ્” પણ શ્રી કૃષ્ણ જ છે. ભક્તિ, તપસ્યા, જ્ઞાન, વૈરાગ્ય અને અંતિમ ગતિ, એ સઘળું જ વાસુદેવ શ્રી કૃષ્ણ જ છે, એમાં કોઈ શંકા જ નથી. સત્વ, રજ, અને તમ – એ ત્રણે ગુણ તે જ પ્રભુની માયાનો વિલાસ છે; તે ગુણોમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત હોય એવું અનુભવાય છે, પણ વાસ્તવમાં તેઓ ત્રિગુણાત્મક પણ છે અને ત્રિગુણમુક્ત પણ છે. અને આ બેઉની વચ્ચે જ એમની લીલા વિસ્તરે છે. સૌના આત્મરૂપ ઈશ્વર તો એક જ છે પણ પ્રાણીઓની અનેકતાને કારણે તેઓ અનેક જેવા દેખાય છે. એમણે જ સમસ્ત લોકની રચના કરી છે અને તેઓ જ દેવતા, પશુ-પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં અવતાર લઈને દેશકાળને અનુસાર સત્વગુણ થકી જ સર્વ જીવોનું પાલન પોષણ કરે છે, એમાં કોઈ સંદેહ નથી.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમિષીયોપાખ્યાનનો બીજો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર બીજઃ
૧. ઋષિઓ હજાર વર્ષ સુધી ચાલનારો યજ્ઞ કરે એટલે કે જ્ઞાન-વિજ્ઞાનની વૃદ્ધિ થાય એનાં પ્રયત્નો કરે. આ પ્રયત્નો એટલે જ મોટી મોટી તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠની સ્થાપના અને જ્ઞાન સંવર્ધનની યોજના હોય શકે? કળિયુગના આરંભ બાદ જ, વિદ્યા પ્રાપ્તિ માટે આશ્રમો છોડીને વિદ્યાપીઠનું કલ્ચર- સંસ્કૃતિ આવી હશે?
૨. ભગવાનની લીલા અને એના પૂર્ણ સ્વરૂપ અવતારોની કથા સાંભળીને, શું શીખવા મળે એવો પ્રશ્ન આજના જમાનામાં લોજીકલી થાય એ સ્વાભાવિક છે. પણ આ અવતારોમાં, ક્યાંક સૂક્ષ્મ સ્વરૂપે તો ક્યાં સ્થૂળ સ્વરૂપે એક જ ભાવ સતત પ્રવર્તિત થાય છે કે, મનુષ્ય પોતે જ પોતાના જીવનમાં આ ઈશ્વરના લીલા કરતા અવતારોના મર્મીલા સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે જીવી જાણે તો પરમ શાંતિ પામે છે. આ લીલાઓનું જન્મ મૂળ તો સત્વ, રજ અને તમ ગુણ છે. આપણે બધાં જ જીવો આ ગુણો સહિત જીવીએ છીએ. કોઈ એક સ્થિતિમાં સતત નથી જીવતાં. પરમાનંદની સ્થિતિ એ તો તમ ગુણથી સતત સત્વ ગુણમાં સ્થાયી થઈને રહેવાની છે. આ જ તો જીવની પરમ ગતિ છે અને એજ કૃષ્ણમયતા છે. કારણ, ઈશ્વર પોતે ત્રિગુણાત્મક પણ છે અને ત્રિગુણમુક્ત પણ છે. આવો જ કોઈક ભાવ આમાં અભિપ્રેત હોવો જોઈએ.
શ્રીમદ ભાગવત કથા – પ્રથમ સ્કંધ – અધ્યાય બીજો –સુ શ્રી જયશ્રી વિનુ મરચંટન્૦ મનનીય લેખ. તેમા
‘મનુષ્ય પોતે જ પોતાના જીવનમાં આ ઈશ્વરના લીલા કરતા અવતારોના મર્મીલા સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે જીવી જાણે તો પરમ શાંતિ પામે છે. આ લીલાઓનું જન્મ મૂળ તો સત્વ, રજ અને તમ ગુણ છે. આપણે બધાં જ જીવો આ ગુણો સહિત જીવીએ છીએ. કોઈ એક સ્થિતિમાં સતત નથી જીવતાં. પરમાનંદની સ્થિતિ એ તો તમ ગુણથી સતત સત્વ ગુણમાં સ્થાયી થઈને રહેવાની છે. આ જ તો જીવની પરમ ગતિ છે અને એજ કૃષ્ણમયતા છે. કારણ, ઈશ્વર પોતે ત્રિગુણાત્મક પણ છે અને ત્રિગુણમુક્ત પણ છે. આવો જ કોઈક ભાવ આમાં અભિપ્રેત હોવો’ ખૂબ ચિંતનાત્મક વાત
LikeLiked by 1 person