પ્રાર્થનાને પત્રો – (૭૩) – ભાગ્યેશ જહા
પ્રિય પ્રાર્થના,
આજે સવારે કલરવ પરિવારના વ્હૉટસએપ ગ્રુપમાં ડૉ.રીટાબેન શાહે ગાંધીનગરમાંના હરિણોધ્યાનની એક વિડીયોક્લીપ મોકલી છે, જેમાં એક મોર કલા કરી રહ્યો છે.
આજે બપોરે એટલે કે સાતમી જુનની સળગતી બપોરે આ મોરનું કલાનૃત્ય જોયું,
જાણે તડકામાં તિરાડ પડી ગઈ,
જાણે ચોમાસાનું એક વાદળ આવીને વરસી ગયું,
જાણે એક પરબ પર કોક વૃધ્ધ શ્રમજીવીએ ઠંડું પાણી પીધું,
જંગલમાં મોર નાચ્યો અને કોણે જોયો એમ નહીં, પણ વ્હોટસએપના પવને એની કલા શેરીએ શેરીએ પ્રસરાવી, ઘેર ઘેર આનંદ ભયો. સૂક્ષ્મતાથી કહું, તો પે’લો મોર તો એની ઢેલને આકર્ષવા નાચ્યો હશે પણ એ તો જ્યાં તરસી આંખો હતી ત્યાં અંજાઇ ગયો. મોરના એ નૃત્યની કરચો ઉડીને સૂરજના આંખમાં પડી તો સૂરજ પણ આંખો ચોળતો બે મિનિટ માટે કો’ક ઝાડની છાયાને હાથરુમાલ બનાવી સાફ કરતો દેખાતો હતો.
એટલે, પ્રાર્થના, આ જગતમાં કશું એકાકી બનતું નથી. આ જગત બીલગેટસ કહે છે તેમ હવે ‘ઇંન્ટરકનેક્ટેડ’ છે, જે એક વખત માત્ર ઇંટોથી કનેક્ટેડ હતું તે હવે, ‘ઇન્ટરનેટ’થી કનેક્ટેડ છે. યાદ છે ને વેદના રુષિએ તો સદીઓ પહેલાં ‘વિશ્વનીડમ’ એવું કહેલું, આ વિશ્વ એક માળો છે. કેવી સળીઓ ગોઠવાયેલી છે એ તો ઝુમ કરીને જુઓ તો ખ્યાલ આવે. કોઇ એકજણ વેદના વિશ્વની વેદના બની શકે, કોઇ એક જણનો આનંદ ક્યાંય ક્યાંય સુધી મેળા રચ્યા કરે….
આ જ ઇંદ્રોડા પાર્કની અંદર આવેલા ગીર ફાઉન્ડેશન’ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે એક કવિ સમ્મેલન યોજાયી ગયું. મઝા આવી.
એક કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી, ‘હાકલ’ બહુ મજબુતાઇથી પ્રગટ થઈ રહ્યા છે. એમની ગઝલની પંક્તિ સાંભળ,
હોય સવારે, એવો સાંજે, એ માણસને શોધી કાઢો. એમના ગીતોની હલક પણ માણવા જેવી છે. બીજા એક ગઝલ ગુરુ. સતીન દેસાઇ, ‘પરવેઝ’ આવેલા. આ વ્યક્તિ એક જોરદાર કવિ અને એનાથી ય ઉમદા માણસ છે. એમની રજુઆત પણ અદભુત છે, એ ગઝલને એના છંદની આંતરરચનાને ઉજાગર કરીને રજૂ કરે છે, અદભુત કવિસમ્મેલન રહ્યું. મુળમાં ગાંધીનગર સાહિત્યસભા અને ગીર ફાઉન્ડેશને આ કાર્યક્રમ યોજેલો પણ એની ઊંચાઇ માણવા જેવી રહી. એક તો ઇંદ્રોડાના આ અરણ્ય-ઉધ્યાનની રમણીય વનરાજીના પરિદ્રશ્યમાં ઉભેલા એક સંકુલમાં આ કવિસમ્મેલન યોજાયો એનું પણ માહત્મ્ય છે. આખો દિવસ 42-4૩* ડીગ્રી તાપમાં ઉકળતા નગરની સાંજને ઠંડી કરતા શબ્દો ખરેખર છાશ જેવા હતા.
મને મઝા આવી મારા ‘પે’લા આંબાડાળે કાવ્યની રજુઆત કરવાની. સજ્જ ભાવકો હતા, એટલે પ્રત્યેક પંક્તિ ઝીલાતી હતી. મેં કહ્યું, ‘આવું ઑડિયન્સ અને બેઠકનો માહોલ છે એટલે એક ઝાડની વેદનાનું અછાંદસ કાવ્ય રજુ કરવું છે. કાવ્ય બોલ્યું, “એક માણસે/ એક આંબાને ગોળી મારી” ભાવકોએ એક મૌન ચીસ પાડી, મેં કાવ્ય લખતી વખતે એક કંપન અનુભવેલું, એ ફરી અનુભવ્યું. જો કવિનું એક કામ એના ભાવકોને આશ્ચર્યમાં નાંખી દેવાનું પણ છે. ભાવકોની આવી અપેક્સા નહોતી કે કોઇ માણસ વૃક્ષને ગોળી મારી દેશે. અને / આંબાનું એક અંગ લોખંડનું થઈ ગયું / કાળું, લીસ્સુ, ચળકતું… બસ, હવે ભાવકો મારી કવિતાના પ્રવાહમાં આવી ગયા હતા, બસ્સો ભાવકો, આ કાળા અને લીસ્સા અને ચળકતા આંબાના લોખંડી અંગને પામવામાં પડી ગયા. દરેકના મનમાં જુદા જુદા ચિત્રો સમાંતરે રચાવા લાગ્યા. મને રજુઆત કર્તા તરીકે અને કવિ તરીકે રોમાંચ થવા લાગ્યો કે કવિતા પહોંચી રહી છે, ભાવકોની જિજ્ઞાસાને પ્રજ્વલિત કરવામાં હું સફળ રહ્યો હતો. થોડા સમય પછી, / લોખંડની ડાળને / કાળી કેરીઓ આવી, પાકેલી જ, / ગણોને થાકેલી જ! અહીં ભાવકોને હું આંબાની બહાર, પેલી લોખંડી ડાળની બહાર લઈ જઈ રહ્યો હતો એ તેમને સમજાતું હતું અને એ મને આનંદ આપતું હતું.
ત્યાં કશુંક ટહુક્યું / પેલી સામેની ડાળથી / અહીં કવિતાએ જે કામ કરવાનું હતું તે થઈ ગયું હતું, મેં એક ચિત્રકારની અદાથી ધીરે રહીને વાસ્તવનો પરિચય કરાવવા બરછટ થડ ઉપર લઈ આવ્યો. બરછટ થડ, જાણે એનું આખું આયખું ભડભડ /
પછી પાછા પેલી કેરીઓની સૃષ્ટિમાં લઈ ગયો, એક સાચી કેરી એને એક લોખંડની કેરી. આ કવિતાનો એક મોટો પડાવ છે, અહીં ભાવકો અને વિવેચકોએ જેટલા અર્થો કરવા હોય તેવો અવકાશ ઉભો કરી આપું છું…. એક તરફ લોખંડી કેરી અને બીજી તરફ રસની કેરી. પછી એક મઝાનું ટ્વીસ્ટ કરું છું, સામેની ડાળેથી જે ટહુકો થાય છે તે એક પંખીનો છે, અહીં કાફકા આવે છે, પંખીનું નિવેદન સાંભળ, કોઇ આંબાના થડમાંથી / આ…. ગોળી કાઢી નાખો… / મને મારો પગ, પાંખ – / કાળો પડતો જણાય છે… /અરે, કોઇ સાંભળો છો.. ? મને અંદરથી આનંદ ત્યારે આવ્યો જ્યારે મેં જોયું કે પ્રત્યેક ભાવકની આંખમાં એક પંખી ટહુકતું હતું. મેં જોયું, પેલા આંબાની વેદના હવે ધીરે ધીરે આ પંખીની વેદનામાં ફેલાઈ રહી હતી. અને એક લાચારીનો ભાવ પડઘાતો હતો, બહેરા સમાજ પ્રત્યે તડકીલો આક્રોશ હતો.
કવિતાના અંતે કહું છું, બધા એ માણસને / શોધી રહ્યા છે, / જે માણસ / ગોળી મારીને / ગાયબ થઈ ગયો છે. આ કવિતાને એના આયુષ્યનું યોગ્ય ઑડિયન્સ આ પાંચમી જુને મળ્યું. શ્રી સતીન દેસાઇએ મને બે દિવસ પછી આજે સાતમી જુને ફોન કર્યો, કહે છે, કવિ, હું આજે પણ ટ્રાન્સમાં છું… એક કવિ આનાથી વધારે શું કરી શકે. જે આંદોલન એક મોર નાચીને ઉભાં કરી શકે એવાં જ કશાંક ઊર્મિલ ભાવોનાં આંદોલન / તરંગ પેદા થાય છે. ધન્ય હું શું કહું…
કિં બહુના…
ભાગ્યેશ જહા…
જય જય ગરવી ગુજરાત.
‘કવિ, હું આજે પણ ટ્રાન્સમાં છું… એક કવિ આનાથી વધારે શું કરી શકે. જે આંદોલન એક મોર નાચીને ઉભાં કરી શકે એવાં જ કશાંક ઊર્મિલ ભાવોનાં આંદોલન / તરંગ પેદા થાય છે.’
માણી આપણે પણ ધન્યતા અનુભવીએ
ઘણા ખરા સમારંભોમા હૈયાસુના હોય ત્યાં થાય
એવા હૈયાસુના સમીપ હ્રદય શા ઢોળવા અમથા
રણે રગડોળવા અમથા…..
LikeLike
સરસ પત્ર.
LikeLike
અત્યંત સુંદર
LikeLike