( સપના વિજાપુરા એ “આંગણું” માટે કોઈ નવું નામ નથી. આપણે એમની ગઝલો માણી છે. એમણે કરેલા આસ્વાદ માણ્યાં છે. એમની નવલકથા, “ઉછળતા સાગરનું મૌન” પણ “આંગણું”માં મૂકી હતી અને વાચકોએ એને ખૂબ જ પ્રેમથી આવકારી હતી. આજથી આપ સૌને એમની ટૂંકી વાર્તાનો પરિચય કરાવતાં મને ખૂબ આનંદ થાય છે. આશા છે આપ સૌ એમને ઉમળકાથી આવકારશો. સપના, આપનું સ્વાગત છે.)
રાજ આલીશાન ઓફિસમાં બેઠો છે. સામે મેજ પર મર્સીડીઝની ચાવી પડી છે. હમણાં જ એનો સી.ઈ.ઓ. પીટર એને આવીને કહી ગયો હતો કે, “યુ આર એન એસેટ ટુ ધી કંપની. વી વુડ લાઇક ટુ ગિવ યુ ધીસ કાર એઝ એ ટોકન ઓફ એપ્રિશિયેશન. આઈ નો, નો યુ આર કમ્મ્યુટીંગ ઇન એ ટ્રેઈન એવરી ડે. ધીસ વીલ મેઈક યોર લાઇફ લીટલ ઈઝીઅર. (રાજ, અમને તારા પર ગર્વ છે. તું કંપની માટે મિલકત છે. અમે તને આ નજીવી કાર આપવા માગીએ છીએ, કારણ કે, અમે તારી મહેનતની કદર અને કિંમત કરીએ છીએ. આમ પણ તું રોજ ટ્રેઈનથી આવ-જાવ કરે છે, તો આનાથી તારી જિંદગી થોડી સહેલી થશે.)
રાજ તાકી રહ્યો છે સામે પડેલી ચાવીને. એને કાચની બનેલી ઓફિસની બહાર નજર કરી. કાળા સાપ જેવાં રસ્તા ઉપર હજારો કાર દોડી રહી છે. કોઈ લેક્સસીસ કોઈ મર્સીડીઝ, કોઈ કેમરી, તો કોઈ ફોર્ડ. લાલ પીળી સીલ્વર, કાળી સફેદ. કારનો તો જાણે રાફડો ફાટ્યો છે! બંધ કાચની ઓફિસમાં, બહાર રસ્તા પર જોતા, વિચારે ચડી ગયો. ‘જો આ કાર ના શોધાઈ હોત તો? દુનિયાનું શું બગડી ગયું હોત? ભલે દુનિયાને લાભ થયો હશે, એનાથી પણ મને? મને તો કેટલું નુકસાન થયું છે આ કારને લીધે? કાર શબ્દ સાથે ફકત તિરસ્કાર અને ભય સિવાય કોઈ લાગણી થતી નથી.’ રાજની હાલત સામે પડેલી ચાવીને જોઈને બગડવા લાગી હતી. એ ઊભો થયો કે ચાલ, ચાવી પાછી આપી આવું અને કહું કે મારે મર્સીડીઝ નથી જોઇતી. પણ પગ ના ઊપડ્યા. એણે ફરી બહાર નજર કરી, કારની વણજારો! એણે આંખો બંધ કરી લીધી. તો આંખો સામે નીરજાનો લોહી લુહાણ દેહ આવી ગયો. એણે તરત આંખો ખોલી નાખી. ચાવી લઈ ખીસામાં મૂકી એ ઓફિસની બહાર આવ્યો. આગળ સીક્યોરીટીવાળાને કહ્યું કે, “સાહેબને કહેજે કે મારી તબિયત સારી નથી હું ઘરે જાઉ છું.”
******
બહાર આવીને પાર્કિંગ લોટમાંથી પસાર થતા અછડતી નજર મર્સીડીઝ પર નાખી ટ્રેન સ્ટેશન પર જવા નીકળી ગયો. ટ્રેનમાં એને લગભગ એક કલાક થઈ જાય ઘરે પહોંચતા. ઘરે પહોંચ્યો એટલે એની પત્ની, સોનીએ બ્રિફકેઈસ લીધી. અને પૂછ્યું, ‘થાકી ગયા છો શું? કે કોઈ પરેશાની છે?” રાજે જવાબ આપ્યો, “માથું દુઃખે છે. થોડો આરામ કરી લઉં.” સોનીએ ચાનું પૂછ્યું. રાજે “ના” પાડી અને પછી પથારીમાં પડ્યો. ખીસામાંથી ચાવી કાઢી ટેબલ પર ફેંકી જાણે સાપને પકડીને ફેંક્યો. આંખો બંધ કરી પથારીમાં પડ્યો.
એની આંખો સામે નીરજાનો લોહી લુહાણ દેહ સામે આવી ગયો. રાજની જિંદગીની મોટાં ભાગની રાતો આ રીતે શરૂ થતી આંખો બંધ થાય અને સામે આ દ્ગશ્ય આવી જાય. એ પાંચ વરસનો હતો ત્યારથી સુખની ઊંઘ સૂતો ન હતો. પાંચ વરસનો હતો ત્યારથી. અત્યારે ૩૫ વરસનો થયો છે પણ ત્રીસ વરસથી એની નજર સામે આ એક જ દ્ગશ્ય તરવરે! એક મૃતદેહ લોહી લુહાણ! હા, એ દેહ એની માનો હતો. રાજ એની બચપણની યાદોમાં ખોવાઈ ગયો..!
*****
કેટલાં લાડ કરાવતી હતી મા! પાંચ વરસનાં રાજ માટે કેવા કેવા સપનાં જોતી હતી! આ ક્લાસમાં લઈ જાય, પેલા ક્લાસમા લઈ જાય. કુમાન ક્લાસ, કરાટે ક્લાસ, બેઈઝ બોલ, અને સ્વિમિંગ! બસ આખો દિવસ રાજને કારમાં બેસાડીને ક્યાંક જતી હોય અને નાની બહેન અવનિ પાછળ કાર સીટમાં બેઠી હોય!
એ ગોઝારો દિવસ! રાજ આજ સુધી, ક્યારેય ભૂલી નહોતો શક્યો! તે દિવસે, રાજને કુમાન ક્લાસમાં જવાનું હતું. મમ્મી સવારથી જ કહેતી હતી, ‘કુમાનનું હોમવર્ક કર્યુ?’ અને રાજ રમતમાં પડેલો. આમેય એ થોડો તોફાની અને અટકચાળો ખરો. મમ્મીને ખૂબ પરેશાન કરે. મમ્મી પણ ઉપર ઉપરથી ગુસ્સે થાય પણ, પછી, એકદમ હગ કરી, બધો ગુસ્સો ભૂલીને, મીઠી કિસિ કરે. ડેડ કરતાં પણ વધુ મમ્મી રાજનું ધ્યાન રાખતી. તો, આખો દિવસ રાજ પણ મમ્મીની પાછળ પાછળ જ ફર્યા કરતો, જાણે કે મમ્મીનું પૂછ્ડું! જ્યારે રાજને પહેલીવાર ડે કેરમાં મૂકેલો, ત્યારે તે બારી પાસે ઊભો ઊભો, મમ્મીની રાહ જોતો રહ્યો હતો અને રડતો હતો. અને મમ્મી પણ એને જોઈને રડી પડેલી. કેટલો પ્રેમ કરતી હતી મમ્મી?
તે દિવસે પણ, મમ્મી નાસ્તો બનાવતાં બનાવતાં આવી અને કહે, “રાજ, કુમાનનું હોમવર્ક કરો બેટા. મારો દીકરો મોટો થઈને ઓફિસર બનશે. કે પછી ડોકટર? બહુ મોટો માણસ બનશે. મમ્મી તો બુઢી થઈ જશે તો સારવાર કરશે ને? મારો ડાહ્યો દીકરો. ચાલ જોઉં, હોમવર્ક કરી લે. કુમાન પછી સ્વીમિંગમાં જવાનું છે. ત્યાં તો તને ખૂબ મજા આવે છે, નહીં? ચાલ, આજ તો તને ટાકોબેલ અપાવીશ.” અને, રાજ જલદી જલદી હોમવર્ક કરવા બેસી ગયો.
એટલામાં ફોનની રિંગ વાગી. નીરજાએ ફોન ઉપાડ્યો.
એની મમ્મીનો ફોન હતો. શિકાગોથી.
“જયશ્રીકૃષ્ણ મામ.”
મમ્મીએ જવાબ આપ્યો,” જયશ્રીકૃષ્ણ.”
“મમ્મી, કેમ છે તું?”
મમ્મીએ જવાબ આપ્યો, “સારી છું. બસ તારી યાદ આવી એટલે ફોન કર્યો, ડોકટર પાસે જઈ આવી. બ્લડપ્રેસર હાઈ રહે છે. તારા પપ્પા પણ ઓકે છે. આજ કાલ ભૂલવાની બિમારી લાગી છે. હા, તું રાજ અને અવનિને ગીતાપાઠ કરાવે છે કે નહી.” નીરજાએ એક કાન પર રિસીવર ખભાથી પકડી રાખેલું, અને બે હાથથી ધડાધડ નાસ્તાની તૈયારી કરતી હતી. “મામ, મારે ભાગવું પડશે. રાજ ને કુમાનમાં લઈ જવો છે. હું તમારી સાથે સાંજે વાત કરીશ.’ મમ્મી એ કહ્યું, “હંમેશ જલ્દીમાં હોય છે, ક્યારેક તો શાંતિથી વાત કર!!”
“લવ યુ મામ. તબિયતનું ધ્યાન રાખજે. બાય મામ.” રિસીવર મૂકી એ ભાગી. જલદી જલદી અવનિને કપડાં બદલી, અને સેન્ડલ પહેરાવીને તૈયાર કરી. “મારો રાજ કેટલો ડાહ્યો થઈ ગયો છે? જાતે કપડા પહેરી લે છે અને શુઝ પણ!” અને જલદી જલદી કરની ચાવી લીધી. ટાઈટ જીન્સ અને આસમાની કલરના બ્લાઉઝ માં નીરજા શોભતી હતી. ત્રીસ વરસની નીરજા હજુ બાવીસ વરસની હોય, એવી દેખાતી હતી, પાતળી અને નાનકડી, સરસ લંબચોરસ ચહેરો. કોલેજની બહેનપણીઓ એને મનીષા કોયરાલા કહીને બોલાવતી. સુંદર મજાનું સ્મિત ચહેરા પર મઢેલું રહેતું. જ્વેલરી પહેરવાની ખૂબ શોખીન. હાથમાં વોચ, બ્રેસલેટ, ગળામાં નાનું હીરાનું પેંડલ અને મેચીંગ ઈયરરીંગ્સ. ઊંચી એડીના શુઝ! એકદમ આધુનિક મધર લાગતી હતી. લેક્સસીસ ગાડીની ચાલી લઈને તે ઘરમાંથી એટેચ્ડ ગરાજમાં ગઈ. ગરાજ ખોલી કારમાં અવનિને કાર સીટમાં બેસાડી રાજને આગલી સીટમાં બેસાડી સીટ બેલ્ટ બાંધ્યો. કાર રિવર્સ કરી ડ્રાઇવેમાં લાવી ગરાજ બંધ કર્યુ. એટલામાં નીરજાનું ધ્યાન પાછળ ગયું. અવનિએ કારસીટનો બેલ્ટ ખોલી નાંખ્યો હતો. એણે કાર પાર્કમાં મૂકી અને કારનો દરવાજો ખોલી પાછળનો દરવાજો ખોલી, કારસીટનો બેલ્ટ બાંધવા લાગી. દરમ્યાન ક્યારે રાજ ઊભો થયો અને ડ્રાઈવર સીટ પર જઈને ગિયર બદલીને કારને રિવર્સમાં મૂકી દીધી, એનું નીરજાને ધ્યાન ના રહ્યું. કાર ઢાળમાં દોડવા લાગી અને નીરજા દરવાજો ખોલીને ઊભી હતી અને કંઈ સમજ પડે એ પહેલાં જ, એ ટાયરમાં વિંટળાઈ ગઈ. કાર બહાર રસ્તા પર એક ઝાડ સાથે અથડાઈ ગઈ. રસ્તા પર કોલાહલ થઈ ગયો. રાજ તો હેબતાઈ ગયો હતો અને આ બનાવ જોતો રહી ગયો. એની વ્હાલી મમ્મી બેભાન થઈ ડ્રાઈવેમાં પડી છે, લોહી લુહાણ. આસમાની બ્લાઉઝ અને ટાઈટ જિન્સ લોહીથી તરબતર થઈ ગયું છે. એની આંખો પટપટતી નહોતી. મોઢું ખુલ્લું રહી ગયું છે, શબ્દો ગળે અટવાઈ ગયાં છે, એને બોલવું છે, પણ, એ સાવ ખામોશ થઈ ગઈ હતી. રાજ બોલાવી રહ્યો હતો, “મમ્મી….!” પણ અવાજ નથી નીકળતો. એમ્બ્યુલન્સ આવી. અવનિ, રાજ અને નીરજાને લઈને હોસ્પિટલ તરફ વળી. રાજ હજુ મમ્મીને તાકી રહ્યો છે. હમણાં મમ્મી બોલશે. ‘મારો દીકરો, ડાહ્યો દીકરો!’ પણ મમ્મી બોલતી નથી ચૂપ છે.
નીરજાના પતિ સોમિલને ઓફિસમાં સમાચાર મળ્યા. એ ભાગતો ભાગતો હોસ્પિટલ આવ્યો. શિકાગોથી નીરજાના મમ્મી-પપ્પા આવી ગયાં. નીરજા એમની એકની એક દીકરી હતી. મમ્મી ચિચિયારી પાડીને રડતી હતી. રાજ અવાક હતો. એનું બાળ માનસ કશું જ પ્રોસેસ નહોતું કરી શકતું. નીરજાની મમ્મી હોંશમા ન હતી. એણે રાજને હલબલાવી નાખ્યો.” આ તે શું કર્યુ બેટા? આ તે શું કર્યુ? રાજ પાસે કોઈ જવાબ ન હતો. ડોક્ટરે કહ્યું, “અમે શિકાગોના મહેમાનની રાહ જોતા હતા. હવે અમે લાઈફ સપોર્ટ કાઢી લઈએ? કારણ કે, નીરજા હવે બચી શકે એમ નથી.” ભારે હૈયે નીરજાના પતિએ રજા આપી. આ બાજુ લાઈફ સપોર્ટ નીકળતાં જ દસેક મિનિટમાં નીરજાનું પ્રાણપખેરૂં ઊડી ગયું. પોતાનાં લાડકવાયાને દુનિયાને હવાલે કરીને, એ તો આ દુનિયા છોડીને જતી રહી હતી. એનો લાડકવાયો જ એના મૃત્યુનું કારણ બન્યો હતો!
*******
રાજ પથારીમાં પડ્યો પડ્યો સીલિંગ તરફ તાકી રહ્યો હતો. એનું પ્રિય ગીત ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો, એ ગીત, એને આજે યાદ નહોતું કરવું. “તું કિતની અચ્છી હૈ, તું કિતની પ્યારી હૈ, ભોલીભાલી હૈ. ઓ મા, ઓ મા.” પણ, સ્મરણો ક્યાં કોઈનુંયે કહ્યું માને છે? એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા હતા. પંખો ફરી રહ્યો હતો. અમેરિકામાં રહેવા છતાં અને પાંત્રીસ વરસની ઉંમર થઈ છતાં, હજુ સુધી એણે ડ્રાઈવર લાયસન્સ લીધું ના હતું. નહીં તો હાઈસ્કુલમાં ભણતા છોકરા સોળ વરસે ઊંચા નીચા થતા હોય છે કે ક્યારે મારો સોળમો જન્મ દિવસ આવે અને કાર ચલાવું. પણ રાજે કોઈ ઉમળકો બતાવ્યો ન હતો. ડેડને એમ હતું કે ધીરે ધીરે એ આ અકસ્માત ભૂલી જશે અને બધું ઠેકાણે પડી જશે. પણ, આજ પણ, જ્યારે મા ના મૃત્યુને ત્રીસ વરસ થઈ ગયાં છે, છતાં મા નો ડ્રાઈવવેમાં તરફડતો દેહ એ ના ભૂલી શક્યો. પોલીસે એને કોઈ સજા નહોતી કરી પણ આ કડવી યાદની સજા સાથે એને જીવનભર જીવવાનું છે. રાજની પીડા કોઈ નહીં સમજી શકે આ પીડા છાતીમાં સંઘરીને એને જીવવાનું છે.
*****
સવારે ઊઠી રાજ ઓફીસ જવાની તૈયારી કરતો હતો, ત્યાં અવનિ યુનિવર્સિટીથી આવી. ભાઈની એ લાડકી બહેન હતી. ભાઈ જેટલો ઓછા બોલો અને શાંત હતો એવી જ અવનિ ચંચળ હતી. આ બનાવ બન્યો ત્યારે એ ખૂબ નાની હતી .એને કશું પણ યાદ ન હતું. પણ, મા વગર કેવી રીતે જીવવું એ એને આવડી ગયું હતું।
કારની ચાવી જોઈ એકદમ ઊછળી પડી. “ભાઈ, કાર મર્સીડીઝ? વાઊ! આપણાં માટે?” રાજે અવનિના હાથમાંથી ચાવી ઝૂંટવી
લીધી. અને એક કરુણા ભરી દ્રષ્ટિ બહેન તરફ નાખી. “બહેન તને ખબર નથી, પણ આ કારે જ તને નમાઈ કરી છે. મારી બહેન. તને યાદ નથી, પણ તારા આ ભાઈના હાથે આપણી મા….” ગળે ડૂમો ભરાઈ ગયો. એ આગળ ન કંઈ બોલી શક્યો કે ન અવનિ વધુ પૂછી શકી. રાજ ઘરેથી નીકળી ગયો. અને ટ્રેન પકડી ઓફીસ પહોંચ્યો. સીધો સી.ઈ.ઓ. પીટરની ઓફિસમાં ગયો. એક મિનિટ મર્સીડીઝની ચાવી હાથમાં રમાડી અને પછી ચૂપચાપ ચાવી ટેબલ પર મૂકીને બહાર નીકળી ગયો.
સુ શ્રી સપના વિજાપુરાની સ રસ વાર્તા મર્સીડીઝ
LikeLiked by 1 person
જયશ્રી તું મારી પ્રિય સખી છે. આભાર માનીને તારું માન ઓછું નહિ કરું। પણ આંગણાનું પ્લેટફોર્મ મળ્યું એનો ખૂબ આનંદ છે. મારી વિચારધારા લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ મળ્યું એ બહુ મોટી વાત છે.આ છતાં કહ્યા વગર રહી શકતી નથી કે દાવડા સાહેબને ખૂબ મિસ કરું છું. જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે આંખ ભીની થયા વગર રહેતી નથી. પણ કુદરત આગળ કોઈનું ચાલતું નથી ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે
સપના
LikeLiked by 1 person
આ વાર્તા મને વાંચતાંવેંત ખૂબ જ ગમી ગઈ. બહુ જ ક્લીન પ્લોટ, અને અસ્ખલિત આલેખન સાથે સચોટ પાત્રાલેખન. એક સરસ રીતે વહેતી વાર્તાની બધી જ બારિકીઓનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. ફ્લેશબેક અને વર્તમાન સમયમાં વાર્તાના પ્રવાહને ક્ષતિ પહોંચાડવા વિના આગળપાછળ લઈ જવી એ ક્યારેક લપસણી ભૂમિ બની પણ શકે. મને એનો અત્યંત આનંદ છે કે તેં આ બાબતનું પૂરતું ધ્યાન રાખ્યું છે. સપના, આભાર કદી “દોસ્તી અનલિમિટેડ”માં માનવાનો ન હોય બેના.
દાવડાસાહેબની કમી હું રોજેરોજ ‘આંગણું’ નું કામ સંભાળતા અનુભવું છું.
LikeLike
nice story. some moment never remove from eye & mind.
LikeLike
સપનાબહેન, હૈયું દ્રવી જાય એવી વાર્તા. સચોટ પાત્રાલેખન અને વાર્તાની પકડ ક્યાંય ઢીલી નથી પડી. ગઝલની જેમ વાર્તા પણ દમદાર છે.
LikeLike
હૈયું દ્રવી જાય એવી વાર્તા. સચોટ પાત્રાલેખન અને વાર્તાની પકડ ક્યાંય ઢીલી નથી પડી.
LikeLike