પ્રીતિ સેનગુપ્તા – પરિચય
પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવિયત્રી, વાર્તાકાર, નવલિકાકાર અને લેખિકા છે. તેમણે અનેક સુપ્રસિદ્ધ પ્રવાસવર્ણનો લખ્યા છે. કાકાસાહેબ કાલેલકર પછી, એવી જ ઉચ્ચ કક્ષાના પ્રવાસવર્ણનો લખીને, એમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે, જેને માટે આવનારી પેઢી એમને કાયમ યાદ રાખશે. ઉત્તર ધ્રુવનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય ને એ પણ ગુજરાતી સ્ત્રી તરીકે એમણે ભારતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
આ ઉપરાંત પણ, એમને મળેલા પારિતોષિકોનું લીસ્ટ ખૂબ લાંબુ છે, જે અહીં વિગતવાર આપવું શક્ય નથી. તાજેતરમાં ૨૦૧૯માં એમને પ્રતિષ્ઠિત નંદશંકર (નર્મદ) ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ચંદ્રક પહેલીવાર અમેરિકા સ્થિત કોઈ સાહિત્યકારને આપવામાં આવ્યો છે.
તેમણે ‘અશક્ય’ અને ‘નામુમકિન’ ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.
“પૂર્વ” તેમનું પ્રથમ પ્રવાસ વર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તે પછી તેમના અનેક પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમણે અંગ્રેજીમાં પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જુઇનું ઝુમખું’ (ગીત અને ગઝલ સંગ્રહ) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘ખંડિત આકાશ’ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને’ ઓ જુલિયટ’ પ્રગટ થયા હતા. ‘એક સ્વપ્નનો રંગ’ તેમનો વાર્તા સંગ્રહ છે.
‘અવર ઇન્ડિયા’ તેમનું છબીકલા પરનું પુસ્તક છે.
થોડા સમય પહેલાં, આપણે એમની ટૂંકી વાર્તાઓનો લાભ લીધો હતો અને આજે મને ખૂબ જ આનંદ છે કે એમના જેવા સંપૂર્ણ સાહિત્યકારની નીવડેલી અને સક્ષમ કલમનો લાભ નવલકથા રૂપે આપણને ફરી મળી રહ્યો છે. તારીખ જુલાઈ ૬, ૨૦૨૦, સોમવારથી એમની નવલકથા “બે કાંઠાની અધવચ” આપણે શરૂ કરી રહ્યાં છીએ. પ્રીતિબેનનું “દાવડાનું આંગણું”માં ખૂબ આદરપૂર્વક સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપ સહુ આ નવલકથાને ખુલ્લા દિલે આવકારશો અને માણશો.
જયશ્રી વિનુ મરચંટ (સંપાદક)
બે કાંઠાની અધવચ
પ્રકરણ ૧:
ટેલિફોન્ની ઘંટડી વાગતી રહેલી – એક, બે, ત્રણ
ઓહ્હો, સચિન અકળાવા માંડેલો.
ઓહ્હો, એ લેતી કેમ નથી? અંજલિને ચીઢ ચઢવા માંડેલી
ઓહ્હો, લઉં છું, કેતકી ફોનને કહેતી કહેતી રીસિવર ઉપાડવા દોડેલી.
કેટલી વાર, આઈ?
ક્યાં હતી, આઈ?
મને ફોન પકડી રાખવાની નવરાશ નથી, સચિન બોલ્યો.
ને મારી પાસે હશે, એમ? અંજલિએ ભાઈને ઉદ્દેશીને કહ્યું.
તને ભાવતા નારકોળ લાડુ બનાવતી હતી, બાબા, કેતકીનો શ્વાસ જરા ઊંચો હતો. હાથ ધોવા જેટલી વાર તો થાયને.
બસ, પતી ગયું. હવે બાબાને શું ફરિયાદ હોય? અંજલિએ હંમેશ મુજબ કટાક્ષ કર્યો.
લાડુના નામથી સચિન જરા નરમ થઈ પણ ગયો હતો. આઈના હાથના તો શું લાડુ ખાધે જ કેટલા મહિના થઈ ગયા.
તમારે બંને માટે છે. બંનેને ફૅડ-ઍક્સથી આજે જ મોકલી આપીશ. કાલે સાંજે તમે નિરાંતે ખાજો.
ત્રણે જણ આમ કોન્ફરન્સ કૉલ પર જ વાત કરી લેતાં, તે પણ વારંવાર તો નહીં જ. ફોનમાં આમ વાત કરતાં પણ દિવસો નીકળી જતા. છોકરાંઓ પાસે ફરિયાદ કરવા જેટલો હક્ક પણ કેતકી પાસે નહતો. ને કમાતાં થઈ ગયેલાં બાળકોને હવે ધમકાવાય તો શેનાં?
પણ ભાઈ-બહેનની વચ્ચે આવી મોટી ખાઈ ક્યારે ને કેવી રીતે બની ગઈ હશે? નાનાં હતાં ત્યારે તો કેવાં હળીમળીને રમતાં. અંજલિ ‘ભાઈ, ભાઈ’ કરતી સચિનની પાછળ ફરતી હોય, અને સચિન હા, સિસ, શું કહે છે સિસ?, કહેતો અંજલિનો ખ્યાલ રાખતો હોય. એ વખતે સચિન વળી સિસ્ટરનું સિસ કરીને, એવી અમેરિકન સ્ટાઈલથી, અંજલિને બોલાવવા માંડેલો.
ભૂલી ગયાં હશે આ બધું, આ ભાઈ-બહેન? હવે જાણે ઓળખાણ જ નથી રહી બંનેની વચ્ચે. મળવાનું તો ના બને, પણ ફોનમાં વાત કરવા જેટલો પણ રસ નહીં એકબીજામાં? બહુ જીવ બળતો કેતકીનો.
ત્રણે જણા જુદી જુદી જગ્યાએ રહે, મળવાનું ગોઠવવું તો તદન મુશ્કેલ. ભેગાં થવાનો ટાઈમ કોની પાસે છે તે? બંને છોકરાં પોતાની માને કહેતાં. પહેલાં પહેલાં કેતકી ક્યારેક સચિન અને અંજલિ પર ચિડાતી કે મન નથી થતું જરાય – ઘેર આવવાનું? મોટાં થઈ ગયાં એટલે બસ, છૂટ્ટાં? પણ તરત એ પોતાને જ લઢતી કે મન ના થાય એમાં એમનો શું વાંક? ઘર કહેવાય એવું હવે રહ્યું છે જ ક્યાં?
આ બધા વિચારથી પણ કેતકીનું મન થાકી જતું હતું. ફોન પરની પકડ જરા ઢીલી કરી, ને પાસેની ખુરશીમાં એ બેસી પડી. ઊંડો શ્વાસ લઈને એણે આંખો બંધ કરી. માથું ટેકવ્યું. કેટલી વાર માટે? સેકન્ડો પસાર થઈ હશે, કે બેએક મિનિટો? પણ વિચારમાં તો વર્ષોની યાદો વહી જતી હતી.
કેટલાં બધાં વર્ષો સુધી છોકરાંઓને જ નહીં, કેતકીને પોતાને પણ ક્યાં કશો ચોઈસ હતો ઘેર આવ્યા વગર. ને તે પણ સુજીતે ઠરાવેલા સમય પર. શરૂઆતથી જ ઘરમાં બધી બાબતે સુજીત કહે તેમ જ થતું ને. કેતકીને એમાં કોઈ તકલીફ નહતી. ને ક્યાંય સુધી નહતી ને શરૂઆતમાં તો એ ગમતું – કે હસબંડ કેવી ચિંતા કરે છે, કે પ્રેમથી કેવો હક્ક કરે છે.
ને એમ જ હોયને વળી, હસબંડ કહે તેમ જ કરવાનું હોયને, કુટુંબની સાથે જ હરવા-ફરવાનું હોયને, એવું બધું એ દિલથી માનતી. વળી, નાનપણથી ઘરમાં જોયું પણ એમ જ હોય ને.
ઘરના કાંઠા-કિનારા છોડીને, અમેરિકા આવ્યાં પછી, છેક શરૂઆતમાં તો જાણે સુજીતની આંખે જ નવો દેશ જોવાનો હતો, ને એની સાથે જ બહાર જવાનું હતું. સાંજે સાંજે તો નજીકમાં જ જવાનું રહેતું-શાકભાજીની કે ઈન્ડિયન ગ્રોસરીની દુકાનોમાં, કોઈ વાર વળી મૉલમાં, ને કોઈ મંગળવારે સિનેમા જોવા. ટૅલિવિઝનની એક સ્કીમને લીધે એક કાર્ડ મળતું, જેના પર અમુક હોલમાં દર મંગળવારે ફ્રી જવાતું.
સુજીતને ગમતી –એટલે કે કૉમૅડી અને રોમાન્સવાળી- અમેરિકન ફિલ્મ પડી હોય તો એ કેતકીને લઈને જતો. બંને પહેલાં પિત્ઝા ખાતાં. એ દિવસોમાં તો કેતકીને પિત્ઝા ભાવતો પણ નહીં. ખાવા આવતા લોકોની ભીડ જોઈ એને થતું, મેંદાના ચવ્વડ જાડા રોટલા માટે આવો શું ક્રેઝ હશે? આવું સાંભળીને સુજીત હસેલો તો ખરો, પણ એણે માથું હલાવ્યા કરેલું-સમજતી નથી કશું. પણ પછી એણે વિચારેલું, કે નાની જગ્યામાંથી આવી છે ને. ઘણું શીખવાનું છે હજી એને.
સુજીત સિનેમા-હૉલમાં જાય એટલે અંદર પૉપકૉર્ન અને કોકાકોલા તો ખરીદવાનાં જ. ત્યારે તો કેતકી ભારપૂર્વક ના જ પાડે, કે કોકાકોલાની આખી બાટલી તો એ પૂરી કરી જ નહીં શકે, ને સુજીતની બાટલીમાંથી એકાદ-બે ઘુંટડા લઈ લેશે.
બધી ફિલ્મો કેતકીને ગમતી નહીં, બધો અમેરિકન હ્યુમર અને બધી જોક્સ એને સમજાતાં નહીં, પણ એ વિચારતી કે કાંઈ નહીં, આ રીતે સમાજ વિષે જાણવા તો મળે છે ને. પ્રેમના ચેનચાળાવાળાં દ્રશ્યો જોતાં એને શરમ આવતી, ઘણો અણગમો થતો, પણ એ વખતે સુજીતને બહુ મજા પડતી. હૉલના અંધારામાં એ કેતકીનો હાથ દબાવતો, એને બાથમાં લેતો, ગાલ પર કિસ કરતો. ઘેર પહોંચ્યા પછી પણ એ રાતે એનો મૂડ એવો જ રહેતો. લગ્નજીવનમાં સંભોગ તો હોય જ, એ કેતકી સમજતી હતી, પણ આવી રીતે પેદા થતો ઉશ્કેરાટ એને અસ્વાભાવિક લાગતો.
સુજીતના આવા ઉશ્કેરાટથી કદી પોતે ટેવાઈ હતી ખરી? મનોમન પ્રશ્ન કરતી. મન તો જવાબ જાણતું જ હતું, પણ ક્યાંય સુધી કેતકીએ એ જવાબને ગણકાર્યો નહોતો, પત્ની તરીકેની ફરજમાં એ કોઈ રીતે કસર રાખવા માગતી નહોતી અને સુજીત એને નહતો ગમતો એવું હતું જ નહીં. વાતો એવી સરસ કરતો, અને મિત્રો સાથે ચર્ચા કરતો તો એને જોવા જેવો હતો. એની જરાક માંજરી આંખોમાં ચમક આવી જતી, અવાજ સહેજ ઊંચો થઈ જતો, અને શબ્દોને આકારતા જતા એના હોઠને જોયા જ કરવાનું કેતકીને મન થતું. સુજીતની આછી માંજરી આંખો તો પરણ્યા પહેલાંથી જ કેતકીને આકર્ષી ગઈ હતી.
ને, પહેલેથી જ, કેતકીની સાથે પાર્ટીમાં જવું સુજીતને બહુ ગમતું. સુંદર તૈયાર થવા માટે એ કેતકીને પ્રોત્સાહન આપતો. કેતકી સાડી જ પહેરે એવો સુજીતનો આગ્રહ હતો. ઘણી વાર પાર્ટીમાં સાડી પહેરેલી એકલી કેતકી જ હોય. કંઈક સંકોચથી એ વિચારતી કે બધાંને એ ચોક્કસ પછાત, કે કોઈ ગામડાની હોય તેવી લાગતી હશે.
અરે, ઓલ્ડ ફેશન્ડ શેની? સૌથી સરસ તું જ લાગતી હોય છે. બધીઓ તારા પર જલતી હશે, સુજીત ભારપૂર્વક કહેતો.
ઘણીવાર કેતકી પોતે જ જોતી કે વેસ્ટર્ન અથવા મૉર્ડન કપડાં બધાંને સારાં નહોતાં જ લાગતાં. અને ખરેખર, ટ્રૅડિશનલ પૂણેરી ને પૈઠણી સાડીઓ માટે તો, પાર્ટીમાં આવેલી બીજી સ્ત્રીઓ પાસેથી પણ, એને કોમ્પ્લિમેન્ટ મળતા. જોકે, એ સ્ત્રીઓને એવી ખબર ના હોય, કે એવી આર્ટિસ્ટીક અને ટ્રૅડિશનલ સાડીઓની વિશિષ્ટતા શું છે. છતાં, એમના તરફથી કોમ્પ્લિમેન્ટ મળે ત્યારે, અને જ્યારે સુજીત વખાણ કરે, કે પાર્ટીમાં તું જ સૌથી વધારે શોભતી હોય છે, ત્યારે, કેતકી મનોમન બહુ આનંદ અનુભવતી.
દરેક વખતે જો કોઈ એક જણ કેતકીને અચૂક કૉમ્પ્લિમેન્ટ આપતું હોય તો તે હતી વામા. એમ કાંઈ, બહુ જ વાર મળ્યાં હતાં, કે બહુ જ પાર્ટીઓમાં સાથે હતાં, તેવું નહતું. પણ જ્યારે મળે ત્યારે, એ કેતકીના પોષાકની નોંધ લેતી અને સરસ રીતે વ્યક્ત પણ કરતી.
સાદી સાડી હોય તો પણ એ વખાણ જરૂર કરતી જ-ક્યાં તો કાપડનાં, કે રંગનાં, કે પ્રિન્ટનાં, કે વણાટનાં. એને બધાં રાજ્યોમાં બનતી સાડીઓની ખાસિયતો વિષે ખબર હતી. વાહ, કેતકીને થતું
વામા, કેતકીએ નિઃશબ્દે નામ આકાર્યું. જેવો હતો નામનો અર્થ, તેવી જ હતી એ- સુંદર, રમણી.
અચાનક કેતકીથી ફરી એક ઊંડો શ્વાસ લેવાઈ ગયો.
“આઈ, આઈ,” ફોનમાંથી મોટા અવાજ આવતા હતા.
(વધુ આવતા અંકે, આવતા સોમવારે)
બે કાંઠાની અધવચ-સુ શ્રી પ્રીતિ સેનગુપ્તાની નવલકથાની સુદર શરુઆત
આગાઝ અચ્છા હૈ, અંજામ ખૂદા જાને
વધુ ની રાહ
LikeLiked by 1 person
બે કાંઠાની અધવચ-સુ શ્રી પ્રીતિ સેનગુપ્તાની નવલકથાની સુદર શરુઆત
LikeLike