વાત છે ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ ની, એ સમય હતો જયારે સમગ્ર ભારત દેશમાં એક જ વ્યક્તિની ચર્ચા થતી હતી ‘અન્ના હઝારે’- એક એવા વ્યક્તિ જેમને જન લોકપાલ બીલની માંગણી કરી અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું પ્રત્યેક નાગરિકને દેખાડ્યું.
એ સમયે મેં પણ એમનાથી ખુબ જ પ્રેરિત થઈ ઢગલાબંધ રેલીનું આયોજન કરી એમને સમર્થન આપવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. એ સમય દરમિયાન મારા શહેર નડિયાદના અમુક વ્યક્તિઓ અનશન(ઉપવાસ) પર બેસેલા. એક સાંજે ત્યાં જવાનું થયું, ત્યાં એક બહેનની બાજુમાં જઈને બેઠી.
૩૨-૩૫ વર્ષની એમની ઉંમર હશે, સુંદર ચોખ્ખો ચીકનનો સફેદ ડ્રેસ પહેરેલો, હાથમાં બંગડી,ઘડિયાળ, સુંદર સોનેરી રંગની નેઈલપોલીશ, સરસ વાળ ઓળેલા. એકદમ વ્યવસ્થિત બહેન હતા. મે એમનું નામ પૂછ્યું. નામ હતું સુધા પટેલ. મે સહજ ભાવે જ પૂછ્યું કે, ‘તમે શું કરો છો? ક્યાં રહો છો?’ એમનો જવાબ હતો, “મારું નામ ગુગલ પર લખજે – સુધા પટેલ, ચાંગા ગામ, તને બધી માહિતી મળી જશે!” ૨ મિનીટ માટે તો લાગ્યું કે બહેન મજાક જ કરતા હશે અને હું એમને ખાસ ઓળખતી ન હતી, એટલે હું ચુપ રહી અને ઘરે આવી ગઈ. આવીને મેં પહેલું કામ ગુગલ કરવાનું કર્યું.
તેઓ એકદમ સાચ્ચા હતા! એમના વિષે વાંચીને હું અચંબિત થઇ ગઈ.
એમનો જન્મ ચાંગા ગામે થયો. અંગ્રેજીમાં એમ.એ કરીને માત્ર ૨૧ વર્ષની ઉંમરે તેઓ ચાંગા ગામના સરપંચ બન્યા હતા અને ૫ વર્ષ સુધી કામ કરેલું અને ગામનો મહત્તમ વિકાસ એ દરમિયાન જ થયો. એમનાથી ૩ ગણી ઉંમર ધરાવતા પુરુષો સાથે કામ કર્યું, ત્યારબાદ હરિદ્વાર જઈને યોગગુરુ રામદેવબાબા સાથે યોગશિક્ષણ લઈને નડિયાદ શહેરમાં પહેલ વહેલું પતંજલિ ચિકિત્સાલય એમણે શરુ કર્યું. કેટલીય સંસ્થાઓમાં ઢગલાબંધ સેવાઓ આપે છે. લેટેસ્ટ ફોન અને લેપટોપ વાપરે છે. તેમને અમેરિકન સરકારે “10 outstanding person of the world” નો એવોર્ડ પણ એનાયત કરેલો છે. તમને થશે, તો આમાં શું થયું? આમાં કઈ નવાઈ જેવું ના લાગ્યું!
ધ પોઈન્ટ ઇસ: તેઓ જન્મથી જ અંધ છે!
થોડી ખાટી, થોડી મીઠીમા સુ શ્રી દીપલ પટેલની પ્રેરણાદાયી વાતમા થોડૂં આગળ…સુ શ્રી સુધાજીના શબ્દોમા
‘પ્રજ્ઞાચક્ષુઓને પણ હું આ જ કહું છું કે પરિસ્થિતિનો સ્વીકાર કરવો, નકારાત્મક વિચારવું નહીં. શક્ય તેટલી પોતાની જાતને તૈયાર કરવી. બાકી બીજી વ્યક્તિઓતો પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જ મદદ કરશે. એટલે જ્યારે મને કોઈ ના પાડે તો હું બમણી શક્તિથી આગળ વધું. કોઈની ‘ના’થી તમારો વિકાસ અટકવો ન જોઈએ. હું ભલે જોઈ ન શકતી હોઉં પણ કોઈપણ સ્થળ કે વ્યક્તિને દશ જ મિનિટમાં તેના વાઈબ્રેશનથી ઓળખી લઉં છું. કોઈના પણ મકાનમાં પ્રવેશતા સમજાઈ જાય કે તે બંધિયાર છે કે મોકળાશવાળું. એમ જ કોઈપણ વ્યક્તિની સાથે દશ મિનિટ વાત કરવા માત્રથી સમજાઈ જાય કે સામી વ્યક્તિ કેવી છે. અંધ હોય કે દેખતી હોય દરેક વ્યક્તિને બીજી વ્યક્તિની જરૂર પડતી જ હોય છે. દરેક કામ તમે જાતે કરી જ નથી શકતા. એટલે મને તો મારામાં કે તમારામાં કોઈ ફરક જણાતો નથી. આજે તો ટેકનોલોજીને કારણે દુનિયા સરળ થઈ ગઈ છે. હું મારા દરેક કામ ઓનલાઈન કરી શકું છું. બેંકમાં જવું નથી પડતું કે રેલવે સ્ટેશન ટિકિટ બુક કરાવવા જવાનીય મને જરૂર નથી પડતી. બોલતા સોફ્ટવેર દ્વારા અમે દરેક પ્રજ્ઞાચક્ષુઓ એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. વ્હોટ્સએપમાં અમારું ગ્રુપ પણ છે. જેવી નવી ટેકનોલોજી આવે કે અમે એકબીજાને જણાવીએ. એકબીજાને શીખવામાં મદદ કરીએ. ખરું કહું કોઈને પણ આપણે ગરજ બતાવવી નહીં. સામી વ્યક્તિને ખબર પડે કે આને મારી ગરજ છે તો પજવે. જાણીજોઈને નહીં પણ તેમને સામી વ્યક્તિની પ્રાયોરિટી ન સમજાય. ચા પીને કરી આપું કે કલાક પછી કરી આપું છું એવા જવાબ મળી શકે. એટલે જ દરેક પરિસ્થિતિમાંથી રસ્તા કાઢતાં શીખવાનું હું શીખી છું./
LikeLiked by 3 people
સુધાજીને જો ઉપમા આપવી હોય તો અદભુતજ આપી શકાય.. આવા ઘણા વીરલાઓ હોય છે, પણ, તેઓને જાહેરમાં Limelight લાવવાવાળા બહુ ઓછા હોય છે.
પ્રેરણાત્મક બહુ સુંદર પ્રસંગ આલેખ્યો છે.
LikeLiked by 2 people
દિપલબહેને થોડી ખાટી મીઠીની છેલ્લી પંક્તિમાં સુધા પટેલનુ રહસ્ય ખોલ્યું કે તેઓ જન્મથી અંધ છે.
“પ્રજ્ઞાચક્ષુઓને પણ હું આ જ કહું છું કે પરિસ્થિતિનો સ્વીકાર કરવો, નકારાત્મક વિચારવું નહીં. શક્ય તેટલી પોતાની જાતને તૈયાર કરવી. બાકી બીજી વ્યક્તિઓતો પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જ મદદ કરશે. એટલે જ્યારે મને કોઈ ના પાડે તો હું બમણી શક્તિથી આગળ વધું. કોઈની ‘ના’થી તમારો વિકાસ અટકવો ન જોઈએ.”
સુધાબહેનના આ શબ્દો વાંચી હમણા જ ફેસબુક પર જોયેલો એક વિડિઓ યાદ આવી ગયો. “જાયકેકા તડકા” રેસીપી દર્શાવતી ચેનલમાં આવા જ પ્રજ્ઞાચક્ષુ બહેન આશાનો વિડિઓ હતો અને જન્મથી અંધ આશાબહેન સ્વસ્થ દેખતી બહેનોની જેમ રસોઈ કરી રહ્યાં હતાં એ યાદ આવી ગયું. એમની વાતોનો આત્મવિશ્વાસ સુધાબહેન જેવો જ હતો.
LikeLike