કદી ન આંગણ તુલસી વાવી, કદી ન બાંધ્યાં તોરણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?
જાતે થઈ ખંડેર ઊભાં છો હવે એકલા ઝૂરો
તમે ખરા છો સાંકળ મારી ઘરને ઘરમાં પૂરો
નસીબમાં પણ એને આવ્યું આખેઆખું રણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?
દીવાલ ઉપર પડ્યા ઉઝરડા કેમ કરી એ જોવે?
બારસાખ પર ચીતરેલા એ મોર હજી પણ રોવે
હજી નેજવું કરી જુએ છે રાહ તમારી તો પણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?
તેજસ દવે
અમદાવાદમાં રહેતા કવિ તેજસ દવેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઓગળતી જિંદગીના સમ’ વાંચવું અને ઠરવું ગમે એવો ગીતસંગ્રહ છે. પ્રસ્તુત ગીત પોણી જિંદગી ઘરને આપતી ગૃહિણીની અંતરંગ વ્યથાને વ્યક્ત કરી ગૃહસ્થને આડે હાથે લે છે.
પુરુષપ્રધાન સમાજ એકવીસમી સદીમાં પણ અત્રતત્રસર્વત્ર જોવા મળશે. ગામમાં એનો દેખાવ કઠોર હશે અને શહેરમાં સોફેસ્ટિકેટેડ હશે, પણ અંદરની વાત તો એક જ રહે છે. ગૃહસ્થ અને ગૃહિણી આ બંનેની વેવલેન્થ પરથી ઘર ખરેખર ઘર બનતું હોય છે.
અચૂક જોવા મળે છે કે પતિદેવોની ચાંચ ઘરના કામમાં ડૂબતી નથી અથવા તો એમની ઉદાસીનતા નિષ્ઠાને વળોટી જાય છે. માળિયે રાખેલી પસ્તી ઉતારવાની હોય કે પંખા લૂછવાના હોય; તેઓ આ પ્રકારના કામો કરવાને બદલે સાક્ષીભાવે બધું જોયા કરે છે. એ વખતે તેમનામાં નિરંજન ભગત પ્રવેશી જાય છેઃ હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? ક્રિકેટ મેચ ચાલુ હોય ત્યારે આ સાક્ષીભાવ સળવળાટ કરી એવરેસ્ટના રોમાંચને આંબી જાય. પત્ની માટે આ કાયાકલ્પ સમજવો મુશ્કેલ છે. સોફા ઉપર ઠઇઠું બેસીને બધું જોયા કરતા શરીરમાં અચાનક ચોગ્ગા-છગ્ગા ફૂંકાય.
ઘર ચલાવવાની જવાબદારી ઉભય પક્ષે છે. અઢારમી સદીની માનસિકતા સાથે એકવીસમી સદીની જરૂરિયાતો મેળ નથી ખાતી. એક આવકમાં ચાલતું ઘરે હવે બે આવક માગે છે. સ્ત્રીએ જ્યારે જૉબ પણ સંભાળવાની આવે અને ઘર પણ સાચવવાનું આવે ત્યારે પુરુષની જવાબદારી વધવી જોઈએ. રેસ્ટોરાંમાં ઑર્ડર આપીએ એ રીતે ઘરમાં ઑર્ડર છોડવાની ગુસ્તાખી આપણને કોઠે પડી ગઈ છે.
ડાઈનિંગ ટેબલ ઉપર બધી સામગ્રી ગોઠવવાની હોય એમાં પણ કોઈ મદદ ન કરે. થાળી પીરસાય પછી જ જનાબ સદેહે ઊભા થાય. ગૃહિણી અરજ કરે કે ન કરે, ઘરમાં હાથવાટકો થવું એ ફરજ પણ છે અને ગરજ પણ છે. થાળીમાં પીરસાતા ભોજન પાછળનો પરિશ્રમ જેને દેખાતો નથી એમની આંખો ઉપર નિષ્ઠુરતાની સેલો ટેપ ચોંટી હોય છે. મદદ કરવાની વાત તો જવા દો, પ્રિયજનમાં જે પ્રતિભા છે એની ઓળખ પણ નથી હોતી. ઓળખ થાય તો વિકસવાની તક દાબી દેવામાં આવે. સુપેરે તન વાંચી શકતી ઇચ્છાઓ મન વાંચવાનું સિફતપૂર્વક ચૂકી જાય છે.
સ્ત્રીમાં ઈશ્વરે ભારોભાર સંવેદના મૂકી છે. બાળકના ઉછેર અને પોતાની પ્રતિભાના વિકાસ વચ્ચે જો પસંદગી કરવાની આવે તો એ બાળકને જ પ્રાધાન્ય આપશે. આવા તબક્કે એના સંવેદનને માન આપીને એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મોરના ટહુકા ઉછેરતી છોકરી પરણ્યા પછી ડૂસકાં લણતી થઈ જાય એમાં વાંક કોનો? એના સપનાંઓ ઉપર છોડાતા ટિયર ગેસ અને ફિયર ગેસના શેલ ઘાતકીપણાનો પુરાવો છે. બહુ કપરું હોય છે એક જગ્યાએથી ઉખડીને બીજી જગ્યાએ રોપાવું. રોપાયા પછી જો સરખા ખાતર-પાણી ન મળે તો છોડ અને કોડને મુરઝાતા વાર નથી લાગતી. પાછા પગ કરવા અશક્ય હોય અને છતે પગે સ્ટેચ્યુ થઈ જવાની નિયતિ સર્જાય એ સ્ત્રીત્વ ઉપર કુઠરાઘાત છે. વિશાળ હૃદય સાથે સંકુચિત વલણને ગળી જવાનું અઘરું કામ તે કરે છે. સવારે હડહડ થયેલી હયાતી સાંજે રાહ જોતી ઊભી હોય. એ વખતે પણ એ ચોક્કસ નથી હોતી કે વડકાં મળશે કે વ્હાલ. સમર્પણ સ્ત્રીનો ગુણ છે, પણ સંવેદન પુરુષનો ગુણ ક્યારે બનશે?
વ્યક્તિગત વેદના પછી સામાજિક વાસ્તવિકતાનો ચિતાર આપતું એક અન્ય ગીત સંગ્રહમાંથી તારવ્યું છે.
ફુટપાથે સૂતેલાં ભૂખ્યાં કોઈ બાળકની
આંખો પર ધ્યાન કદી દેજો
છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી
તમને ના વાગે તો કહેજો
ઈંટ અને સિમેન્ટે ભીંતો બંધાય
એમ લાગણીઓ થોડી બંધાય છે?
ભીંતેથી પોપડા ખરે ને એમ રોજ
અહીં માણસ પણ જર્જર થઈ જાય છે
ડામરના રસ્તા પર કાળીધબ ઇચ્છાના
એકલા નિસાસા ન લેજો
સૂરજ ડૂબે ને પછી ટળવળતી સાંજ
રોજ ટોળે વળીને મૂંઝાય છે
અહીં નાનકડા રોટલાનો ટુકડો પણ
માણસની આંખોનું સપનું થઈ જાય છે
કાચ સમી જિંદગીને સાચવતા માણસની
આંસુની ધાર કદી સહેજો
***
વાહ! તેજસભાઈની અંતરને ઢંઢોળતી સચોટ રચનાઓ…
“નાનકડા રોટલાનો ટુકડો પણ
માણસની આંખોનું સપનું થઈ જાય છે”
હિતેન આનંદપરાનો આસ્વાદ અને રજુઆત માટે આભાર.
LikeLike
કવિ: તેજસ દવેની રચના ઘરની તરસ નો : હિતેન આનંદપરાનો સ રસ ~ આસ્વાદ
નસીબમાં પણ એને આવ્યું આખેઆખું રણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?
દીવાલ ઉપર પડ્યા ઉઝરડા કેમ કરી એ જોવે?
વાહ
સમર્પણ સ્ત્રીનો ગુણ છે, પણ સંવેદન પુરુષનો ગુણ ક્યારે બનશે?
વ્યક્તિગત વેદના પછી સામાજિક વાસ્તવિકતાનો ચિતાર આપતું એક અન્ય ગીતમા
સૂરજ ડૂબે ને પછી ટળવળતી સાંજ
રોજ ટોળે વળીને મૂંઝાય છે
અહીં નાનકડા રોટલાનો ટુકડો પણ
માણસની આંખોનું સપનું થઈ જાય છે
કાચ સમી જિંદગીને સાચવતા માણસની
આંસુની ધાર કદી સહેજો…કરુણ રસ પ્રધાન વાસ્તવિકતાનો ચિતાર આપે
LikeLike
ROTI-KAPDA-MAKAN. DAREK NE JARUR CHE, BHATKYO-BHULO MUSAFIR SAJ PADE GHAR AVE THAK UTRI JAY. ROTI KHI SUVE PAN STREE NE NA OLKHE. STREE J CHE TO MARU GHAR CHE.
LikeLike