
દીપલ પટેલઃ પરિચય
અભ્યાસે કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં માસ્ટર્સ કરેલું છે, 2.5 વર્ષ પ્રોફેસર અને 1.5 વર્ષ eBayમાં સોફ્ટવેર ડેવેલપર તરીકે કામ કર્યું છે.
Tahuko.comમાં કન્ટ્રીબ્યુટર છે નોર્થન કેલિફોર્નિયામાં 5 વર્ષથી tahuko.com અને અન્ય ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમોનું સંચાલન કરેલું છે. ગુજરાતી ભાષામાં પોતાના બ્લોગ ઉપર, ટ્રાવેલબ્લોગ લખે અને પુસ્તક પરિચય લખે છે.
ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ ધરાવે છે. સાહિત્યપ્રેમી અને ભાષા પ્રેમી છે.

બ્રિન્દા ઠક્કર –પરિચય
અભ્યાસે સોફ્ટવેર એન્જીનીયર. ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ. અઢી વર્ષ કન્ટેન્ટ માર્કેટિંગ એક્સપર્ટ તરીકે બેંગ્લોરમાં ‘પ્રતિલિપિ’ સાથે કામ કર્યું. તેમાં સાહિત્યકારોના 200 જેટલાં ઇન્ટરવ્યૂ કર્યા – ગુજરાતી અને હિન્દી ભાષામાં.
અત્યારે ચેન્નાઈમાં રહે છે અને ફ્રીલાન્સર તરીકે કામ કરે છે..
લખવાનો અને વાંચવાનો ખૂબ શોખ છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સ્પીકર તરીકે આમંત્રણ મળેલું.
‘मुक़ाम Zindagi’ યુટ્યુબ ચેનલ દ્વારા આસપાસના માણસોની પ્રામાણિકતા, નિષ્ઠા અને જિવાતી જિંદગીઓ વિશે, મેં કરેલા પ્રવાસો વિશે અને સાહિત્ય વિશેની વાતો કરવી છે.
ફેસબુક પેજ : https://www.facebook.com/brinda.thakkar.33
https://www.facebook.com/mukaamzindagi/
યુટ્યુબ ચેનલ : https://www.youtube.com/channel/UCSTu8nKYaB7XKDw4DjQIEAg
આજે “દાવડાનું આંગણું”માં ગુજરાતી સાહિત્ય અને કલા જગતના બે નવયુવાન ચહેરાઓ, દીપલ પટેલ અને બ્રિન્દા ઠક્કરનું સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આ બેઉ જોશથી ભરપૂર અને હોશ ને હોંશથી ગુજરાતી ભાષાની સેવા કરતી યુવાન, તરવરતી યુવતીઓ, આપણા સહુ માટે એક ખુબ સરસ, વાંચવી, સાંભળવી અને જોવી ગમે એવી ઓડિયો-વીઝ્યુઅલ સિરીઝ, “મુકામ Zindagi” લઈને આવ્યાં છે, જેનો લાભ આપણને દરેક શુક્રવારે મળશે. દીપલ અને બ્રિન્દા, આપ બેઉનો આભાર કે આટલી સુંદર સીરીઝ અમારી સાથે શેર કરી.
સ્કૂલ! – ~ બ્રિન્દા ઠક્કર – વિડીયો રજૂઆતઃ દીપલ પટેલ
એક એવી દુનિયા હતી, જેનો દરેક દિવસ કંઈક નવું લઈને આવતો.
સવારે નાસ્તો કરતાં- કરતાં કરેલું હોમવર્ક, ખાટી આંબલી લેવા માટે ભેગા કરેલા પૈસા, યુનિફોર્મના ખિસ્સામાં લખોટી અને ભમરડા સંતાડીને લઈ જવાતા.
રીસેસમાં ફટાફટ નાસ્તો પૂરો કરીને દોડ-પક્કડ રમતાં, રોજ ઘૂંટણ છોલાતા અને પડી જઈએ એટલે રોજ દોસ્તો આપણી પર હસતાં. ને તો પણ કેવા તરત ઉભા થઈને, ધૂળ ખંખેરીને દોડવા લાગતા! અત્યારે આટલું જલ્દી ઉભા થઇ શકીએ છીએ? કેટલી વાર લાગે છે બધું ખંખેરતા?
લગભગ રોજ ઝઘડા થતા. ક્યારેક માર-પીટ સ્કૂલમાં થઇ જતી, તો ક્યારેક “તું બહાર આવ એટલે તારી વાત છે!”- આવી ધમકીઓ અપાતી. સાવ નિર્દોષ ધમકીઓ! રીસેસમાં માર્યા હોય એકબીજાને અને સ્કૂલ પત્યા પછી સાથે સાઈકલ ચલાવીને ઘેર જતા હોઈએ! પેન્સિલ અને પેનની અણી જાણે AK-47 હતી. જે દિવસે ના- ગમતી છોકરી રિબીન નાંખવાનું ભૂલી ગઈ હોય, એ જ દિવસે મૅડમને યાદ કરાવાતું કે રિબીન અને બેલ્ટ ચેક કરોને મેડમ!! અને પેલી છોકરીને ક્લાસની બહાર કાઢે, એટલે આપણે જાણે ઈલેક્શન જીતી ગયા હોઈએ એટલી ખુશી થાય.
ક્લાસમાં ખોટે ખોટી છીંક ખાવાની ને બધાંને ડીસ્ટર્બ કરવાના, ખિસ્સામાંથી સિંગ- ચણા ખાવાના ને પાસ કરવાના છેલ્લી બેંચ સુધી- સાહેબ જોઈ ના જાય એ રીતે! કોઈ છોકરો એક જ છોકરીને જોઈ રહ્યો હોય તો એને પકડી પાડવાનો ને રોજ હેરાન કરવાનો! સર કે મૅડમની કોઈ એક વાતની નકલ રોજ કરવાની, એકનો એક શબ્દ કેટલી વાર બોલે છે એ ગણવાનું!
હોમવર્ક ન કર્યું હોય ત્યારે, અંગુઠા પકડાવતા મારી સ્કૂલમાં, અને પીઠ પર નાનો ચૉક મૂકે. થોડા પણ હલીએ તો ચૉક પડી જાય અને 10 ફૂટપટ્ટી હાથમાં મારે! આજે અચાનક હથેળી પર ધ્યાન ગયું ત્યારે નોટીસ કર્યું કે બધા જેવી સોફ્ટ હથેળી નથી મારી! એની મુલાયમતા એ ફૂટપટ્ટીઓને અર્પણ કરી દીધી હતી વર્ષો પહેલાં! ધૂળમાં રમી- રમીને કપડાં મેલા કરતા, પણ મન કેટલા ચોખ્ખા હતા ત્યારે! અને આજે?
એક વાક્ય ખોટું બોલવાનું હોય તો થરથર ધ્રુજતાં! આંખો ઉંચી ન થઇ શકતી અને ખોટું બોલ્યાનો ભાર રાત્રે ઊંઘવા ન દેતો! અને હવે આપણે આંખોમાં આંખો નાખીને કેટલું સિફતથી ખોટું બોલી નાંખીએ છીએ! ભણેલા- ગણેલા સમજદાર થઇ ગયાને હવે, એટલે કદાચ!
નદી- પર્વત રમતાં ત્યારે કેટલું આસાનીથી પૂછી લેતા – નદી જોઈએ કે પર્વત? અને અત્યારે કલીગને કે રૂમમેટને એટલું પણ પૂછીએ છીએ કે તને પંખો ધીમો ફાવશે કે ફૂલ?
આમ તો મોટા થઈએ તેમ જ્ઞાનની સાથે સમજદારી અને સરળતા વધવી જોઈએ એના બદલે ઊંધી જ દિશામાં ચાલવા લાગીએ છીએ! મુક્ત થવાને બદલે બંધાતા જઈએ છીએ, બાંધતા જઈએ છીએ!
નાના હતાં ત્યારે એટલે નિખાલસ રહી શકતાં હતાં, કારણકે જે નહોતું ગમતું એ તરત કહી દેતા. જૂનું તરત ભૂલી જતાં. ભેંકડો તાણીને રડતાં અને ખડખડાટ હસી પડતાં! હવે બધું જ ઍટીકેટ્સ, મૅનર્સ અને ડીસન્ટ નામની કૅટેગરીમાં વહેંચાઈ ગયું છે. એ બધાની જરૂર છે જ, પણ આખો દિવસ??
એ ખાટી આંબલીઓ, ચણી બોર, સાઈકલની ઉતરી ગયેલી ચેન, વારંવાર લેવા પડતા દાવ, નવા નવા ચશ્માં આવ્યા હોય અને બધાં સામે જોઈ રહ્યા હોય એ ફીલિંગ, સાહેબે છુટ્ટુ મારેલું ડસ્ટર, 2 કલાક પકડેલા અંગુઠા અને કોપી પેસ્ટ કરેલા નિબંધ! અમૂલ્ય ખજાનો હતો આપણી પાસે! અને આ બધુંય આટલી હદે યાદ રહી શક્યું છે આપણા એ દોસ્તોને કારણે! આજે એમાંથી કેટલા આપણી પાસે છે?
વ્રતના જાગરણ વખતે, સોસાયટીના છોકરાઓ સવારના ચાર વાગ્યા સુધી સાથે ને સાથે જાગતા અને અમારું જાગરણ ઉજાગરો ન બની જાય એની કાળજી રાખતા. છોકરીઓ સ્કૂલમાં રજા પાડી શકતી, પણ છોકરાઓએ ક્યારેય રજા પાડી નથી!
આ બધું નિર્વ્યાજ, નિખાલસ, સહજતાથી છલોછલ જીવન આપણે કેટલું પાછળ છોડી આવ્યા છીએ! એકવાર ફરી પ્રયત્ન ન કરી શકાય, બાઝી ગયેલી ધૂળ અને ચડી ગયેલા કાટને ખંખેરવાનો?
Preview YouTube video સ્કૂલની યાદોનો ખજાનો ખોલીએ,દોસ્તોને એકવાર યાદ કરી લઈએ!
સુ શ્રી બ્રિન્દા ઠક્કરની સ્ક્રીપ્ટઃ “મુકામ Zindagi” ની
ખૂબ સ રસ રજૂઆત કરી સુ શ્રી દીપલ પટેલે
ધન્યવાદ
LikeLiked by 2 people
અભિનંદન અને શુભેચ્છા દીપલ! સરસ અવાજ, સ્ક્રીપ્ટ પણ સરસ.
LikeLiked by 1 person
વાહ. લખાણ અને પઠન -બંને સરસ.
LikeLiked by 1 person
બ્રિંદાબહેનનુ લખાણ અને દીપલબહેનના મધુરા અવાજે બાળપણની યાદ તાજી થઈ ગઈ. અત્યારે ગૌરીવ્રત અને જયા પાર્વતીવ્રત શરૂ થયા છે ત્યારે મને પણ મારા એ મિત્રોનો સાથ અને જાગરણની મજા યાદ આવી ગઈ. મિત્રોને સમર્પિત એક કાવ્ય મેં લખ્યું છે.
“મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી.”
http://www.smunshaw.wordpress.com
LikeLiked by 1 person
ખૂબ સ રસ રજૂઆત..
LikeLiked by 1 person