ડો. બાબુ સુથાર જેવા વિદ્વાન ભાષાશાસ્ત્રી અને સાહિત્યકાર પાસેથી એમની આત્મકથા “મને હજી યાદ છે” અને ગુજરાતી ભાષાના વ્યાકરણ-વિજ્ઞાનનું જ્ઞાન કરાવતી સીરીઝ, “ભાષાને શું વળગે ભૂર” મળી, એ “દાવડાનું આંગણું”નું સૌભાગ્ય છે. ગયા અઠવાડિયે “ભાષાને શું વળગે ભૂર” નો છેલ્લો હપ્તો હતો.
આજે એમની વિદ્વતાસભર કલમ આપણને વિશ્વ સાહિત્યના વાર્તા જગતના બગીચામાં ટહેલવા લઈ જાય છે. એમણે નીચેના લેખમાં કહ્યું છે તેમ, કોપીરાઈટના કારણે વાર્તાઓના ભાષાંતર કરવા શક્ય નથી પણ રસાસ્વાદ તો જરૂર કરાવી શકાય. તો આવો, આપણે આજથી આ નવી પ્રારંભ થતી સિરીઝ, “વાર્તા રે વાર્તા” ના શ્રી ગણેશ કરીએ. બાબુભાઈ, આપને “આંગણું” અને એના વાચકો વતી વંદન કરું છું અને આટલો સમય ફાળવીને આટલા સુંદર રત્નોની ગુજરાતી ભાષાને ભેટ આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજથી શરૂ કરીને જ્યાં સુધી બાબુભાઈ થાકે નહીં ત્યાં સુધી, દર શુક્રવારે, આપણે આ “વારતા રે વારતા” માં રજુ થનારા, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ, એમની તાકતવર અને અભ્યાસુ કલમ થકી માણવાનું વાચક મિત્રો, રખે ને ચૂકી જતાં! આજનો પહેલો હપ્તો, આપણને વિશ્વ સાહિત્યની વાર્તાઓના ખજાનાને ‘ખૂલ જા સીમસીમ” કહીને દરવાજા ખોલી આપે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાબુભાઈ.
“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર
વાર્તાલેખકોને બોલાનોની સલાહ
બાબુ સુથાર
ચીલીના લેખક રોબર્તો બોલાનોએ (Roberto Bolano) Advice on the Art of Writing Short Stories નામનો એક સરસ લખ્યો છે. એમાં એમણે વાર્તાલેખકોને બાર સલાહો આપી છે. જો કે, આ સલાહો આપતી વખતે એમણે લેટિન અમેરિકન ભાષાના લેખકોને ધ્યાનમાં રાખ્યા છે. એમ છતાં મને એવું લાગે છે કે એમની ઘણી બધી સલાહ આપણને પણ કામ લાગે એવી છે.
પહેલી સલાહ આપતાં એ કહે છે કે કદી પણ એક જ વાર્તા લખવાનું શરૂ ન કરો. જો તમે કોઈ એક જ વાર્તા પર ધ્યાન આપશો તો કદાચ જીવનની છેલ્લી ઘડી સુધી તમે એ એક જ વાર્તા લખતા રહેશો. મને એમની આ વાત સાચી લાગે છે. હું પણ ક્યારેય કોઈ એક જ વાર્તા લઈને બેસી રહેતો નથી. ઘણી વાર એવું બને કે એક વાર્તા લખતો હોઉં ને બીજી વાર્તા સૂઝે. એવું થાય ત્યારે હું પહેલી વાર્તા પડતી મૂકીને બીજી વાર્તા પર કામ શરૂ કરું. પછી જો એ વાર્તા પૂરી થઈ જાય તો પાછો પહેલી વાર્તા પર પાછો આવું. જો કે, ક્યારેક એવું બન્યું છે ખરું કે હું બીજી વાર્તા લખતો હોઉં ને ત્રીજી વાર્તા સૂઝે. હું બીજી વાર્તાને પણ પડતી મૂકું. એકાદ બે વાર એવું પણ બન્યું છે કે ત્રીજી વાર્તા લખાયા પછી હું પહેલી વાર્તા પર આવું ત્યારે એ વાર્તામાં હું ખરેખર શું કરવા માગતો હતો એ જ ભૂલી જાઉં. મારી પાસે હજી પણ એવી પાંચ સાત વાર્તાઓ પડી છે. મને ખબર નથી કે એમાં હું શું કરવા માગતો હતો.
બીજી સલાહ આપતાં બોલાનો કહે છે કે સૌથી સારું તો એ છે કે તમે એક સાથે ત્રણ કે પાંચ વાર્તાઓ લખવાનું શરૂ કરો. જો તમારામાં સર્જનાત્મક શક્તિ હોય તો તમે એક સાથે નવ કે પંદર વાર્તાઓ પર પણ કામ કરવાનું શરૂ કરી શકો. બોલાનો ક્યારેક કેટલીક વાતો અતિશયોક્તિથી કહેતા હોય છે. એક સાથે નવથી પંદર વાર્તાઓ પર કામ કરવાનું મને તો ખૂબ અઘરું લાગતું હોય છે. પણ, એક સાથે બેત્રણ વાર્તાઓ પર કામ કરવાનું સરળ હોય છે. કોઈને આશ્ચર્ય થશે પણ એક વાર્તામાં ‘જવું’ ક્રિયાપદ વાપરવામાં હું એટલો બધો ગૂંચવાઈ ગયો કે હું એ વાર્તાના નાયકને ઘરમાં ને ઘરમાં રાખીને બીજી વાર્તા લખવા લાગ્યો. એ વાર્તા પૂરી થઈ પછી મારું ચિત્ત જરા ‘ચોખ્ખું’ થયું ને હું ‘જવું’નો સાચો પ્રયોગ કરવા લાગ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે પણ ‘આવવું’, ‘જવું’ ‘પહોંચવું’ જેવાં દિશામૂલક ક્રિયાપદો સાચે જ ખૂબ અઘરાં હોય છે. તમે એમ લખો કે ‘રમેશ મહેશના ઘેર પહોંચ્યો ત્યારે મહેશની બહેન મીના ત્યાં જ એની રાહ જોતી હતી’ ત્યારે કથક મહેશના ઘેર હોય છે. પણ, જો તમે એમ લખો કે ‘રમેશ મહેશના ઘેર ગયો ત્યારે મહેશની બહેન મીના ત્યાં જ એની રાહ જોતી હતી’ ત્યારે કથક પહેલાં રમેશ જ્યાંથી મહેશના ઘેર જવા નીકળે ત્યાં હોય છે અને ત્યાર બાદ એ મહેશના ત્યાં પણ હોય છે. આ બહુ સહેલું નથી. ક્યારેક વાર્તા લખતાં આવી નાની નાની પણ વાસ્તવમાં તો ખૂબ મહત્ત્વની વાતોમાં ગૂંચવાઈ જવાય. એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા લેખકે એક સાથે બેચાર વાર્તાઓ પર કામ કરવાનું શરૂ કરવું જોઈએ.
ત્રીજી સલાહ આપતાં એ કહે છે: એક સાથે બે વાર્તાઓ લખવા બેસો ત્યારે જરા સાવધ રહેજો. એવું ન બને કે એક વાર્તા બીજી વાર્તાનું પ્રતિબિંબ બની જાય! આવું બને ખરું. ક્યારેક એક વાર્તા બીજી વાર્તાનું સરળ આલેખન પણ બની જાય. એમાં મારા જેવો જો કોઈ આળસુ માણસ હોય અને એમાંની એક વાર્તા delete કરવાનું ભૂલી જાય તો એ વહેલોમોડો મુંઝાઈ જાય કે આમાંની કઈ વાર્તા સારી છે. ક્યારેક એવું પણ બને કે બન્ને વાર્તાઓ એકબીજાના thesis અને antithesis બની જાય અને આપણે બન્ને વાર્તાઓને બે અલગ અલગ સામયિકોમાં પ્રગટ પણ કરી નાખીએ. આવું થાય ત્યારે આપણા વાચકો ય બિચારા મુંઝાઈ જાય.
ચોથી સલાહ આપતાં એ કહે છે કે તમારે Horacio Quiroga, Felisberto Hernandez અને Jorge Luis Borges આ ત્રણ વાર્તાકારોને વાંચવા જ પડે. એ ‘must’ શબ્દ વાપરે છે. પછી કહે છે: એટલું જ નહીં, તમારે Juan Rulfo અને Augusto Monterrosoની વાર્તાઓ પણ વાંચવી જ જોઈએ. આ બધા લેટિન અમેરિકન વાર્તાકારો છે. પછી એ કહે છે કે આ વાર્તાકારોને વાંચ્યા હશે એ વાર્તાકારો કદી પણ Camilo Jose Cela કે Francisco Umbralને નહીં વાંચે. આમાંના Camilo Jose Celaને તો સાહિત્યનું નોબલ ઇનામ મળેલું છે! છેલ્લે એ કહે છે કે અને હા, તમારે Julio Cortazar અને Adolfo Bioy Casaresને પણ વાંચવા જોઈએ. પણ Camilo Jose Cela અને Francisco Umbralને તો કદી નહીં.
આ સલાહ જરા અઘરી છે. કોઈ કહેશે કે આ સલાહ લેટિન અમેરિકન વાર્તાકારો માટે બરાબર છે. ગુજરાતી વાર્તાકારોએ આ બધાંને વાંચવાની જરૂર નથી. હું આ બાબતમાં કોઈને દબાણ નહીં કરું. આમાંના કેટલાક લેખકોની વાર્તાઓના ગુજરાતીમાં અનુવાદ થયા છે. આપણે એ તો વાંચી જ શકીએ. બીજું, અહીં બોલાનો કદાચ બીજી વાત કરવા માગે છે. એ કહે છે કે તમે તમારી ભાષાના માસ્ટર વાર્તાકારો બરાબર વાંચેલા હોવા જોઈએ. આપણા માસ્ટર વાર્તાકારો કયા? ઉમાશંકર, સુન્દરમ્, જયંત ખત્રી, પન્નાલાલ, સુરેશ જોષી, મધુ રાય, કિશોર જાદવ અને… દરેક માણસ આ યાદી પોતાપોતાની રીતે લંબાવી શકે, ટૂંકાવી પણ શકે. વાત આટલી જ છે: You must have a master. જો કે, હું તો બે માસ્ટર રાખવાની તરફેણમાં છે. એક માસ્ટર મને વાર્તા કેવી લખવી જોઈએ એની પ્રેરણા આપે અને બીજો માસ્ટર જે મને સતત એમ કહે કે જો, હું લખું છું એવી વાર્તા ન લખતો. મારે આમાંના બીજા પ્રકારના માસ્ટરો વધારે છે. કદાચ એમને નવરત્નો કહી શકાય. પણ, એમને વાંચ્યા અને સમજ્યા વિના હું માસ્ટર ન બનાવી શકું.
પાંચમી સલાહ આપતાં એ કહે છે કે હું ફરી એક વાર એક વાતનું પુનરાવર્તન કરવા માગું છું: ગમે તે થાય પણ Camilo Jose Cela અને Francisco Umbralને તો કદી પણ વાંચતા નહીં. એ કામ નહીં લાગે. એવું તો નથીને કે બોલાનો વારંવાર આ બે સર્જકોને નહીં વાંચવાની સલાહ આપીને આપણા પર એમને વાંચવા માટે દબાણ લાવતો હોય? વિચારવું પડે. જો કે, હું તો વાંચું. મારે એમના જેવું નથી લખવું એ નક્કી કરવા માટે પણ હું એમને વાંચું ખરો. હું ઘણા ગુજરાતી સાહિત્યકારોને એટલા માટે જ વાંચતો હોઉં છું
છઠ્ઠી સલાહ આપતાં બોલાનો કહે છે કે ટૂંકી વાર્તાનો લેખક બહાદુર હોવો જોઈએ. આપણા મોટા ભાગના વાર્તાકારો ‘બહાદુર’ નથી. એ લોકો ઘણી વાર એમનાં પાત્રોને moralityના પિંજરામાં પૂરી રાખે. એમને વાચકોનો ડર લાગે. આપણા એક વાર્તાકારે વાવાઝોડાની પશ્ચાદભૂમિકામાં ભાભી અને દિયરને ખૂબ નજીક લાવી દીધેલા. પણ, પછી એમને moralityનો હુમલો આવ્યો ને વાવાઝોડું નબળું પડી ગયેલું. એવા એક બીજા લેખકની નવલકથામાં બનેવી રાતે સાળીના શયનખંડ સુધી જાય; સાળી પણ ત્યાં રાહ જોઈ રહી છે; અને છેક બારણા પાસે જાય ને એમને moralityનો હુમલો આવે. અંતે, બધું શાન્ત. કથાના સ્તરે જ નહીં, પ્રયોગના સ્તરે પણ આપણે બહાદુર નથી બનતા. એને કારણે ઘણી વાર્તાઓ ગતકડાં જેવી લાગતી હોય છે. હું માનું છું કે બહાદુર વાર્તાકાર ભાવકોની ચિન્તા ન કરે. વાર્તાની ચિન્તા કરે.
સાતમી સલાહ આપતાં એ કહે છે કે ઘણા વાર્તાકારો પોતે Petrus Borel (Joseph Pierre Borel)ની વાર્તાઓ વાંચી હોવાની ડંફાસો મારતા હોય છે. કહેતા હોય છે કે મેં પણ Borel વાંચ્યો છે. ઘણા વાર્તાકારો તો Borelનું અનુકરણ કરવાનો પણ પ્રયાસ કરતા હોય છે. પણ, એ સૌથી મોટી ભૂલ છે. એમણે Borelની વાર્તાઓનું અનુકરણ કરવાને બદલે Borelનાં કપડાંનું અનુકરણ કરવું જોઈએ. પણ, કમનસીબી એ છે કે એ વાર્તાકારોને Borel વિશે કંઈ ખબર નથી હોતી. જેમ એમને Theophile Gautier કે Gerard de Narval વિશે ખબર નથી હોતી. આ ત્રણેય ફ્રેંચ લેખકો છે. એમાંના Theophile Gautierની એકાદ બે વાર્તાઓ ગુજરાતીમાં પ્રગટ થઈ છે, એ મેં પ્રગટ કરેલી ‘સન્ધિ’માં.
આ સલાહ આપતાં બોલાનો કદાચ એક જ વાત કહેવા માગે છે: સારા વાર્તાકારો અનુકરણ કરી શકાય એવા નથી હોત. સુરેશ જોષી કે મધુ રાયનું અનુકરણ કરવા જાઓ તો શું થાય? એ જ રીતે, પન્નાલાલનું. હું આ ત્રણમાંથી એકેયનું અનુકરણ કરી શકું નહીં. એ માટે બહુ મોટી આવડત જોઈએ. પણ, આમ કહીને બોલાનો એમ પણ સૂચવે છે કે સારા વાર્તાકાર બનવા આ ત્રણ લેખકોનો પણ અભ્યાસ કરવાનો અને એમનું અનુકરણ કરવાનો પ્રયાસ નહીં કરવાનો.
આઠમી સલાહમાં બોલાનો સરસ મજાક કરે છે. એ કહે છે: ચાલો આપણે એક સોદો કરીએ. તમે Petrus Borelને વાંચજો, બસ. કપડાં પણ એ પહેરતો હતો એવાં પહેરજો, બસ. પણ સાથોસાથ Jules Renard અને Marcel Schwobને પણ વાંચજો. આ બન્ને ફ્રેંચ લેખકો. એમાંના Renardની કેટલીક કવિતાઓ મેં ‘સન્ધિ’માં પ્રગટ કરી છે. અને એ બેને વાંચ્યા પછી તમે Alfonso Reyesને (મેક્સિકન) વાંચજો ને ત્યાંથી પછી Borges (આર્જેન્ટિના) પાસે જજો. મને નથી લાગતું કે કોઈ ગુજરાતી વાર્તાકાર આ બધી પળોજણમાં પડે. પણ, બોલાનો જે કહેવા માગે છે તે એ કે સારા વાર્તાકાર બનવા માટે અનેક સારા વાર્તાકારો સાથે ભાઈબંધી બાંધવી પડે. આપણા કરતાં ચડિયાતા વાર્તાકારો સાથે ભાઈબંધી ન હોય તો આપણે આપણા ભાવકોની પ્રસંશામાં મહાન બની જઈએ અને પછી વિચારીએ પણ ખરા: આ બધું મેં અંગ્રેજીમાં લખ્યું હોત તો મને નોબલ ઇનામ મળત. વધારે પડતા ભાવકો આપણને શેખચલ્લી બનાવી દે.
નવમી સલાહમાં એ કહે છે કે જો મારે કોઈ પ્રામાણિક સત્ય કહેવાનું હોય તો આટલું જ: એડગર એલન પોમાં આપણને વાંચવા માટે જરૂર કરતાં વધારે સામગ્રી મળી રહે. અર્થાત્, એડગર એલન પોને વાંચ્યા સમજ્યા વિના વાર્તા ન લખવી જોઈએ.
દસમી સલાહમાં બોલાનો કહે છે કે નવમી સલાહ પર વિચાર કરજો. હજી ઘણો સમય છે. જો એવું લાગે તો ઘૂંટણિયે પડીને પણ વિચાર કરજો.
આપણા ઘણા વાર્તાકારો કહેતા હોય છે: મારે સાહિત્ય વિશે કે વાર્તા વિશે શા માટે વાંચવું જોઈએ? મને પ્રેરણા મળે છે. હું એ પ્રેરણાથી લખું છું. મારે બીજા કોઈની મદદની જરૂર નથી. બોલાનો અગિયારમી સલાહમાં આ પ્રકારના અભિગમનો સ્વીકાર કરતા નથી. એ કહે છે કે વાર્તાકારોએ આ ઉપરાંત પણ બીજાં કેટલાંક ‘ઊંચી કક્ષાનાં’ પુસ્તકો પણ વાંચવાં જોઈએ. દાખલા તરીકે પહેલી સદીમાં પ્રગટ થયેલું On the Sublime પુસ્તક. જો મારી ભૂલ ન થતી હોય તો એક જમાનામાં ગુજરાતીમાં પણ આ પાઠ્યપુસ્તક હતું. એનો ગુજરાતીમાં અનુવાદ પણ થયો છે (કદાચ). આ ઉપરાંત એ ફિલિપ સીડનીનાં સોનેટ પણ વાંચવાની ભલામણ કરે છે. એટલું જ નહીં, એ બીજાં પણ કેટલાંક પુસ્તકોનો ઉલ્લેખ કરે છે જેમકે: The Spoon River Anthology, લેખક: Edgar Lee Masters (૧૯૧૬); Examplary Suicide, લેખક: Enrique Vila-Matasm (૧૯૯૧, કદાચ અંગ્રેજીમાં અનુવાદ નથી થયો) અને While the Women Are Sleeping, લેખક: Javier Marias (1990).
બારમી અને છેલ્લી સલાહ આપતાં એ કહે છે કે આ બધાં પુસ્તકો તો વાંચો જ પણ સાથોસાથ Anton Chekhov અને Raymond Carverને પણ વાંચો. આ બન્ને વીસમી સદીના શ્રેષ્ઠ વાર્તાકારો છે.
ગુજરાતી ભાષા પરની શ્રેણી પૂરી થયા પછી હું હવે અહીં દર શુક્રવારે ટૂંકી વાર્તા પર એક શ્રેણી શરૂ કરી રહ્યો છું. મારો આશય ખૂબ સ્પષ્ટ છે: વિદેશી વાર્તાઓનો આસ્વાદ કરાવવાનો. મેં નક્કી કર્યું છે કે કોપીરાઈટના પ્રશ્નોના કારણે બોલાનોએ અહીં જે વાર્તાકારોનો ઉલ્લેખ કર્યો છે એમની મૂળ વાર્તાઓના અનુવાદ તો આપી શકાય એમ નથી. એ સંજોગોમાં એમની વધારે નહીં તો બબ્બે વાર્તાઓનો આસ્વાદ અહીં કરાવવો. આશા રાખું કે ગુજરાતી વાર્તાકારોને અને ભાવકોને પણ આ વાર્તાઓ પાસેથી કશુંક શીખવા મળશે.
————
સ્પેનિશ ભાષામાં ૨૦૦૪માં પ્રગટ થયેલા આ લેખનો અંગ્રેજી અનુવાદ World Literature Todayમાં ૨૦૦૬માં પ્રગટ થયો છે. ગૂગલબાપાને અગરબત્તી કરશો તો કદાચ મળી રહેશે.
I read the novel, “ the hive” by camille jose cela
almost 60 years ago, and enjoyed it the….
LikeLike
અદ્ભૂત સલાહો. કોઈ આમાંની બે -ચાર પણ પ્રામાણિકતાથી માને તો આપણી વાર્તા નવા મુકામે પહોંચી જાય. અને આ શ્રેણી માટે સ્વાગત અને શુભેચ્છાઓ
LikeLike
વારતા રે વારતા,
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાઓને સમજવતા.
એક છોકરો રિસાણો,
કોઠી પાછળ ભિંસાણો,
કોઠી પડી આડી,
છોકરે રાડ પાડી,
અરરર માડી.
ના જેવી વારતા રે વારતા કરતા અનેક લેખકોને ચિતમા મઢી રાખવા જેવી બાર સલાહ
પ્રમાણે અભ્યાસ કરે તે લેખકના પાસા પોબારા
ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,
ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
‘On the Sublime પુસ્તક. જો મારી ભૂલ ન થતી હોય તો એક જમાનામાં ગુજરાતીમાં પણ આ પાઠ્યપુસ્તક હતું. એનો ગુજરાતીમાં અનુવાદ પણ થયો છે’ Translators have been unable to clearly interpret the text, including the title itself. The “sublime” in the title has been translated in various ways, to include senses of elevation and excellent style. The word sublime, argues Rhys Roberts, is misleading, since Longinus’ objective broadly concerns “the essentials of a noble and impressive style” than anything more narrow and specific. Moreover, about one-third of the treatise is missing; Longinus’ segment on similes, for instance, has only a few words remaining. Matters are further complicated in realizing that ancient writers, Longinus’ contemporaries, do not quote or mention the treatise in any way.
.
સ્વાગત અને શુભેચ્છાઓ
LikeLiked by 3 people
ભાવતુંતું ને વૈદે કીધું !
પ્રિય બાબુ સુથાર સાહેબને આ નવી શ્રેણી માટે હાર્દિક શુભકામનાઓ અને અમારે મન તો વણદીઠી વિક્રમ-વેતાળ શ્રેણી .
સદા સાનંદ રાહ રહશે !
અરવિંદ ,
રૂપાયતન,
જૂનાગઢ
LikeLike
best wishesh to varta re varta ne. welcome evry friday spent 25-30 minutes free of charge and get some knoweledge.
LikeLike
સ્વાગત
LikeLike
સ્વાગત અને શુભેચ્છાઓ
LikeLike
Always enjoy Babubhai’s articles about his experiences!
LikeLike