“મારે લાયક કામકાજ હોય તો કહેજો!” – પરભુભાઈ મિસ્ત્રી


ક્યારેક ને ક્યારેક આ વાક્ય આપણે કોઈને આશ્વાસન આપવા માટે બોલ્યા હોઈશું કે ‘મારે લાયક કંઈ પણ કામ હોય તો બોલજો, સંકોચ રાખશો નહિ.’ તો વળી ક્યારેક આપણને મદદ કરવા માટે કોઈના તરફથી પણ એ પ્રમાણે બોલાયું હોય, એ સાવ સામાન્ય ઘટના છે. હૃદયપૂર્વક બોલાયેલા આ શબ્દોથી માણસને તાત્કાલિક રાહત થાય છે. પોતીકાપણું લાગે છે, મુસીબતની વેળા હું એકલો નથી, મારી પાછળ મને ચાહનારાઓનું નક્કર પીઠબળ છે, એની ખાતરી પછી માણસનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો આવે છે. વ્યક્તિ હિંમતભેર પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થાય છે. શબ્દોમાં આ તાકાત છે. એવું પણ બને કે મદદની ઓફર સ્વીકારવાનો વખત જ નહિ આવે. ન તો કોઈ આપણી પાસે મદદ માંગે કે ન તો આપણે કોઈને એ વચન યાદ કરાવવું પડે.

એક બાળવાર્તાથી આ વાતને આગળ ધપાવીએ. એક જંગલમાં વનનો રાજા સિંહ, એક ઝાડ નીચે સૂતો હતો. એ ભર ઊંઘમાં હતો ત્યારે ઝાડ પાસેના દરમાંથી ઉંદરો રમવા માટે નીકળ્યા. રમતમાં ને રમતમાં તેઓ સિંહના શરીર પરથી પકડદાવ રમવાની ધૃષ્ટતા કરી બેઠા. ઉંદરોની દોડાદોડીથી સિંહ જાગી ગયો. એને ગુસ્સો આવ્યો. ઉંદરો ગભરાયા અને ભાગવા લાગ્યા, પણ એક ઉંદર સિંહના પંજામાં આવી ગયો. ઉંદરના તો મોતિયા મરી ગયા. મોત નજર સામે દેખાતું હતું. એણે સિંહને વિનંતી કરી કે, ‘મહેરબાની કરીને મને જીવતો જવા દો, મારી ભૂલ થઈ ગઈ. હવે પછી આવી ગુસ્તાખી કદી નહિ કરું.‘ કોણ જાણે કેમ પણ સિંહનેય દયા આવી ગઈ અને પંજાની પકડમાંથી ઉંદરને મુક્ત કર્યો. જીવતદાન પામેલો ઉંદર આભારવશ થઈ ગયો અને સિંહને કહેવા લાગ્યો કે, ‘તમે મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. તમે મને જીવતદાન આપ્યું એ વાત હું કદી ભૂલીશ નહિ. જિંદગીમાં ક્યારેક મારી મદદની જરૂર પડે તો નિ:સંકોચ મને યાદ કરજો, ક્ષણનાયે વિલંબ વિના હું તમારી મદદે આવીશ.’ સિંહે કહ્યું, ‘ઠીક છે, તું હવે નિર્ભય થઈને જા.’

ઉંદરની વાત સાંભળ્યા પછી આપણને હસવું આવે એ સ્વાભાવિક છે. ક્યાં ઉંદર અને ક્યાં જંગલનો રાજા સિંહ? ઉંદર મદદ કરવાની વાત કરે એ જ એની ગુસ્તાખી કહેવાય! રાજાનું અપમાન કરેલું કહેવાય. દુર્બળ અને સાવ શક્તિહીન, પામર એવો ઉંદર શક્તિમાન સિંહને વળી શું મદદ કરવાનો હતો? પરંતુ, એક ઘટના બની. જંગલમાં શિકારીઓએ બિછાવેલી જાળમાં એકવાર જંગલનો રાજા સિંહ ફસાયો. એણે પૂરેપૂરી તાકાત અજમાવી પણ એ જાળમાં વધારે ને વધારે ફસાતો ગયો. એણે એક દર્દભરી ત્રાડ નાંખી, ઉંદરે એ ત્રાડ સાંભળી, એને લાગ્યું કે વનરાજ ભારે તકલીફમાં છે. ઉંદર અવાજની દિશામાં દોડતો આવ્યો અને સિંહને જાળમાં ગુંચવાયેલો જોઈ પરિસ્થિતિ પામી ગયો. એણે કહ્યું કે, ‘વનરાજ તમે ગભરાશો નહિ. હું તમને હમણાં બંધનમુક્ત કરું છું.’ ઉંદરે જાળ કાપી નાંખી અને શિકારીઓ આવે તે પહેલાં સિંહને બચાવી લીધો.

વાર્તા એ વાર્તા છે, સિંહ હોય કે હાથી હોય કે પછી ઉંદરને બદલે અન્ય કોઈ પામર પ્રાણી હોય, કોઈની પણ મદદની અવગણના ન કરાય. કોણ ક્યારે કેવી વિકટ પરિસ્થિતિમાં મૂકાય અને કોણ સંકટમોચક થઈને આવે એ કહી ન શકાય. વખત આવે ધૂળની પણ જરૂર પડે. મૂલ્યહીન વસ્તુ જ મૂલ્યવાન સિદ્ધ થાય; બધું સમય સંજોગો પર અવલંબે છે. ક્યારેય કોઈને તુચ્છ ન સમજો. ઉંદરે જ્યારે મદદની ઓફર મૂકેલી ત્યારે સિંહને પણ એવું લાગ્યું હશે કે આ વળી મને શી મદદ કરવાનો હતો! હું કેટલો શક્તિશાળી અને એ તો સાવ નિર્બળ! અત્યંત કમજોર!

એક બે ઉદાહરણો મને જાણવા મળ્યા જે વિચાર કરતા કરી મૂકે એવા છે. બાબુભાઈ સુથાર એક ભાષાવિજ્ઞાની છે. મૂળ ખેડા જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભરોડી ગામમાં એમનો જન્મ. અનેક પ્રકારના અભાવ અને અછત વચ્ચે ભણ્યા, જીવનસંઘર્ષ કર્યો, ટેલિફોન ઓપરેટરની નોકરી સાથે અભ્યાસ કરતાં કરતાં બહુ મોટી ઊંચાઈ પર પહોંચ્યા. એમના જીવનસંઘર્ષની કથા એમણે એક બ્લોગ (“દાવડાનું આંગણું”) પર વર્ણવી તે વાંચતી વખતનો એક પ્રસંગ મને સ્પર્શી ગયો. બાબુભાઈ ભણવા માટે અમેરિકા ગયા. સંઘર્ષ વચ્ચે જીવવાનું હતું. અમેરિકાનો ખર્ચ સ્કોલરશીપમાંથી કાઢવાનો હતો. વતનમાં માતપિતાના ભરણપોષણ માટે પણ પૈસા મોકલવાના હતા. પત્ની અને પુત્ર વડોદરા હતા. લોકોની સલાહ પ્રમાણે પરિવારને અમેરિકા બોલાવી લે તો જ અભ્યાસમાં સગવડો સચવાઈ શકે તેમ હતી. પરિવારને અમેરિકા બોલાવવા માટે એમના બેંક એકાઉન્ટમાં સાડા સાત હજાર ડોલરનું બેલેન્સ બતાવવાનું જરૂરી હતું. એમણે જે-વન વિઝા લીધા હતા જેથી પત્નીને અમેરિકા બોલાવીને એમના પરિવારના ભરણપોષણ જેટલું કમાવાની પરમિશન મળી શકે.

વરસે ચૌદ હજાર ડોલરના મળતા સ્ટાઈપેન્ડમાંથી ખરચો બાદ કરતાં એક વરસમાં સાડાસાત હજાર બચાવવા અઘરા હતા. ભારે કરકસર કરી તો પણ એટલી રકમ બચાવી ન શક્યા. એક ભલો વિદ્યાર્થી મળી ગયો. ન્યૂયોર્કમાં રહેતો હતો, તેણે કહ્યું કે, ‘સાહેબ, મારા ઘરે આવો‘. આમંત્રણ તો મળ્યું પણ પેન્સિલવેનિયાથી ન્યૂયોર્ક સુધીની ટ્રેનની ટિકિટના પૈસા ન હતા. વિદ્યાર્થીના પિતાએ ટિકિટ મોકલાવી. તેમની મેનહટન વિસ્તારમાં હીરાની મોટી ઓફિસ હતી. એમનો વૈભવ જોઈ લઘુતાગ્રંથિ નિર્માણ થાય એટલી બધી જાહોજલાલી હતી. છોકરાના પિતાજીએ પૂછ્યું કે, ‘તમે ફેમિલીને કેમ નથી બોલાવી લેતા?’ સાહેબે જણાવ્યું કે મારી પાસે બચતમાં માત્ર બે હજાર ડોલર જ છે. સાડા સાત હજાર ડોલર થશે ત્યારે બોલાવીશ. છોકરાના પિતાએ રહેમ દર્શાવીને કહ્યું કે ‘ચિંતા નહિ કરતા, બાકીના પૈસા હું આપીશ, તમે ફેમિલીને બોલાવી જ લો.’ સાહેબને થયું કે જાણે આકાશમાંથી તેમના માટે ભગવાન ઉતરી આવ્યા. બેંકમાં તપાસ કરીને ખાતરી કરી લીધી કે બીજાના પૈસા જમા કરાવીને એટલી સિલક બતાવે તો પણ વાંધો નથી. 

વિદ્યાર્થીને જણાવી દીધું કે તારા પપ્પા મદદ કરશે તો હું મારા ફેમિલીને અહીં બોલાવી શકીશ. થોડા દિવસમાં એના પિતાને આવવાનું થયું. બાબુભાઈની સસ્તા ભાડાની અંધારી કોટડી જોઈને નિરાશ થયા હશે કે કેમ પણ એમણે નિર્ણય બદલી નાખ્યો અને પૈસાની મદદ નહિ કરી. બાબુભાઈને નિરાશ થવું પડ્યું. આશા હાથતાળી આપીને સરકી ગઈ! સહાનુભૂતિનું નાટક કરીને જિંદગી એમની સાથે ક્રૂર રમત કરી ગઈ.

બાબુભાઈ સુથારની જેમ જ, ત્રણ વરસ પહેલાં આવેલા વાસુ નામના એક સ્કોલરે પૂછ્યું કે ‘બાબુ, તું ફેમિલીને ક્યારે બોલાવશે?‘ તો બાબુએ કહ્યું કે ‘સાડા સાત હજાર ડોલર ભેગા થશે ત્યારે.‘ આ જવાબ સાંભળીને વાસુ હસી પડ્યો! એટલા ભેગા થશે ક્યારે અને ફેમિલી આવશે ક્યારે! વાસુએ તાત્કાલિક બેંકમાં જઈને એના ખાતામાંથી ખૂટતા ડોલર ટ્રાન્સફર કરી દીધા. વાસુ કંઈ શ્રીમંત નહોતો, ત્રણ વરસના અંતે એની પાસે માત્ર છ હજાર ડોલરની બચત હતી. દરમિયાન બાબુભાઈ પાસે સાડા ત્રણ હજારની બચત ભેગી થઈ હતી. આ નાના માણસના દિલની શ્રીમંતાઈ પેલા મિલિયોનેર હીરાના વેપારી કરતાં ચડિયાતી હતી.

સ્વામી સચ્ચિદાનંદજી તો કંચન અને કામિનીનો ત્યાગ કરીને યુવાન વયે સાધુ થઈ ગયેલા. એમને લાગ્યું કે ધર્મપ્રચાર માટે સંસ્કૃત ભણવું જરૂરી છે. વૃન્દાવનમાં લઘુકૌમુદીનો અભ્યાસ થઈ રહ્યો હતો. દરમિયાન તેઓ બિમાર પડ્યા. પગના તળિયાનું રસાયણ ખસી જવાથી દરદ થયું. સારવાર માટે રામકૃષ્ણ મિશન જવાનું દૂર પડે. જમીન પર પગ મંડાય નહિ. છતાં જેમ તેમ ચાલીને દવા લેવા જતા. આમ તો ગુજરાતમાં એમનો પરિચિત વર્ગ હતો તેમને જો પત્ર લખે તો પાંચ પચ્ચીસ રૂપિયા તો લોકો સ્હેજે મોકલી આપે, પણ તેઓ કોઈની પાસેથી કંઈ લેતા નહોતા. એક ભાઈનો વારંવાર પત્ર આવતો અને તેઓ કાયમ લખતા હતા કે ‘કંઈ જરૂર હોય તો મંગાવજો.’ પણ સ્વામીજી કંઈ જ મંગાવતા નહિ. આ બિમારીમાં સ્વામીજીને થયું કે લાવ, એ ભાઈને ઈશારત જેવું લખું, જેથી ઘોડાગાડી કરીને દવા લેવા જઈ શકાય. સ્વામીજીએ લખ્યું કે, ‘તમે વારંવાર કંઈ મંગાવવાનું લખો છો તો જે વસ્તુ તમારી પાસે વધારે હોય અને મારે અહીં કામ આવે એવી હોય તેવી વસ્તુ મોકલશો.’ આ ભાઈ સમજીને પણ ન સમજી શક્યા. સ્વામીજી પાસે પોસ્ટકાર્ડ ખરીદવાના પણ પૈસા નહોતા. સાંજની ભિક્ષામાં દાળ લેવા એક વાડકો હતો તે વેચી નાખીને તેના પૈસામાંથી પોસ્ટકાર્ડ લખ્યો હતો. પૈસા તો નહિ આવ્યા, પણ વાડકો હતો તે યે ગયો.

સ્વામીજીએ તેમના પુસ્તકમાં લખ્યું કે કેટલાક લોકો પ્રદર્શિત ઉદારતા વાણી દ્વારા તો બતાવી શકે છે, પણ જો એકવાર તમે કાંઈક માંગો તો તેમની ઉદારતાના દડામાં પંકચર પડીને તે હવા વગરનો થઈ જાય છે.

આપણે ત્યાં ફોર્માલિટી છે કે કોઈની ખબર લેવા જઈએ ત્યારે વળતી વખતે એવું જરૂર બોલીએ કે, ‘અમારા લાયક કંઈ કામકાજ હોય તો જણાવજો, ગભરાતા નહિ!’ એકવાર એક ભાઈને કોઈએ પૂછ્યું કે ‘તમારા પર ભરોસો રાખીને એ વ્યક્તિ કોઈ પ્રકારની મદદ માંગે તો તમે તે આપવા તત્પર ખરા? અથવા તમારી એ કેપેસિટી ખરી?’ જવાબ જાણવા જેવો છે. તેમણે કહ્યું, ‘‘મોટેભાગે તો કોઈ મદદ માંગતું નથી. તેમ છતાં મદદ માંગે તો થઈ શકે તેટલી તો જરૂર કરીએ. આપણે કરવામાંથી જઈએ, પણ કહેવામાંથી યે જઈએ તો કેવું લાગે?’ અને વાતેય સાચી. પલભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લેં, જૂઠા હિ સહી.! સંત તુલસીદાસ લખે છે કે કમભાગી લોકોને વાસ્તવિક સુખ તો દૂર રહ્યું, સપનાનું સુખ પણ નથી હોતું. આશાના તાંતણે જ તો માણસ જીવે છે.

કવિ દુલા કાગ તો કહે છે કે એક માણસ પાસે બીજો માણસ એમનેએમ તો આવતો નથી. કેમ આવ્યો, એમ ન પૂછતાં એને જાતે જ બોલવા દેજે. આડું જોયા વગર એની વાત ધ્યાનપૂર્વક સાંભળજે, એની વાતમાં હોંકારો પૂરી આત્મીયતા બતાવજે, એને પાણી પાજે, એને આશ્વાસન આપી ચિંતામુક્ત કરજે. થઈ શકે તેટલી મદદ કરીને એનું સંકટ હળવું કરજે અને બની શકે તો ઝાંપા સુધી એને વળાવવા જજે. આ છે ગૃહસ્થીનો ધરમ. એમાં જ છે સંબંધોની સુવાસ.

સંબંધો એવા હોવા જોઈએ કે આપણા સંબંધી કે મિત્રે મદદ માટે આપણા સુધી આવવું જ ન પડે અને મોઢેથી મદદ માંગવી ન પડે. આપણે જ પરિસ્થિતિ પામી જઈને, તેને ખબર ન પડે તે રીતે, તેનું સ્વમાન જાળવીને તેના સંકટનો ભાર હળવો કરી શકીએ તે સંબંધ ઉત્તમ કહેવાય. કારણ કે સ્વમાની માણસો માંગવા કરતાં મરવું વધારે પસંદ કરતા હોય છે. એમને સાચવી લેવા એ આપણી ફરજ બની રહે છે.

“મારે લાયક કામકાજ હોય તો કહેજો!” – પરભુભાઈ મિસ્ત્રી

 

4 thoughts on ““મારે લાયક કામકાજ હોય તો કહેજો!” – પરભુભાઈ મિસ્ત્રી

  1. “મારે લાયક કામકાજ હોય તો કહેજો!” મા.પરભુભાઈ મિસ્ત્રીનો સરસ લેખ
    તેમા જાણીતા મા બાબુભાઇ તથા મા સ્વામીજીના જીવનના અનુભવો જણાવ્યા.
    તેમા મા સ્વામીજીએ તેમના પુસ્તકમાં લખ્યું કે કેટલાક લોકો પ્રદર્શિત ઉદારતા વાણી દ્વારા તો બતાવી શકે છે, પણ જો એકવાર તમે કાંઈક માંગો તો તેમની ઉદારતાના દડામાં પંકચર પડીને તે હવા વગરનો થઈ જાય છે.વાતે દુઃખ થાય તે સ્વાભાવિક છે.
    તેઓએ કાળજીની સરસ વાત કરતા કહ્યું કે-‘સંબંધો એવા હોવા જોઈએ કે આપણા સંબંધી કે મિત્રે મદદ માટે આપણા સુધી આવવું જ ન પડે અને મોઢેથી મદદ માંગવી ન પડે. આપણે જ પરિસ્થિતિ પામી જઈને, તેને ખબર ન પડે તે રીતે, તેનું સ્વમાન જાળવીને તેના સંકટનો ભાર હળવો કરી શકીએ તે સંબંધ ઉત્તમ કહેવાય. કારણ કે સ્વમાની માણસો માંગવા કરતાં મરવું વધારે પસંદ કરતા હોય છે’
    આ વાત મઢી રાખવા જેવી છે.

    Like

  2. SHRI PRU BHAI MISTRY SAHEB. LAST SENTENCE MARE LAYAK KAI KAMKAJ HOY TO KEHJO. SAHEB KAM KAJ CHE. AVA SARAS LEKHO LAKHO AND “DAVDA NU AGNU MA ” PUBLISH KARSHO. KAM KAJ KHUY. KAMKAJ PURU KARSHO TEVI ASHA.

    Like

  3. રોજબરોજ સંભળાતો ટહુકો. ‘મારે લાયક કામ હોય તો કહેજો’ … આવું કહેવાવાળા તો ઢગલાબંધ મળશે, પણ, કામ ચિંધ્યા પછી ખરેખર કામ કરવાવાળા તો બહુ ઓછા મળશે.

    સરસ લેખ છે.

    Like

  4. મારે લાયક કામકાજ હોય તો કહેજો એવું ઠાલું આશ્વાસન આપવાને બદલે પોતાના અંગત માણસની તકલીફ સમજાય એવી નજર અને મદદ ગુપ્ત રીતે થાય એવી સમજ વધુ જરુરી છે.

    Like

પ્રતિભાવ