શ્રી દાવડાસાહેબના સૂચનથી અને જયશ્રી મરચંટનાં પ્રોત્સાહનથી ૧૩ રવિવાર સત્યકથા પર આધારિત વાર્તા/કવિતા મેં પ્રકાશિત કરી છે. સૌના સ્નેહભર્યાં પ્રતિભાવ માટે આનંદ સાથ આભાર. હવે પછી દર રવિવારે વિવિધ પ્રકાશન થશે. ‘દાવડાનું આંગણું’માં ટીમના યત્નોથી મળતા રહેશું. સરયૂ પરીખ.
“દાદી! પાંચ અઠવાડિયા પછી મારું આરંગેત્રમ છે. આવતા મહિનાની પાંચમીની સાંજ માટે મમ્મી-ડેડીએ એક મોટી જગ્યા નક્કી કરી છે. ખુબ તૈયારીઓ કરવાની છે. બધ્ધી…વાત પાછી આવીને કહીશ. ઠીક!” કહેતી… મેના રોજની માફક, દાદીને બચી કરીને લગભગ ઊડતી બહાર દોડી ગઈ. પુલકિત હાસ્ય સાથે દાદી એને જતી જોતાં રહ્યાં.
મેના અને તેના ભાઈને ઉછેરવામાં દાદીનો ઘણો ફાળો હતો. પણ એ તો વર્ષો પહેલાની વાત છે, જ્યારે દાદી ચટ્ટ લઈને ઊભાં થતાં અને પટ્ટ લઈને કામ આટોપતાં. આજકાલ તો, “મેના બરાબર જમી કે નહીં?” “એની તબિયત તો બરાબર છે ને? ઉદાસ કેમ બેઠી છે?” “હજી બહારથી પાછી કેમ નથી આવી?” દાદીનાં આવા સવાલોના જવાબ હંમેશા મળે જ એવું નહોતું બનતું, પણ એ સવાલો તો દાદીનાં સ્વભાવ સાથે વણાયેલા હતાં. કિશોરી મેનાને બીજા ઘણાં અગત્યના વિષયો પર ધ્યાન આપવાનું હોય એ પણ એટલું જ સ્વાભાવિક હતું.
મેના છ વર્ષની હતી ત્યારે દાદીને કહે, “દાદી! આજે મારી મમ્મી મને નૃત્યના વર્ગમાં લઈ જશે. પણ મને તો નૃત્ય કરતાં આવડે છે, સાચું કહું છું ને?”
દાદી હસીને કહે, “મારી ડોલીને નૃત્ય કરતાં આવડે છે, પણ એમાં પહેલો નંબર લેવા માટે સરસ શીખવું પડે ને?” ત્યારે એ ગંભીર વિચાર સાથે બોલી, “હાં, જવું પડશે.”
દાદીનાં પડખામાં ભરાઈને મેનાને વાર્તા સાંભળવાની રોજની રસમથી, અનેક મહાન પાત્રોનો પરિચય તેને અનાયાસ થયો હતો.
“દાદી, આમ્રપાલીની વાત કહોને.”
સુંદર ચહેરાનું વર્ણન સાંભળતા મેના એકાએક બોલી, “દાદી, તમારા ચહેરા પર કેમ કરચલિયો?”
હવે દાદીને શું જવાબ આપવો… એ વિષે વિચાર કરતાં જરા મૂંઝાયા.
“વાંધો નહીં, મને યાદ આવ્યું કે એક ચોપડીમાં સમજાવ્યું છે, તે ચોપડી લઈ આવું.” મેના દોડતી ગઈ અને પાછળ દાદી હસી પડ્યાં. પછી તેમની બેનપણી સાથે આ વાત મજાક બની ગઈ…
સુણ રે મારી સહિયર આજે ખરું થયું,
બટકબોલી પૌત્રીએ મને ખરું કહ્યું.
સ્પર્શી મારા ચહેરાને તેની નાજુક કર કળીઓ,
છ વર્ષની મીઠી પૂછે, “કેમ તને કરચલિયો?”
જવાબ શોધું, કેમ કરીને કઈ રીતે સમજાવું!
શબ્દો શોધી આહિસ્તા હું અવઢવમાં મૂંઝાવું.
“મીઠી બોલી, અંદર છે એ પુસ્તક હું લઈ આવું.”
પુસ્તકમાં તો સીધું સાદું કારણ હતું જણાવ્યું.
મને થયું કે સત્ય જીવનનું યત્ન કરી સમજાવું,
“દોરાશે તુજને પણ બેટી! સમય તણી રેખાયું.”
“નારે દાદી, મુજને એવું કદી કશું ન થવાનું!”
પ્રફુલ્લતાથી દોડી ગઈ એ પ્રતીક પતંગિયાનું.
“અરે પણ, સાંભળ તો ખરી…” પછી દાદીએ મનોમન આશિર્વાદ આપી દીધાં કે ‘બેટી દિલના દરબારમાં તું હંમેશા ચહેકતી રહે’.… આમ દાદીનાં સ્નેહાળ સ્પર્શ સાથે એક કળી ખીલતી રહી. સમજણ આવતાં મેના જાણી ગઈ હતી કે દાદીને કઈ વાતમાં ગહન અભિરુચી હતી. જ્યારે પણ સંગીત, ચિત્ર કે નૃત્યની વાત આવે ત્યારે દાદીનો ચહેરો ખીલી ઊઠતો. દાદી સાથે રસમય વાર્તાલાપ કરવો હોય ત્યારે મેના આ વિષયો છેડતી રહેતી. તો વળી કોઈ દિવસ બહારથી આવીને મેના કહેતી, “નથી જમવું મારે. મારી કોઈ બેનપણી જ નથી, બધી મારી દુશ્મન…” અને દાદી પાસે રડી પડે ત્યારે તેને પટાવીને શાંત કરી તૂટેલા હૈયાને શાતા આપવાની દાદીની રીત મેનાને ગમતી.
દસ વર્ષની મેના, તેનો ભાઈ અને એના મમ્મી-ડેડી, નવા બંગલામાં રહેવા ગયા. દાદા-દાદીને ઘણો આગ્રહ કર્યો પણ દાદી તૈયાર ન થયાં. કહે, “અહીં નજીકમાં જ છીએ ને! મને આ ઘરમાં જ ગમે.” નવા ઘરમાં દસેક દિવસ થયેલા. એક બપોરે દાદી વિચાર કરતાં હતાં કે મેના નિશાળેથી આવી ગઈ હશે અને ઘરમાં એકલી હશે. બરાબર નાસ્તો કર્યો હશે કે નહીં! ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મેના રડતાં અવાજે બોલી, “અમ્મી, ચાર પાંચ પુરુષ જેવી દેખાતી સાડી પહેરેલી બાયડીઓ બારણું ઠોકે છે અને કહે છે કે ‘બક્ષિશ આપો…અમે તમને નવા ઘરમાં આવકાર આપવા આયા છીએ.’ કહીને હસે છે. મને તો બહુ બીક લાગે છે. મારાં મમ્મી-ડેડીને તો જોબ પરથી ઘેર આવવાને હજી બહુ વાર છે.”
દાદી કહે, “બેટા! ગભરાવાની જરૂર નથી. કહી દે કે કાલે આવજો. હું હમણા તારી પાસે આવું છું.” એ દિવસ પછી, ખાસ કોઈ આગ્રહ વગર, દાદી-દાદા નવા ઘરમાં રહેવા આવતાં રહ્યાં. મેનાની દરેક પ્રવૃત્તિઓમાં દાદી રસિક સાક્ષી બની રહેતાં. પૌત્રીનાં સફળતાની મોજમાં ખીલેલા હર્ષિત ચહેરાને બાહોંમાં ઘેરી લેતાં …તો નિષ્ફળતાના દુખમાં દાદીનો પાલવ અને મેનાની આંખો મળી જતાં.
પછીનાં વર્ષોમાં જાણે દાદીને લાગવા માંડ્યું હતું કે મેના અને તેમનાં વચ્ચે અંતર પડી ગયું છે. કિશોર અવસ્થા અનેક વિટંબણાઓ લઈને આવે છે. નહીં બાળક અને નહીં પુખ્ત, નહીં રાત કે નહીં સવાર, એવા સમયમાં બદલાતું વ્યક્તિત્વ પોતાનું આગવું અસ્તિત્વ શોધતા પોતે જ ખોવાય જાય છે. આસપાસના મુરબ્બીઓની વાતો નિરર્થક લાગવા માંડે છે. આ કુદરતી વિકાસના પગથિયા ચડતાં કિશોરવૃંદ સ્વતંત્રતા મેળવવા માટે ખટમીઠો બળવો કરતા રહે છે. દાદીને ગમે કે ન ગમે…પણ આમ જ વ્યક્તિત્વ પૂર્ણ કળાએ ખીલે છે, અને વડીલોએ એને માટે અવકાશ અને અનુકૂળતા આપવી જ પડે છે.
મનને ઘણું સમજાવે, તેમ છતાં ક્યારેક દાદી તેમનાં ઓરડાના એકાંતમાં દાદાને ફરિયાદ કરતાં, “આ છોકરાઓ, નિશાળેથી આવીને ફોન પકડીને શું ય વાતો કરતા રહે છે! આપણી સાથે તો એક વાત કરવાનો પણ સમય નથી.” કહી ધૂંધવાતાં હોય. તેમાં વળી ક્યારેક એવું પણ બને કે મેના આવીને પ્યારથી થોડી વાત કરે એટલે દાદી વારી જાય.
દાદાજીના અવસાન બાદ દાદી બે વરસ અમેરિકા જઈને રહ્યાં. ફરી દેશમાં આવ્યાં ત્યારે મેના પંદર વર્ષની આત્મવિશ્વાસી, સુંદર અને હોશિયાર વિદ્યાર્થિની બની ગઈ હતી. દાદી સાથે મીઠો સંબંધ, પણ અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ્યેજ બે ઘડી વાતો કરવાનો સમય કાઢે. મિત્રો સાથે મોટેથી સંગીત વાગતું હોય અને મોડી રાતે દાદીને તકલિફ થતી હશે, એવો વિચાર ન આવે. મેનાના કોણ મિત્રો છે કે એ શાની ટ્રોફી જીતવાને માટે મહેનત કરી રહી છે એ વિષે દાદીને કશી ખબર ન હોય તેની ગમગીની લાગતી. દાદી એને આવતાં જતાં જોતાં રહે અને મનમાં વિચારે કે સમય સમયની બલિહારી! “હવે એને મારા પર બહુ પ્રેમ નથી.”
એ દિવસે મેનાનાં પપ્પા બહાર જતા પહેલા કહેતા ગયા કે, “મેના! હમણાંથી અમ્માનું સમતોલન બરાબર નથી રહેતું, તું ધ્યાન રાખજે.” ફોન કાન પરથી ખસેડ્યા વગર મેનાએ હા ભણી દીધી. અરધા કલાક પછી દાદીએ પાણી માંગ્યું. “આપું છું,” કહીને પાછી પોતાના કંમ્પ્યુટરના લખાણમાં ડૂબી ગઈ. એકદમ ‘ધડામ’ અવાજ આવતાં દોડી. દાદી પડી જતાં, પગના હાડકામાં તડ પડી અને પથારિવશ થઈ ગયાં. પોતાની બેદરકારીને લીધે દાદીને સહન કરતાં જોઈ મેનાને સખત આંચકો લાગ્યો. દાદી સાથે એકલી પડતાં નાની બાળકીની જેમ વળગીને રડી પડી.
“જો રડ નહીં, હવે તો મોટી થઈ ગઈ.”
“હું તારી પાસે કદી મોટી નથી થવાની.” મેના આંખ લૂછતી બોલી.
તેના ચહેરાને પસરાવતાં દાદી બોલ્યાં, “અરે બેટી! તું તો ફરી જાણે મારી નાનેરી પરી બની ગઈ…જેની પાંપણે પાણી અને અધરો પર હાસ્ય.” પૌત્રીને મન દાદી શું છે તે એક જ આંચકામાં અનુભૂત થઈ ગયું. મેનાની કોમળ લાગણી… એક તરફ દાદીની ચિંતામાં અટવાયેલી રહેતી, અને બીજી તરફ બે સપ્તાહમાં આરંગેત્રમ… જાણે મેના પર બધું એકસાથે મંડરાઈ રહ્યું.
દાદી પથારીમાંથી કે ક્યારેક પૈડા ખુરશીમાં બેઠાં બેઠાં તડામાર થતી તૈયારીઓ જોતાં રહેતાં. ખૂબ સરસ કપડા ઘરેણાની પસંદગી કરેલી. એ દિવસ માટે લગભગ બસો માણસોને આમંત્રિત કરેલા. દાદી વિચારે, “મારાથી નહીં જવાય. એટલા બધાં માણસો હશે, એમાં વચ્ચે મારું શું કામ?” કાર્યક્રમને બે દિવસની વાર હતી. જમ્યા પછી બધાં બેઠાં હતાં ત્યારે મેના બોલી, “દાદી! તું કઈ સાડી પહેરીશ?”
દાદી સંકોચ સાથે બોલ્યા, “ક્યાં?… ઓહ! હું તો ઘેર જ ઠીક છું.”
મેના આશ્ચર્યથી જોઈ રહી. પરિવારનાં બીજા સભ્યો અમ્મીને આવવા માટે આગ્રહ કરવા લાગ્યાં. દાદી સંકોચ સાથે બોલ્યાં, …”ના, ના, મારી ત્યાં શું જરૂર છે? મેનાનાં મિત્રો અને બીજા વડીલો તો છે જ ને?”
“મને ખબર છે કેમ ના પાડે છે. પૈડા ગાડી સભાગૃહમાં લઈ જવાની કેટલી તકલિફ પડે એની એમને ચિંતા છે. તેથી ના કહે છે, ખરુંને?”… કોણ જાણી શકે કે દાદીનાં ચિત્તમાં, પોતે ભારરૂપ છે, તે વિચારો લબકારા મારી રહ્યા છે. દાદીનાં મનમાં પુત્રનાં ઘરમાં અને પૌત્રીનાં દિલમાં પોતાનું કેટલું મહત્વ છે તે વિષેની આશંકા ગહેરી હતી. આળું મન કેટલીએ સામાન્ય લાગતી વાતોથી ઘવાયેલું છે તે કોઈ સમજવા પ્રયત્ન પણ નથી કરતું….આવી અકળામણ સાથે હજુ તેમની ‘ના’ ચાલું હતી.
મેના બધાને શાંત કરતાં બોલી, “ભલે, નહીં આવો, પણ હું દાદી વિના નૃત્ય કરીશ જ નહીં ને!” બધાં અવાક થઈ મેના સામે જોઈ રહ્યાં.
એક આશ્ચર્ય અને આનંદનુ મોજું દાદીનાં દિલ પર ફરી વળ્યું… “તને મારી હાજરીનું એટલું બધું મહત્વ છે!” ભીની આંખોથી એમણે હા કહી દીધી.
સભાગૃહમાં પહેલી હરોળમાં દાદીની ખુરશી ગોઠવાઈ. આરંગેત્રમનો મનોહર કાર્યક્રમ પૂરો થતાં તાળીઓનો ગડગડાટ અને વાતાવરણમાં ગુંજતાં સ્પંદનો ઝીલતી મેના મંચ પરથી નીચે દોડી આવી દાદીને વળગી પડી.
સમય અને સ્વભાવના ઉતાર ચડાવ ભલે ક્યારેક શુષ્કતા લાવેલ, પણ એ દીર્ઘ અરસાથી સ્નેહવર્ષામાં ભીંજાયેલ…નાની કળી અને નિર્જરતા ફૂલનાં હૈયા સહજતાથી હસી ઊઠ્યાં.
લાગણીઓનો માળો
કેમ કરી સંભાળો આ લાગણીઓનો માળો!
એક અનેક તણખલે બાંધ્યો નર્મિલો મનમાળો.
એક સળી જ્યાં ખસી ખરે, ત્યાં ઉરમાં ઉખળમાળો.
આ લાગણીઓનો માળો.
કાચા સૂતર જેવો નાજુક, હળુ હળુ કંતાયો,
આવભગત ને પ્રેમ તાંતણે યત્નોથી બંધાયો,
એક આંટી ને ગાંઠ પડે ત્યાં તૂટતો ના સંધાતો,
આ લાગણીઓનો માળો.
પત્તા લઈ પત્તાની ઓથે પોલો મહેલ બનાવ્યો,
આંખ હાથના આધારે સૌ સાથ સુલેહ સજાવ્યો,
એક જરા સી ઝાલકમાં અવળે આવાત ઊડાવ્યો,
આ લાગણીઓનો માળો.
સાત તાર સૂર સંગે વાગે ગીત સુગીત સુમેળો,
અંતર ને અંતરનાં તારે વહેતી સંગીત લહેરો,
નિર્મળ ને નિર્લિપ્ત ભાવનો પડઘો ગુંજે ગહેરો,
આ લાગણીઓનો માળો
———-
saryuparikh@yahoo.com
Rajul Kaushik
To:SARYU PARIKH,Saryu Parikha
Sun, Jun 28 at 9:52 AM
પ્રિય સરયુબેન,
કુશળ મંગળ?
‘દાવડાનું આંગણું’ પર પ્રસ્તુત તમારી વાર્તાઓ વાંચવાની ગમે છે.
આજની પણ આ બે પેઢીને જોડતા પ્રેમની કથા, બદલાતા જતા સમય સાથે બે પેઢી વચ્ચે માનસિક રીતે છવાતા અંતરની વ્યથા- લાગણીનો માળો વાર્તા ખૂબ સ્પર્શી ગઈ.
કદાચ હર એક ઘર કે પેઢી સાથે આ બનવાની શક્યતાને તમે સરસ રીતે રજૂ કરી છે.
પ્રતિભાવ લખવા પ્રયત્ન કર્યો પણ કોઈ કારણસર બ્લોગ પર એ સ્વીકારાયો નહીં એટલે મેઇલ કર્યો.
આશા છે તમારી આવી બીજી અન્ય વાર્તાઓ પણ વાંચવાનો અવસર મળશે.
રાજુલ કૌશિક
LikeLiked by 1 person
સરયૂબેન, તમારી “મિત્રો સાથેની વાતો”ની ટ્રેનનું આ હંમણાં વિરામ સ્થાન જ માનજો. થોડા સમય પછી આ ટ્રેન ફરી શરૂ કરીશું. એક સુંદર સીરીઝ આપની પાસેથી મળી એ બદલ “આંગણું” ટીમના સંચાલક તરીકે આપનો આભાર માનું છું. દાવડાભાઈની ખોટ વર્તાય છે. જ્યારે પણ આમ સીરીઝ પૂરી થતી હોય તો તેઓ મારી સાથે વિગતવાર વાતો કરતા અને વાચકોના પ્રતિભાવની ચર્ચા ખુલ્લા દિલથી કરતા.
સરયૂબેન, આપે આ રવિવારની જવાબદારી લીધી છે અને એને એક અપૂર્વ ધગશ અને સમીટમેન્ટથી નિભાવી રહ્યા છો. આવનારા રવિવારો પણ આ જ કમીટમેન્ટ અને ધગશથી, આવી જ સરસ રચનાઓથી આપ સભર કરી દેશો એની મને ખાતરી જ છે. આપના સહકાર બદલ ફરીથી આભાર માનું છું.
જયશ્રી
LikeLiked by 1 person
તમે મેના અને દાદીની ભલે કદાચ કાલપનીક કે સત્ય વાત લખી હશે… પણ, જો જોવા જાવ તો આજના જમાનામાં દરેકના ઘર ઘરની આજ વાત છે. એક વાત ચોક્કસ, દરેક ઘરમાં ૧૦-૧૨ વરસની મેના અને દાદીની વાત તમારી વાર્તા મુજબની હોઈ શકે છે. પણ પછીની મોટાભાગની દરેક મેના એની દાદી સાથે નથી એકરસ થઈ શકતી. આજના દરેકના અલગ અલગ બેડરૂમવાળા બંગલા-ફલેટના જમાનામાં જરૂર વગરના અને કમાણી વગરના નિવૃત ઘરડા માણસો બોજ લાગે છે, એમાંયતે પથારીમાં પડી રહેતા માંદા માણસો વધારે બોજ લાગે છે.
વાર્તા બહુ સુંદર છે, બહુ ગમી. પ્રેરણાત્મક છે. આજના કોનવેંટીયા સંતાનોને અંગ્રેજીમાં તરજુમો કરીને વંચાવવી જોઈએ.
LikeLiked by 1 person
સુ શ્રી સરયૂબેનની સત્યકથા પર આધારિત અમારા કુટુંબમા-સ્નેહીઓની જ લાગતી પ્રેરણાદાયી વાર્તા/કવિતાઓ માણવાની મઝા આવે છે.આમા દરેક વાર્તા સાથે કાવ્યમય સંવેદના
સાત તાર સૂર સંગે વાગે ગીત સુગીત સુમેળો,
અંતર ને અંતરનાં તારે વહેતી સંગીત લહેરો,
નિર્મળ ને નિર્લિપ્ત ભાવનો પડઘો ગુંજે ગહેરો,
આ લાગણીઓનો માળો…ધન્ય ધન્ય
LikeLike
સરયૂબહેન,
બધા સત્ય ઘટના પર આધારિત, જીવનના અવનવા પાસાં રજૂ કરતી મિત્રો સાથે વાતચીત વાંચવાની ખૂબ મઝા આવી, સાથે ઘણુ શીખવા પણ મળ્યું. દરેક પ્રસંગ સાથે એને અનુરુપ કાવ્ય એ સોને પે સુહાગા જેવું કામ કર્યું. દાવડાનુ આંગણુ આવી પ્રતિભાવંત સાહિત્ય સામગ્રી પીરસતું રહે, જયશ્રીબહેને સ્વેચ્છાએ ઉપાડેલ આ ભગીરથ કાર્યને પૂર્ણ સફળતા મળે અને હવે પ્રીતી સેન્ગુપ્તાની નવકથાનાના ઈંતજાર સાથે,
અસ્તુ,
LikeLike