આજે આ તેર અઠવાડિયાથી ચાલતી આ લઘુ નવલ આજે પૂર્ણ થાય છે. સર્જકે સર્જેલા મુખ્ય પાત્રો, સંદિપ અને શ્રેયાની દર સોમવારે રાહ જોતાં હું એ ભૂલી જ ગઈ હતી કે તેર અઠવાડિયામાં આ મહેમાનો વિદાય લેશે ત્યારે મને અને મારી સાથે અન્ય વાચકોને પણ એમની હાજરીનો અસાંગળો થશે. હું “આંગણું”ની ટીમ અને સર્વ વાચકો વતી આ સુંદર નવલકથા “છિન્ન” અમને આપવા બદલ એના સર્જક રાજુલબેન કૌશિકનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
આવતા સોમવારથી ડાયસ્પોરા સાહિત્યનું એક મોટું નામ, પ્રીતિ સેનગુપ્તાની ખૂબ સુંદર નવલકથાનો પ્રારંભ કરીશું. આશા છે આપ સહુ એ નવલકથાને ખૂબ પ્રેમથી આવકારશો. એ નવલકથા અને પ્રીતિબેનના પરિચય માટે આવતા સોમવારની રાહ જોવી રહી.
આ પ્રકરણ વાંચ્યા પછી, અંતમાં, સક્ષમ સર્જક, રાજુલ કૌશિક ની કેફિયત વાંચવાનું ચૂકતાં નહીં.
***** ૧૩ *****
સંદિપ ક્યારેક ખપ પુરતુ બોલી લેતો પણ એમાં જાણે કોઈ ત્રાહિત વ્યક્તિ જેવો અજાણ્યો ભાવ અનુભવાતો.અકળામણ તો એ પણ
એટલી જ અનુભવતો.ક્યારેક વાતનો મોટું સ્વરૂપ અપાઈ ગયું હોય એવો મનોમન વિચાર આવી જતો.વાતનું વતેસર થઈ ગયા પછી એને વાળી લઈ શક્યો હોત પણ પેલો અહં ફુંફાડા મારીને એને એમ કરતા રોકતો.જેમ જેમ શ્રેયા એને બોલાવવા પ્રયત્ન કરતી તેમ તેમ એ વધુને વધુ અક્કડ બની જતો. અને હવે તો શ્રેયાએ પણ બોલવાનું ઓછું કરી નાખ્યું હતું. આજ સુધી તો ઠીક છે કે કામના ભારણ હેઠળ એને અને સૌને ટાળવાના પ્રયત્નો કરતો રહ્યો પણ આમ ક્યાં સુધી ચાલશે? શ્રેયા વગર, શ્રેયાના સૂચન વગર કે શ્રેયાની મદદ વગર પણ એ કામ પાર પાડી શક્યો હતો, એનો ગુરૂર, એનો અહં સંતોષાયો હતો પણ એ કામનો આનંદ કેમ નહોતો થતો?
આમ જોવા જાવ તો શ્રેયાની વાત જરાય ખોટી તો નહોતી જ. શ્રેયાની વાતને એ સરખી રીતે લઈ જ શક્યો હોત.પણ હવે પાછા વળવાની કોઈ શક્યતા દેખાતી નહોતી. શ્રેયાએ પોતાની જાતને કાચબાની જેમ અંદર સંકોરી લીધી હતી અને લાગણીઓ પર ઢાલ જેવું, સખત પથ્થર જેવું કવચ ધારણ કરી લીધુ હતું. જેનો ભાર હવે રહી રહીને સંદિપને લાગવા માંડ્યો. બળબળતા રણમાં ચાલ્યાની લ્હાય હવે ઉઠવા માંડી પણ જાણે હવે વાત હાથ બહારની લાગતી હતી. શ્રેયાએ જ્યારે જ્યારે બોલાવવા પ્રયત્ન કર્યો ત્યારે જે અકડાઈ રાખી એ જ હવે નડવા લાગી.
યાદ આવતુ હતું, નાનો હતો ત્યારે એક વાર મમ્મી સાથે રિસાઈને જમવાના ટેબલ પરથી મ્હોં ફુલાવીને ઊભો થઈ ગયો હતો. મમ્મીએ બોલાવ્યો પણ જીદ પર આવીને એ વખતે તો ના જ આવ્યો. પણ પછી ભૂખ સહન ન થતાં, મમ્મી કામ કરતી હતી ત્યાં એનુ ધ્યાન પડે તેમ કોઇને કોઈ બહાનું કાઢીને આંટા મારવા માંડ્યા. વિભાબહેને જાણીને થોડીવાર તો એની પર ધ્યાન ન આપ્યું ત્યાર ય બાળમાનસમાં એક વાત તો સમજાઈ ગઈ કે માગ્યાં માન મળતા હોય ત્યારે મોં ના ફેરવી લેવાય.
સંદિપ આજે ફરી એ જ સ્થિતિ પર આવીને ઊભો.
એની માની લીધેલી ભૂલ પર શ્રેયાએ કેટલી વાર એને મનાવવા પ્રયત્ન કર્યો પણ એની પોતાની જીદને લઈને એ વખતે માગ્યાં માન પર મ્હોં ફેરવીને ઊભો રહ્યો અને હવે અત્યારે અંદરથી મન ઝંખતુ હતું કે શ્રેયા એની સાથે વાત કરે. એના સફળ થયેલા પ્રોજેક્ટ અંગે, હવેથી શરૂ થતા નવા કામ અંગે એની સાથે ચર્ચા કરે.
“સંદિપ, તારી અને શ્રેયા વચ્ચે શું થયું છે એની મારે કોઇ ચર્ચા નથી કરવી પણ આવી રીતે ક્યાં સુધી ચાલશે? એનો કોઈ અંત ખરો? આમ સાથે રહેવાનો કોઇ અર્થ ખરો?”
અંતે નયનભાઈએ સંદિપને ઑફિસમાં બોલાવીને વાર કરવા પ્રયત્ન કર્યો. સંદિપ પાસે આનો કોઈ જવાબ જ ક્યાં હતો કે એ આપે?
ક્યાંયથી ય અટકી ગયેલી વાત આગળ વધતી જ નહોતી. ગળામાં કાંટો ફસાયો હતો અને એના લીધે ડચુરો બાઝ્યો હતો એ ન તો અંદર ઉતારી શકાતો હતો કે ન તો એ બહાર પાછો ધકેલી શકાતો હતો. ગુંગણામણ થતી હતી પણ કહે કોને?
સંદિપે નયનભાઇની વાત પર વિચારી લીધુ. સાચી તો વાત હતી આવી રીતે ક્યાં સુધી ચાલશે? એનો કોઈ અંત હતો?
હા, હતોને! અને એક દિવસ એણે નક્કી કરી લીધુ ખરેખર આમ સાથે રહેવાનો તો કોઇ અર્થ રહેતો નહોતો.
શ્રેયાને તો આમ પણ જાણે કોઇ પરાયા ઘરમાં રહેતી હોય એવુ લાગ્યા કરતું હતું. નયનભાઈ કે વિભાબહેન સાથેનો વ્યહવાર તો એવો જ સામાન્ય ઉષ્માભર્યો હતો પણ મન અંદરથી મુરઝાઈ રહ્યું હતું. માળીની માવજત તો એની એ જ હતી પણ પાણી વગર છોડ સૂકાઈ રહ્યો હતો, પાન વિલાઈ રહ્યાં હતાં. લચીલા લુમઝુમ કરતા ઝાડ કરતાં સૂકાઈને ક્ષીણ બની રહેલા એ સાંઠીકડાનો ભાર વધુ ને વધુ સાલતો હતો. અને, જો આમ જ વારંવાર બનવાનું હોય તો એ ક્યાં સુધી ચુપ રહી શકવાની હતી? ક્યારેય એવું નહીં બને કે એની વાત સંદિપને સાચી કે સમજવા જેવી લાગશે અને કશું પણ કહ્યા પછી જો આમ જ પરિસ્થિતિ સર્જાવાની હોય તો એનો છેડો ક્યાં જઈને અટકવાનો? નથી જોઈતી એ ડચકાં ખાતી, ખોડંગાતી, લૂલી ક્ષણિકભરની પળો જેમાં અરસપરસ સ્વતંત્રતાની, કહેવાતા માન સન્માનની ટક્કર એના દાંપત્યને બોદું કરે.
અને નક્કી કર્યા મુજબ ઝાઝી હોહા વગર સેપરેશનના સમયને ઓળંગીને પરસ્પર સંમતિથી આજે બંને છૂટાં પડી ગયાં, ત્યારે શ્રેયા પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેઠી. ગાડીમાં બેસતાની સાથે એ મન મોકળું કરીને રડી પડી. આટલા સમયનો ડૂમો એના બંધ તોડીને બહાર આવી ગયો. આસ્તેથી આવીને સંદિપ બારણું ખોલી એની બાજુમાં બેસી ગયો. થોડી ક્ષણો એમ જ વિતી ગઈ.
“આપણે ક્યાં ખોટા પડ્યા સંદિપ?”
આજે આટલા લાંબા સમય બાદ એ સંદિપ સાથે બોલી શકી.
“આપણે નહીં, શ્રેયા હું ખોટો પડ્યો અને કદાચ ઓછો પણ પડ્યો.“
સંદિપ પણ હળવો ફુલ બની ગયો. અને હળવેકથી શ્રેયાનો હાથ થામી લીધો. પતિ જે સ્વીકારી ન શક્યો એ ફરી એક વાર દોસ્ત બનીને કહી શક્યો.
“કાયમ હું તને કહેતો અને આજે પણ કહીશ જસ્ટ બ્લો વીથ ધ ફ્લો.જે બની ગયું એને યાદ કરીને દુઃખી થવા કરતાં, એને ભુલીને આગળ વધવાનું. જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી, એમાં વહી જવામાં જ શાણપણ છે અને શાન પણ. આજે પણ તું મારી કરીબી દોસ્ત છું અને રહીશ શ્રેયા.“
“લેટ્સ હેવ ડીનર ટુ ગેધર એન્ડ સેલિબ્રેટ અવર ઓલ્ડ રિલેશનશિપ વન્સ અગેઇન ઇન ન્યુ વે.“
શ્રેયા હસી પડી અને સંદિપે કાર સીધી કામા તરફ લઈ લીધી.
સમાપ્તઃ
*********** સર્જકની કેફિયત*****
“છિન્ન”
એક દિવસ જરાક જુદી લાગે એવી ઘટના વિશે સાંભળ્યું અને ‘છિન્ન’ નવલકથાનું બીજ મારા મનમાં રોપાયું.
પ્રથમ તો દોસ્તી હતી એ બંને વચ્ચે એ પછી પ્રેમ થયો અને પ્રણય પરિણયમાં પરિણમ્યો.
Made for each other કહેવાનું જાણે એમને જોઈને શરૂ થયું હશે એટલી હદે એકબીજામાં પરોવાયેલાં હતાં અને અચાનક જ એક દિવસ સમાચાર મળ્યા કે પરસ્પરની સમજૂતીથી બંને છૂટા પડ્યા.
ન કોઈ આળ, ન કોઈ આક્ષેપ અને મઝાની વાત તો એ હતી કે છૂટા પડ્યા પછી પણ આજ સુધી એ લોકોની દોસ્તી અકબંધ રહી છે. છૂટાં પડ્યાનાં સહેજપણ ભાર વગર એ પછી પણ બંને સાવ સહજતાથી, સંપૂર્ણ સ્વસ્થતાથી મળતાં રહ્યાં છે. સમાજની શરમે જીવાતા સંબંધો કરતાં સ્વસ્થતાથી છોડી દીધેલા અને પુનઃ તંદુરસ્ત મિત્રતામાં પરિણમેલા એ સંબંધ અને એ ઉભય પર માન થયું હતું.
ત્યારે મનમાં એક સવાલ થયો કે સાચે આવું બની શકે ખરું? કેવી રીતે? સમજણના કયા પાયા પર આ સંબંધ વિકસ્યો હશે અને કઈ ત્રુટીથી વિચ્છેદ થયો હશે?
પછી તો મનમાં જ આ સંબંધોના સમીકરણ મંડાતા ગયા અને એના જવાબરૂપે આ નવલકથાનો આરંભ થયો. કોઈપણ વ્યક્તિના બે કે તેથી વધુ સ્વરૂપ હોઈ શકે. મોટા ભાગે દરેક વ્યક્તિ એના અલગ અલગ સંબંધો સાથે થોડું અલગ રીતે જ જીવતો હોય છે. વ્યક્તિ સ્વ સાથે હોય, સ્વજન સાથે હોય કે જેની સાથે ભાગ્યે જ લાગણીનું જોડાણ હોય એવી ત્રાહિત વ્યક્તિ સાથે હોય, શક્ય છે એની વાણી, એનું વર્તન, એનો વ્યવહાર દરેક સમયે જરા જુદા હોવાના.
વ્યક્તિની લાગણીઓની વાત કરીએ ત્યારે સમજાય છે કે એનાંય એટલાં સ્તર છે કે એ એક પછી એક ખુલતાં જાય અને તેમ છતાં લાગે કે હજુ અંદર ઘણું ધરબાયેલું છે જેના તળ સુધી પહોંચવું શક્ય ન યે બને.
એક સરસ દોસ્ત જ્યારે પતિ કે પત્ની બને ત્યારે એમની અપેક્ષાઓ જ આ સંબંધનો પાયો હચમચાવી મુકે એવી શક્યતા જ મનની સપાટી પર તરી આવી અને એમાંથી સર્જાયા સંદિપ અને શ્રેયા. સંદિપ અને શ્રેયા વિશે લખતાં જાણે હું એમના દાંપત્યજીવનમાંથી અથવા દાંપત્યજીવનની સાવ નજીકથી પસાર થઈ છું એવું અનુભવાયું છે. જાણે સંદિપની અને શ્રેયાની પ્રકૃતિ હું જાણું છું. આ નવલકથા લખી ત્યારે સતત લાગ્યું છે કે સંદિપ અને શ્રેયાને સાવ નજીકથી ઓળખું છું.
સંદિપની જીદ, સંદિપનો ઈગો કદાચ આપણી આસપાસની કોઈપણ વ્યક્તિનો હોઈ શકે. શ્રેયાની સમજણ, શ્રેયાની સ્વસ્થતામાં હું કે તમે પણ હોઈ શકો છો અથવા મારામાં રહેલી શ્રેયા અહીં પ્રગટ થઈ હોય એવું બની શકે કારણકે લગભગ એવું બને છે કે કથાના પાત્રોમાં ક્યાંક, ક્યારેક સર્જક, સર્જકના વિચારો કે મનોવ્યાપારો પણ વ્યક્ત થાય અને વાચકને એમાં કોઈ જગ્યાએ પોતાનું પ્રતિબિંબ પણ નજરે પડે.
આ લઘુ નવલકથા લખતી હતી ત્યારે એ કોના સુધી પહોંચશે એ વિચાર્યું જ નહોતું. બસ લખાતી ગઈ અને આજે એ આપ સૌ સુધી પહોંચી છે, આપ સૌએ વાંચી છે, પ્રતિભાવ આપ્યા છે ત્યારે મને આ લખ્યાની સાર્થકતાનો આનંદ છે.
આભાર મારા વાચક મિત્રોનો.
રાજુલ કૌશિક
“કથાના પાત્રોમાં ક્યાંક, ક્યારેક સર્જક, સર્જકના વિચારો કે મનોવ્યાપારો પણ વ્યક્ત થાય અને વાચકને એમાં કોઈ જગ્યાએ પોતાનું પ્રતિબિંબ પણ નજરે પડે.” લેખક તરિકે આ વાતમાં તથ્ય છે. સર્જકનાં ભાવ નવલકથા લખવા, અને પાત્રોને ખાસ દીશામાં વિકસાવવા પ્રેરીત કરે છે.
સ્વભાવ અને સંગત માટે બન્ને પક્ષ સહકાર ન આપે, ત્યારે આ રીતે સજ્જન માણસો અલગ થઈ જાય છે.
રાજુલબેનનું લખાણ ફરીને મળતુ જ રહેશે તેવી શુભેચ્છા. સરયૂ પરીખ
LikeLiked by 2 people
છિન્ન Rajul Kaushik દ્વારા ગુજરાતી નવલકથા
સંપૂર્ણ વાર્તા વાંચો Listen મોબાઈલ પર ડાઉનલોડ કરો
હજુ પણ મુકી શકાય તો Listen ની સગવડ મુકો.બાળકો/યુવાનો હવે વાંચવાથી કંટાળે છે.અમારા દીકરા દીકરીઓ પણ રીડર સાધનથી સાંભળે છે અને બોલીને લખે છે.
આપે બરોબર કહ્યુ-‘ક્યારેક સર્જક, સર્જકના વિચારો કે મનોવ્યાપારો પણ વ્યક્ત થાય અને વાચકને એમાં કોઈ જગ્યાએ પોતાનું પ્રતિબિંબ પણ નજરે પડે.’
સાંપ્રત સમયે-‘ન કોઈ આળ, ન કોઈ આક્ષેપ અને મઝાની વાત તો એ હતી કે છૂટા પડ્યા પછી પણ આજ સુધી એ લોકોની દોસ્તી અકબંધ રહી છે. છૂટાં પડ્યાનાં સહેજપણ ભાર વગર એ પછી પણ બંને સાવ સહજતાથી, સંપૂર્ણ સ્વસ્થતાથી મળતાં રહ્યાં છે.’આદર્શવાદ વાળી વાત જોવામા આવતી નથી.કોઇ આ વાતે પ્રેરણા લે તો સારો દાખલો બેસે
સમય ના વિષચક્રમા અટવાયેલો,
મુજ થી જ વિમુખ છુ,
ખુદ ની જ ખોજ મા ભટકતો ને
ખુદ થી જ વિખુટો પડેલ,
છિન્ન ભિન્ન છુ.
આપની આ વાત,’પ્રતિભાવ આપ્યા છે ત્યારે મને આ લખ્યાની સાર્થકતાનો આનંદ છે.આભાર
મારા વાચક મિત્રોનો.
બાકી ઘણા માટે થાય-‘એવા હૈયાસુના સમીપ હ્રદય શા ઢોળવા અમથા રણે રગડોળવા અમથા.’
LikeLiked by 2 people
આભાર સરયુબેન અને પ્રજ્ઞાજી.
આ લઘુ નવલકથાના આરંભથી અંત સુધી આપના પ્રતિભાવ થકી પ્રોત્સાહન મળતું રહ્યું હતું એના માટે આપનો હ્રદયપૂર્વક આભાર.
પ્રજ્ઞાજીની Listenના સૂચન સાથે સંમત છું કારણકે વર્તમાન સમયમાં એક સાથે અનેક કાર્ય કરવા ટેવાયેલા- multitasking વ્યક્તિઓ માટે કામ કરતાં, ડ્રાઈવ કરતાં સાંભળવાનું સરળ બને છે, એમના માટે આ રીડર સાધન આશીર્વાદ સમ છે.
આ સૂચન અવશ્ય આવકાર્ય છે.
ફરી એકવાર અંતઃપૂર્વક આભાર
LikeLiked by 1 person
ahamkar-ego must keep under limit. ether men or women for easy & lovely life. nice story . wright new story now.
LikeLike
નવલકથા નિશ્ચિત સુંદર જ છે. પ્રેમતત્વ ગૂઢ છે.પ્રેમગલી અતિ સાંકરી-ઇસમેં દો ન સમાય! કોઈ એકને ઓગળવું જ પડે છે.possessive કોણ નથી થતું?મારો અંગત અનુભવ કહું. હું પૌત્ર સાથે વાત કરતો હોઉં ત્યારે બીજા કોઈને પણ થોડો સમય આપું તે તેનાથી સહન જ ન થાય.! દાદા ફકત મારા.! અને આ માત્ર બાલવૃત્તિ નથી સમજવાની.માનવીય પ્રેમ જેટલો તીવ્ર તેટલો વધારે possessive. નવલકથા Male ego પર કેન્દ્રિત છે.પણ female ego પર પણ આવી સુંદર નવલકથા ભવિષ્યમાં રાજુલબેન પાસેથી મળશે તેવી આશા રાખીએ. રાજુલબેન ને અભિનંદન અને દીર્ઘ સાહિત્ય યાત્રા માટે સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ. નમસ્કાર.
LikeLike
છિન્ન લઘુનવલના પ્રારંભથી અંત સાથે હું જોડાયેલી રહી છું. સંદિપ શ્રેયાના મનોભાવ મૈત્રી થી જીવનસાથી સુધી પહોંચ્યા અને એક મુકામે સંદિપના અહમે શ્રેયાનુ હૈયું ચિન્ન કરી દીધું અને વાત સહજ સમજૂતીથી છૂટા પડવા પર આવી ગઈ. ઃહૂટા પડ્યા પણ મૈત્રી અકબંધ રહી, એ વાત પર હમણા જ ટીવી પર જોયેલ “જીના ઈસીકા નામ હૈ” માં હની ઈરાની અને જાવેદ સાહેબની જીવનકહાની યાદ આવી ગઈ. સંદિપ શ્રેયાની જેમ છૂટા પડ્યાં પછી પણ બન્નેની મૈત્રી અકબંધ રહી છે. બાળકો ફરહાન અને ઝોયાના સંબંધો શબાના આઝમી સાથે પણ એટલા જ સારા છે, એટલે વાસ્તવિક જીવનમાં પણ આવું બની શકે અને મનુષ્ય સ્વભાવ સંબંધના ઘણા સ્તર હોઈ શકે એ સાવ સાચું છે.
LikeLiked by 1 person
નવલકથા નિશ્ચિત સુંદર છે.
LikeLike