સનમની શોધમાં – વાર્તા – સુચી વ્યાસ
બસ, ધારી લો. એક છોકરી-ના, ના આધેડવયની એક સ્ત્રી, નામ છે માયા; ભાગા ભાગી અને ધમાલ જેવો મસાલેદાર વાવાઝોડાનો વરસાદ; તમે જો એને મળો તો એને જોઈને તમને હાંફ ચડે! મોટર ચલાવે તો મનમાં થાય કે એને કહી દઉં, “માયાદેવી, આ મોટર છે, હેલિકોપ્ટર નથી.” આ માયાનો પ્રશ્ન ૨ – ૪ વર્ષોથી મિત્રોની દુનિયામાં ગંભીર બની ગયેલો.
કલ્પનાને રોજ મનમાં વિચાર આવતાં કે આ સાલી, માયાને હવે કોઈ સાથી મળી જાય તો સારું. કલ્પના અને માયા મુંબઈમાં સાથે ઉછરેલાં, ભણેલાં અને લગ્ન કરીને બંને સાથે જ, લગભગ એક જ અરસામાં અમેરિકા આવેલાં. કલ્પના એકદમ શાંત, શરમાળ અને માયા તો પગમાં પતંગિયાનાં ઝાંઝરાં પહેરી ઊડતી ફરે.
માયા અમેરિકા આવી. અહીં ફાર્મસીનું ભણીને ખૂબ ઝડપથી પ્રગતિ કરવા લાગેલી. માયાના પતિએ પણ ફાર્મસીમાં માસ્ટર કર્યું હતું. માયાને બે બાળકો થયાં પછી એના લગ્નજીવનમાં ગરબડ થતાં બંને છુટ્ટાં પડી ગયાં. માયાએ નીચું ઘાલીને, આડેધડ, પંદરથી વીસ વર્ષો સુધી નોકરીઓ કરી બંને બાળકોને, એમની આવનારી જિંદગી માટે તૈયાર કરી દીધાં.
માયા પોતાની આ બધી જ સાંસારિક ફરજોમાંથી બહાર આવી ત્યારે એકએક ભાન થયું કે એ સાવ એકલી પડી ગઈ છે. કંઈ કેટલા સ્ટેટ્સમાં ફાર્મસીના લાઈસન્સ, ચેરી હિલમાં મોટો બંગલો, ત્રણ-ચાર સબ-વેમાં પાર્ટનરશીપ, ત્રણ-ચાર ટાઈમ શેરીંગ કોન્ડોમિનિયમ્સ અને એની ઉંમર માત્ર પંચાવન વર્ષની! એક દિવસ માયાએ કલ્પનાને ફોન કરીને કહ્યું, “કલ્પના, મને એકલું એકલું લાગે છે. મારું મન કહે છે કે મારે ફરી પરણી જવું જોઈએ! મારાં બાળકો તો એમનાં સંસારમાં ડૂબી ગયાં છે. મને મારી ઉંમરનો ડોસો ગોતી આપ.”
કલ્પના હસી પડી, “અરે, આજકાલના ડોસાઓ સ્માર્ટ છે. તે મળી રહેશે. તું તારે બધાં દેશી છાપાં જાહેરાત આપને! ચાલ, આપણે બંને આજે સાંજે મળીએ, ત્યારે એવી તો મજેદાર જાહેરાત તૈયાર કરીએ કે ડોસાઓની લાઈન લાગે! તું તો દેખાવડી છો, ભણેલી છો, અરે, યાર, ‘દાદી’ છો ‘દાદી’! અને માયાડી, એ ઉપરાંત, તું ચોખ્ખા દિલવાળી છે, દિલદાર છો. તેમ બધાને મદદ કરી છે અને કરતી રહીશ. અમે બધાં તને ઓળખીએ છીએ પણ ચાર-પાંચ લીટીમાં તારી આ જાહેરાત કરવી અઘરી છે.”
કલ્પના અને માયા રવિવારે સાંજે મળ્યાં. કલાકોની મહેનત પછી એક જાહેરાત તૈયાર કરી.
‘સ્વયંવર, સ્વયંવર!’
‘પંચાવન વર્ષની રૂમઝૂમતી, ગુજરાતી કન્યાનો, જે શોધે છે એક જીવનસાથી,
જેને, હસતા અને હસાવતાં આવડતું હોય,
જે, દેશી-વિદેશી નાટક સિનેમાનો શોખીન હોય,
જેને, તીખું ને તમતમતું ભાવતુ હોય,
જેને, મન, વચન અને કર્મથી વૃદ્ધ થવાની ઉતાવળ ન હોય
જેને, અંગ્રેજીમાં ફ્લ્યુઅન્સી હોય, ગુજરાતીમાં ઓપ્શનલ,
જે, સેક્સમાં અને બીજી રીતે સ્ત્રીઓને પોતા સમાન ગણતો હોય
જેને, સેક્સ તરફ અભિરુચિ હોય, મનથી જરૂર, તનથી મે બી
જેને સાંજે બેસી વાઈન પીતાં પીતાં તડાકા મારવાનું ગમતું હોય
જે દુનિયા ખૂંદવામાં માનતો હોય
આર્થિક રીતે પોતાના અંગત શોખ કે જરૂરિયાત માટે પત્નીથી સ્વતંત્ર હોય અને એવી જ સ્વતંત્ર પત્ની શોધતો હોય તેને નીચે લખ્યા મુજબ સંપર્ક સાધવો,
(અને માયાનો ફોન નંબર, ઈ-મેઈલ એડ્રેસ)”
બંને બહેનપણીઓ આટલું લખતાં હસી હસીને ઢગલા વળી ગયેલી. છુટ્ટા પડતાં કલ્પનાએ એક સલાહ આપી કે, “માયા, તું કહે છે કે અંગ્રેજી આવડવું જોઈએ, પણ ગુજરાતી જરૂરી નથી. તો શાદી. કોમ માં આનું અંગ્રેજી વર્ઝન કરી ચડાવી દે ને! એટલે ગુજુ સિવાય બીજાઓને સ્વયંવરમાં કંઈ તક મળે અને તને જરા મોટું મેદાન મળે!”
જાહેરાત આવી એટલે લગ્નાભિલાષીઓનો દરોડો શરૂ થયો. પણ, માયાએ પહેલી ઈંનીગ્ઝમાં બબૂચકોને, સોગિયાઓને, અકાળે વૃદ્ધ થયેલાઓને અને ધનપિપાસામાં પડેલાઓને આઉટ કરી દીધા. બાકીના ઉમેદવારોમાંથી માયાની ઝીણી, તેજ નજરને કમ્પ્યુટર પર જવાબ લખતો, “અભી તો મૈં જવાન હું” એવો લાગતો, રણકતો, જતીન્દર ખત્રી મળી ગયો. ફોન પર વાતો કરતાં તેનું અટ્ટહાસ્ય, વિનોદવૃત્તિ માયાને પ્રભાવિત કરી ગઈ. પોતાની કારકિર્દીનો ઝળહળતો ઈતિહાસ નિખાલસતાથી પેશ કર્યો. ચેટ રૂમ પર વાતો કરતાં માયાની ટાઈપિંગ સ્પીડથી પેલા પંજાબીને હાંફ ચડી ગઈ. એણે ઉમળકાથી માયાને શિકાગો આવવા આમંત્રણ આપ્યું.
ચોવીસ કલાકમાં માયા શિકાગો પહોંચી. હિન્દી મુવીમાં એક ગીતમાં ઐશ્વર્યા રાય દસ-બાર જુદા જુદા, રંગરંગનાં કપડાં બદલે તેમ, માયા દત્તાણી જતીન્દરને ઈમ્પ્રેસ કરવા વીસ પચીસ ઠસ્સાદાર સાડીઓ, સલવાર-કમીઝ અને મેંચિંગ શૂઝ, પર્સ, ઘરેણાંઓ લઈને શિકાગો ડાઉન ટાઉનની મૅરિએટ હોટેલમાં ઊતરી. આ બાજુ< જતીન્દરે સફેદ શર્ટ, રેશમી સ્કાર્ફ, બ્લેક પેન્ટ, કાનમાં ફાયો અને હાથે ચકચકતું કડું ચડાવી એક મોભાદાર પુરુષની અદાથી એ શનિવારની સવારે બ્રેકફાસ્ટ રૂમમાં એન્ટ્રી મારી.
એકબીજાના ફોટા જોયેલા જ હતા એટલે બેલબોયે ‘કોલ માયા, કોલ જતીન્દર’ની બૂમો ન મારવી પડી. સાથે બેઠાં. ટ્રિપ કેવી રહી એની અને શિકાગોની વેધરની વાતો કરી પછી જતીન્દરે કહ્યું, “માયા, આપકો મેરા એપાર્ટમેન્ટ દેખના ચાહિએ. મૈં કિતના અકેલા રહેતા હું વો દિખાના ચાહતા હું.” પછી, ટૂંકમાં, એનો ઈતિહાસ કહ્યો. જતીન્દરની પત્ની એક વર્ષ પહેલાં કેન્સરમાં મૃત્યુ પામેલી. જતીન્દરને એક દીકરો અને એક દીકરી હતાં. બંને ભણી, ગણી, પરણીને સ્વતંત્ર થઈ ગયાં હતાં. પોતે આખી જિંદગી મોટી એન્જિનિયરિંગ કન્સ્લ્ટિંગ કંપનીમાં કામ કરી રિટાયર થયો હતો. બેચાર નાના મોટા ધંધામાં સારો નફો કરી એ ઠરીઠામ બેઠો છે, અને, હવે એ એકલતામાં બોર થતો હતો.
માયા અને જતીન્દરે બે દિવસ શિકાગોમાં સાથે સમય ગાળ્યો, અને, એકબીજાંથી સારા એવાં પરિચિત થયાં પણ, હજુ ક્યાંક કશુંક બંધબેસતું નથી એમ લાગતું હતું. કશો નિર્ણય લીધાં વિના માયા પાછી ન્યૂ જર્સી આવી પહોંચી. આવતાંવેંત જ કલ્પનાએ એને પૂછ્યું, “વે બેચારે પંજાબી બુઝુર્ગ કે ક્યા હાલ કર કે આયી?” માયા ખડખડાટ હસીને બોલી, “મને તો ગમી ગયો છે, પણ, જતીન્દર કંઈક ગડમથલમાં લાગે છે.”
કલ્પના વિચાર કરીને બોલી, “એકાદ અઠવાડિયા પછી ફરી ફોન કરી તું એને ન્યૂ જર્સી બોલાવ. આપણે એને સકંજામાં લઈશું!”
“સકંજામાં લેવો કે કંઈ વધુ વશીકરણ કરવું એ બધું તો મને આવડે છે, તારી જરૂર નથી. એમાં કંઈ આડું ફાટે તો તારો સંસાર ખારો થઈ જાય. અને હું એવું નથી ચાહતી. પણ, એક છે, એને ખટક છે શું? મારા જેવી નમૂનેદાર એને ક્યાંથી મળવાની છે?” તે છતાં, માયા થોડી અધીરી થઈ ગઈ હતી. એણે સાંજે જ ફોન જોડ્યો. “જતીન્દર, ઈધર આ કે એક બાર ન્યૂ જર્સી આ કર મેરા ગરીબખાના દેખ લો. વહ તુમ્હારે ગરીબખાને સે કમ તો નહીં હોના ચાહિએ.”
જાણે માયાના ફોનની વટ જ જોતો બેઠો હોય એમ તરત જ જતીન્દર તૈયાર થઈ ગયો. શનિવારની ફ્લાઈટ લઈને ફિલાડેલ્ફિયા આવી ચડ્યો. હોંશે, હોંશે માયા એરપોર્ટ પર લેવા પહોંચી ગઈ. અને એરાઈવલ કારુઝલ આગળ ઊભી રહી. જતીન્દરે મહામહેનતે, ધીરે ધીરે, ઊંડા ઊંડા શ્વાસ લેતો, એક બેગને ઢસડતો કષ્ટવદને બહાર આવ્યો. ‘શિકાગો સે નીકલે થે હમ બિન-મહોબ્બત સનમ કી ખોજમેં, કમબખ્ત યે છોટી સી બેગ ઊઠાને મેં, મેરી તો કમર તૂટ ગઈ! આઈ હેવ વેરી બેડ બેક પેઈન, પ્લીઝ હોલ્ડ માય હેન્ડ.”
એક ઝાટકે માયાએ જતીન્દરની બેગ એક હાથમાં અને જતીન્દરને બીજા હાથમાં, એમ જકડી લીધાં અને પાર્કિંગ લોટમાં કાર સુધી લઈ ગઈ. સામાન ટ્રંકમાં મૂક્યો અને જતીન્દરને જમણી સીટમાં નાખી, માયા પોતાને ઘરે લઈ ગઈ. પેઈન કિલર અને હોટ વોટર બેગ વગેરે સેવાઓથી જતીન્દરને પાછો લાઈન પર લાવી દીધો. પછી માયાએ પાસે બેસી પૂછ્યું કે, “ક્યા, કુછ અપન દોનું કા કુછ સોચા કિ નહીં? પરમેનન્ટ બારહ તો નહીં બજ ચૂકા?”
“માયા, મુજે તુમ પસંદ તો આઈ હો, લેકિન હમેં ન્યૂ યોર્કવાલી એક ચંદન કો ભી મિલના હૈ. મૈં ઈસ લચકી હુઈ કમર કે સાથ ડ્રાઈવ નહિ કર સકતા, ઐસા લગતા હૈ. તો મૈં અભી તો વાપિસ જાઉંગા. પીછે ઠીક હોને કે બાદ ન્યૂ યોર્ક કા ચક્કર લગાઉંગા. બાદ મેં ફાઈનલ નક્કી કર સકૂંગા. બુરા મત લગાના.”
માયા ખડખડાટ હસી, “અય બદમાશ, તુમ તો ચાલુ આદમી નીકલા. મુજે ભી એટલાન્ટા મેં એક દામોદરન કો મિલના હૈ. પર દેખ, ન્યૂ યોર્ક સિર્ફ સો મીલ દૂર હૈ. આઈ વીલ ડ્રાઈવ યુ ટુ ન્યૂ યોર્ક, નો પ્રોબ્લેમ! મુજે મેરી સબ વે કી એક બ્રાન્ચ કા કુછ કામ હૈ તો તુ તેરી લડકી કો મિલ લે ઔર મૈં મેરા કામ નિપટાઉંગી. ઉસ કો ફોન કર કે ડાઈરેક્શન લે લે ઔર ટાઈમ પક્કા કર દે…”
જતીન્દર જરા અજાયબ થઈ ગયો, માયાની જિંદાદિલી પર. ડરતાં ડરતાં પેલી ચંદનને ફોન કર્યો. અને, નક્કી કરેલ સમયે માયાની મોટી વાનમાં પાછલી સીટમાં તકિયા, ઓશિકા ગોઠવી, જતીન્દરને બરોબર ગોઠવી દીધો. ત્રણ ત્રણ સીટ બેલ્ટ લગાડ્યા કે બ્રેક લાગતા જતીન્દર ‘ઢૉળાઈ’ ન જાય! પછી બોલી, “મેરી પસંદ કે ગાને મૈંને ઈસ સીડી પર લગાયે હૈં. સુનેગા?” જતીન્દરે ડોકું હલાવીને “હા” પાડી અને માયાએ એ સીડી કાઢીને પ્લેયરમાં લગાડી. સીડી પર ‘કજરા રે, કજરા રે’ નું બૂમરાણ ચાલુ થયું, અને, માયા સાથોસાથ તેના ખભા નચાવવા લાગી. માયાએ વાનને ઉત્તરદિશામાં મારી મૂક્યું. ડાઈરેક્શન પ્રમાણે ચકાસીને જગ્યા શોધી ને જતીન્દરને પહોંચાડ્યો. ‘સમજ કે માલ જરા પૂરા દેખ લેના. ઔર કામ ખત્મ હુઆ કિ મુજે યે સેલ ફોન પર બુલાના. આ કે વાપિસ લે જાઉંગી. ઔર દેખ, કમર કે સિવા ઔર કુછ તોડના નહીં.”
ન્યૂ યોર્કની ઉમેદવાર સાથે જતીન્દરે બેત્રણ કલાક ગાળ્યા. જતીન્દરે માયાને ફોન કર્યો, “રિટર્ન રાઈડ મિલેગી?”
માયા આવીને લઈ ગઈ, વાન ન્યૂ જર્સી બાજુ મારી મૂકી. માયાએ પૂછ્યું, “કૈસી રહી?” અને પેલી સીડી ચાલુ કરી. ”હમ તુમ, એક એક કમરેમેં બંધ હો, ઔર ચાવી ખો જાયે.” માયાએ ઓટો-લોકથી વાનના બારણાં બંધ કર્યાં અને તોફાની અવાજે બોલી, ‘લો, અબ હમ કમરેમેં બંધ હો ગયે!’ અને, બંને હસી પડયાં.
“મેરી તો છોડો, મગર તુ દામોદરન કો ભી મિલનેવાલી હો, ઉસ કે બારે મેં બતા.”
“બસ, મૈં તો ઘર જા કે હી ફોન કરને વાલી થી. મગર સોચતી હું કી અગર વો મુજે પસંદ આ ગયા તો યે કમબખ્ત જતીન્દર કા કયા હોગા? મુજે તો તુ પસંદ આ ગયા ફિર આગે ઢૂંઢને કા ક્યા મતલબ હૈ? મુજે બમબઈયા હિન્દી પૂરી આતી હૈ. પર સ તામિલ શીખને મેં બરસોં બીત જાયેંગે ન?”
જતીન્દરે સીટ લાંબી કરી, પગ લંબાવ્યા. હેડ રેસ્ટ પર માથું ઢાળ્યું અને માથે પહેરેલી બેઈઝબોલ કેપ જરા ખેંચી અને આંખો ઢાંકી દીધી ને બોલ્યો, “સનમ, તો ફિર વો દામોદરન કી છુટ્ટી કર દે ન!”
ત્યાં તો, સીડી પર ગીત બદલાયું, મશીનો આજકાલ હવે સાલા, હવે વધુ ને વધુ બુદ્ધિશાળી થવા લાગ્યાં છે! શું જમાનો પણ આવ્યો છે! ગીત હતું, “ મૈં ક્યા કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા!” અને, બેઉ જણાં ખડખડાટ હસી પડ્યાં.
(નોંધઃ ભારતમાં મૃગેશ શાહ દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધામાં આ વાર્તાને ત્રીજું ઈનામ પ્રાપ્ત થયું છે.)
અમેરિકન મિજાજનો પરચો કરાવતી હળવી શૈલીની ભારે વાર્તા
LikeLike