ગુજરાતીમાં લટકણિયાં
બાબુ સુથાર
ગુજરાતી ભાષામાં લટકણિયાંના સંદર્ભમાં પણ ઠીક ઠીક ગેરમસજ પ્રવર્તે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ વાક્યના આરંભમાં આવતા ‘તો’ને પણ લટકણિયું ગણતા હોય છે. દા.ત. આ વાક્ય જુઓ: (૧) ‘તો તમે કાલે આવશોને?’ અહીં વાક્યના આરંભમાં આવતો ‘તો’ લટકણિયું નથી.
એને આપણે કદાચ take off marker કહી શકીએ. આ ‘તો’ હકીકતમાં વાક્યના સ્તર પર નથી આવતો. Discourseના સ્તર પર આવે છે. એમ હોવાથી હું તો એને discourse marker કહીશ. એ જ રીતે, ‘તે’ અને ‘શું’ જેવા બીજા discoursed markers લો. આ બન્ને discourse markers વાક્યના આરંભમાં વપરાય છે. જેમ કે, (૨) ‘તે તમને મેં કહ્યું તો હતું કે…’ અને (૩) ‘શું તમે આ કામ કરશો?’ જો કે, આમાંનો ‘શું’ સાચેસાચ discourse marker તરીકે કામ કરે છે કે નહીં એ એક તપાસનો વિષય છે. હું સમજું છું ત્યાં સુધી અહીં ‘તે’ અને ‘તો’ take off marker તરીકે કામ કરે છે. મનોભાષાવિજ્ઞાન ઊક્તિને બે તબક્કામાં વહેંચી નાખે છે. પહેલા તબક્કામાં ભાષક જે તે ઊક્તિનું આયોજન કરે અને બીજા તબક્કામાં એ જે તે ઊક્તિનું ઉચ્ચારણ કરે. મને લાગે છે કે ‘તો’ અને ‘તે’ આ આયોજન અને એના execution માટે જે તે ભાષકને વધારાનો સમય પૂરો પાડતા હોય છે. ‘શું’ કદાચ એવું કામ નથી કરતા. ઉપર વાક્ય (૪)માં આવતો ‘શું’ કદાચ આશ્ચર્યનો કે અનપેક્ષિત પરિસ્થિતિનો ભાવ વ્યક્ત કરે છે. જ્યારે હું કોઈને કહું કે “તો શું તું આ કામ માટે અમદાવાદ જઈશ?” ત્યારે કદાચ મારા મનમાં એમ હોય છે કે આ કામ માટે શ્રોતાએ અમદાવાદ જવાની જરૂર નથી. એ કામ એ ઘેર બેઠાં પણ કરી શકે. જો એમ હોય તો એણે અમદાવાદ ન જવું જોઈએ. આશા રાખીએ કે કોઈક ગુજરાતી discourse grammar પર કામ કરીને આપણને આ વાક્યના આરંભમાં આવતા markersનાં કાર્ય સમજાવશે.
એ જ રીતે, ઘણા ભાષાશાસ્ત્રીઓ (૫) ‘તમે આવશો કે’માં આવતા ‘કે’ને પણ લટકણિયું ગણતા હોય છે. હકીકત એ છે કે એ લટકણિયું નથી. એ હકીકતમાં તો ORનો ભાવ વ્યક્ત કરે છે. આ વાક્ય હકીકતમાં તો આમ છે: (૬) ‘તમે આવશો કે નહીં આવો’? વાક્ય (૫)માં ‘નહીં આવો’નો લોપ કરવામાં આવ્યો છે. એમ હોવાથી આ ‘કે’ને આપણે લટકણિયું ન કહી શકીએ.
ગુજરાતીમાં ‘ને’ (‘રમેશ કાલે આવશે ને?’); ‘તો’ (‘ચાલ તો, મને આ લખાવ તો’); ‘તે’ (‘રમાએ પાણી ભર્યું તે’) અને ‘એમ કે’ (તમે પણ લગનમાં આવવાના એમ કે?) લટકણિયાં તરીકે વપરાય છે. જો કે, આમાંના ‘એમ કે’ માટે આપણે જરા જુદી રીતે વિચાર કરવો પડે. કેમ કે, એ એક શબ્દ નથી.
પણ, હવે જે પ્રશ્ન છે તે એ કે ભાષકો આ લટકણિયાં શા માટે વાપરતા હશે? હું સમજું છું ત્યાં સુધી ગુજરાતી ભાષકો બે હેતુથી લટકણિયાં વાપરે છે: (ક) માહિતીની ખાતરી આપવા અથવા માહિતીની ખાતરી કરવા. ઉદાહરણ તરીકે આ બે વાક્યો લો: (૭) ‘રમેશ કાલે આવશેને. એ આ કામ કરશે.’ અને (૮) ‘રમેશ કાલે આવશેને?’ પહેલા વાક્યમાં ભાષક પોતાની પાસે જે માહિતી છે એ માહિતીની ખાતરી આપે છે. અલબત્ત, શ્રોતાને. જ્યારે બીજા વાક્યમાં વક્તા પોતાની પાસે જે માહિતી છે એ સાચી છે કે નહીં એની ખાતરી કરે છે.
ઘણી વાર ભાષકો આ જ ‘ને’નો ઉપયોગ વિનંતીનો ભાવ વ્યક્ત કરવા માટે પણ કરતા હોય છે. ઉદાહરણ તરીકે આ વાક્ય લો: (૯) ‘તમે કેરી ખાઓને.’ જો કે, આ પ્રકારનાં વાક્યોની એક ખૂબી હોય છે. અને તે એ કે એ વાક્યો કોઈકને સંબોધીને જ કહેવામાં આવતાં હોય છે. હવે આ વાક્ય જુઓ: (૧૦) ‘તું તારે કેરી ખાને. પછી જોયું જશે’. આ પ્રકારનાં વાક્યો કદાચ ‘વિનંતીવાચક વાક્યો’માં બંધ નહીં બેસે. આપણે આવાં વાક્યોને પરવાનગીભાવ વ્યક્ત કરતાં વાક્યો કહી શકીએ ખરા? વિચારવું પડે. વળી એવું પણ નથી કે આ પ્રકારનાં વાક્યોમાં કેવળ માનવાચક ભાવ દર્શાવતાં વાક્યોનો જ સમાવેશ કરી શકાય. દાખલા તરીકે આ વાક્ય જુઓ: (૧૧) ‘તું તારે કેરી ખાને, રમેશ આવશે ત્યારે જોયું જશે’. મને લાગે છે કે આવાં વાક્યોનો પ્રત્યક્ષ અભ્યાસ કરીને આપણે ‘ને’ લટકણિયું કેવા કેવા ભાવ વ્યક્ત કરે છે એની તપાસ કરવી જોઈએ. દાખલા તરીકે આ સંવાદ લો: મીના: તમે કેરી ખાઓ કે? બીના: હા, હું કેરી ખાઉંને. અહીં મીનાને ખબર નથી કે બીજા કેરી ખાય છે. પણ બીના એને ‘ને’ વાપરીને એ વાતની ખાતરી આપે છે. જો કે, કોઈને પ્રશ્ન થશે કે આ ખાતરી છે કે politeness?
હવે ‘તે’નો ઉપયોગ જુઓ. ઊર્મિ દેસાઈએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં આ ઉદાહરણ આપે છે: (૧૨) ‘મેં આટલું લખ્યું તે?’ અર્થાત્, હવે એનું શું? તમે કાગળ લખવા બેઠા છો. કાગળ અરધો થયો છે. ત્યાં જ કોઈક આવીને તમને કહે છે કે તમારે કાગળ નથી લખવાનો. તમે તરત જ પૂછશો: ‘મેં આટલું લખ્યું તે?’ આ પ્રકારનાં વાક્યો પ્રમાણમાં ઓછાં જોવા મળે છે પણ એ હકીકત છે કે ગુજરાતી ભાષકો ‘તે’નો લટકણિયા તરીકે ઉપયોગ કરે છે.
એ જ રીતે, ‘એમ કે’ લો. હું સમજું છું ત્યાં સુધી ‘એમ કે’ આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. દાખલા તીકે (૧૩) ‘ઓહ, તમે પણ ફિલ્મ જોવા આવવાનાં, એમ કે?’ જો કે, અહીં કટાક્ષનો ભાવ પણ વ્યક્ત કરી શકાય. પણ, એ માટે સંદર્ભને ધ્યાનમાં લેવો પડે. કુટુંબનું એક સભ્ય બીજા સભ્યને એમ કહે કે ‘તમે પણ ફિલ્મ જોવા આવવાનાં, એમ કે’ ત્યારે એ કદાચ આશ્ચર્યને બદલે કટાક્ષનો ભાવ પણ વ્યક્ત કરતો હોય. કંઈ કહેવાય નહીં.
અન્તે, હું જે કહેવા માગું છું તે આટલું જ: આપણે વાક્યના આરંભે આવતાં ‘લટકણિયાં’ને વાક્યના અન્તે આવતાં લટકણિયાંથી જુદાં પાડવાં જોઈએ. બીજું, વાક્યના આરંભે આવતાં ‘લટકણિયાં’ હકીકતમાં તો discourse marker તરીકે કામ કરતાં હોય છે જ્યારે વાક્યના અંતે આવતાં લટકણિયાં જુદા જુદા અર્થ પ્રગટ કરતાં હોય છે. છેલ્લે, આપણે કેટલાંક લટકણિયાંની વાત કરી અને જોયું કે એમાંનું ‘ને’ લટકણિયું કાં તો માહિતીનું સમર્થન મેળવવા માટે કાં તો માહિતીનું સમર્થન કરવા માટે વપરાતું હોય છે. આ બધાં લટકણિયાં કદાચ આ ઉપરાંત પણ બીજા ભાવો વ્યક્ત કરતા હોય. એમની પ્રત્યક્ષ તપાસ થાય તો જ આપણને એના વિશે વધારે ખબર પડે.
લટકણિયાં વિષે સ રસ અભ્યાસપુર્ણ માહિતી અને ‘કદાચ આ ઉપરાંત પણ બીજા ભાવો વ્યક્ત કરતા હોય. એમની પ્રત્યક્ષ તપાસ થાય તો જ આપણને એના વિશે વધારે ખબર પડે.’ વાતે રાહ
LikeLike
સરસ લેખ…
LikeLike