અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
(સૌજન્યઃ “કબીર બાની” – અલી સરદાર જાફરી)
********
“સાધો ભાઈ, જીવત હી કરો આસા
જીવત સમઝે જીવત બૂઝે, જીવત મુક્તિનિવાસા!
જીવત કરમ કી ફાંસ ન કાટી, મુયે મુક્તિ કી આસા!
તન છૂટે જિવ મિલન કહત હૈ, સો સબ ઝૂઠી આસા!
અબહું મિલા તો તબહું મિલેગા, નહીં તો જમપુર બાસા!
સત્ત ગહે સતગુરુ કો ચીન્હે, સત્ત-નામ બિસ્વાસા!
કહેં કબીર સાધન હિતકારી. હમ સાધન કે દાસા!”
- કબીર
ભાવાનુવાદઃ મારા ભાઈ, જ્યાં સુધી જીવો રહો ત્યાં સુધી ઈશ્વર ને પામવાની આશા રાખો. સમજણ અને સૂઝ જીવનની સાથે જ છે. મુક્તિ માટે મોતની રાહ નથી જોવાની, પણ, મુક્તિ આ જ જીવનમાં શક્ય છે. જો આ જનમમાં જ તમે કર્મના બંધનો નહીં તોડી શકાય તો મર્યા પછી મુક્તિ મળવાની આશા જ શી રાખવી? આપણે આ એક ખોટો ભ્રમ પાળીને જ જીવીએ કે આપણે કોઈ પણ રીતે જીવન વિતાવીએ, અંતમાં તો જીવ શિવમાં જ મળી જવાનો છે. ખરેખર તો એવું તો જ બને જો જિંદગીમાં આપણે આત્મા અને ઈશ્વર સાથેનું ઐક્ય સાધી શક્યા હોઈએ. અહીં, મને ખૂબ જ ગમતો શાયર શ્રી કૈલાસ પંડિતનો શેર યાદ આવે છે,
“મોત વેળાની સહજતા પામવા
જિંદગી સાથે ઘરોબો જોઈએ”
જો જિંદગી સાથે પોતાપણું કેળવ્યું હોય તો વૈકુંઠ જીવતેજીવ મળ્યું સમજો. જો સત્યના માર્ગ પર ચાલ્યાં ન હોઈએ તો મર્યા પછી પ્રભુ મળશે, એ તો માત્ર ભ્રમણા છે. આ શિવ, એટલે કે પરમ તત્વનું શ્વાસો ચાલતા હોય ત્યારે મળવું એટલે શું? આ પરમ તત્વ કે ઈશ્વરીય તત્વ એટલું જ છે, કે, માત્ર સારા કર્મો કરવાવાળા બનો, સચ્ચાઈથી જીવો અને જગતમાં સર્વે પ્રાણીમાત્ર માટે કરૂણા રાખો, એ જ છે “સત્યમ્ શિવમ્ સુંદરમ્”, પરમ પ્રભુ. સત્યને આજે જ જાણો, સમજો અને પાળો.
સત્-નામ પર આસ્થા આજે રાખો! કાલ જેવું કશું જ નથી, જે છે તે આજમાં છે. મૃત્યુ પછી શું ગતિ પામીશું એનો આધાર જીવન કેવું જીવ્યાં એના પર છે. આ માત્ર શ્વાસો લેવા-મૂકવાની વાત નથી, પણ, સત્યમ્ શિવમ્ સુંદરમ્ પામાવાની સાધના સતત કરવી, એટલું જ માણસ તરીકે આપણે કરી શકીએ છીએ. કબીર કહે છે કે જો દાસ બનવું હોય તો સત્ ની સાધનાના દાસ બનો કારણ અંતમાં એ આપણી સાથે આવે છે અને બાકી બધું અહીં જ છૂટી જાય છે. આટલી સચ્ચાઈ સમજાઈ ગઈ તો આખો ભવસાગર સમજો કે તરી ગયા.
“એક એનું નામ લઈ જુઓ શું શું કરી ગયા!
ઝાંઝવાનો ભવસાગર સામે પૂરે તરી ગયા!”
અસ્તુ!
BEST KARMO KARO. BY MON, VACHAN, KAYA THI JINDGI JIVO HASI KHUSHI THI. NEVER DO BED KARM. NOW. THAN FILL YOUR SELF HAPPY NOW & IN FUTURE. AND END TIME.
LikeLiked by 1 person
“સત્યમ્ શિવમ્ સુંદરમ્”, પરમ પ્રભુ. સત્યને આજે જ જાણો, સમજો અને પાળો.આટલી સચ્ચાઈ સમજાઈ ગઈ તો આખો ભવસાગર સમજો કે તરી ગયા.
“એક એનું નામ લઈ જુઓ શું શું કરી ગયા!
ઝાંઝવાનો ભવસાગર સામે પૂરે તરી ગયા!”ચિતમા મઢી રાખવા જેવી વાત
LikeLike