સ્કંધ પહેલો
ચોથો અધ્યાય – ગોકર્ણ કથા – ઉપાખ્યાન (ગતાંકથી ચાલુ)
(સ્કંધ પહેલોઃ અધ્યાય ચોથો (ક્રમશઃ)માં આપે વાંચ્યું કે બ્રાહ્મણ આત્મદેવ મહાત્મા સંન્યાસીને કાકલૂદી કરીને સંતાન પ્રાપ્તિ માટે એક ફળ મેળવે છે, જેના ખાવાથી એની પત્ની ગર્ભવતી બની શકે છે પણ નિર્મળ બાળક માટે એની પત્નીએ દયા, દાન, તપ, સંયમ અને ધર્મનું પાલન કરવું પડશે, જે એની શંકાશીલ પત્ની ધુંધુલી કરવા તૈયાર નથી. પોતાની સદ્ય સગર્ભા બહેનની સાથે મળીને એ ગર્ભવતી હોવાનું નાટક રચે છે અને એના બહેનના સંતાનને પોતે બાળકને જન્મ આપ્યો છે કહીને સ્વીકારી લે છે. બહારગામ કથા વાંચવા ગયેલા આત્મદેવ પાછા આવે છે અને સંતાન પ્રાપ્તિ પછી આનંદ વિભોર બની બધાં જાતિ સંસ્કરણ કરે છે. અહીંથી હવે આગળ વાંચો.)
આત્મદેવને થયું કે શ્રી હરિએ એના મનની વાત સાંભળી અને એના માટે જ મહાત્મા સંન્યાસીને મોકલ્યા હતા. આત્મદેવની ભક્તિ હવે વધતી ગઈ. એ પોતે પત્ની ધુંધુલીની ખૂબ ધ્યાન રાખતો જેથી સદ્ય-પ્રસૂતા પત્નીને શ્રમ ન પડે. એક દિવસ મોકો જોઈને ધુંધુલીએ એના પતિને કહ્યું, “મારી બહેનનો નવજાત પુત્ર મૃત્યુ પામ્યો છે અને એનું દૂધ હજી સૂકાયું નથી. મને દૂધ આવતું નથી. તો બહારના એટલે કે ગાય જેવા પ્રાણીના દૂધથી આપણા પુત્રનું પોષણ કરવાને બદલે મારી બહેનને બોલાવીને એને આપણા ઘેર રાખીએ તો કેમ? આ રીતે આપણા બાળકનું પોષણ પણ થશે.” આત્મદેવ પ્રસન્ન થઈને બોલ્યો, ‘હા, અવશ્ય તારી બહેનને આપણા ઘરમાં રાખીએ. આ રીતે તને પણ બાળકના લાલનપાલનમાં મદદ મળશે. તું આપણા પુત્ર વિષે કેટલું બધું વિચારે છે?” આત્મદેવે અને ધુંધુલીએ એમના પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું હતું. આમ ધુંધુલીની બહેન હવે એના ઘરમાં આવી ગઈ હતી. ધુંધુકારી દિવસે મોટો ન થાય એટલો રાતે થતો હતો અને રાતે મોટો ન થાય એટલો દિવસે થતો હતો. આમ ત્રણ મહિના વીત્યા બાદ આત્મદેવની ગાય, કે જેને ધુંધુલીએ મહાત્માએ આપેલું ફળ ખવડાવ્યું હતું, એણે મનુષ્ય આકાર બચ્ચાને જન્મ આપ્યો. તે બાળક સર્વાંગસુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણપ્રભાવાળો હતો. તે આમ તો સર્વ રીતે મનુષ્યાકાર હતો, પણ તેના કાન બિલકુલ ગાય જેવા હતા. આ સમાચારથી ગામના લોકોને ખૂબ આશ્વર્ય થયું. સહુ એ બાળકને જોવા આવવા લાગ્યાં અને પરસ્પર વાતો કરતાં, “જુઓ, આત્મદેવનો કેવો ભાગ્યોદય થયો છે! ઈશ્વરની કૃપા જુઓ. કેવો દિવ્યરૂપ બાળક આ ગાયને પેટે આત્મદેવને ત્યાં જન્મ્યો છે?” તે બાળકને જોઈને બ્રાહ્મણ આત્મદેવને પણ ઘણો આનંદ થયો અને એણે એ બાળકના પણ જન્મજાતના સર્વ સંસ્કાર કર્યા. એ બાળકનું નામ એણે એના કાન ગાય જેવા હતા એટલે ગોકર્ણ રાખ્યું.
છ આઠ મહિના રહીને ધુંધુલીની બહેન પાછી એને ઘરે જતી રહી હતી. ધુંધુલીએ એની બહેને માગ્યા હતા એ પ્રમાણે પૈસા અને દાગીના આત્મદેવથી છુપાવીને, બહેનના પતિને અને બહેનને આપી દીધાં હતાં જેથી આત્મદેવથી એ વાત કાયમ માટે છાની રહે. સમય વીતતો ગયો અને તે બંને બાળકો, ધુંધુકારી અને ગોકર્ણ યુવાન થતા ગયા. આત્મદેવે એમને શૈશવથી એકસરખા વિદ્યાભ્યાસ અને સંસ્કારો આપવાનું શરૂ કર્યું હતું. પણ વિધાતાના લેખ કોણ ટાળી શકે છે? એક બાજુ, ગોકર્ણ સૌમ્ય પ્રકૃતિનો, સમજદાર, સંયમશીલ, સંવેદનશીલ, માતા-પિતા અને સહુનું સન્માન કરનારો તથા શાસ્ત્રોના અધ્યયનમાં નિપુણ અને પંડીત બન્યો તો ધુંધુકારી આ બાજુ મહા દુષ્ટ થયો. એ વિચાર, વાણી અને વર્તનમાં સદંતર અસંયમિત, આચાર-વિચારમાં અતિશય ક્રોધી, સ્વચ્છંદી અને દ્વેષીલો બન્યો. ધુંધુકારી લોકોને કારણ વિના રંજાડવામાં એક વિકૃત આનંદ પામતો. લોકોના ઘર બાળતો અને નિર્દોષ બાળકોને ઊંચકીને ફેંકી દઈને ઈજા પહોંચાડતો. એને જગતના બધાં જ વ્યસનો એક પછી એક વળગતા ગયા. આમ ને આમ એ સતત કુસંગતે ચડતો ગયો. નાનપણથી ધુંધુલી ધુંધુકારીના કુકર્મો પર ઢાંકપીછોડો કરતી. જેને કારણે એ વધુ અને વધુ ઉદ્ધત થતો ગયો. હવે તો એ વયસ્ક હતો અને વૃદ્ધ માતાપિતા એને કોઈ રીતે પણ સમજાવી શકતાં નહીં. અનેકવાર ગોકર્ણએ પણ ધુંધુકારીને એક સદગૃહસ્થની જિંદગી જીવવા માટે સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા પણ બધા જ વ્યર્થ! ધુંધુકારીએ પોતાની ખરાબ સોબતને કારણે પોતાના અને અન્ય કુસંગીઓના વિલાસ-ભોગ પૂરા કરવા, માતાપિતાને મારીને ઘરમાંથી ચોરી કરીને ધન વેડફવાનું ચાલુ કર્યું અને એ ત્યાં સુધી કે ઘરની બધી ચીજ વસ્તુઓ પણ ઊઠાવીને વેચી નાખતો.
આત્મદેવ અને ધુંધુલી પોતાના નસીબ પર રડતા અને આક્રંદ કરતા રહેતા. ઘરની બધી શાંતિ અને રિદ્ધિસિદ્ધિ જતી રહી હતી. ધુંધુકારીનો પિતા હવે વિલાપ કરીને કહેતા હતા કે, “આના કરતાં તો અમને સંતાન ન હોત અને અમે વાંઝિયા જ રહ્યા હોત તે સારું હોત. પુત્ર ન હોય તે કુપુત્ર હોવા કરતાં વધુ સારું છે. મારે પેલા મહાત્માની વાત માનવી જોઈતી હતી. સાચે જ દૈવની આગળ મહાત્મા અને દેવ પણ લાચાર છે! ચમત્કારથી પ્રાપ્ત કરેલી સિદ્ધિ ટકતી નથી. શાસ્ત્રોક્ત સજ્જતા ન કેળવી હોય, મહેનત ન કરી હોય અને એ મહેનત પાછળ વિવેકબુદ્ધિ ન હોય તો વરદાન પણ અભિશાપ થઈ જાય છે.” ધુંધુલી પણ સાથે રડ્યા કરતી અને પોતે કરેલી આત્મદેવ સાથેની વંચના-છેતરામણી એને અંદરથી ખૂબ ડંખતી રહેતી પણ એ શું બોલે? એની ગતિ તો “ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રુએ” એવી થઈ ગઈ હતી. આમ જ એક દિવસ, ભૂખ્યા તરસ્યાં માતા-પિતા શોકમગ્ન બેઠાં હતાં ત્યારે ગોકર્ણ બહારગામથી આવ્યા. તેઓ શાસ્ત્રોના પઠન માટે અનેકવાર મહિનાઓ સુધી બહારગામ રહેતા. ગોકર્ણએ આવીને વિગત પૂછી ત્યારે પિતાએ રડતાં રડતાં, મહાત્મા સંન્યાસી સાથેની થયેલી બધી જ વાત વિગતવાર કહી અને કહેવા લાગ્યા, કે, ‘મારે હવે તો આ પ્રાણ ત્યાગવા જ પડશે. બીજો કોઈ છૂટકો નથી. ધુંધુકારીએ જે રીતે આપણા નગરમાં અને આજુબાજુના ગામોમાં, બધાંને “ત્રાહિમામ્ ત્રાહિમામ્” પોકારાવ્યાં છે કે મને હવે કોઈ કથાવાચન કે પુરાણના શાસ્ત્રાર્થ માટે પણ નથી બોલાવતાં. હું શરમનો માર્યો, મોઢું છુપાવ્યા સિવાય બીજું શું કરી શકું? તું જ કહે બેટા, હું હવે કૂવામાં પડીને મૃત્યુને ગળે લગાડવા વિના બીજો ઈલાજ જ નથી.”
ગોકર્ણએ ખૂબ જ સમતાપૂર્વક પિતાની વાત સાંભળી અને શાંતિથી એમને કહ્યું, “પિતાજી, આ શરીર માત્ર હાડમાંસ અને લોહીનો પિંડ છે. તેને તમે “હું’ માનવાનું છોડી દો. પત્ની-પુત્ર, ભાઈ, બંધુ, મિત્ર એ બધાં જ સંબંધો અસ્થાયી છે. આ સંસાર અહર્નિશ ક્ષણભંગુર છે. એમાંનું કશું જ શાશ્વત નથી. ‘આ મારો પુત્ર છે’ કે ‘આ મારી પત્ની છે’ એ મોહનો ત્યાગ કરો અને વનમાં જઈને વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમનું પાલન કરો. એકમાત્ર વૈરાગ્યરસમાં ડુબીને ભક્તિનિષ્ઠ બનો અને સાધુસંતોની સેવા કરો. બધી ભોગલાલસા અહીં જ ત્યાગીને વહેલી તકે કોઈ બીજાના ગુણ-દોષોનો વિચાર કરવાનું છોડી દો. ઈશ્વરની ભક્તિ અને એમની કથાનું રસપાન કરો.”
પુત્ર ગોકર્ણની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું. પત્નીને સાથે આવવાનું કહ્યું પણ ધુંધુલીના કર્મોનો હજુ જુદો જ હિસાબ હજી બાકી હતો. એણે ના પાડી. આત્મદેવે એકલા જ વન તરફ પ્રસ્થાન કર્યું. ગોકર્ણના ઉપદેશે એને આત્મજ્ઞાન કરાવ્યું હતું. આત્મદેવે દ્રઢ બુદ્ધિથી, સંસારમાંથી વિરક્તિ લઈ લીધી અને પછી વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમનું સુચારુ રીતે પાલન કર્યું. આમ, સતત સાધુ-સંતોની સેવા કરીને હરિભજનમાં આત્મદેવે શેષ આયુષ્ય વિતાવ્યું અને અંતે શ્રી કૃષ્ણમય થઈને મોક્ષ પામ્યા.
ઈતિ શ્રીમદભાગવતમાહાત્મ્યનો ભાગવત કથાનો ગોકર્ણ કથા – ઉપાખ્યાન, વિપ્રમોક્ષ નામનો ચોથો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર-બીજઃ
આ ચોથા અધ્યાયમાં બે પ્રસંગોએ મને ઊંડો વિચાર કરવા પ્રેરી છે.
૧. મહાત્મા સંન્યાસીએ એવું તે ક્યું ફળ આપ્યું હશે કે જે ખાવાથી આત્મદેવની પત્ની સગર્ભા થઈ શકે? એટલું જ નહીં, પણ એ ફળ ગાયને ખવડાવવાથી ગાયના કાનોવાળો મનુષ્યાકાર બાળક જન્મે?
શું એ શક્ય છે કે એ સમયે એવી વિજ્ઞાનની “નોન-ઈન્વેઝીવ” ટેકનોલોજીનું અસ્તિત્વ હશે કે જે ફળરૂપે કે ફળમાં વીર્યપાત કરાવી, કૃત્રિમ ગર્ભાધાન કરાવી શકે? શું આ ફલ એટલે આજના જમાનામાં કોષોનું સંરક્ષણ અને વહન કરવાનું દ્રવણ (Tissue Carrying Transport Medium) હોય શકે ખરું? અને, તે સમયે એવું સંજ્ઞાન હશે કે જેથી ફળ ખાવાથી કદાચ ન હોય, પણ, આ જ કોષોને એપ્રોપ્રિએટલી ઈન્જેક્ટ કરવાથી ગર્ભધાન થઈ શકતું હશે?
વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સાવ તુક્કો પણ નથી કારણ હાલના સમયમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે દરેક દવા કે રસી કે ‘પ્રોપેલીંગ’-વર્ધમાન કરતી મેડિસીન માનવીના કોષોમાં રહેલા રીસેપ્ટર્સને એટેચ થઈને પછી અસરકારક બને છે. દરેક માણસના આ રીસેપ્ટર્સ જુદા જુદા હોવાથી, એમની આ દવાઓ, રસી કે પ્રોપેલીંગ દવાઓને એબસોર્બ કરવાની ક્ષમતા અલગ અલગ હોવાથી, એક એવો મત હવે પ્રસરે છે કે દરેક કન્ડીશન માટે કે દર્દ માટે, એક યુનિવર્સલ ડોઝ આપવાને કારણે અમુક લોકોમાં આ દવાઓ ને રસી વિપરીત રીએક્શનન્સ પેદા કરે છે. આથી જ દરેકના આ રીસેપ્ટર્સને જાણીને, ચકાસ્યા પછી જ દવા, રસી કે પ્રોપેલીંગ મેડિસીન આપવી જોઈએ.
આજના સમયમાં આ મેડીસીનની શાખાને બ્રોડ સેન્સમાં “પર્સનલાઈઝ્ડ મેડીસીન” પણ કહે છે. અહીં એક બીજો એ પણ વિચાર આવ્યો કે આ ફળ ગાયને ખવડાવવાથી માનવી અને પશુનું હાઇબ્રીડ બાળક થઈ શકે ખરું, જેનું મગજ માણસના મગજ જેવું હોય? શું એ સમયે મેમેલ્સની વચ્ચે ક્રોસ બ્રિડીંગ શક્ય હતું?
શું એ સમયે આ બધું જ વિજ્ઞાન વિકસિત હશે અને આજે એમાંથી આપણે રી-ઈન્વેન્ટ કરી રહ્યાં છીએ?
૨. મહેનત કર્યા કે શાસ્ત્રોક્ત ઉપાયો વિના કે પછી જે વસ્તુ પામવાની સજ્જતા ન હોય એવા સંજોગોમાં આપણને દેખીતી રીતે ઈચ્છાપૂર્તિ થાય તો એ વરદાન છે કે અભિશાપ છે? આ સમજવું અતિશય જરૂરી છે.
રસ પડે તેવી વાર્તા…
LikeLike
ભાગવતની પૌરાણિક કથા સાથે જે વિચાર બીજ છે તે રસપ્રદ
LikeLike
રસપ્રદ પૌરાણિક કથા નુ અદભુત વિચાર-બીજઃ
LikeLike