મારી બા: ગાંધી આશ્રમની કાદુ મકરાણી – સુચી વ્યાસ
સત્યાગ્રહ આશ્રમમાં રહેતા લોકોની અનેક અંગત વાતોથી અને નિજી અનુભવોથી આપણે સહુ ઠીક ઠીક પરિચિત છીએ. પણ ગાંધી બાપુ પાસે વર્ષોનાં વર્ષો રહી મૂક સેવા આપનારી સ્ત્રીઓને આમ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. એ સ્ત્રીઓમાં એક મારી બા પણ હતી. મને “ચાનસ” ચઢાવવામાં આવ્યું છે કે “સુચી, તારી બા વિશેય તારે લખવું જોઈએ. તારી બા તો ગાંધી આશ્રમમાં તેર વરસ રહેલાં ને!”
બાની છબી જ્યારે જ્યારે નજર સામે ખડી થાય છે ત્યારે ત્યારે મનમાં નશો ચઢે છે કે મારી માએ સવા શેર સૂંઠ ખાધી હશે – મારી નાની બા માંડ પાંચ ફૂટ ઊંચી હશે પણ એનો માભો દસ બાર ફૂટના ભવ્ય વ્યક્તિત્વવાળો!! વરસોનાં વરસો પોતાને હીંચકે રાજરાણીની અદાથી બેઠેલી બા આજે પણ સફેદ ખાદીના સાડલામાં સજ્જ મારી નજર સામે તરવરે છે.
બાની વાત ક્યાંથી શરૂ કરવી? બા બોલતાંકને વહાલના ફુવારા છૂટે, ગૌરવના ગૌરીશંકર પર પહોંચી જવાય, અને માનથી મસ્તક ઢળી પડે. ખડખડાટ હસતી ને હસાવતી, રાંધતી, રેંટિયો કાંતતી, ઘંટીમાં અનાજ દળતી, અથાણાં પતરી બનાવતી, ઘઉં વીણતી, અમારા લાંબા લાંબા વાળ ઓળતી, બાગકામ કરતી, કૂતરા-ગાયને સાચવતી, છાશમાંથી માખણ કાઢતી, પૂજા કરતી, ભાઈનો બિસ્તરો બાંધતી, ગીતાના શ્લોક બોલતી, વાંચતી, ડોલની ડોલ ભરી ધોકે ધોકે ખાદીનાં કપડાં ધોતી અને નવરાશના સમયમાં ટેસડેથી ગુલાબછાપ બજર સૂંઘતી બા આજે પણ જુદા જુદા સ્વરૂપે દર્શન આપે છે.
આવી મારી બા, દુર્ગાશંકર જોષી અને સંતોકબહેન જોષીની ત્રીજી પુત્રી. દુર્ગાશંકર જોષી મૂળ જેતપુરના બાહોશ વેપારી હતા અને છેક રંગૂન સુધી ધંધો-વેપાર કરતા. સંતોકબા અને દુર્ગાશંકરભાઈ, એ દીકરી ત્રણ વરસની થઈ ત્યારે સ્વર્ગે સિધાવી ગયેલાં. દસ વરસની થઈ ત્યાં સુધી બા પોતાના મોસાળમાં, નાની પાસે ઊછરેલી, ફક્ત દસ વરસની ઉંમરે બાને પોતા કરતાં દસ વરસ મોટા વર સાથે પરણાવી દેવામાં આવેલી.
મા-બાપ વગરની અનામ બાલિકાનું પિયરમાં નામ હતું કાશી. ભણેલા-ગણેલા સુધરેલા છગનલાલ જોષી સાથે લગ્ન પછી એ “રમાબહેન જોષી બની ગઈ. જેઠ-જેઠાણી સાથે મુંબઈમાં માટુંગામાં મોટા આલીશાન બંગલામાં રહેવાની વ્યવસ્થા હતી. (આજે પણ એ બંગલો, “શ્રી નિવાસ” હયાત છે, જ્યાં શંકરાચાર્યનો મઠ બનાવવામાં આવ્યો છે.) પોતાના ભાઈઓને ફ્લોરા ફાઉન્ટન ઉપર મોટો, અંગ્રેજોની જરૂરિયાતો પૂરી પાડતો ગ્રોસરી સ્ટોર હતો. સાસરાનું કુટુંબ દ્વારકાથી મુંબઈ આવીને વસેલું, બ્રાહ્મણ સંસ્કારોથી તરબોળ કુટુંબ હતું. મારા પિતાશ્રીએ મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. પારા કરેલું. એક સાંજે એઓ ભણસાળીભાઈ સાથે ગાંધીજીનું પ્રવચન સાંભળીને ઘેર આવ્યા: ત્યારે ને ત્યારે બાને આદેશ આપ્યો કે આપણાં બે બે જોડી કપડાં બાંધો; આપણે ગાંધીજીની લડતમાં જોડાઈ જવાનું છે.
બા બિચારી; માંડ માંડ બે ચોપડી ભણેલી, બાર-ચૌદ વરસની નાની છોકરી એને શું ખબર કે કોણ ગાંધી? શું લગ્ન? શું સત્યાગ્રહ? બસ, પતિના પગલે ચાલવાનું. શ્રીમંત પિતાને ત્યાંથી આપવામાં આવેલાં તમામ ઘરેણાં ચૌદ વર્ષની ઉંમરે ઊતારી નાખ્યાં ને હાલી નીકળી.
ભણસાળીભાઈ-બા-પિતાશ્રી તો આવી પહોંચ્યાં આશ્રમમાં. પહેલાં બે-ચાર દિવસ મારા પિતાશ્રી અને ભણસાળીભાઈ સમૂહ-રસોડે જમવા બેસે ને ઝેવિયર્સ કોલેજના મુંબઈગરાની જેમ, ભારે ફડફડ અંગ્રેજીમાં વાતું કરવા માંડે તે ગાંધી બાપુની નજરમાં પકડાયા. બાપુએ તરત સમજાવ્યા કે આશ્રમમાં માતૃભાષામાં જ વાર્તાલાપ કરવો. બા આ વાત હંમેશાં હસતાં હસતાં અમને કહેતી. નવા વાતાવરણમાં અનેક નવા લોકો સાથે કેમ રહેવું, કેમ બોલવું, કેમ રાંધવું, આખો દિવસ કયાં કામ કોણે કોણે કરવાં, એ તાલીમ ગાંધી આશ્રમમાં રહો તો જ મળે. બાનું કામ સમૂહ-રસોડે જઈ, બહેનો સાથે રસોઈ બનાવી, છેલ્લી વ્યક્તિ જમી રહે ત્યાં સુધી પીરસવાનું હતું. જમવાના સમયે પુરુષો જમવા બેસતા ત્યારે રોટલી પીરસીને બા થાકી જતી. આખાયે ભારતભરમાંથી અને પરદેશથી લોકો આવતા. બા બે કે ત્રણ રોટલી થાળીમાં મૂકે ત્યારે સામેથી પડકાર થતા, ‘બેનજી, ધર દો બીસ રોટી, પચીસ રોટી’: બાના કાનમાં છેવટ સુધી ‘ધર દો બીસ રોટી, પચીસ રોટી’ ગુંજતું.
ગાંધી આશ્રમનો નિયમ હતો કે તમામ આશ્રમવાસીઓએ સવાર-સાંજની પ્રાર્થનામાં સમયસર હાજર થઈ જવું. સમૂહ-પ્રાર્થનાની ધારદાર અસરના અનેક અનુભવો બાને થયા છે, એમ એ અમને કહેતી. એ કહેતી કે પ્રાર્થનાથી મારો અહમ્ ઓગળવાની પહેલી શરૂઆત ચૌદ-પંદર વર્ષની ઉંમરે થયેલી.” નવરાશના સમયમાં બા ગરબા ગાતી. દુહા-છંદ લલકારતી, ફારસ-નાટક ભજવી બતાડતી. બાની જિંદગીનું સાચું ઘડતર ગાંધી આશ્રમમાં થયેલું. ગાંધી બાપુના પત્રોમાં એને માટે સંબોધન રહેતું: “રમા મારી કાદુ મકરાણી!”
બપોરના સમયમાં બહેનો માટે આશ્રમમાં ખાસ વર્ગો ચાલતા જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત ભાષાઓ શીખવવામાં આવતી. સાથે સાથે સંગીત, નર્સિંગ, સ્વિમિંગ, સાઈક્લિંગ, ઘોડેસવારી એવી તમામ તાલીમ આપવામાં આવતી. બાની તો દુનિયા જાણે ખૂલી ગઈ. સંસ્કૃત સહેજ આવડી જતાં વિનોબા ભાવે પાસે ગીતાના શ્લોક કંઠસ્થ કરી એનો ગૂઢાર્થ સમજતી. બાળકોબા પાસે સિતાર શીખતી. મારમાર સાઈકલ ચલાવવાનો બાને ભારે શોખ હતો. અમને કહેતી કે રેહાના તૈયબજી સાથે હું સાઈકલની રેસ લગાવતી. કોઈ પાણીમાં ડૂબે તો હું બચાવવા પડતી.” મારા ખ્યાલથી રાજકોટમાં ૧૯૩૫ ૩૬ માં મારી બા પહેલી સ્ત્રી હશે કે જે સાઈકલ ચલાવતી હશે.
મારા જેવાં, ગાંધી વિચારધારામાં મોટાં થયેલાં બાળકોને છેક આજે સમજાય છે કે બાને કોઈ પણ કામ કરતી જુઓને તો સમજાય કે “સહજ સમાધિ” એટલે શું! એણે વિનોબા ભાવે પાસે રહીને ગીતા પચાવી હતી. પોતાના અલગ અલગ કામમાં મશગૂલ ગુલતાન બાને જોતાં ત્યારે નહોતું સમજાતું કે એનાં સહજ સમાધિનાં મૂળિયાં બહુ ઊંડાં છે.
પંદર વર્ષની નાની ઉમ્મરે એ “મા” બની ગયેલી. બે બાળકોને ગાંધી આશ્રમમાં ઉછેરેલાં. બા ભાઈનું નાનું સરખું ઘર બરોબર મહાદેવભાઈ-દુર્ગાબહેન, અને પંડિત ખરે-લક્ષ્મીબહેનનાં ઘર વચ્ચે. આમ નારાયણ દેસાઈ, આશ્રમનો બાબલો, મધુરીબહેન ખરે, મારો ભાઈ ધીરુભાઈ જોષી, મારી બહેન વીમા – વિમુબહેન બધેકા-, આશ્રમનાં બાળકો એક કુટુંબનાં બાળકોની જેમ ભેગાં ભેગાં ઉછરેલાં.
સત્યાગ્રહની ચળવળમાં બંને બાળકોને મોટી બહેન વસુ પાસે મૂકી બા વારંવાર જેલમાં ગઈ; સુરત પાસેનાં જંગલોમાં જઈ દારૂના પીઠાંમાં પિકેટિંગ કર્યું. એક વખત બાનો લાંબો ચોટલો કોઈ દારૂડિયાએ ખેંચ્યો ત્યારે બાએ વીરાંગના માફક એક ઝાપટ મારી લાંબા ચોટલાનો અંબોડો વાળી દીધેલો. તે પછી અમે ક્યારેય મારી બા બાનો છુટ્ટો ચોટલો જોયો નથી. ધરાસણાના સત્યાગ્રહ વખતે અનેક સત્યાગ્રહીઓ લાઠીચાર્જમાં ભોગ બની, ઘાયલ થઈ, લથડતી હાલતમાં જુદી જુદી છાવણીઓમાં લાવવામાં આવતા. બાએ ઊભા પગે એ. દેશને ખાતર લડનારા સૈનિકોની સારવાર કરી છે.
બા યરવડા જેલની રસપ્રદ વાતો કરતી. એ કહેતી, “સત્યાગ્રહ સંગ્રામનાં સૈનિકો તરીકે બહેનોની ધરપકડ થતી. એમાં અમે પણ પકડાયાં. અમારી પાસે એક જ જોડી કપડાં. રાત્રે, જેલમાંથી આપેલી લાંબી ચડ્ડી અને બ્લાઉઝ પહેરી, સવારે પહેરવાનાં પેલાં એક જોડી કપડાં ધોઈ નાખવાનાં પ્રત્યેક વ્યક્તિને પાંચ-પાંચ શેર આંબલી ફોલવી પડતી. આટલી બધી તકલીફમાં અમે બધા લીલાલહેર હોય એમ ગરબા લેતાં, ગીતો ગાતાં, પ્રાર્થના કરતાં – લાંબી ચડ્ડી, ટૂંકા બ્લાઉઝવાળો ગરબો તમે કોઈએ જોયો છે!
બાની દોસ્તી એટલે દોસ્તી. મગનભાઈ દેસાઈનાં પત્ની ડાહીબા. ગુલામ રસૂલ કુરેશીનાં પત્ની અમીનાબહેન, પંડિત ખરેનાં પત્ની લક્ષ્મીબહેન. મહાલક્ષ્મીબહેન. એ બાનાં પાકાં દોસ્ત. મગનભાઈ દેસાઈ ગુજરી ગયા પછી ડાહીબાના સતત સંપર્કમાં બા રહેતી. ડાહીબાને દર અઠવાડિયે પત્રથી મળતી. એમના છેલ્લા શ્વાસ સુધી ડાહીબાને તન-મન-ધનથી હૂંફ આપતી. અમીનાબહેને જ્યારે છેલ્લી વિદાય લીધી ત્યારે ઈસ્લામિક વ્યવહારથી કફનનું કપડું મા-બાપને ત્યાંથી પહોંચે, એ પહોંચાડવા બા મોટી બહેન તરીકે પહોંચી ગઈ હતી.
આશ્રમની દોસ્તી કેવી હતી એ અમે બાળકો તરીકે એવું જોયું છે કે ગાંધી આશ્રમમાંથી કોઈ રાજકોટ આવે ત્યારે અમારા ઘરમાં જાણે કૃષ્ણ જન્માષ્ટમી કે રામનવમી ઊજવવાની હોય એવું ઉલ્લાસમય વાતાવરણ ઊભરાય. પરીક્ષિતભાઈ, મહિમતુરા, ભણસાળીભાઈ, ડાહીબા, અમીનાબહેન, મહાલક્ષ્મીબહેન, હરિભાઉ, ગુલામ રસૂલ કુરેશી, દૂધીબહેન, નરહરિભાઈ એવાં ‘અંગત અંગત ભગવાન’ નાં નામ અમારા સહુના હૈયે હેતના હિલોળા લાવે છે. બે વર્ષ પહેલાં નારાયણ દેસાઈની ગાંધીકથા સાંભળવા ગયેલી ત્યારે બાબલાભાઈને (નારાયણ દેસાઈને) ઉંમરના હિસાબે મને રમાબહેનની દીકરી, ધીર-વિમુની બહેન તરીકે ઓળખતાં વાર લાગેલી. પણ જ્યારે છૂટા પડતાં ફોટો પડાવ્યો ત્યારે બાબલાભાઈ બોલેલા, ‘આજે અમારા બન્નેની ભાઈબીજ છે અને રક્ષાબંધન બેઉ છે.”
ગાંધી આશ્રમ ૧૯૩૨-૩૩માં છોડીને રાજકોટ વસવાટ કર્યો, પણ બાના હૃદયમાં વાવેલો ગાંધી આશ્રમ ભેગો ને ભેગો જ રહેલો. રાજકોટમાં છેલ્લે જેલમાં ગયેલી, લાઠીચાર્જમાં માથે ઘા પડેલા. પતિ અને પુત્ર જેલમાં જાય ત્યારે એકલે હાથે સંસાર ચલાવેલો. પોતાનામાં પડેલો સત્યાગ્રહ સૈનિકનો જુસ્સો ક્યારેય બાએ ઓગળવા ન દીધો.
છેક ૧૯૩૮માં મેડમ મોંટેસરી ઈટાલીથી હિન્દુસ્તાન ખાસ મોંટેસરી તાલીમ આપવા આવેલાં ત્યારે રમાબેન જોષી પોતે ગીજુભાઈ બધેકા, નરેન્દ્ર બધેકા સાથે હારો-હાર ભણવા બેસી ગયેલાં. બાએ ૧૯૩૮માં મોંટેસરી તાલીમ પૂરી કરી, સર્ટિફિકેટ લીધેલું. મહત્ત્વની વાત તો એ છે કે એ ત્યારે ફરી “મા” બનવાની હતી.
નાની વયે, પતિના પગલે પગલે, સત્યાગ્રહ સૈનિક બની, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સત્યાગ્રહને બસ ન છોડ્યો. પિતાશ્રીના અવસાન બાદ, બરાબર એક અઠવાડિયે, “આગે કૂચ; લડેંગે ઓર મરેંગે; હિંદ છોડો.”ના નારા એમની સાથોસાથ લગાવનારી એ પોતે પણ સ્વર્ગે સિધાવી.
**********************
જીવન સફરની વાત સુચીબેને કરી તે ગમ્યું. સુમાતા સદભાગ્ય.
હું ભાવનગરની તેથી વિમુબેન બધેકાનું નામ બાળપણમાં સાંભળેલું.
LikeLike
‘ દુહા-છંદ લલકારતી, ફારસ-નાટક ભજવી બતાડતી. બાની જિંદગીનું સાચું ઘડતર ગાંધી આશ્રમમાં થયેલું. ગાંધી બાપુના પત્રોમાં એને માટે સંબોધન રહેતું: “રમા મારી કાદુ મકરાણી!” ધન્ય ધન્ય
LikeLike