“મને પણ!”
મોહનભાઈના ત્યાં દીકરાના લગ્નમાં સૌ કોઈ સંગીત, શરણાઈ અને ઢોલ –નગારાના તાલે ઝૂમી રહ્યા હતા. વર અને કન્યા પક્ષની બહેનો સામસામે ફટાણાં ગાઈ રહી હતા. જાતજાતની મીઠાઈઓ ને ભાતભાતના પકવાનો ની સુગંધ ચારે બાજુ રેલાઈ રહી હતી જાનૈયા અને કન્યાપક્ષના લોકો લગ્નની મઝા માણી રહ્યા હતા. એટલામાં જ હેમંત, જેને મોહનભાઈ પોતાના પાંચમા દીકરા જેવો ગણતા હતા, એણે સોનાને કહ્યું, “સોના મારો કોટ ઉતારા પર રહી ગયો છે. મને જરા લાવી આપીશ?” સોના મોહનભાઈના બીજા નંબરના દીકરાની સાળી હતી. તે પણ લગ્ન માટે બહેનને ત્યાં મુંબઈ થી આવી હતી. મુંબઈમાં પેડરરોડ પર રહેતી સોના લગ્ન માટે તૈયાર થયેલી અને ખૂબ આકર્ષક લાગતી હતી. સોના ઉત્સાહથી તરવરતી હતી. તે હેમંતભાઈનો કોટ લેવા ઉતારાના રુમમાં ગઈ ને જેવો કોટ ખૂંટીએથી ઉતારીને ઊંધી ફરી તો આ શું? હેમંતભાઈ તેની પાછળ જ રૂમનું બારણું આડું કરીને બાહો ફેલાવીને ઊભા હતા. કોલેજના પહેલા વર્ષમાં ભણતી સોના પોતાનાથી વીસ-બાવીસ વર્ષ મોટા, મોટાભાઈ જેવા હેમંતભાઈને આમ ઊભેલા જોઈ સાવ ડઘાઈ ગઈ!
હેમંતભાઈ કહે “સોના તું આજે બહુ જ સુંદર લાગે છે, મને એક કીસ કરવા દે.” અને સોનાને બાહુપાશમાં લેવા તેઓ નજીક આવ્યા, ત્યાં તો આશ્ચર્યચકિત થયેલી, ખૂબ ગભરાઈ ગયેલી અને ગુસ્સાથી લાલચોળ થયેલ સોનાએ ચણીયાચોળી પહેર્યા હોવા છતાં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, જોરથી હેમંતને બે લાફા માર્યાં અને લાત મારી નીચે પાડી દીધો. આમ કરવા જતાં એની ચપ્પલ પણ પગમાંથી નીકળી ગઈ હતી. હેમંત હજુ કંઈ વિચારે તે પહેલા ઉતાવળમાં, પોતાની હીલવાળી ચપ્પલ પણ ત્યાં જ રહેવા દઈને, તેણે બારણાને ધક્કો માર્યો અને જાન બચાવીને ત્યાંથી ભાગી નીકળી. તેનું મન સુન્ન થઈ ગયું હતું. ગુસ્સા અને ભયથી તે અંદરથી થરથર કાંપતી હતી. પોતાના બનેવીના મોટાભાઈ જેવા વડીલ આવું વર્તન કરશે એ તેના માનવામાં જ નહોતું આવતું. સોના દોડતી મંડપમાં જઈ તે ખૂણામાં એક ખુરશી પર બેસી ગઈ. એની છાતી હજુ ધમણની જેમ ચાલતી હતી. તેને શું કરવું તે સમજાતું નહોતું! બધાં જ લગ્નની મઝા લઈ રહ્યાં હતાં. બધાં જાનૈયા જ્યારે જમવાની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે તેને ખૂબ ભાવતી મીઠાઈ પણ સોનાને ગળે ઊતરતી નહોતી. તેણે આગળ પાછળ જોયું તો કોઈ પણ જાતની શરમ વિના હેમંત તો લગ્નમાં એમ મ્હાલી રહ્યો હતો જાણે કે કશું થયું જ નહોતું. તેને આ જોઈને વધુ ગુસ્સો આવ્યો પણ મોટીબહેનનાં સાસરિયામાં કોઈ ઊહાપોહ ન થાય એટલે એ મન મારીને તે સમયે ગમ ખાઈ ગઈ હતી. તેને એક વાતનો સંતોષ હતો કે એણે હેમંતને તમાચો મારીને હડસેલી દીધો હતો. લગ્ન પતી ગયા ત્યાં સુધી, આખો દિવસ તે ચૂપ તો રહી પણ મનમાં ક્રોધ અને ઉચાટ બેઉ ઘર કરીને બેસી ગયા હતાં. પ્રસંગ રંગેચંગે પૂરો થયો અને રાત્રે સહુ ઘેર પહોંચ્યાં.
પરવારીને રાત્રે બધાં સૂવા ગયા ત્યારે ઘરમાં અનેક મહેમાન હોવાથી બધી બહેનો એકસાથે ને ભાઈઓ બીજા રુમમાં એવી સૂવાની સગવડ કરી હતી. બધાં થાકેલાં હતાં પણ સોના પાસા ફેરવતી હતી. મોટીબેને સોનાને પૂછ્યું, “કેમ, આજે તને ઊંઘ નથી આવતી? તબિયત તો સારી છે ને? હવે સોનાએ બધી હિંમત એકઠી કરીને બહેનને વિગતવાર વાત કરી જ દીધી, જરા પણ છોછ કે છોભીલી પડ્યા વિના. આ હેમંતભાઈનું આ ઘરમાં ખૂબ માન હતું એ સોના જાણતી હતી પણ જે સત્ય હતું તે હતું અને સત્ય બોલવામાં ડરવું ન જોઈએ એવું એ દ્રઢપણે માનતી હતી. મોહનભાઈને ચાર દીકરા અને બે દીકરીઓ હતી. હેમંતભાઈ તેમના સૌથી મોટા દિકરાનો ખાસ મિત્ર અને તેઓ એને પોતાના પાંચમો દીકરો જ કહેતા. એ ઘરમાં વિના રોકટોક, ઘરના સભ્યો જેમ જ આવતો જતો. એટલું જ નહીં, પણ કુટુંબના નાનામોટા દરેક પ્રસંગમાં આગળ પડીને બધું કામ એ જ કરે. મોહનદાદા અને દાદીને એમના પર પૂરો ભરોસો અને ખૂબ પ્રેમ હતો. આવી મોભાદાર વ્યક્તિ અંગે કંઈ કોઈને પણ કહેવું ખૂબ મુશ્કેલ હતું, કારણ, કહેવાથી પણ કોઈનેય માનવામાં ના આવે એવી આ વાત હતી. પણ, સોનાએ પણ નહિ ધારેલ તેવું બન્યું.!
જેવી સોનાએ મોટીબહેનને વાત કરી તો મોટી બહેન પથારીમાં બેઠી થઈ ગઈ. તેની બે નણંદ પણ તેની બાજુમાં જ સૂતી હતી તેના દેખતાં વાત કરતાં મોટીબેન પહેલાં તો થોડીક ગભરાઈ, પણ નાનીબેનની હિંમત જોઈને, તેણે પણ કહ્યું, કે, ‘જ્યારે હેમંતભાઈ લગ્ન માટે રાજકોટથી દસ દિવસ પહેલાં આવ્યા, ત્યારે મારા હાથમાં તેમની બેગ આપી અને ઉપર ત્રીજે માળ તેમના રુમમાં મૂકવાનું કીધું. હું બેગ મૂકીને પાછળ ફરવા ગઈ તો મને પણ તેમણે તેમની બાથમાં લઈ લીધી હતી ને મને કહે તું મને બહુ જ ગમે છે અને ત્યાં જ મોટાભાઈનો સીડી ચડવાનો અવાજ આવ્યો, એટલે તેઓ રૂમની બહાર જલ્દીથી નીકળીને ધાબાની સીડી ચડીને ઉપર ગયા. લગ્નના આટલા કામમાં તારા બનેવીને આ વાત કરવાની મારી હિંમત જ ન ચાલી.” આટલી વાત સાંભળતા જ, બહેનની નાની નણંદ રીના જે સોના જેટલી જ હતી તે પણ બેઠી થઈ ગઈ. તે સાવ ઢીલી હતી એટલે પહેલા તો જોર જોરથી રડવા લાગી પછી ભાભીએ શાંત એને રાખી અને શું થયું એમ પૂછ્યું, તો કહે, “ભાભી, યાદ છે, આપણે મંડપ મુહૂર્તના દિવસે ચાર વાગે ઊઠેલાં? ઘરમાં આટલાં બધાં મહેમાન અને કામ ખૂબ પહોંચ્યું હતું. હું થાકી ગઈ હતી એટલે બપોરે મારા રૂમનું બારણું સહેજ આડું કરીને સૂઈ ગઈ હતી જેથી કોઈ કંઈ કામ માટે બૂમ પાડે તો મને સંભળાય. થાકને લીધે આંખ મળી ગઈ હતી. થોડીવારમાં મારી રજાઈ ખેંચાઈ, હું ભર ઊંઘમાં હતી. આંખો અડધીપડધી ખોલીને જોયું તો હેમંતભાઈએ મારી રજાઈમાં આવીને પાછળથી મારી છાતી પર તેમના બે હાથ રાખી મને જોરથી ભીંસીં નાંખી હતી ………!. ઓ ….મા…..કરીને હું જોરથી ચીસ પાડવા ગઈ ત્યાં તો જોરથી મારું મોં દબાવી દીધું અને મને કહે ‘લગ્નના ટાઈમે ભવાડા ના કર. જો, ઘરમાં કેટલાં મહેમાન છે! મને તો કંઈ નહીં થાય પણ તારી જ બધાં વાતો કરશે!’ હું ગુસ્સાથી ધ્રૂજતી હતી અને આગળ એ કંઈ કહે કે કરે એ પહેલાં, મેં જોરથી એમને ધક્કો માર્યો અને સફાળી પલંગ પરથી ઊભી થઈને ચૂપચાપ ત્યાંથી માના રૂમમાં દોડી ગઈ. બે ત્રણ કલાક રૂમ બંધ કરીને અવાચક બેસી રહી. હું બિલકુલ હેબતાઈ ગઈ હતી. મારા માનવામાં જ નહોતું આવતું કે જેને બચપણથી હું મારા મોટાભાઈ ગણું છું, એ આવું કરે? બાપુજીએ તો એમને પોતાનો દિકરો જ ગણે છે. આવું કરતાં એમને કોઈ જાતની શરમ પણ નહીં આવી? હું કંઈ બોલીશ તો ભાઈના લગ્ન બગડશે એમ સમજીને હું ચૂપ રહી. ભાભી, તમારી બહેન સોના જેટલી હિમંતવાળી હું નથી.”
સોના તો આ બંનેની વાત સાંભળી ધૂંવાપૂંવા થઈ ગઈ. એ બોલી, “આ હેમંતનો તો અત્યારે જ ફેંસલો લાવું છું.” અને ઊભી પણ થઈ ગઈ. રણચંડીની જેમ સોના ગુસ્સાથી લાલપીળી હતી. “હું અત્યારે જ મોહનદાદા અને મોટાભાઈને ઊઠાડું છું. આ હેમંતને હમણાં જ ઘરની બહાર કઢાવી, તેના કારસ્તાનનો પરદો ફાડું છું. આમ સજ્જનતાનો આંચળો ઓઢીને ઘરની જ વહુ દીકરીઓ પર મોં મારતા આ નરાધમ માણસના વર્તનને આપણે કેમ સાંખી લઈએ? અને પાછો પોતે તો આખા લગ્નપ્રસંગમાં એવી રીતે મ્હાલતો હતો જાણે એ તો દેવનો દિકરો!” મોટીબેને તે વખતે તેને શાંત પાડતાં કહ્યું, “સોના, હંમણાં શાંત રહે. કાલે પગ ફેરાની રસમ કરીને નવા ભાભી પિયર જાય પછી વાત.” આમ કહી નાનીબેનના માથે હાથ ફેરવી તેને સુવાડી.
બીજા દિવસે પગફેરાની વિધિ સવારમાં નવ વાગતા જ પતી ગઈ. સોનાના મનને તો જરાપણ ચેન નહોતું. હેમંતે તો સવારે એની જોડે એવું વર્તન કર્યું કે કંઈ બન્યું જ નથી. એટલી હદે એણે શરમ લાજ મૂકી દીધી હતી કે બધાંની વચ્ચે નિર્લજતાથી સોનાને કહે, ‘કેમ આટલી ચૂપચાપ છે?’ સોનાથી પણ રહેવાયું નહીં. એ કટાક્ષમાં હસી અને કહે, “બોલું છું ને?” જેવા વેવાઈના ઘરના લોકો ગયા કે સોનાએ ચારે ભાઈઓ, ભાભીઓ, બહેનો, મોહનદાદા, દાદી અને જે પણ બધાં ઘરમાં હતાં તે અન્ય મહેમાનોને પણ દિવાનખાનામાં બોલાવ્યાં, એવું કહીને કે એક સરપ્રાઈઝ છે. એને ખાતરી થઈ ગઈ હતી કે હેમંતભાઈ પણ આવશે જ અને એવું જ થયું. હેમંતભાઈ પણ આવીને બેઠા. અને ત્યાં તો સોનાએ હેમંતભાઈને કોલરેથી પકડીને ખેંચીને મોહનદાદા અને મોટાભાઈ બેઠા હતા તે તરફ હડસેલ્યા. હેમંતભાઈ તો અવાચક થઈ ગયા અને કંઈ સમજે કે બોલે એ પહેલાં જ સોનાએ તો બધાની વચ્ચે, કોઈ પણ ડર કે ક્ષોભ રાખ્યા વિના, પોતાની સાથેની, મોટીબેન સાથેની અને રીના સાથેની બધી હકીકત મોહનદાદા અને મોટાભાઈને કહી. અને સાથે એ પણ કહ્યું કે રીનાને તો એમણે રીતસર ધમકાવેલી કે આટલાં બધાંની વચ્ચે એ બોલશે તો રીનાની જ બધા વાતો કરશે, એને પોતાને તો કશું જ નહીં થાય! આ બધું સાંભળીને, દાદા અને બધા ભાઈઓનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો. રીના ઊભી ઊભી રડી રહી હતી. હેમંતે અચાનક ન કલ્પેલું બન્યું હોવાથી એ ખૂબ ગભરાઈ ગયો હતો. મોહનદાદા જેને પોતાનો પાંચમો દીકરો ગણતા હતા તેણે જ આવું વર્તન કર્યું? તેઓ ઊભા થયા અને ત્રણ ચાર તમાચા લગાવી દીધા. મોટાભાઈ ગુસ્સામાં તેને ગડદાપાટુ કરવા લાગ્યા. આખું ઘર તેની પર તૂટી પડ્યું. જેને ઘરનો માણસ ગણ્યો હતો તેણે ઘરની જ વહુ– દીકરીઓ પર નજર બગાડી? સમાજમાં ફરતા આવા નરાધમોને લોકો સમક્ષ ઉઘાડા પાડી તેમને કેવી રીતે તેમના ગુનાની સજા આપવી?
પરિવારના લોકોનો વિશ્વાસ સંપાદન કરીને પછી પોતાની હીન વૃત્તિઓનું નિર્લજ્જ પ્રદર્શન કરનારા આવા લોકો તો દંડનીય છે જ.ઘરની બહેન દીકરી કે વહુને પણ નિર્ભયતાથી પોતાની વાત કહી શકે એવું વાતાવરણ મળવું જોઈએ.
LikeLiked by 2 people
“મને પણ” સુ શ્રી જિગીષા પટેલનો ગુજરાતી મી ટૂ જેવો લેખ…ઘણા બનાવમા વર્ષો પછી આક્રોશ થાય તેની અસર ઓછી થાય પણ આ સત્ય હકીકત જેવી વાર્તામા ‘ ઘર છે માણસ ગણ્યો હતો તેણે ઘરની જ વહુ– દીકરીઓ પર નજર બગાડી? સમાજમાં ફરતા આવા નરાધમોને લોકો સમક્ષ ઉઘાડા પાડી તેમને કેવી રીતે તેમના ગુનાની સજા આપવી?’ તુરત ફેંસલો લાવી નવો સ રસ દાખલો જણાવ્યો
ધન્યવાદ
LikeLiked by 1 person
જિગીષાબહેને વર્ણવી એવી ઘટના સમાજમાં અવારનવાર સાંભળવા મળે છે, ઘરની વ્યક્તિ વહુ બેટી પર નજર બગાડે, આવા બનાવઓને સોના જેમ હિંમતથી સામે લાવવા જોઈએ. ઘરની દિકરીને એ નિર્ભયતાના પાઠ નાનપણથી શિખવાડાય તો સમાજમાંથી આવા નરાધમોની હિંમત ઓછી થતી જાય.
LikeLiked by 1 person
જિગીષાબહેને વર્ણવી એવી ઘટના સમાજમાં અવારનવાર સાંભળવા મળે છે, ઘરની વ્યક્તિ વહુ બેટી પર નજર બગાડે, આવા બનાવઓને સોના જેમ હિંમતથી સામે લાવવા જોઈએ. ઘરની દિકરીને એ નિર્ભયતાના પાઠ નાનપણથી શિખવાડાય તો સમાજમાંથી આવા નરાધમોની હિંમત ઓછી થતી જાય.
સમાજમાં ફરતા આવા નરાધમોને લોકો સમક્ષ ઉઘાડા પાડી તેમને કેવી રીતે તેમના ગુનાની સજા આપવી?’ તુરત ફેંસલો લાવી નવો સ રસ દાખલો જણાવ્યો.
ઘરની બહેન દીકરી કે વહુને પણ નિર્ભયતાથી પોતાની વાત કહી શકે એવું વાતાવરણ મળવું જોઈએ.
LikeLiked by 1 person