“આવે? ના આવે!”
હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે? ના આવે.
જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે? ના આવે.
નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે? ના આવે.
તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.
આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે.
– અનિલ ચાવડા
કવિશ્રી અનિલ ચાવડાની ગઝલ, “આવે? ના આવે!” નો રસાસ્વાદ જયશ્રી વિનુ મરચંટઃ
‘હરિ તમે આવો ને’ નો આર્તનાદનો ઘંટારવ લગભગ ભારતની દરેક ભાષાના કવિઓએ એમની કૃતિઓમાં કર્યો છે. પણ આજના આ કળિયુગમાં નવયુવાન અને આગવો મિજાજ અને જોમથી તરવરતા, ધરખમ કવિ, શ્રી અનિલ ચાવડા જુદી જ વાત કરે છે. કવિને હરિને હ્રદયના મંદિરમાં પધારવાનું આમંત્રણ આપ્યા પછી, હળવે પગલે, ધીરે ધીરે એમના પધારવાની રાહ જોવાની, આ દોડતા યુગમાં મંજૂર નથી. કવિ તો એમની ખુમારીથી હરિને પોતાના માનીને બોલાવે છે કારણ એમને ખાતરી છે કે ઇશ્વર તમારો છે જ, યુગ કોઈ પણ હો. એક અધિકારથી બોલાવો, તો એ એક ઝાટકે આવશે જ! આ ભરોસો રાખો તો બેડો પાર છે. હરિ તો મા પણ છે અને પિતા પણ છે. જો સંતાનો માતાપિતાને આર્તનાદ કરીને નથી બોલાવતાં તો પછી પ્રભુને કરગરીને કેમ બોલાવવા? જેને પોતાના માનો એને કાકલૂદી શું કામ કરવી? એને તો હકથી હાકલ મારીને બોલાવાય. એકવાર આ સમજાય અને પ્રભુ હૈયામાં જ બિરાજતા હોય તો પછી આ શ્વાસોના ટાંકા તૂટી પણ જાય તો કોઈ રંજ નથી, કારણ, તૂટી ગયેલાં શ્વાસ શિવમય થઈ જશે. પછી એ શ્વાસોને સાંધાવાની સોય કે સાંધવાનો હુન્નર, શેનીય જરૂર નથી.
માણસનું વજૂદ કેટલું બટકણું અને ક્ષણભંગુર છે! ટટ્ટાર ગરદન અને છાતી પહોળી કરીને ચાલનારો માણસ તો કાળની એક ફૂંક લાગતાં જ કરમાઈ ગયેલાં અને જરાક પગલાં પડતાં જ ખખડતાં પાંદડાં સમો થઈ જાય છે. જીવનના વાવાઝોડામાં ફંગોળાવવા પોતાની મરજીથી આવો જીર્ણ પર્ણ સમો માણસ ક્યારે સામો ચડીને આવવાનો છે? પણ, સમયનું ચક્ર તો જેમ ફૂલોને ખીલવતી વસંત લાવે છે એમ જ વરસાદ, વિજળી અને વાવાઝોડું પણ લાવે છે. માણસ લાચાર છે. યાદ આવે છે,
“અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈં
રુખ હવાઓં કા જિધર કા હૈ ઉધર કે હમ હૈં”
ભારતમાં ભવ્ય મંદિરોનું અસ્તિત્વ છે અને છતાં દેશ પરદેશમાં નવા નવા મંદિરો ચણવાની એક જાણે હોડ લાગી છે. ભગવાન મંદિરોમાં જ રહેતો હોત તો એ ક્યા મંદિરમાં રહેવાનું પસંદ કરત? એના કોઈ પરિમાણ – સ્ટાન્ડર્ડ્સ નથી. આ મંદિરો બનાવીને, અંદર પથ્થરની કે સોના-ચાંદીની મૂર્તિઓ સ્થાપવાથી ઈશ્વર આ આલિશાન મંદિરો ને એની મૂરતોમાં કેદ થવા શું કોઈ એપ્લીકેશન કરશે? ભગવાન તો જીવમાત્રમાં છે. જેણે આપણને સૌને બનાવ્યા છે એને આપણે ‘બનાવવાનું’ છોડી દઈશું તો પણ કદાચ એના દરબારમાં આપણી અરજી મંજૂર કરી લેવામાં આવે.
વર્ષોથી વિખૂટા પડ્યાં હોઈએ એના પછી, જો આપણે આપણા સ્વજનને આપણા ઘરમાં અને હ્રદયમાં પધારવાનું આમંત્રણ આપતાં હોઈએ તો પછી, ઈગો, લાજ-શરમની હદ છોડીને, કોઈ પણ જાતનો અવરોધ અને મર્યાદા – Inhibitions & Limitations – રાખ્યા વિના, પાલવ ખુલ્લો પાથરીને, જાજમ બિછાવીને, હ્રદયથી હ્રદયનું અનુસંધાન કરતાં હોય એ રીતે જ બોલાવવા. હા, કાગની ડોળે પછી રાહ જોઈ શકો પણ આપણાં તરફથી બધું જ તૂટેલો સંબંધ બાંધવા આપણે કરી છૂટ્યાં છીએ એનો સંતોષ તો રહેશે! ભલે, એ પ્રિયજન આવે કે ન આવે, એ એની મરજી. અહીં એક અદભૂત મોડ પર ગઝલ આપણને લઈ આવે છે. કવિ કહે છે કે, ‘’મારી અંદર જેટલું છે એ બધું જ તારું છે. હા, તારી પાસે પણ તારું અગાધ વિશ્વ છે જ. હવે તું જ નક્કી કર, તારે શું કરવું છે.” આ એક સેલ્ફલેસ પ્રેમની પરાકાષ્ઠા છે. સાચો પ્રેમ એ જ કહેવાય કે જે જવા ઈચ્છે એને જવા દો, પણ, એને પાછા કદાચ આવવાનું મન થાય, તો, એને માટે તમારા તરફથી બધી જ તૈયારીઓ રાખજો. પ્રિયજન આવે તો ભલે અને ન આવે તોયે ભલે. ન સ્નેહ ઓછો થાય કે ન પછી તૂટેલા કે વિખૂટા પડી ગયેલા સંબંધનો ભાર પણ લાગે!
અને, ગઝલનો આ છેલ્લો શેર આખી ગઝલને ઓપ આપે છે.
“આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે.”
આ છેલ્લા શેરમાં શેરિયત તો છલકાય છે જ પણ એમાં કવિશ્રી અનિલભાઈના શબ્દોએ રચેલું અદભૂત “કાવ્ય ચિત્ર” છે. કલ્પના કરો, ડૂસકાંના વાદળનું પડળ આંખોમાં, કીકીઓની આડે છવાયું છે અને આંસુ બની એ એની મેળે એક સંવેદનશીલ ક્ષણે વરસવા માંડે છે. ન આંખોને એની ખબર છે કે ન એ આંસુઓને રોકી શકવા માટે મન કે હ્રદય પર કોઈ જોર ચાલે છે. છાતી પર વિજળી પડી છે, એ પણ ચમકારા વિના. આંખોમાં વાદળ આંસુના સમંદર બની વરસું વરસું કરે છે અને છેવટે એક પળ એવી આવે છે કે એ રોક્યા રોકી શકાતા નથી. એટલું જ નહીં પણ, આપણી મરજીથી આપણે જ નક્કી કરેલી ઘડીએ જ આ આંસુ વહેશે એના એંધાણ પણ મળતા નથી. કારણ, આકાશના વાદળો તો વિજળીના ચમકારે ગરજતાં ગરજતાં આવે છે તો સમજ પણ પડે છે. અહીં તો દેખીતી રીતે ન વીજળી ચમકે છે કે ન તો વાદળો ગરજે છે, બસ, રોક્યાં રોકાય નહીં એમ ચૂપચાપ આંસુ વહેતા રહે છે. કવિને કારણો નથી આપવા કે તપાસવા, બસ એક અફર સચ્ચાઈથી ભાવકોને અવગત કરાવવા છે અને એમના ભાવજગત પર પોતપોતાના કારણો અને ચકાસણી સાથે છોડી દીધા છે. ગઝલ અહીં મૂઠી ઊંચેરી ઊઠે છે અને મનના કાંઠાઓને તોડીને પોતે પણ વિમુક્ત – Liberate – થાય છે અને ભાવકોને પણ ઉર્ધ્વગામી બનાવે છે. ભાઈશ્રી અનિલ ચાવડાને આવી ઉપરથી રમતિયાળ લાગતી પણ “મરમ ગહેરા” ગઝલ આપવા બદલ અભિનંદન.
“આવે? ના આવે!” અનિલ ચાવડાની સુંદર ગઝલ નો સુ શ્રી જયશ્રી મરચંટ દ્વારા સ રસ આસ્વાદઃ
LikeLiked by 1 person
“આવે? ના આવે!” -ગઝલ – અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી મરચંટ
આજની યુવા પેઢીના મારા મનગમતા કવિ, ગઝલકારમાં અનિલભાઈ ચાવડા આગવું સ્થાન ધરાવે છે. એમની ગઝલ ધરતી સાથે જોડાયેલી હોય છે. સરળ ભાષામાં જે ગહનતાથી એ પોતાના વિચાર રજૂ કરે છે, એ કાબિલે તારીફ છે. સોને પે સુહાગાની જેમ જયશ્રીબહેન જેવા સિધ્ધહસ્ત લેખિકા, ગઝલકાર જ્યારે એનો રસાસ્વાદ કરાવે ત્યારે પંક્તિ, પંક્તિએ દરેક શેરોનો નવો અર્થ સમજાતો જાય છે. બન્નેને દિલથી સલામ!!!
LikeLiked by 1 person