મારા મન ની વાઘા બોર્ડર – જાગૃતિ દેસાઈ-શાહ
મારા મનને એક વાઘા બોર્ડર સતત સતાવે છે. આનંદ આપે છે અને મૂંઝવે છે.
જયારે હું પ્રથમવાર વાઘા બોર્ડર પર ગઈ ત્યારે અમેરિકાનો પાસપોર્ટ હતો એટલે આગળ અને અલગ બેસીને જોવા મળ્યું. દેશપ્રેમ ની ગંગા વહી અને એમાં મેં પણ ડૂબકી મારી, ગળાબૂડ થઈ હતી. પાકિસ્તાન તરફ જયારે પણ નજર જતી ત્યારે મને વિચાર આવતો કે વાઘા બોર્ડર એક સેતુ અર્થે બનાવી કદાચ આપણને એમના શહેર જોવા મળે કે એનાથી દોસ્તીનો આરંભ થાય. પછી આપણા જવાનોને જોઉં ત્યારે થાય, સાલું પાકિસ્તાનનો ઘડો લાડવો કરવો જોઈએ, કેવો વિરાધભાસ???? એક અસમંજ થાય કે આપણે અહીં મિત્રતા માટે આવ્યા કે શક્તિ પ્રદર્શન માટે. !!! વાઘા બોર્ડરે અનેક પ્રેમ અને પ્રસંગોની સાક્ષી પૂરી તો કેટલીય ક્રૂરતા ના પ્રસંગોને યાદોમાં કંડાર્યા.
અભિનંદન પેલી બાજુ થી આવ્યો અને વાજપેયી સાહેબ બસ ભરીને ત્યાં ગયા. કેટલાય મેડિકલ ટ્રીટમેન્ટ માટે પેલે પાર થી આવ્યા અને કેટલાય માછીમારો જૈલમાંથી છૂટી ને પાકિસ્તાન ગયા. સરબજીત ના આવ્યો અને કુલભૂષણ આવશે કે નહીં? અને જયારે હું મારા પાકિસ્તાની મિત્રો ને મળું ત્યારે મારા મનની વાઘ બોર્ડર પણ બહુ જ શોરબકોર થાય છે.
મનની બોર્ડર પણ આમ તેમ આપ લે કરતી રહે, અને આપણે મૂક પ્રેક્ષક બની ને જોયા કરવાનું?
શિકાગોમાં ડેવોન સ્ટ્રીટ એટલે ભારતના બજાર જેવું એમાં પણ એક રોડ નું નામ મહાત્મા ગાંધી રોડ અને લગોલગ ક્રોસ એટલે મોહમ્મદ અલી ઝીંણા રોડ! લ્યો હવે..! વાઘા બોર્ડર જ ને.!. મને 15 દિવસે એક વાર ડેવોન સ્ટ્રીટ જવાની આદત હતી. હું અને મારો દીકરો શનિવારે કે રવિવારે જતા. પાર્કિંગ નો હંમેશા પ્રોબ્લેમ એટલે ગાડી દૂર પાર્ક કરીને ચાલતી જતી. ભારતમાં રહીને પાકિસ્તાની ક્લચરનો સહેજે અનુભવ નહીં, પણ, હું જ્યાં ગાડી પાર્ક કરતી ત્યાં સામે એક પાકિસ્તાની રેસ્ટોરન્ટ હતી. (હવે છે કે નહીં, નથી ખબર, કારણ, આ વાતને ૧૮-૨૦ વર્ષો વિતી ગયા છે.) ગાડી પાર્ક કરું પછી શાકભાજીની થેલીઓ લઈને ગાડીની ટ્રન્કમાં મૂકું એટલે પાકિસ્તાની હોટેલના ભાઈ સમોસા તળવાનું ચાલુ કરે. મને યાદ છે એમની પાસે બે અલગ કઢાઈ હતી. એક શાકાહારી સમોસા અને બીજા મટનવાળા. મારો જય 8 વર્ષનો હતો અને વ્હાલો દેખાતો એટલે એ ભાઈ એની સાથે હાથ માં હાથ નાખીને જયને લઇ જતા. પછી એવું થવા માંડ્યું કે જેવી હું ગાડી પાર્ક કરું એઓ બહાર આવી ને હાથ હલાવે અને રાજીના રેડ થઇ જાય. અમે બેઉ સમોસા અને ચા પેટમાં ટપકાવતા ત્યારે એ અમારી સામે બેસી ને વાતો કરતા. એક લાગણી બંધાઈ ગઈ હતી. આવું 5-6 મહિના ચાલ્યું. 1999 માં કારગીલ થયું. અમને બધાની અરજી આવી કે પાકિસ્તાની સ્ટોરમાંથી કંઈ લેવું નહિ અને બહિષ્કાર કરવો. ત્યારે મારા મનની વાઘા બોર્ડર પાર દેશપ્રેમ ચરમ સીમાએ પહોંચ્યો. મેં પણ નક્કી કર્યું કે કોઈ પણ પાકિસ્તાની સાથે કોઈ દૂર દૂર નો સંબંધ નહીં રાખું. પાછું ડેવોન જવાનું થયું ગાડી પાર્ક કરી શાકભાજી લીધું અને એ ભાઈ ને એકદમ ઈગ્નોર કર્યા અને ગાડી માં બેસીને નીકળી ગઈ. રેસ્ટોરન્ટ બાજુ જોયું પણ નહીં. હૃદયમાં ગ્લાનિની લાગણી સતત હતી. ઘરે ગઈ પણ કૈં કામમાં મન નહોતું લાગતું. 15 દિવસ પછી પાછી ગઈ, ગાડીનું પાર્કિંગ દૂર શોધ્યું. પણ…મારા દીકરાએ એની રીતે બીજી બાજુ ચાલવાનું શરુ કર્યું અને હું પણ ભૂલી ગઈ. અચાનક એ પાકિસ્તાની ભાઈ દેખાયા ને મેં નજરો ચોરીને યુ ટર્ન માર્યો એટલામાં અવાજ આવ્યો “મેરી બહેન, મુઝસે નારાજ હો?” અને જય એમના તરફ ગયો. હું પણ ગઈ… મને કહે “મેરી બહેન મુઝસે નારાજ હૈ.. યા ફિર કારગીલ કે ચક્કર કી વજહ સે તો નહીં આ રહી?” હું થોડીક ભોંઠી પડી અને મેં આમ તેમ ના બહાના કાઢ્યાં, પણ, મારી આંખો સાચી વાત કહી રહી હતી. વાઘ બોર્ડર પર સજ્જડ તાળું મારેલું પણ હવે એ બંધન ઢીલાં પડી ગયાં. સાથે સમોસા ખાધા ચા પીધી અને સમોસા બંધાવી લીધા. કારગીલ વિજયની ઉજવણી માટે! મારા મન ની વાઘ બોર્ડર પાર શાંતિ હતી
ઉરીના ઈન્સીડન્ટ પછી પણ મારી વાઘા બોર્ડર પર ઉજવણી હતી અને પાછું થયું કે પાકિસ્તાનીઓ આવા જ હોય, ભરોસો ના કરાય, વગેરે વગેરે. અમારે ત્યાં ઈદની જોરદાર ઉજવણી થઇ છે. એક હૈદરાબાદનો યુવાન છે એ બહુ જ સરસ મહેંદી મૂકે છે. ઈદના બહાને મને મહેંદી મૂકવાનો શોખ પૂરો કરવા મળે, એટલે એને શોધી તો કાઢ્યો પણ બહુ લાંબી લાઈન હતી. ટાઈમ પાસ કરવા માટે આજુબાજુ નજર માંડી. એક કોર્નર પર બહુ જ સરસ ડ્રેસ લટકેલા હતાં, એ એક પાકિસ્તાનીની દુકાન હતી. બહુ જ એક્ક્ષક્લુઝિવ કલેક્શન હતું. એક યુવાન છોકરી અને યુવાન છોકરો ત્યાં ઉભા હતા એટલે મને થયું કે આમનું કલેક્શન હશે. મેઈન એક ડ્રેસ જે મને ખુબ ગમ્યો પૂછ્યો કે કેટલાનો છે. બહુ મોંઘો નહોતો એટલે લેવાનું વિચાર્યું પછી થયું પાકિસ્તાની બિઝનેસને સપોર્ટ નહીં કરવું જોઈએ. આપણા જવાનોને જે દેશ રહેંસી નાંખે, એને કોઈ જાતનો ધંધો ના આપવો. મનમાં દેશપ્રેમના ઢોલ વાગ્યા અને પરેડ પણ ચાલુ થઈ! એટલામાં એક યુવાન સ્ત્રી આવી અને મને કહે આ મારો બહુ જ પ્રિય ડ્રેસ છે જો તમે નહીં લો તો હું મારા માટે રાખી લઈશ તો નો વરીસ. વાતચીત કરતા ખબર પડી કે એ એન્જીનિયર છે અને લગ્ન કરી ને પાકિસ્તાન થી આવી હતી. એનો પતિ એનો સાથેનો યુવાન હતો અને મીકેનિકેલ એન્જીનીઅર છે. એને ખબર પડી કે હું HR માં છું એટલે પ્રશ્નો પૂછ્યા। એનો આત્મા વિશ્વાસ ડગમગેલો હતો કે એનું પાકિસ્તાન નું ભણતર અહીં કામ નહીં લાગે. મેં એને ખૂબ પ્રોત્સાહન આપ્યું ને પછી અમે દોસ્ત બની ગયા. એના પતિએ મને એક બહુ જ સરસ વાત કરી કે ભારતીય લોકો ટેકનોલોજીમાં બહુ આગળ છે એટલે અમારા કેલિફોર્નિયાના યુવાનો ભારત અને પાકિસ્તાનનો એક સહિયારો પ્રોગ્રામ ચલાવે છે એમાં યુવાનોને ટેકનોલોજીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ખબર નહિ કેમ, પણ મેં એમને એક ડ્રેસ પેક કરવા કહ્યું અને મને મનમાં એક જાતની શાંતિ થઈ ગઈ. પછી તો એ યુવાન મને ગાડી. સુધી મૂકવા આવ્યો અને મને કહે, “મેરે મનમેં ભારતીય લોગોં કે લિયે બહોત ઈજ્જત ઔર પ્યાર હૈ.” ચાલો, મનની વાઘા બોર્ડરની પેલે પાર પણ શાંતિ છે! પછી, થોડા વખત પહેલાં એ યુવતીનો ફોન આવ્યો કે અમે અહીં થી જઈ રહ્યા છે અને મને એક ડ્રેસ જે બહુ ગમતો હતો, તેઓ તે ડ્રેસ મને ગીફ્ટ તરીકે આપવા માંગતા હતાં!
******
અમજદ સાબરી મારા પ્રિય વ્યક્તિ હતા અને અદભુત કવ્વાલ પણ હતા. કમનસીબે ગોળીના શિકાર બન્યા. અહીં બે એરિયામાં એમનો કોઈએ પ્રોગ્રામ કરેલો. મને એ છેલ્લે બંદગી કરે એ બહુ ગમતું. એક વાર એમણે આગ્રહ કર્યો કે હું એમની સાથે ડિનર કરીને જાઉં. એમની સાથે ઘણા બધા લોકો હતા જે ડિનર પર હતા. જેવી હું આવી કે એમણે કહ્યું, કે, “મેરી બહેનકે લિયે વેજીટેરીઅન ખાના બનવાયે.” મેં એમનો જ્યારે રેડિયો પર ઈન્ટરવ્યુ કર્યો હતો, મારી સાથે રેડિયો શૉ માં તેઓ “અબ કી બાર મોદી સરકાર” એમ પણ બોલેલા. લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીના પ્યારેભાઈએ મને કહેલું કે જ્યારે “અમર અકબર એન્થોની” ની ફેમસ ‘પરદા હૈ વાલી’ કવ્વાલી બનાવી હતી, ત્યારે, સાબરીભાઈઓ ગાવાના હતા. વિસા ના મળવા થી એ શક્ય ના બની શક્યું. અમજદ ભાઈને હોટલ પર મૂકવા જવાનું થયું એટલે રસ્તામાં વાતચીત થઇ. ત્યારે મેં પ્યારેભાઈવાળી વાત કહી. ત્યારે એમણે પણ કહ્યું કે, “હું ત્યારે નાનો હતો, પણ મને વાત ખબર છે.” મેં એમને પૂછ્યું કે પ્યારેભાઈ સાથે વાત કરવી છે? એમના માનવામાં જ ના આવ્યું। મેં પ્યારેભાઈને ફોન લગાવ્યો અને એમણે જ ફોન ઊંચક્યો. અમજદભાઈ એ ઘણી વાતો કરી પ્યારે ભાઈ સાથે. મને એટલું સમજાયું કે એમને પ્યારેભાઈને મળવાનું અને અજમેર શરીફ જવાનું બહુ મન છે. હોટેલ પર ઉતાર્યા ત્યારે એમણે મારો હાથ એમના માથે લગાડીને કહ્યું, “મેરી બહેન, તેરે બેટે કી શાદીમેં મુઝે બુલાના, ભૂલ મત જાના. મેં આઉંગા ઔર ફ્રી મેં ગાઉંગા.”
*****
મારા મનની વાઘા બોર્ડર પણ ક્યારેક દિવાળીની મીઠાઈ વહેંચાય છે અને ક્યારેક પરેડ બંધ કરી થઈ જાય છે. ક્યારેક મારી પાકિસ્તાની મિત્રના વિઝા ના મળે તો સુષ્મા સ્વરાજને ટ્વીટ પણ કર્યું છે અને એક બીજી મિત્રને ફેસબુક પર બ્લોક પણ કરી છે, કારણ કે, એણે હિન્દુઓ માટે અનાપ-શનાપ લખેલું. ઉઝમા મારા માટે તવો બે ત્રણ વાર ધોઈને મેથી પરાઠા બનાવે અને એ જયારે ભારતીય સંસદ માટે ટિપ્પણી કરે ત્યારે ઊભાઊભ એની સાથે પંગો થઇ જાય. એક વાર મારા ઘરે પાર્ટીમાં આરીફ ભાઈને બોલાવેલા. એ જ અરસામાં કાશ્મીરની ધારા 370 હટાવાઈ હતી. પાકિસ્તાન અને ભારત બોર્ડર પર કેટલું લડ્યા એ નથી ખબર, પણ, હું ફેસબુક વોરની એકટીવ સિપાહી હતી. આરીફ ભાઈએ મને ફોન કરીને પૂછેલું કે “ક્યાં આપ કો પ્રોબ્લેમ નહીં હોગી અગર મેં આજ આઉં? આજ કલ માહોલ અજીબ સા હૈ” મને ત્યારે ખરેખર દિલમાં લાગી આવેલું. આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈએ છીએ!
મારા મનની વાઘા બોર્ડર પર મારા વિચારો લાલઘૂમ આંખો કરીને પરેડ કરે, દેશ ભક્તિના ગીતો ગાય, અસંખ્ય કેદીઓની આપ-લે જોવાય, બે બાજુના ના અસંખ્ય લોકોના મનની વાતો પણ સંભળાય અને સમજાય. બસ, આના ગૅઇટ હંગામી રીતે બંધ થાય તો ચાલે પણ અવિરત હવા, લાગણી અને પ્રેમ વહેતા રહે, અને ખાસ તો આશાના ધ્વજો લહેરાતા રહે, બોર્ડરની બેય પાર
મનની વાઘા બોર્ડર! કેટલી વિચારશીલ અને સંવેદનશીલ વાત! બહેન, તારી કલમે સૌને વિચાર કરતાં કરી દીધાં.દરેક વ્યક્તિએ પોતાનાં મનની વાઘા બોર્ડરની તલાશ કરવી રહી.સરસ સોચ! Keep it up…..!
LikeLiked by 1 person
મારા મન ની વાઘા બોર્ડર – જાગૃતિ દેસાઈ-શાહની સંવેદનશીલ વાત
‘મારા મનને એક વાઘા બોર્ડર સતત સતાવે છે.
આનંદ આપે છે અને મૂંઝવે છે.’
દરેકની જેમ અમારી પણ આવી જ ‘વાઘા બૉર્ડર ‘ પણ સાંપ્ર્તસમયે મૂંઝવે છે
LikeLiked by 1 person
જાગૃતિ, તેં તો મારા મનની “વાઘા બોર્ડર”ને મને સમજવવામાં મદદ કરી.
LikeLiked by 1 person
ખૂબ સુંદર લેખ !
LikeLike
કેવી અજબ વાત છે, જાગૃતિબહેન જેવી વાઘા બોર્ડર કદાચ ઘણાખરા ભારતિયના દિલમાં હમેશ ચાલતી હશે, ખાસ કરીને તમારા પાકિસ્તાની મિત્રો હોય, ભાઈ બહેન જેવા પોતાના લાગતા હોય ત્યારે આવી આંતરિક લડત સતત ચાલતી રહેતી હોય છે. યુધ્ધના સમયે કે પુલવામાં જેવા ઘૃણાસ્પદ આક્રમણ વખતે ઊભરીને એ સપાટી પર આવી જાય છે અને નિર્વ્યાજ પ્યાર જ્યારે મળે તો મનને શાંતિ આપી જાય છે.
આવી આંતરિક વાઘા બોર્ડર પાકિસ્તાનીઓના દિલમાં પણ ચાલતી જ હશેને?
LikeLiked by 1 person