ગુજરાતી સંખ્યાવાચકો
બાબુ સુથાર
વિશેષણોની વાત કરતી વખતે આપણે એક, બે, સવા, સો જેવા સંખ્યાવાચકોની પણ વાત કરેલી. આપણે એમણે વિશેષણોની કોટીમાં મૂકેલા. પણ હવે એક પ્રશ્ન થાય છે: આ સંખ્યાવાચકો ભલે ક્યાંક ક્યાંક વિશેષણની જેમ વર્તતા હોય પણ એ સાચેસાચ વિશેષણ છે ખરા? દા.ત. આપણે ‘ઊંચો છોકરો’ કહી શકીએ. એટલું જ નહીં, ‘ઊંચો’ની જગ્યાએ સંખ્યાવાચક ‘એક’ પણ મૂકી શકીએ.
ભાષાશાસ્ત્રનો એક નિયમ છે કે જો કોઈ શબ્દ આ રીતે substitute કરી શકાતો હોય તો એ બન્ને શબ્દો એક જ વ્યાકરણમૂલક કોટીના સભ્યો છે એમ માનવું જોઈએ. પણ, આપણે ‘એક ઊંચો છોકરો’ પણ કહી શકીએ. જો એમ હોય તો ભાષાશાસ્ત્રના બીજા એક નિયમ પ્રમાણે આપણે ‘એક’ અને ‘ઊંચો’ને બે જુદી વ્યાકરણમૂલક કોટિમાં મૂકવા પડે. એટલું જ નહીં, ભાષાશાસ્ત્રનો એક ત્રીજો નિયમ પણ છે: જો તમે બે શબ્દોને ‘અને’ વડે જોડી શકો તો એ બન્ને શબ્દો એક જ વ્યાકરણમૂલક કોટીના છે એમ કહી શકાય. પણ, આપણે ‘એક અને ઊંચો છોકરો’ એમ ન કહી શકીએ. એ જ રીતે આપણે ‘એક અને બે છોકરા’ એમ પણ ન કહી શકીએ. એનો અર્થ એ થયો કે સંખ્યાવાચકો થોડુંક વિશેષણ જેવું વર્તે છે તો થોડુંક જરાક જુદા જ પ્રકારનું. જો એમ હોય તો આપણે એમને કઈ વ્યાકરણમૂલક કોટીમાં મૂકીશું?
આપણાં વ્યાકરણનાં પુસ્તકોની આ એક જ મુશ્કેલી છે. એ જે તે શબ્દોનું વર્ણન કરે પણ એમના વર્તનની ચકાસણી ન કરે. એને કારણે ઘણી બધી ગેરસમજ ઊભી થતી હોય છે. આપણા સંખ્યાવાચકોની બાબતમાં પણ આવું જ બન્યું છે. આપણાં મોટા ભાગનાં વ્યાકરણનાં પુસ્તકોએ સંખ્યાવાચકોનું પ્રમાણમાં ઘણું સારું વ્યાકરણમૂલક વર્ણન આપ્યું છે પણ એમના વર્તન વિશે પ્રશ્નો નથી પૂછ્યા. એટલું જ નહીં, એમણે સંખ્યાવાચકોના પોતાના વ્યાકરણ વિશે પણ ખાસ વાત કરી નથી. તદ્ઉપરાંત, એમણે સંખ્યાવાચકોને ભાષાનાં બીજાં પાસાં સાથે પણ જોડ્યાં નથી. દાખલા તરીકે, જેમ ‘પાંચ’ અને ‘છ’ સંખ્યાવાચકો છે એમ ‘સવા પંદર’ અને ‘સાડા અગિયાર’ પણ સંખ્યાવાચકો છે. આપણને ‘પાંચ’ અને ‘છ’ જેવા સંખ્યાવાચકો શબ્દકોશમાં મળી આવશે પણ ‘સવા પંદર’ અને ‘સાડા અગિયાર’ નહીં મળી આવે? કેમ? ફરી એક વાર આપણે ભાષાવિજ્ઞાનના એક નિયમની વાત કરીશું. એ નિયમ પ્રમાણે જે શબ્દો આપણે વ્યાકરણના નિયમો પ્રમાણે બનાવી શકીએ એ શબ્દોનો આપણે શબ્દકોશમાં સમાવેશ નહીં કરીએ. અહીં પણ એક ચોક્કસ એવા નિયમ પ્રમાણે ‘સવા પંદર’ કે ‘સાડા અગિયાર’ બનાવવામાં આવ્યા છે. પણ, પ્રશ્ન એ થાય કે આ નિયમ વ્યાકરણનો છે કે ગણિતનો?
હું જે કહેવા માગું છું તે એટલું જ સંખ્યાવાચકોનું પણ પોતાનું વ્યાકરણ હોય છે. જેમ શબ્દભંડોળ અને વાક્યતંત્રના નિયમો વ્યાકરણનાં બે અંગ હોય છે બરાબર એમ જ સંખ્યાવાચકોના વ્યાકરણનાં પણ બે અંગો હોય છે: એક તે શબ્દભંડોળ અને બીજા વાક્યતંત્રના નિયમો. આપણે વાક્યતંત્રમાં ધ્વનિતંત્ર અને રૂપતંત્રનો પણ સમાવેશ કરીશું. અલબત્ત, સરળતા ખાતર.
ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ સંખ્યાવાચકોને છ વર્ગમાં વહેંચી નાખે છે:
(૧) પૂર્ણ સંખ્યાવાચકો. આ પ્રકારના સંખ્યાવાચકો પાયાના સંખ્યાવાચકો (એક, બે, ત્રણ…); દશમ સંખ્યાવાચકો (દસ, વીસ, ત્રીસ…), મધ્યવર્તી સંખ્યાવાચકો (અગિયાર, બાર, તેર…) એમ ત્રણ પેટાપ્રકારોમાં વહેંચાયેલા છે. આમાં મધ્યવર્તી સંખ્યાવાચકોનું વ્યાકરણ ખૂબ રસ પડે એવું છે. જેમ કે, અગિયારથી ઓગણીસ સુધીના સંખ્યાવાચકો કોઈ નિયમ પ્રમાણે નથી બન્યા. પણ ‘એકવીસ’, ‘બાવીસ’, ‘ત્રેવીસ’ વગેરે નિયમ પ્રમાણે બન્યા છે. ‘એકવીસ’નો અર્થ થાય ‘એક અને વીસ’. આપણે ‘વીસ અને એક’ નથી કહેતા. એ જ રીતે, ‘બાવીસ’નો અર્થ થાય, ‘બે અને વીસ’. સંખ્યાવાચકોના અભ્યાસીએ આ પ્રકારના શબ્દોનું ધ્વનિતંત્ર પણ તપાસવું પડે.
(૨) અપૂર્ણસંખ્યાવાચકો: પા, અરધું, પોણું. આમાંના અરધું અને પોણું વ્યક્તલિંગવાચક છે. જેને લાગે એના લિંગ પ્રમાણે એમનું લિંગ બદલાયા કરે. જેમ કે, ‘અરધો કાગળ’, ‘અરધી ચા’, ‘અરધું ઘર’. પણ, અહીં ‘દોઢ’, ‘અઢી’ જેવા શબ્દો પણ છે. હું જ્યારે ગુજરાતી ભાષા ભણાવતો હતો ત્યારે ઘણા અમેરિકન વિદ્યાર્થીઓ ‘સાડા એક’ અને ‘સાડા બે’ જેવાં પદો બનાવતા. નિયમ પ્રમાણે એ ખોટા ન હતા. પણ, એમને અપવાદ વાસ્તવાચકો આવડતા ન હતા. જો કે, પાછળથી એ શીખી જતા.
આ પ્રકારના શબ્દોનો અર્થ પણ પ્રવાહી હોય છે. ‘સવા સો’ અને ‘સવા ત્રણસો’માં ‘સવા’નો વાસ્તવિક અર્થ જુદો થતો હોય છે. જો કે, ભાષામાં એનો અર્થ ‘જે તે સંખ્યાવાચકનો ૧/૪ ભાગ વત્તા જે તે સંખ્યા’ એવો થતો હોય છે. પણ, જો કોઈ એમ કહે કે ‘સવા હજાર’ કે ‘સવા બે હજાર’ તો ન ચાલે. પણ, ‘સવા લાખ’ ચાલે. તો પછી આ ‘સવા’નું વ્યાકરણ કયા પ્રકારનું હશે? એ જ રીતે, ‘સાડા ત્રણસો’ બરાબર છે પણ ‘સાડા હજાર’ બરાબર નથી. બરાબર એમ જ ‘સાડા એક લાખ’ પણ બરાબર નથી. એનો અર્થ એ થયો કે જે ‘સાડા’નું કાર્યક્ષેત્ર આપણે નક્કી કરવું પડે. મજાની વાત એ છે કે ગુજરાતી ભાષકો આ બાબતમાં ભૂલ કરતા નથી. એમને જે તે નિયમ આત્મસાત કરેલો હોય છે.
(૩) સંખ્યાક્રમવાચકો: આ પ્રકારના સંખ્યાવાચકો રૂપતાંત્રિક પ્રક્રિયાના પરિણામે બનતા હોય છે. જેમ કે, ‘પહેલું’, ‘બીજું, ‘ત્રીજું’, ‘ચોથું’, પાંચમું’, છઠ્ઠું’, ‘સાતમું’…. રસ પડે એવી હકીકત એ છે કે આમાંનાં ‘પહેલું’, ‘બીજું’, ‘ત્રીજું’, ‘ચોથું, અને ‘છઠ્ઠું’ કોઈ રૂપતાંત્રિક નિયમ પ્રમાણે નથી બનતા. એક ધારણા પ્રમાણે એમનાં મૂળ ભાષાના ઐતિહાસિક પરિવર્તનમાં પડેલાં છે. આ સિવાયના તમામ સંખ્યાવાચકોને -મ્-ઉં લાગે. જેમ કે, ‘સાતમું’, ‘આઠમું’, ‘બારમું’ …. અહીં ‘અગિયારમું’ અને ‘એકવીસમું’ને પણ -મ્-ઉં જ લાગે. ‘પેહલું’, ‘બીજું’ વગેરેનો પછી આગળ વિસ્તાર થતો નથી. મજાની વાત એ છે કે આ -મ્-ઉં કેવળ પૂર્ણસંખ્યાવાચકોને જ લાગે. આપણે, ‘સવામું’, કે ‘સાડા ચારમું’ ન કહી શકીએ. આ પ્રકારના બધા જ સંખ્યાવાચકોનાં લિંગવચન જે તે નામના લિંગવચન પ્રમાણે બદલાતાં હોય છે.
(૪) સંખ્યાઆવૃત્તિવાચકો: ‘એકવડું’, ‘બેવડું’, ‘ત્રેવડું’, ‘ચોપડું’ તથા ‘પાંચવડું’ જેવા સંખ્યાવાચકો આ વર્ગમાં આવે. આ પ્રકારના સંખ્યાવાચકોમાંનો ‘ત્રેવડું’ જેવા શબ્દ ગુજરાતી ‘ત્રણ’ને નથી લાગ્યો. બીજું, ‘-વ્-ડ્-ઉં’નો બનેલો ‘-વડું’ પ્રત્યય પણ એટલો બધો productive નથી. કોઈ ‘સવા પાંચસોવડું’ ન કહી શકે. ભાષાની ઘણી બધી રૂપતાંત્રિક વ્યવસ્થાઓ મનુષ્યના cognative વાસ્વવિકતા પ્રમાણે કામ કરતી હોય છે. આ શબ્દોને પણ એ રીતે જોઈ શકાય.
(૪) સંખ્યાસમૂહવાચકો: ‘બેઉ’ અને ‘બન્ને’ સંખ્યાવાચકો આ પ્રકારના છે. આ ઉપરાંત ઊર્મિ દેસાઈ ‘ત્રણે’, ‘ચારે’, ‘પાંચે’ જેવા શબ્દોનો પણ સંખ્યાસમૂહવાચકોમાં સમાવેશ કરે છે. મને લાગે છે કે આ શબ્દો કદાચ ‘ત્રણેય’, ‘ચારેય’ જેવા ભારવાચક શબ્દો કે પદો હશે. જો કે, આ તપાસનો વિષય છે. મારો દાવો કદાચ સાચો ન પણ હોઈ શકે.
આ ઉપરાંત, ‘દસકો’, ‘દાયકો’, ‘સૈકો’ જેવા શબ્દો પણ આ જ વર્ગમાં આવે. એ જ રીતે, ‘ચોક્કો’, ‘છક્કો’ જેવા શબ્દો પણ અને ‘એકી’ અને ‘બેકી’ જેવા શબ્દો પણ. બરાબર એમ જ, ‘હજારો’, ‘લાખો’ તથા ‘વીસી’, ‘બાવીસી’, ‘પચ્ચીસી’ જેવા શબ્દો પણ.
આ ઉપરાંત પણ સમૂહવાચક અર્થ ધરાવતા બીજા શબ્દો પણ છે. જેમ કે, ‘બેલડું’, પંચ’, ‘સપ્તક’, ‘ચોકડી’…
(૫) ઇતરસંખ્યાવાચકો: ગુજરાતીમાં આંકડાવાચક સંખ્યાવાચકો પણ છે. જેમ કે, ‘એકડો’, ‘બગડો, ‘ચોગડો’… જગતની બહુ ઓછી ભાષાઓમાં આવી વ્યવસ્થા છે. હું માનું છું ત્યાં સુધી આ પ્રકારના આંકડાવાચકોનાં મૂળ કાં તો ગુજરાતની વેપારી સંસ્કૃતિમાં, કાં તો ગણિતના શિક્ષણમાં કાં તો બન્નેમાં પડેલાં છે. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે અમે ‘બે એકડે અગિયાર’ એમ શીખતા હતા. પછી, શિક્ષકો ‘દસને એક અગિયાર’ શીખવવા લાગ્યા. અત્યારે કઈ રીતે શીખવાડે છે એની મને ખબર નથી. પણ એક વાત નિશ્ચિત છે કે આંકડાવાચકો વગર આ કામ અઘરું બની જાય. જો કે, શિક્ષક જ્યારે ‘વીસને એક એકવીસ’ કહે ત્યારે એનો અર્થ ‘એકવીસ’ની સામે જતો હોય છે. કેમ કે, ‘એકવીસ’નો અર્થ થાય ‘એક’ અને/(વત્તા) ‘વીસ’!
આંકડાવાચકોની જેમ તિથિવાચકો પણ છે. જેમ કે, ‘એકમ’, ‘બીજ’, ‘ત્રીજ’, ‘ચોથ’, ‘પાંચમ’, ‘છઠ’… પણ ‘પંદરમા’ દિવસ માટે ‘પંદરમ્’ને બદલે ‘પૂનમ’ અને ‘અમાસ’ છે. એ જ રીતે, ‘એકમ’ની સામે ‘પડવો’ પણ. ‘નોમ’ જેવા શબ્દો ધ્વનિતાંત્રિક પ્રક્રિયાના કારણે અસ્તિત્વમાં આવ્યા છે.
ગંજીફાની રમત માટે પણ ગુજરાતીમાં અલગ સંખ્યાવાચકો છે. જેમ કે, ‘એક્કો’, ‘દૂરી’, ‘તીરી’, ‘ચોક્કો’, ‘પંજો’, ‘સતિયું’, ‘છકડી’, વગેરે.
એ જ રીતે, ગિલ્લીદંડાની રમતમાં વપરાતા ‘એલો;, ‘બેલો’, ‘ત્રેલો’ જેવા શબ્દો.
ગુજરાતી સંખ્યાવાચકોને ગણિતના પરંપરાગત શિક્ષણ સાથે પણ ઘણો સબંધ છે. એને કારણે ઘડિયામાં વાપરવા માટેના કેટલાક સંખ્યાવાચક શબ્દો પણ વિકસ્યા છે. જેમ કે, ‘એક’, ‘દુ’, ‘તરી’, ‘ચોકું’…
છેલ્લે, ‘એકલું’ અને ‘બેકલું’ અને ‘એકલ’ ‘બેકલ’ તથા ‘એકલબેકલ’ જેવા પણ સંખ્યાવાચકો છે.
આપણા માટે જે પ્રશ્ન છે તે એ કે આ સંખ્યાવાચકોનું ધ્વનિતંત્ર કયા પ્રકારનું છે? એમનું રૂપતતંત્ર ક્યા પ્રકારનું છે? એ જ રીતે એમનું વાક્યતંત્ર પણ કયા પ્રકારનું છે? અને છેલ્લે, એમનું અર્થતંત્ર (semantics) પણ કયા પ્રકારનું છે. ‘ઓગણિસ’. ‘ઓગણપચાસ’ થાય પણ ‘ઓગણસો’ ન થાય. કેમ? આવા અનેક પ્રશ્નોના જવાબ હજી આપણી પાસે નથી. કોઈ ધારે તો કેવળ ગુજરાતી સંખ્યાવાચકો પર જ પીએચ.ડી. કરી શકે. પણ, કોણ ધારશે?
(નોંધ: આ લેખમાંનો data ઊર્મિ દેસાઈના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાંથી સાભાર)
ગુજરાતી સંખ્યાવાચકો મા બાબુ સુથારનો સ રસ લેખ
‘ઓગણિસ’. ‘ઓગણપચાસ’ થાય પણ ‘ઓગણસો’ ન થાય. કેમ?
આ પ્રશ્નનો જવાબ હજી આપણી પાસે નથી
વાત ખુબ ગમી
LikeLike