(કવિશ્રી ભાવેશ ભટ્ટને તાજેતરમાં ‘કાવ્યમુદ્રા’ નો ખૂબ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ પહેલા કોઈ મૂર્ધન્ય સર્જકને અપાતો હતો. જેમાં નિરંજન ભગત અને બીજા પ્રસિદ્ધ સર્જકો શામિલ છે. છેલ્લા બે વર્ષોથી યુવાન સર્જકોની કેટેગરી પણ શરૂ કરી છે, ૨૦૧૮માં રાજેન્દ્ર શુક્લ અને સ્નેહી પરમારને અને ૨૦૧૯માં હરીશ મીનાશ્રુ અને પારુલ ખખરને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વર્ષે ભાવેશ ભટ્ટ અને યજ્ઞેશ દવેને આ પારિતોષક આપવામાં આવ્યું છે. “આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો તરફથી ભાઈશ્રી ભાવેશ ભટ્ટને અને યજ્ઞેશ દવેને હ્રદયપૂર્વક અભિનંદન. ભાવેશભાઈ અને યજ્ઞેશભાઈ ઉત્તરોત્તર પ્રગતિ સાધે અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં આમ જ એમનો અમૂલ્ય ફાળો આપતા રહે એવી જ શુભકામના.)
કેટલું હોત તારું માન નીચે?
તે બનાવ્યું જો હોત સ્થાન નીચે!
દોસ્ત એવી અમુક જગા છે, જ્યાં
રોજ આવે છે આસમાન નીચે
આજ એ ચિત્રને ઈનામ મળ્યું,
એક્ ભિખારી ઉભો વિમાન નીચે
રોજ ચહેરા ઉગે તિરાડોમાં
શું દટાયું હતું મકાન નીચે?
બોમ્બની જેમ ફૂટશે ઘરમાં
એક ચિટ્ઠી છે ફૂલદાન નીચે
હું એ બાબત દયા નથી ખાતો,
વિશ્વ કચડાય જો સ્વમાન નીચે!
– ભાવેશ ભટ્ટ
કવિશ્રી ભાવેશ ભટ્ટની ગઝલ “સ્વમાન નીચે” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ –
એક માણસના માન, સ્વમાન અને સ્થાનની કિંમત, કોની સામે શું હોય કે શું હોવી જોઈએ, એ નક્કી કોણ કરે અને કેવી રીતે કરે? આ એક બિલીયન ડોલર્સનો સવાલ છે. આપણે બધાં જ આ એક સવાલનો સામનો જીવનનાં અલગ અલગ મુકામે અને અલગ અલગ લોકો સામે, પર્સનલી અને પ્રોફેશનલી, કોઈ ને કોઈ રીતે કરતાં જ હોઈએ છીએ પણ એનું આલ્ગોરીધમ (Algorithm) આજ સુધી વિશ્વમાં કોઈ સમજી શક્યું નથી કે સમજાવી શક્યું નથી. સાચા અર્થમાં તો માન અને સ્થાન બેઉ સમાંતરે ચાલતી રેખાઓ સાપેક્ષ હોય છે પણ એમાં જ્યારે ત્રીજું Variable Element – પરિવર્તનશીલ તત્વ, વ્યક્તિ વિશેષનો ઉમેરો થાય છે ત્યારે આ સાપેક્ષતાની સમાંતરે ચાલતી રેખાઓનો વિચ્છેદ થાય છે અને અહીંથી સંબંધોના સમીકરણમાં ઊલટ પલટ થવાની શરૂઆત થવા માંડે છે. બેઝીકલી સાદી વાત છે અને એને સાદી રાખીએ તો કંઈ ગૂંચવણ થવાનો સંભવ નથી રહેતો. જો કોઈ, કોઈને કે પછી પોતાનેય બીજાં કરતાં ચડિયાતાં કે ઊતરતાં ન ગણે, ને એક મનુષ્ય, બીજાને, મનુષ્ય તરીકે સન્માન કે આદર આપે તો પછી ન માન રહે છે, ન સ્થાન રહે છે અને ન કોઈ પણ જાતનો ગૂંચવાડો ઊભો થાય છે. આટલી મોટી અને છતાં કેટલી સાદી વાત છે, જે કોઈ મોટા ગજાનો શાયર જ હસતા હસતા કહી જઈ શકે!
દરેક માણસ આ જગતમાં કંઈક ખાસ ઓફર કરે જ છે. આ જે ‘ખાસ’ હોય છે તેનો ક્યાસ કોઈને હોતો નથી. આકાશની અનંતતા, ધરતીની સહનશીલતા પાસે ક્ષિતિજ બનીને આપમેળે જ ઝૂકી જાય છે. અનંતતાનો વ્યાપ આકાશને નથી બનાવતો પણ ઝૂકવાની સમજદારી અને સ્વીકાર એને આસમાન બનાવે છે. બીજા શેરમાં સાની મિસરાનો કમાલ અદભુત છે. નીચે ઝૂકી જતાં નભને પ્રણામ કરવા મસ્તક પોતાની મેળે નમી જાય છે. મને યાદ આવે છે, એક શેર (ઘણું કરીને નિદા ફાઝલીનો જ શેર છે, પણ ચોક્કસ ખ્યાલ નથી.)
“કભી તો સોચ કે વો શખ્સ કિસ કદર થા બુલંદ
જો ઝૂક ગયા તેરે કદમોમેં આસમાં કી તરહ!”
જે લોકો સમય-સંજોગ સાચવવા, કે, કોઈ ખૂબીની કદર કરવા, પોતે કેટલા પણ બુલંદ હોય છતાં, નમીને વધુ મોટા બની જાય છે. બુલંદીનો રસ્તો નમવાની સમજણની સાંકડી કેડીમાંથી જ ફંટાય છે.
જગતમાં વિરોધાભાસ ડગલે ને પગલે અનુભવાય છે. આ વિરોધાભાસને પળ બે પળ દર્શાવીને, એના પર થોડીક ઈન્ટેલેક્ચ્યુઅલ ચર્ચા કરીને, એને એક કળાત્મક મોડ આપીને, આપણે આપણા વૈચારિક સ્વાતંત્ર્યનો- Pseudo Liberalism – સિક્કો પાડવાનો સંતોષ લઈએ છીએ. વિમાનની નીચે ઊભેલા ભિખારીનું ચિત્ર પાડવાની ક્રૂરતાનું કોઈ Acknowledgement- પહોંચની રસીદ નથી માંગતુ પણ ચિત્રોની સ્પર્ધામાં એને મોકલતાં આપણે Fellow Human તરીકે જરા પણ શરમાતાં કે અચકાતાં નથી. આ આપણા સમાજના પાખંડ સામે લાલબત્તી છે.
સંબંધોમાં ફાટ પડે છે પણ એ ચહેરાઓ દિલના મકાનમાં ધરબાયેલા રહે છે. કોઈક સમયે, જે ફાટ પડી ગઈ હતી એમાંથી ભૂતકાળના એ ચહેરા આપણા ભાવજગતમાં ડોકિયાં કરી જાય છે. જીવનની કોઇક ક્ષણે એ નાનકડી તડમાંથી વિસરાયેલાં, રિસાયેલાં, અલગ થઈ ગયેલાં ચહેરાઓ જ્યારે એક પછી એક, ડોકિયાં કરીને મનને સતાવવા લાગે ત્યારે એમ થાય કે
“દિલ કી ઈમારત શાયદ ગિર ગઈ હોગી
યા યાદેં ઉસકે ઘર યું હી ફિર ગઈ હોગી!”
નીચેના શેરમાં ક્લાસિક ભાવેશ ભટ્ટ અહીં ફરી હાજર થાય છે, જેમાં કારણ અને ઉપાય બેઉ અધ્યાહાર રાખીને ભાવકના મનોવિશ્વ પર એક વિચાર અહીં બોમ્બની જેમ જ ફોડે છે,
“બોમ્બની જેમ ફૂટશે ઘરમાં
એક ચિટ્ઠી છે ફૂલદાન નીચે”
કંઈક બન્યું છે કે ઘરનું સ્વજન એક ચિઠ્ઠી માત્ર છોડીને, પોતાની સાથે મબલખ વ્હાલ, નિરાંત અને પ્રેમને કારણે અનુભવાતી સલામતી લઈને અને એ સાથે, એ બધું અહીં જ છોડીને પણ જતું રહે છે. ત્યારે શું બને એ શેરમાં કહ્યું છે, પણ કબ, ક્યું ઔર કહાં ના કોઈ ન જવાબ આપે છે કે ન તો એની માથાકૂટમાં પડે છે. માત્ર એટલું જ અધ્યાહારમાં કહે છે કે એવો સમય ન આવે એની કાળજી લેજો. કેવી રીતે એ તમારા પર છે. અહીં પહેલા શેર સાથે એક અનુસંધાન પેરાડોક્સ- વિરોધાભાસમાં પોતાની મેળે સંધાય છે. કોઈના માન, સ્થાન અને ભાન સાથે ચેડાં કર્યાં તો ભાવ જગત પર બોમ્બ ન ફૂટે તો બીજું થાય પણ શું?
આખી ગઝલનો શિરમોર સમો છેલ્લો શેર, ફરી એ જ વૈશ્વિક વાત કરે છે, મનુષ્યને મનુષ્ય તરીકે આદર અને સન્માન નહીં અપાય તો જીવનમાં શું કે જગતમાં શું વિશ્વયુદ્ધની પરિસ્થિતિ ઊભી થશે જ અને એને માટે આટલી જ વાત જવાબદાર હશે, કે, (આજે સમસ્ત વિશ્વની આ જ સ્થિતિ છે, ક્યાંક ધર્મના નામે તો ક્યાંક પર્સનલ અને પ્રોફેશનલ લેવલ પરની હોંસાતોંસીમાં માણસનું માણસ તરીકેનું માન, સ્થાન અને ભાન બધું જ ભૂલાવા માંડ્યું છે.)
હું એ બાબત દયા નથી ખાતો,
વિશ્વ કચડાય જો સ્વમાન નીચે!
આ ગઝલ મારા પોતાના હ્રદયની ખૂબ સમીપ છે અને મને અનહદ ગમતી ગઝલોમાંની ખાસ ગઝલ છે.
“રોજ ચહેરા ઉગે તિરાડોમાં
શું દટાયું હતું મકાન નીચે?” વાહ! સરસ રચના.
LikeLiked by 1 person
હું એ બાબત દયા નથી ખાતો,
વિશ્વ કચડાય જો સ્વમાન નીચે!
વાહ
“સ્વમાન નીચે…” – ભાવેશ ભટ્ટની રચનાનો
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો સ ર સ આસ્વાદ
LikeLike