
પરિચયઃ સુચી વ્યાસ નું નામ એ અમેરિકાના ઈસ્ટ કોસ્ટના ટ્રાય સ્ટેટના મુખ્ય શહેરોમાં ન જાણતું હોય એવું ભાગ્યે જ કોઈક મળે. ટ્રાય સ્ટેટ્સના આ શહેરો એટલે ફિલાડેલ્ફિયા, સાઉથ જર્સીના ચેરીહીલ અને બીજા આજુબાજુના ટાઉન્સ (જેમાં નોર્થ જર્સીના શહેરો પણ ઉમેરવા પડે.) અને વિલમીંગટન જે અનુક્રમે પેન્સિલવેનીયા, ન્યુ જર્સી અને ડેલાવર સ્ટેટ્સમાં આવેલા છે. આમાં ન્યુ યોર્ક શહેર પણ ખરું. સુચીબેનનું ઘર “પથિક આશ્રમ” તરીકે જાણીતું અને એમાં એન્ટ્રી લેવાની એક જ રીક્વાયરમેન્ટ, તમે બસ, આપણા માણસ હોવા જોઈએ. એમના ઘરેથી અનેક અજાણ્યા લોકોને શરૂઆતના દિવસોમાં વતનથી દૂર વતનનું ઘર મળ્યું છે, જોઈતી દરેક મદદ મળી છે, મા અને મોટીબેન જેવા સુચીબેનનો નિર્વ્યાજ સ્નેહ અને જરૂર પ્રમાણે માર્ગદર્શન મળ્યું છે. આ બધાંમાં લિમિટેડ પૈસા લઈને આવતાં વિદ્યાર્થીઓથી માંડી નાનાં મોટા દરેક વર્ગ અને ન્યાત-જાતનાં લોકો શામિલ છે. સુચીબેનનું વતન જેવી હૂંફ આપતું ઘર આવા અજાણ્યા પથિકો માટે મંદિર જેવું ગણાય છે. સુચીબેને માસ્ટર્સની ડીગ્રી હ્યુમન સરવિસિસમાં અમેરિકાની લિંકન યુનિવર્સીટીમાંથી મેળવી અને એડીક્શન કાઉન્લસેર તરીકે વર્ષો સુધી કામ કર્યા પછી હવે આનંદથી રિટાયર્ડ જિંદગી વ્યતીત કરે છે. રાજકોટના ગાંધીવાદી પરિવારમાં ઉછેર પામેલા સુચીબેન લગ્ન પછી અમેરિકા આવ્યાં. ૫૬ વર્ષથી સુખી લગ્નજીવન વિતાવતાં ,બે સંતાનોને મોટાં કર્યાં અને બહોળા પરિવારને માટે વડલા જેવો વિસામો બન્યાં. આજે ત્રણ ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ સાથે , પોતાના પરિવાર, મિત્રો, સ્નેહી, સ્વજનો સાથે સુચીબેન એમની ભાષામાં, “એ ય..ને, જલસા કરે છે.” આવા મસ્તીના મસ્ત કલંદર જેવા સુચીબેનને આંગણું માં આવકાર આપતાં અત્યંત આનંદ અનુભવું છું. આપણને એમની રોજિંદા જીવનને સ્પર્શતી, સાદી, સરળ અને મારા-તમારા જેવા સામાન્ય માનવ હ્રદયના ધબકારા ઝીલતી કલમનો લાભ આવનારા ૧૩ અઠવાડિયા સુધી મળવાનો છે. આપ સહુ વાચકો પણ ખુલ્લા દિલથી એમને આવકારશો એની મને ખાત્રી છે. એમનું પુસ્તક “સુચી કહે” એ ખૂબ વખણાયું છે.
ક્રીકસાઈડ –
એયને છેક ફિલાના છેવાડે, ફ્રેન્કલિન મૉલ પછી ડાબી બાજુએ છેલ્લા ૩૦ વર્ષથી ક્રીકસાઈડ અનેક ગુજરાતીઓનું અને દેશીઓનું નિવાસસ્થાન બની ગયું છે. તમે જો એરઈડિયામાં દેશમાંથી ન્યૂયૉર્ક આવતા હો ત્યારે વાત વાતમાં સાંભળ્યું જ હશે “ક્યાં જાઓ છો? ઓહ, ફિલા જાવ છો? એમ! ક્યાં રે’વાનું છે ફિલામાં? અમારો ભાઈ ન્યાં ક્રીકસાઈડમાં જ રહે છે” અલ્યો કરો વાત! અમારા મામાનો દીકરો ભાઈ ત્યાં જ રહે છે.” ક્રીકસાઈડ ખાલી ફિલામાં જ જાણીતું નથી. એ તો છેક આકાશમાં ઊડતાં ઊડતાં પણ કાને પડે એવું રૂડું ને રંગીલું રહેણાકનું સ્થાન છે. અમેરિકામાં આવાં અનેક રહેણાંકનાં સ્થાનો છે. ઍડિસન જાઓ અને ‘હિલટૉપ” કાને ન પડે એવું બને જ નહીં. એમ થાય તો તમારો ફેરો અફળ ગયો માનવો!
કોઈ પણ સ્થાન મગજમાં વસી જાય ત્યારે એમાં તેની સાથે સંકળાયેલી અમુક વ્યક્તિઓ મુખ્ય ભાગ ભજવે છે. ક્રીકસાઈડના બેતાજ બાદશાહ ઉષાકાન્ત રિંડાણી અને તેમના કુટુંબી જનો છે. રિંડાણી કુટુંબ છેલ્લા ૨૦ વર્ષથી ક્રીસાઈડમાં રહે છે. કાનમાં એક વાત કહું? તમારી તાકાત નથી કે ઉષાકાન્તભાઈ અને તેમની ત્રણ બહેનો –બાળાબેન, વીરબાળાબેન અને પુષ્પાબેનની રજા વગર તમે ક્રીકસાઈડમાં પગ મૂકી શકો.
બાળાબેન–વીરબાળાબેન વાય.ડબલ્યુ.સી.એ. દ્વારા અઠવાડિયાના સાતે સાત દિવસ બાળકો અને વડીલો માટે વિધવિધ પ્રવૃત્તિઓ કરે છે. નાના બાળકોને ગુજરાતી વાંચતાં લખતાં શીખવાડે છે. અત્યાર સુધીમાં પચાસ બાળકો કડકડાટ વાંચતાં લખતાં શીખી ગયા છે. અંગ્રેજીનું ડીંટિયું પણ ન આવડતું હોય તેવા વૃદ્ધો કે યુવાનોને અંગ્રેજી શીખવે છે. અત્યાર સુધીમાં મોટી ઉમ્મરના પિસ્તાલીસ સ્ત્રી-પુરુષોને અમેરિકન નાગરિકત્વની પરીક્ષાઓમાંથી પાસ કરાવ્યાં છે. બાળાબેનના શબ્દોમાં જ કહું તો,” આ ક્રીકસાઈડમાં હું બાળાબા તરીકે ઓળખાઉં છું. અમે ત્રણેય બહેનો અને ભઈલો હવે ઘરડાં થઈ ગયાં છીએ. ગ્રોસરી, લૉન્ડી, શાકભાજી માટે પ્રોડ્યુસ જંકશન એ બધે ચાલતાં જ જઈ શકાય છે. કોઈની સાડાબારી નથી. આડોશપાડોશનાં લોકો ભાવથી મદદરૂપ બની રહે છે. વળી ગુજરાતી સિવાયનાં જાપાનીઝ, રશિયન અને આરબ લોકો પણ ભાઈચારો દેખાડે છે. મારા માતુશ્રીએ આ જ ઘરમાં દેહ છોડ્યો છે. અને એમ જ હું પણ ક્રીકસાઈડના પ્રેમમાં અહીંયા જ, મારી જિંદગીની છેલ્લી કર્મભૂમિ ઉપર, દેહ છોડીશ- મને એ બાબત ખૂબ જ શાંતિ છે.”
બાળાબેનની આગેવાની હેઠળ ક્રીકસાઈડના નિવાસીઓ અનેક સ્થળોએ ફરવા જાય છે નાયગરાથી માંડીને ફલોરિડા સુધીના પ્રવાસો બસો બસો આડોશી-પાડોશીઓ સાથે યોજાય છે. બબ્બે બસો ભરીને ક્રીકસાઈડના ગુજરાતીઓ પેન્સિલવેનિયાની ‘વ્રજભૂમિ’એ છાશવારે ચક્કર મારે છે. ક્રીકસાઈડ જાણે કે અચાનક જ ગુજરાતમાં આવી ચડ્યાનો અનુભવ કરાવે છે. ઉપર મકાનોમાં ૨૦૩ર કુટુંબોનો સમાવેશ થાય છે. એમાં લગભગ એકાદ હજાર તો ગુજરાતી કુટુંબનો આંકડો નીકળે. પ્રત્યેક વ્યકિતઓએ પોતાનાં મનમાં વસેલી ગુજરાતની યાદને ક્રીકસાઈડમાં વાસ્તવિક નિરૂપણ આપ્યું છે. જુદા જુદા ખૂણાઓમાં તમને વડોદરા, નડિયાદ, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ કે મુંબઈના ખાર, પાર્લા, ‘શાંતાક્રુઝ”, ઘાટકોપરના ભણકારા, હોંકારા, પડકારા સંભળાય અને તમારા સ્મૃતિપટ પર એની યાદો તાજી થાય. તમે ક્રીકસાઈડમાં પ્રવેશો કે તરત જ ઢોકળાં, તુવેરની દાળ, ભીંડાનું શાક, ગરમ ગરમ રોટલી, કઢી, ભજિયાંની સુગંધ તમારા રોમે રોમ ઊભા કરી નાખે, બાપુ, જલસા પડી જાય! ક્રીકસાઈડની અડોઅડ અડીખમ પાથમાર્ક ઊભો છે, ૨૪ કલાક ખુલ્લો! એની બાજુમાં જ દેશી ગ્રોસરી સ્ટોર મહાલક્ષ્મી’. સાવ એ જ લાઈનમાં લૉન્ડ્રામેંટ અને પાછાં બે ડગલાં ચાલો એટલે ગુજરાતી ડેન્ટિસ્ટની ફિલનિક.
બાળાબેનની જેમ જ આમ બીજી બાજુ દિનુભાઈ દેસાઈનો દરબાર છે. સિનીઅર સિટિઝન પુરુષોની એક મંડળી જુદી છે. દિનુભાઈ દિનુકાકા કે દિનુદાદાના હુલામણા નામથી જાણીતા છે. દીનુકાકા અને માસી આમ તો દીકરા સાથે રહેતાં હતાં પણ દીકરાની બદલી શિકાગો થતાં, દીકરો વહુ શિકાગો ગયાં. સોશિયલ સિક્યૉરિટી, મૅડિકલ કાર્ડ અને મૅડિકલ ટ્રીટમેન્ટના કારણે દિનુભાઈને ફિલામાં રહેવું પડ્યું. મોટી ઉમ્મર, અનેક માંદગીઓ, અંગ્રેજીનું અજ્ઞાન, કાર વાહનનો ન કોઈ મોખ અને પારકો પરદેશ! દરેક મૂંઝવણ મુશ્કેલીઓ વચ્ચે દીનુકાકા અને માસી ૧૯૯૨માં ક્રીકસાઈડ રહેવા આવ્યાં. એમના શબ્દોમાં કહું તો, “ક્રીકસાઈડ તો અમારું અયોધ્યા છે. અહીંયાં કોઈ ભય નથી. બારણાં ખુલ્લાં રાખી સૂઈ જઈએ છીએ. તમારા માસીને કેન્સર છે. મને હૃદયની તકલીફ છે. અનેક ઓપરેશનો, હૉસ્પિટલો, ડૉકટરો એ બધી મુશ્કેલીઓ વચ્ચે આરામથી જો જીવી શકતાં હોઈએ તો એ ક્રીકસાઈડની હૂંફને જ આભારી છે. આડોશીપાડોશીઓ સતત હોંશેં હોંશેં મદદ કરે છે. મારું સાચું કુટુંબ ક્રીકસાઈડ જ છે. સાંજે મારી ઉમ્મરના અમે વીસ-પચીસ ભાઈઓ પાથમાર્કના પાર્કિંગમાં મળીએ છીએ. ત્યારે લોકો હસીને કહે છે કે દિનુકાકા નડિયાદની ભાગોળે ગયા છે. છેલ્લા નવ વર્ષમાં હું ખરા અર્થમાં ગુજરાતી અમેરિકન થઈ ગયો છું.”
આમાં ત્રીજી બાજુ નજર ફેરવો તો..જુવાન, … જિંદગીને સફળતાથી હંફાવતા મધુભાઈ અને પ્રકાશભાઈને મળીને મનમાં થાય કે રંગીન છે, મજેદાર છે, પ્રેમાળ છે, હસમુખા છે, વહાલા લાગે તેવા છે-ટૂંકમાં આપણા છે. પ્રકાશ શાહ છેલ્લા દસ વર્ષથી ક્રીકસાઈડમાં હોંશીલા કાર્યકર છે. એમની ”રામપ્યારી” ગાડીમાં સૌનો સામાન, કબાટો, તિજોરીઓ ઘર ભેગી થાય છે. પ્રકાશભાઈ બધાને મફત રાઈડ આપે છે. કોઈ દિ’ કોઈનો એક પૈસો પણ સ્વીકારતા નથી. પ્રકાશભાઇના વહાલા, હુંફાળા, ઉષ્માભર્યા અનુભવોની અસર વ્હાઈટમેનના નામે ઓળખાતા મધુભાઈ ઉપર એવી તો ઉપસી આવી છે કે વ્હાઈટમૅન પણ હવે ક્રીકસાઈડના પ્રેમમાં છે. મધુભાઈ છેલ્લા પાંચ વર્ષથી ક્રીકસાઈડમાં રહે છે. જેમણે ૧૯૮૩થી પોતાની માના મૃત્યુ પછી સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે-એમને સફેદાઇનું ભૂત એવું ચડ્યું છે કે પૂછો ન વાત. એ વ્હાઈટમૅન પર બીજાં દસ પાનાંનો લેખ લખી શકાય ખરો! ક્રીકસાઈડના લોકો કહે છે કે ક્રીકસાઈડ અમારા માટે ક્રીકસાઈડ છે પણ વ્હાઈટમેન માટે વ્હાઈટસાઈડ છે.
હાઈટમેનના શબ્દોમાં કહું તો, “હું ક્રીકસાઈડના પ્રેમમાં છું. હું હવે બીજે મકાન લઈ શકું એમ છું. પણ મારે ક્યારેય ક્યાંય નથી જવું. મારા રંગીલા સ્વભાવથી હું સૌનો દોસ્તાર છું. સાંજ પડ્યે મારે ઘરે લગભગ વીસ પચીસ દોસ્તારોનો ડાયરો મળે છે. અમે ચા પાણી કે આઈસક્રીમ ખાઈને ગપ્પાં મારીએ છીએ. અમેરિકનોને તો માનસિક ટેન્શનના ઉપાય માટે આવા સપોર્ટ ગૃપમાં પૈસા આપી જવું પડે છે. અમારે મફતમાં જલસા જલસા છે-અને ઢગલો પ્રેમ અને હૂંફ મળે છે. અહીં ઘરની આજુબાજુ જ તમામ વ્યવસ્થા-પાથમાર્ક, ગુજરાતી ‘હાકભાજી વેચતી ઇન્ડિયન ગ્રોસરી, ગુજરાતી બાબરી પાડી આપતો ઈન્ડિયન હજામ, જીભ કઢાવી ગુજરાતીમાં “આ આ આ… બોલાવી ગળું તપાસતો દાક્તર, આઠ જુદી જુદી જાતના ફાસ્ટ ફૂડ રેસ્ટોરંટ, મૉલ અને ગણ્યા ગણાય નહીં એટલા દોસ્તારો… જિંદગીમાં બીજું શું જોઈએ?”
ક્રીકસાઈડમાં એકલા, મોટી ઉમરના વિધુર પુરુષો અને અમુક એકલી યુવાન સ્ત્રીઓ પોતાનાં બાળકોને આસાનીથી મોટા કરી શકે છે. ક્રીકસાઈડમાં સહજ મળતી એક બીજાની મદદથી જ આ શક્ય બને. ક્રીકસાઈડમાં તમારી આવક પ્રમાણે ભાડું ભરવાનું હોય છે. અહીંયા રહેવા આવો એટલે વીસ પચીસ દિવસમાં આજુબાજુમાં આવેલી ફૅક્ટરીમાં નોકરી મળી જાય છે. કામે જવા રાઇડની પણ વ્યવસ્થા થઈ જાય છે અને ઉમ્મર પ્રમાણે દોસ્તાર ભાઈબંધ પણ મળી રહે છે. આમ અમેરિકાની અદ્યતન સગવડતા સાથે ગુજરાતી પાડોશનું ટોટલ ઇન્ફાસ્ટ્રકચર મળી રહે છે.
મનમાં બે ઘડી ઈર્ષ્યા આવી જાય કે માળું સાળું, ખરા જલસા તો ક્રીકસાઈડમાં છે!
સુ શ્રી– સુચી વ્યાસના લેખ ક્રીક્સાઈડે જલસો કરાવ્યો
મા સુચી વ્યાસને અને તેમની પ્રવૃતીઓ વિષે જાણતા હતા પણ
આજે વિશેષ પ્રેરણાદાયી વાત જાણી.
ધન્યવાદ સાથે વંદન
LikeLike
She is gem of a person and superb writer. She observes all details and perfectly describes on the canvas of Writting like a painter does on painting.
LikeLike
Very nice article, particularly, on Shuchi Vyas. We were classmates, studying Psychology in K.C. College, Mumbai. A gem of a person. I then and even today call her MUMMY and she, fondly, considers and calls me SON. . I can write reams of paper on her and yet may not do justice to narrate her character and personality. Needless to say that we have remained in constant touch with her and of course Girishbhai.
LikeLiked by 1 person
સુચિબહેનનુ ક્રીકસાઈડનુ વર્ણન વાંચી જાણે ત્યાં પહોંચી ગયા હોય એવું લાગ્યું. બાળાબહેન અને દિનુભાઈ અને વ્હાઈટમેનની વાતો વાંચી સાચે જ એવું લાગ્યું કે અમેરિકાના કોઈ ખુણે બીજું ભારત વસ્યું છે. સુચિમાનુ ઘર બધાનો આશરો છે એ સુચિબહેનને હ્યુસ્ટન ઉષાબહેન ઉપાધ્યાય સાથે સાહિત્ય સરિતાની બેઠકમાં મળવાનુ સૌભાગ્ય મળ્યું હતું.
http://www.smunshaw.wordpress.com
LikeLike
સુચિબેન
એમની રીતભાત માં એટલી તમીઝ છે , એમની બાની માં એટલી ખાનદાની છે, એમની આંખો માં એટલી મુરવત છે અને એમના દિલમાં એટલી દિલાવરી ડોકિયાં કરે છે કે સુચી બેન એક આદમીયત ભર્યો ખજાનો લાગે છે!
LikeLiked by 1 person
So nice . I know her since childhood ! But I don’t know her ! To day I read about her ! Every human being has a story . Some have exceptional character ! Some times you have cosmic connections . Dr Laxman
LikeLike
So nice . I know her since childhood ! But I don’t know her ! To day I read about her ! Every human being has a story . Some have exceptional character ! Some times you have cosmic connections . Dr Laxman
LikeLike