હર ખુશીમેં કોઈ કમી સી હૈ
હસતી આંખોમેં નમી સી હૈ”
જાં નિસાર અખ્તર ઉર્દૂ શાયરીમાં મોટું નામ છે. ચિંતન અને સાદગી એમની વિશેષતા છે. જ્યારે એ વિશેષતા ઓર સાધે છે ત્યારે બને છે સદબહાર શેર જે કાયમ માટે યાદ રહી જાય જેમ કે એમનો એક ખૂબ જ વહેવારુ વાત કરતો શેર છેઃ
ઈન ચિરાગો મેં તેલ હી કમ થા
ક્યોં ગિલા ફિર હમેં હવા સે રહે
આ દીપકમાં થોડુંક જ તેલ હતું એટલે આમેય તેજ બુઝવાનું હતું. તો પછી શા માટે આપણી ફરિયાદ હવાની સામે હોવી જોઈએ. મનુષ્ય સ્વભાવની નબળાઈનું કેવું સરસ ચિત્રાંકન જોવા મળે છે! દોષનો ટોપલો બીજા પર ઢોળવાની મનોવૃત્તિમાંથી કહેવાતા મોટા માણસો પણ બાકાત નથી હોતા. કોઈનું ખરાબ વર્ષો સુધી યાદ રાખવાનું અને સારી વાત ભૂલી જવાવાળાએ આ શેર સમજવા જેવો છે. આવી જ અસરકારક વાત કરતો એહ્સાન દાનિશનો શેર ટાંકવાનું મન થાય છેઃ
કુછ લોગ સવાર હૈ કાગઝી નાવ પર
તહોમત તરાશતે હૈં હવાઓં કે દબાવ પર
જિંદગી દુઃખી છે એવું કહ્યા વગર જિંદગી કેવી છે એ એક જ પંક્તિમાં કહેવું આસાન નથી. અખ્તર સાહેબનો આ કલામ છેઃ
ઉજડી ઉજડી હર એક આસ લગે
ઝિન્દગી રામ કા બનવાસ લગે
આજે અખ્તર સાહેબની એક સરસ ગઝલ માણીએઃ
હર ખુશી મેં કોઈ કમી સી હૈ
હંસતી આંખો મેં ભી નમી સી હૈ
દિન ભી ચૂપચાપ સર ઝુકાયે થા
રાત કી નફઝ ભી થમી સી હૈ
કિસકો સમઝાએં કિસકી બાત નહીં
ઝહન ઔર દિલ મેં ફિર કની સી હૈ
કહ ગયે હમ કિસસે દિલ કી બાત
શહરા મેં ઈક સનસની સી હૈ
હસરતેં રાખ હો ગઈ લેકિન
આગ અબ ભી કહીં દબી સી હૈ
સુખ કાયમ નથી હોતું અને દિલ બાગબાગ થઈ જાય, સંતોષ મળે કે હાશ થઈ જાય એટલું પૂર્ણ કે સંપૂર્ણ પણ નથી હોતું. શાયર એથી જ કહે છે કે દરેક હર્ષમાં કંઈક ખૂટે છે. થોડીક કમી રહી જાય છે અને એ કમી હસતી આંખોમાં પણ દેખાય છે. આંખનું સ્મિત પણ અંદર અંદર વહી રહેલાં આંસુઓથી થોડું ભીનું ભીનું થઈ ગયું છે. સ્મિતમાં રડવું ભળી જાય એમ સુખની ક્ષણોમાં દુઃખ-દર્દની હવાનું ઝોકું આવી જતું હોય છે. માનવીનું મન જ એવું છે કે એને દરેક સુખમાં થોડીક ઓછપ લાગે છે.
દિલ પર પડેલાં ઝખ્મોને સાચવીને રાખવાં અને નયનોમાં સ્મિત ફરકાવવું સહેલું નથી. એટલે જ આંખોમાં ભીનાશ ભળી જાય છે. અહીં જનાબ રાહી કુરેશીનો શેર યાદ આવે છે,
ઝિન્દગી કિતને સલીકે સે ગુઝારી હમને
ઝખ્મ રોતે થે મગર હંસ કે બસર કરના થા
આવી પરિસ્થિતિમાં દિવસ-રાત વીતવા કઠીન બને છે એટલે શાયર બીજા શેરમાં કહે છે કે દિવસ ચૂપચાપ માથું ઝુકાવીને બેઠો હતો અને રાતની ગતિ, ચંચળતા અને રવાની પણ જાણે કે રોકાઈ ગઈ હતી. ન ખૂટતા દિવસને પસાર કરવો એક બાજુ મુશ્કેલ છે એમાં રાતનો તો શ્વાસ જ થંભી ગયો છે. વિરહાવસ્થાનું આવું કંઈક સાંકેતિક વર્ણન બહુ ઓછી ગઝલોમાં જોવા મળે છે.
ત્રીજા શેરમાં દિલની દાસ્તાનને જબાન આપવામાં આવી છે. એક ખટક છે જે કણાની જેમ ખૂંચે છે અને કોઈ વાતે વિસારે પાડી શકાતી નથી. કોને સમજાવીએ કે આ વાત કોઈના વિશેની નથી. આમ છતાં એ વાત દિલ અને દિમાગમાં વારંવાર ખટકતી રહે છે. સ્વપ્નાઓની વાત છે ત્રીજા શેરમાં. શાયરને સમજ નથી પડતી કે સપનું હતું કે વાવાઝોડું હતું. એક સ્વપ્નનું એક વંટોળ બની જાય ત્યારે પાંપણો પર વંટોળિયાની ધૂળનો થર જામી જાય છે. સપના જોવાં એ પણ જાણે કે ગુનો હોય એમ પાંપણોમાં અદાલત ભરાતી હોવાનું રમેશ પારેખે કહ્યું છે. અખ્તર સાહેબની ખ્વાબની વ્યાખ્યા કરતો શેર યાદ આવે છે.
આંખો મેં જો ભર લોગે તો કાંટે સે ચુભેંગે
યે ખ્વાબ તો પલકો પે સજાને કે લિએ હૈ
ચોથા શેરમાં એક શિખામણ છે કે દિલની વાત દિલ પાસે જ રહેવા દેવી. જો કે દિલની વાત દિલમાં રાખવી મુશ્કેલ છે. કેટલુંક આંખો કહી દે છે તો બાકીનું કામ અફવાઓથી પૂરું થાય છે. શાયરને આશ્વર્ય થાય છે કે સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. અમે અમારા દિલની દાસ્તાન આ કોને કહી બેઠા કે આવું થયું? મુમતાજ રાશીદ સાહેબ એમના અનોખા અંદાજમાં સનસની મચે તો કેવી મચે એનો ખ્યાલ આપતા કહે છે કેઃ
પહેચાનતા હૈ ખૂબ હમેં શહેરે-ઝિન્દગી
મહકી હુઈ હૈ અપને લહુ સે ગલી ગલી
છેલ્લા શેરમાં શાયર કહે છે કે ભલે બધું રાખ થઈ ગયું પણ એ રાખની અંદર અમારા અરમાનોનો ભારેલો અગ્નિ પડેલો છે. તમામ આશાઓ પર રાખ વળી ગઈ છે પણ અંદરની ચિનગારી ઓલવાઈ નથી. જીવનને એક નવી દ્રષ્ટિ આપતી ગઝલની સાદગી અને ચોટ નોંધનીય છે. (રમેશ પુરોહિત – “મુંબઈ સમાચાર”ના સૌજન્યથી, મે ૩૦, ૨૦૦૪, સાભાર
(“મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
જાં નિસાર અખ્તરની અફલાતુન ગઝ્લનો રમેશ પુરોહિ દ્વારા સ રસ આસ્વાદ
આ શેર અને અસ્વાદ વધુ ગમ્યા
પહેચાનતા હૈ ખૂબ હમેં શહેરે-ઝિન્દગી
મહકી હુઈ હૈ અપને લહુ સે ગલી ગલી
છેલ્લા શેરમાં શાયર કહે છે કે ભલે બધું રાખ થઈ ગયું પણ એ રાખની અંદર અમારા અરમાનોનો ભારેલો અગ્નિ પડેલો છે. તમામ આશાઓ પર રાખ વળી ગઈ છે પણ અંદરની ચિનગારી ઓલવાઈ નથી. જીવનને એક નવી દ્રષ્ટિ આપતી ગઝલની સાદગી અને ચોટ નોંધનીય છે. રમેશ પુરોહિત
LikeLike