ગામડેથી ગગનપુર સુધી
મૂળ હું ગામડાનો રહીશ. મારો જન્મ સાવ નાના ગામમાં થયેલો, ને શરૂના થોડા વર્ષ હું ત્યાં જ રહી મોટો થયો. ગામડામાં રહેવાના ફાયદા અને ગેરફાયદા હતા અને હું એ બરાબર સમજતો’તો.
ફાયદા મને પસંદ હતા. ત્યાંના બધા રહેવાસી ખેતરના કામમાં, કૂવો ખોદવામાં, કે કોઇનું ઘર બાંધવામાં પરસ્પર મદદ કરતા. બાળકોથી માંડી વૃદ્ધો, માંદા અને અપંગ, એ સહુને ગામના લોકો આખા ગામની સહિયારી જવાબદારી સમજતા. મને બરાબર યાદ છે કે જ્યારે મને તાવ આવેલો ત્યારે બાજુના ઘરડા દાદા પાસે બેસી મારા માથા પર પોતા મૂકતા’તા.
પણ ગેરફાયદા મને ખૂબ કઠતા. અમારે ત્યાં ઘરના દરવાજા પરોઢિયે જ ઉઘડી જતા અને મોડી રાતે બંધ થતા. રસ્તે જતો વટેમાર્ગુ પણ ગમે ત્યારે ઘરમાં આવી શકતો. ગામના લોકો એકબીજાની વાતમાં કાયમ ચંચુપાત કરતા, અને બંધ બારણે શું થઇ રહ્યું છે એ જાણી લેવાની બધાને કાયમ તાલાવેલી રહેતી. કોઇક જો પોતાની ખાનગી વાત સવારે એક માણસને કહે તો સાંજ સુધીમાં આખા ગામને એની જાણ થઇ જતી. પાંચસો ઘરના આવા ગામડાની નિશાળમાં સાતમું ધોરણ પાસ કરી હું તાલુકાને ગામ કાકા-કાકીને ત્યાં રહી ત્યાંની શાળામાં ભણવા દાખલ થયો.
તાલુકાની નિશાળમાં મારો કોઇ ભાઈબંધ ન હતો. હું ’ગામડિયો’ એટલે બીજા બધા મારી મશ્કરી કરતા. મારા કપડા ઘરે સીવેલા અને સાવ લઘરવઘર હતા, અને મારી બોલી પણ ગામડિયા હતી. ત્યાં, મારા ગામડા જેવા જ બીજા એક ગામડેથી આવેલા એક છોકરા સાથે મારે ઓળખાણ થઇ. એય મારી જેમ નિશાળમાં એકલો પડેલો ને એને ય પોતાના ગામડાની યાદ પરેશાન કરતી’તી. અમારી ભાઈબંધી થઇ અને અમને બંનેને જરા હૂંફ મળી.
પછી એક દિવસ અમારા જ ગામનો એક છોકરો મને મળી ગયો. ગામડે હતા ત્યારે તો એ મારો દુશ્મન હતો અને મારામારીમાં એક વખત એણે મારા નાક માંથી લોહિ કાઢેલું. પણ તાલુકાની શાળામાં મળ્યા ને અમે બંને હરખાઈને ભેટી પડ્યા. માંડ બચાવેલા ચાર આના ખરચી મેં અમારા બંને માટે ચેવડો લીધો. એના મોંમાંથી શબ્દો સરી પડ્યા, “પરગામમાં આપડા ગામનો માણસ મળે એટલે જાણે મા-બાપ મળ્યા હોય એવું લાગે!”
હું મેટ્રિક પાસ થયો અને દૂરના શહેરની કોલેજમાં ભણવા ગયો. ત્યાં કોઈને જરાય શાંતિ નહોતી. સ્કૂટર, રિક્ષા, અને મોટરના ભૂંગળા, કાયમ ભસ્યે રાખતા. દરેક માણસ પોતાનો જીવ જાણે મુઠ્ઠીમાં લઇને ચાલતા. શહેર તો બસ આખી રાત જાગતું. કોલેજના વિદ્યાર્થીઓએ જાણે મારું અસ્તિત્વ જ ન હોય એમ મારા તરફ જોવાની પણ તસ્દી ન લીધી. એક દિવસ મેં જોયું તો તાલુકાની નિશાળમાં મારી સાથે ભણતો એક વિદ્યાર્થી મારી સામેથી આવતો હતો. નિશાળમાં એ મને ટોણાં મારતો ને ખીજવતો એટલે એની તરફ જોયા વગર જ મેં ચાલ્યા કર્યું. પણ એ જ દોડીને મારી પાસે આવ્યો અને અમે ભેટી પડ્યા. એણે કહ્યું, “હાશ, સારું થયું તુ મળી ગયો. આવડી મોટી કોલેજમાં મને એવું એકલું-એકલું લાગતુ’તુ કે બસ. આ બધા શહેરી કોલેજિયન કોણ જાણે પોતાને શું સમજે છે! આપણે બંને એક જ ગામના. મારી રૂમમાં હજી હું એકલો જ છું, તારે મારી સાથે રહેવા આવવું છે?” તાલુકાની નિશાળમાં હતા ત્યારે જે બન્યું હતું એ ભૂલી જઈ હું એની રૂમમાં રહેવા ગયો.
આખરે કોલેજનો અભ્યાસ પૂરો કરી હું પીએચ. ડી. કરવા એક બહુ મોટા શહેરમાં પહોંચ્યો. શહેરના પરા માંથી ઢગલાબંધ લોકો આવજા કરી શકે એ માટે ત્યાં ડબલ-ડેકર બસ, ટ્રામ અને આગગાડીનું જાળું ગૂંથેલું હતું. કીડિયારું ઊભરાય એમ બધે માણસો ઊભરાતા ’તા. માણસોને રહેવાની જગ્યા બહુ ઓછી હતી અને નાનકડી જગ્યામાં દસ-દસ બાર-બાર માણસ રહેતા. એ રાક્ષસી શહેરમાં હું તો જાણે મોટા દરિયામાં પાણીનું એક નાનું ટીપું હતો! ત્યાં એક દિવસ અચાનક મને શહેરની કોલેજનો એક સાથી મળી ગયો. વિદ્યાર્થી તરીકે એ ખૂબ હોંશિયાર હતો અને કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. છોકરીઓ તો કાયમ એની પાછળ ફર્યા કરતી! કોલેજમાં તો એણે કદી મારી તરફ જોયું પણ નહોતું. પણ તે દિવસે એ સામે ચાલીને મારી પાસે આવ્યો ને કહ્યું, “દોસ્ત તને જોઈને બહુ સારું લાગ્યું. મારા ફ્લેટમાં હું એકલો જ છું, તારે આવવું છે મારી સાથે રહેવા?” ને હું એના ફ્લેટમાં રહેવા ગયો.
એ પછી પોસ્ટ ડૉક્ટરેટ ફેલોશિપ કરવા હું પેપચ્યુન દેશમાં ગયો. ત્યાં તો ભાષા, વેશ, ખાવાપીવાનું, બધું જ સાવ જુદું. ત્યાં અચાનક મને પેલા ’મોટા શહેર’ માંનો અમારો એક આસિસ્ટંટ પ્રોફેસર મળી ગયો. શહેરમાં તો એ મારા જેવા પીએચ. ડી. કરનારા સાથે ભાગ્યે જ વાત કરતો. પણ અહીં પરદેશમાં મને જોઈ ખુશ થયો. અમે ક્યારેક-ક્યારેક મળતા અને પિક્ચર જોવા કે જમવા સાથે જતા.
પીએચ. ડી. કરતો હતો ત્યારે મેં “ગગનપુર ગ્રહ પર રહેવા જવા માટે માણસો જોઇએ છીએ.” એવી એક જાહેરખબર જોઈ. મેં તરત જ અરજી કરી અને ત્યાં જવા માટે મારી પસંદગી થઇ. ગગનપુરમાં પૃથ્વી પરના જુદા-જુદા દેશના માણસો તો હતા જ, પણ એ ઉપરાંત ભૂરા અને લીલા રંગના – આપણાથી સાવ જુદા જ દેખાતા – લોકો પણ હતા. મને હવે અજાણ્યા પ્રદેશમાં એકલા રહેવાની ટેવ પડી હતી, અને દિવસો ચાલ્યા જતા હતા. પણ, ત્યાં પણ એક દિવસ સાવ અનપેક્ષિત પણે મને પેપચ્યુનના મારા ડીપાર્ટમેંટ હેડ મળી ગયા. પેપચ્યુનમાં તો એ અમારા હેડ તરીકે પોતાની આમન્યા રાખી વર્તતા અને અમારી સાથે બહુ ભળતા નહીં. પણ ગગનપુરમાં મને જોઈ ઉત્સાહ પૂર્વક, જોર-જોરથી મારો હાથ હલાવી કહેવા લાગ્યા, “ગગનપુરમાં આપણા ઘરનું માણસ દેખાય ત્યારે કેવું સારું લાગે, નહીં? “
(નોંધ: ’રંગદીપ’ નામના વાર્ષિકના ૨૦૧૪ના અંકમાં પ્રથમ પ્રકાશિત થયેલ શ્રીમતિ લલિતા ગંડભીરનો આ વાર્તા/લેખ મૂળ મરાઠીમાં છે. મને એનો અનુવાદ કરવાની અનુમતિ આપવા બદ્દલ હું લલિતાબેનનો આભારી છું.)
શ્રીમતિ લલિતા ગંડભીરનો ગામડેથી ગગનપુર સુધી મરાઠી વાર્તાનો
.
મા અશોક વિદ્વાંસ દ્વારા સ રસ ભાવાનુવાદ
.
ધન્યવાદ
LikeLiked by 1 person