સંવાદ
આ અગાશી;
આપણાં હરદ્વાર, કાશી
આ તાડ માથે ચાંદની ટોપી ઘણી નાની પડે છે!
ને તેથી તો પડતો હસી આ પીપળો
– જો પાન એનાં ફડફડે છે!
એક માળો બાંધીએ આકાશમાં;
ચંદ્રકિરણોની સળી લો ચાંચમાં.
આ રાત કેવી!
તારી તેજલ આંખ જેવી!
આકાશમાં ઊડીએ બની પંખી;
તો તો વીંછુડો જાય ને ડંખી!
સપ્તર્ષિઓ નમી જો પડ્યા,
જાણે નદીના નીરમાં તરવા પડ્યા!
ચાલો જશું ઊંઘી
રાતરાણી આ જરા લઈએ સૂંઘી!
મળશું સ્વપ્નમાં
આકાશના અલકાભવનમાં!
જયન્ત પાઠક
અગાશી મકાનનો મુગટ છે. હવે ઊંચા મકાનો બનવા લાગ્યા છે એમ અગાશીઓ પણ વૈભવી ને રૂપાળી બની છે, પણ એને વાપરવાનો ઝોક આજના સમયમાં ઓછો થતો જાય છે. પહેલાના સમયમાં જ્યારે ટીવી ને મનોરંજનના માધ્યમોનું આટલું આક્રમણ નહોતું ત્યારે સાંજ ને રાત પુસ્તકો, શેરીઓ ને અગાશીને હવાલે થતી.
આ કાવ્ય વાંચીને બાળપણના સ્મરણો નજર સમક્ષ આવીને ઊભા રહે છે. મુંબઈમાં ભૂલેશ્વરના ત્રીજા ભોઈવાડામાં અમારું મકાન સ્વામિનારાયણ બિલ્ડીંગ. બાળવયે અગાશી અમારો રોજિંદો અડ્ડો. ન જઈએ તો ચેન જ ન પડે. ક્રિકેટ તો રમાય જ, પણ લખોટીઓની અનેક રમતો રમવાની પણ મજા આવતી. રાતના જમ્યા પછી ઠંડી હવા ખાવા મિત્રમંડળી અગાશીમાં બેસતી.
કવિ જે પીપળાની વાત કરે છે એ બે પાઈપ વચ્ચે ઊગતો જોયો છે. સાંજના ઘર તરફ પાછા વળતાં પંખી ને સમડીના ચકરાવા જોવાનો વૈભવ હજી છાતીમાં એક ખૂણે સચવાયેલો છે. અગાશીની પાળી પરથી ક્યારેક બહાર ડોકાતા ત્યારે એક ખેધીલો કાગડો માથે ચાંચ મારવા આવતો. પહેલા તો ખબર ન પડી, પણ પછી ખ્યાલ આવ્યો કે પાળીથી થોડાક ફૂટ નીચે બે પાઈપની વચ્ચે એણે માળો બનાવ્યો છે. જે કોઈ આવે એ જાણે એના બચ્ચાને ઉઠાવી જવાનું હોય એવી આશંકા સાથે ઊભા રહેનારને ટાંચ મારી ડરાવતો.
કોઈ વાતે બોલાચાલી થઈ હોય તો સામસામી અગાશીઓ પરથી નળિયાબાજી શરૂ થઈ જતી. મજા અમને આવતી પણ એના ઉઝરડા અગાશીને પડતા.
ઉત્તરાયણમાં અગાશી સોળે કળાએ ખીલી ઊઠતી. ઊભા રહેવાની જગ્યા ન હોય. બચ્ચાઓ સાથે ફૂલફટાક મમ્મી-પપ્પા ને છોગામાં દાદા-દાદીમાંથી એકાદ અતિથિવિશેષ તરીકે હાજર હોય. મમ્મી ફિરકી પકડે, પપ્પા ચગાવે અને નાનું બચોળું સેલ ખાવાનું ઈનામ મેળવે. મોબાઈલ ફોન હતા નહીં એટલે સમગ્ર પરિવારને એકરૂપ થતો જોવાની તક અગાશીને મળી જતી. ઊડતો પતંગ પકડી પાડતા ત્યારે મફતના ભાવે મળેલી મૂડી વધારે વ્હાલી લાગતી.
કોઈ મહત્વની ખગોળીય ઘટના બનવાની હોય ત્યારે માળાવાસીઓ કૌતુક જોવા ધસી આવતા. બધા ગ્રહો એક લાઈનમાં આવે એવી મહાન એવી ઘટનાની સાક્ષી બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય એવી અગાશી તારાઓનો લખલૂટ વૈભવ તો રોજેરોજ માણતી હોય એમાં શી નવાઈ? સપ્તર્ષિને નીરખવાની ને ધ્રુવના તારાને સીઈઆડીની નજરે તપાસવાની મજા આવતી.
આજે જમાનો બદલાયો છે. વૉચમેન પાણીની ટાંકી ભરવાના કામ માટે અગાશીનો ઉપયોગ રોજ કરે છે, પણ ભાડુઆતો ઉત્તરાયણ જેવા તહેવારોમાં જ અગાશીમાં ઠલવાય છે. અગાશી જેટલી મોટી અને સરસ થઈ એમ એમ એનો ઉપયોગ ઓછો થતો ગયો.
ધમધમતું શહેર રાતે અગાશી પર જઈને જોઈએ તો જરા જુદું લાગશે. અગાશી આકાશ જોડે વાત કરવાની આસમાની તક આપે છે. ઉનાળાના દિવસોમાં ગાદલા નાખી ખુલ્લા આકાશ નીચે સૂવાની ઐય્યાશી જે લોકો ભોગવી શકે છે એ લોકો ખરેખર નસીબદાર છે.
અગાશી આમ જુઓ તો અલકમલકની અલકાનગરી છે. એનું અનુસંધાન આકાશ સાથે છે એટલે જ એ પાયાની સમસ્યાઓથી દૂર પોતાની મસ્તીમાં જીવી શકે છે.
।।।
અગાશીનો વૈભવ ~ કવિ: જયન્ત પાઠક ના કાવ્યનો હિતેન આનંદપરા દ્વારા સુંદર આસ્વાદ
LikeLike