2020 કવિ જયન્ત પાઠકનું શતાબ્દિ વર્ષ છે-
આજે amના કવિ જયન્ત પાઠકની એક રચનાનું પઠન અને એક રચનાનું ગાન(કેવળ હાર્મોનિયમ સંગત સાથે) રજૂ કરવું છે. એ પહેલાં એમની કેટલીક કવિતાઓથી એમની કાવ્યસૃષ્ટિમાં પ્રવેશીએ.
જયન્ત પાઠકનું ખૂબ જાણીતું કાવ્ય છે–
’રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે’
કવિતા ક્યારે કરી શકાય એની જયન્ત પાઠકે આપેલી એક પૂર્વશરત છે-
‘કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.’
પઠન માટેના કાવ્યનું શીર્ષક છે-‘દુખિયારાજી‘.
‘દુઃખની દવા શોધવા નીકળ્યા રે દુખિયારાજી
પરસેવામાં ભરી બજારે પીગળ્યા રે દુખિયારાજી
હર હાટડીએ કાગળિયો બતલાવે રે દુખિયારાજી
વાંચીને વેપારી ડોક ધુણાવે રે દુખિયારાજી
કોઈ વળી કૂણો તે સામું જોવે રે દુખિયારાજી
લાખોમાં આ રોગ એકને હોવે રે દુખિયારાજી
દવા ન એની ચોરે-ચૌટે મળતી રે દુખિયારાજી
મળતી તોય તે ભાગ્યે લાગુ પડતી રે દુખિયારાજી
હતાશ હૈયે હાટ સોંસરા ચાલ્યા રે દુખિયારાજી
કાગળિયાની કરચ ઉડાડી ચાલ્યા રે દુખિયારાજી
ગમસીમાડે ઝાડ, મજાની છાયા રે દુખિયારાજી
હોલાજીની ધૂન, ઢાળી ત્યાં કાયા રે દુખિયારાજી
સમણે આયા સંત, બાત બતલાયા રે દુખિયારાજી
બિના દુઃખકે કૌન મનુષ કહલાયા રે દુખિયારાજી‘
નાની નાની વસ્તુ માટે ફરિયાદ કરનારા, વાંકદેખુઓ ને રોદણાં રળનારા લોકો આપણે ત્યાં ઓછા નથી. એ બધા માટે કવિ કહે છે-
‘બિના દુઃખ કે કૌન મનુષ કહેલાયા રે?’
રાજેન્દ્ર શાહની બે કવિતાઓ છે-
‘બોલીએ ના કાંઈ
આપણું હૃદય ખોલીએ ના કાંઈ
નેણ ભરીને જોઈ લે વીરા, વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ?
આપણી વ્યથા
અવરને મન રસની કથા
ઈતર ન કાંઈ તથા
જીરવી એને જાણીએ વીરા,
પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ’
ને બીજું ગીત છે-
‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?
નાની અમથી જાતક વાતનો મચવીએ નહીં શોર’
—//—
જે ગીત ગાયું છે તેની પ્રેરણા ટાગોરની એક પંક્તિ પરથી મળી છે એવી નોંધ કવિએ કરી છે–
‘Where there are roads, I lose my way’.
‘ભૂલા પડ્યા રે ભાઈ ભૂલા પડ્યા
રસ્તા બાંધીને અમે ભૂલા પડ્યા
વ્હેતાં ઝરણાંને જડે સરિતાની દિશ
ને સરિતાને સાગરનો મારગ જડે
ઊડીને આવતાં માળામાં સાંજરે
પંખી આકાશમાં ન ભૂલાં પડે
ભૂલા પડ્યા રે ભાઈ…
જીવન-સરિતાને હોય આરત જો સિન્ધુની
એને ન પંથ કોઈ ચીંધવા પડે
આતમપંખીને હોય આરત જો નીડની
એને ઊડતાં ન કોઈ બાધા નડે
આરતને પંથ એક, શોધ્યું જડે.’
કવિ: જયન્ત પાઠક
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
રસ્તા હોવા છતાં આપણને જીપીએસ કે ગૂગલ મૅપ્સની જરૂર પડે છે; જયારે ઝરણું નદીને ને નદી સાગરને શોધી કાઢે છે;
પંખી સાંજે પોતાનાં માળા ખોળી કાઢે છે ને તે પણ કોઈ મૅપ્સ વગર. બસ અંદરની આરત જોઈએ.
રસ્તો હોવો, રસ્તો મળવો, રસ્તો કરી લેવો, રસ્તો શોધવો, રસ્તો કાઢવો-આ બધુંય હોય તોય રસ્તો ભુલાય પણ છે ને ઘણી વાર રસ્તો નડે પણ છે!
મનોજ ખંડેરિયાની ગઝલનો શેર યાદ આવે છે–
‘આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ
ચીતર્યા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ’
રતિલાલ ‘અનિલ‘ની ગઝલ ‘રસ્તો‘ ખૂબ સુંદર છે–
‘નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા
નજરને શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો,
‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત આ હકીકત છે
રહી જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો’
અમર ભટ્ટ
નોંધ: મણિલાલ દેસાઈની પણ ‘રસ્તો ‘ ગઝલ કહી દઉં –
‘વળાંકે વળાંકે વળી જાય રસ્તો,
અને ઢાળ પરથી ઢળી જાય રસ્તો.
કિનારાના વૃક્ષોથી વૃક્ષાય રસ્તો,
અને પથ્થરોથી તો રસ્તાય રસ્તો.
જતાં આવતાં લોકને પ્રશ્ન પૂછી,
પડી એકલો રોજ પસ્તાય રસ્તો.
અમે તો હતા સાવ અણજાણ જગથી,
ઘરે આવીને સૌ કહી જાય રસ્તો.
પડ્યાં રાનમાં કૈંક વરાઈ પગલાં,
થતું મનમાં : કો દી જડી જાય રસ્તો.
દિવસભર ગબડતો, ગબડતો, ગબડતો,
પડ્યે રાત ઊભો રહી જાય રસ્તો.
પગરખાંમાં એ રાત ઊંઘ્યા કરે છે,
સવારે ઊઠીને સરી જાય રસ્તો’
‘થોડો વગડાનો શ્વાસ’ – અમર ભટ્ટજીએ કવિ જયન્ત પાઠકની રચનાઓ સાથે જુદા જુદા કવિઓ દ્વારા
સ રસ આસ્વાદ
LikeLike