બીજો અધ્યાય – ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન
(કથાના પહેલા અધ્યાયમાં ભક્તિનો ભેટો નારદજી સાથે થાય છે અને કળિયુગમાં ભક્તિના પુત્રો જ્ઞાન અને વૈરાગ્યના અકાળ વાર્ધક્યથી હતાશ થયેલી ભક્તિ નારદજીને પોતાની વ્યથા કહે છે. હવે અહીંથી આગળ વાંચો.)
જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ થકી ઉત્પન્ન થઈ શકે પણ, માત્ર જ્ઞાન અને વૈરાગ્ય થકી ભક્તિના આવિર્ભાવની સંભાવના ઘણી અલ્પ છે અને કદાચ ભક્તિ ઉપજે તો પણ એ ક્ષણજીવી હોય છે અથવા તો એક સમયની અંદરની જ હોય છે. આથી જ રૂપક તરીકે, પહેલા અધ્યાયમાં જ નારદજી સાથેના સંવાદમાં આની પૂર્વભૂમિકા આપી દીધી છે. કળિયુગ પણ દરેક યુગની જેમ જ, નીતિમત્તાના ધોરણો, સત્ય, દયા, દાન અને ધર્મ ના આયામો માટે પોતાનો મિજાજ અને આગવી પ્રકૃતિ પોતાની સાથે જ લઈને આવે છે. આ હકીકત બદલાવાની નથી. ભક્તિ દેવર્ષિ નારદની જ રાહ કેમ જોઈ રહી હતી? નારદજી પણ બ્રહ્માના સ્વયંભૂ પુત્ર છે અને ભક્તિના જન્મદાતા સૂક્ષ્મ રીતે બ્રહ્મા છે. જગતની વ્યુત્પતિ સાથે બ્રહ્માજીનો સીધો સંબંધ હોવાથી ભક્તિને વિશ્વાસ હતો કે નારદ એટલે કે નારાયણ તરફ દોરનાર, જ કળિયુગમાં વિલય પામી રહેલા એનામાંથી જ જન્મ પામેલા જ્ઞાન અને વૈરાગ્યની અકાળ મૃતપ્રાયઃ સ્થિતિનો ઉપાય સૂચવી શકશે.
આ અધ્યાયમાં આપણે નારદજી ભક્તિનું આ દુઃખ દૂર કરવા માટે કેવા અને કેટલા પ્રયત્નો કરે છે એ વિષે વાત કરીશું. નારદજી ભક્તિને ભવિષ્યમાં એની આ તકલીફ દૂર થઈ જશે એવો સધિયારો આપે છે અને એનો ઉત્સાહ વધારવા કહે છે કે “હે બાળા ભક્તિ, તમે તો સદાયે શ્રી કૃષ્ણને પ્રિય રહ્યા છો. અને, ભગવાનના કહેવાથી જ તમે ધરા પર આવ્યા છો જેથી પ્રાણીમાત્ર શ્રી હરિમય બની શકે. સત્ય, ત્રેતા અને દ્વાપર – આ ત્રણેય યુગમાં જ્ઞાન અને વૈરાગ્ય, મુક્તિના કારણ બની શકતાં કારણ ભક્તિનો વસવાટ દરેકના હ્રદયમાં હતો પરંતુ કળિયુગમાં ભક્તિ, તમે જ એક માત્ર મોક્ષ અપાવનારી શાશ્વત નવયુવાના છો અને રહેશો.” નારદજી ભક્તિને આગળ સંવાદમાં એ પણ કહે છે કે ભક્તિએ નારાયણની વાત સ્વીકારી લીધી આથી જ પ્રભુએ તેમના પર પ્રસન્ન થઈને તેમને દાસી રૂપે મુક્તિ અને પુત્રો રૂપે જ્ઞાન અને વૈરાગ્ય આપ્યાં. (અહીં એક વાત સમજવાની છે કે જે મનસા, વાચા અને કર્મણા ભક્તિ કરે છે, તે જ્ઞાન અને વૈરાગ્યને મેળવીને જનમ મરણના ફેરામાંથી મળનારી મુક્તિના અધિકારી બને છે. ભક્તિ પોતે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠધામમાં ભક્તોને પોષે છે પણ આ કળિયુગમાં ભુલોકમાં ભક્તિનું માત્ર છાયા રૂપ જ રહ્યું છે.)
નારદજી ભક્તિને, એમના પૂર્વ સ્વરૂપને એમની સામે ઉજાગર કરતાં કહે છે કે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સાથે પૃથ્વી પર અવતરેલા ભક્તિ સત્યયુગથી દ્વાપરયુગ સુધી ઘણાં આનંદથી રહ્યાં પણ કળિયુગમાં વધતા જતાં દંભ અને પાખંડથી ભક્તિએ મુક્તિને સ્વર્ગમાં પાછી મોકલી આપી અને આ સમયમાં ભક્તિ જ્યારે ખાસ બોલાવે ત્યારે જ ધરતી પર મુક્તિ આવે છે. જ્ઞાન અને વૈરાગ્યની આવી દશા એમની સતત ઉપેક્ષાને કારણે જ થઈ હતી. આ સાથે નારદજી બે વચન ભક્તિને આપે છે કે,
પહેલું વચન, કળિયુગમાં તિરસ્કૃત થયેલા જ્ઞાન અને વૈરાગ્યના નવજીવનનો પોતે ઉપાય વિચારીને કરશે, અને બીજું, કળિયુગમાં ભક્તિને ઘરઘરમાં સ્થાપિત કરાવશે. નારદજી એ પણ કહે છે કે શ્રી કૃષ્ણ તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનોથી વશમાં નથી આવતા, માત્ર ભક્તિથી જ વશમાં આવે છે. આ રીતે નારદજી ભક્તિને નવપલ્લ્વિત કરવાનું બીડું ઉપાડે છે. ભક્તિ તો આ સાંભળીને ગદગદ થઈ જાય છે. અને નારદજીને પ્રસન્નતાથી કહે છે કે હે દેવર્ષિ, તમે મને ઘણી સહાય કરી અને મને સંજીવની આપવાનું કામ કર્યું છે તો હું સદાય તમારા હ્રદયમાં નારાયણ તરફની તમારી પ્રીતિ બનીને રહીશ. પણ, મારા આ પુત્રો, જ્ઞાન અને વૈરાગ્યને નવજીવન આપી એમનામાં પ્રાણ પૂરો, દેવર્ષિ.
સૂતજી આગળ કથા કહે છેઃ ભક્તિના આવા પ્રેય વચનો સાંભળીને નારદજીને કરૂણા ઉપજે છે. નારદજી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા ઘણી કોશિશ કરે છે અને નારદજીના “નારાયણ, નારાયણ”ના સતત જાપથી, તેઓ થોડા જાગીને માંડ બેસી શક્યા. પણ સાવ નિસ્તેજ અને કૃશઃકાય હોવાથી પાછા સૂઈ જાય છે. નારદજી હવે ચિંતામાં પડી ગયા કે આમની નિદ્રા અને વૃદ્ધાવસ્થા દૂર કેમ કરવી? ત્યાં જ આકાશવાણી થઈ, કે, હે દેવર્ષિ, તમે કલ્યાણની ભાવનાથી ભક્તિને જ્ઞાન અને વૈરાગ્યને નવજીવન આપવાનું વચન આપ્યું છે તે જરૂર પૂરું થશે. આ આકાશવાણીનો પૂરો અર્થ નારદમુનિને સમજાયો નહીં. પણ પછી નારદજી તો જ્ઞાન અને વૈરાગ્યને પુનઃ નવયુવાન બનાવવાના ઉપાયો શોધવા સમસ્ત ભુલોકના સર્વ તીર્થો અને સાધુ-મહાત્માઓના દરવાજે જવા માંડ્યા. તેઓએ બધાને કહ્યું કે એમણે કરેલા વેદપાઠ, વેદધ્વનિ કે ગીતાપાઠ કશું જ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવામાં કારગત નથી નીવડ્યાં. આ સાંભળીને બધા જ આશ્વર્ય પામી જતા અને ડોકું હલાવી દેતા કે એમની પાસ કોઈ સચોટ નીવડે એવો આ બાબત માટે ઈલાજ નથી. નારદજી હવે ખૂબ વ્યાકુળ થઈ ગયા હતા. એના પછી એમણે નક્કી કર્યું કે તેઓ ભક્તિ અને એના પુત્રો જ્ઞાન અને વૈરાગ્યના હિત માટે તપ કરશે. નારદજીના આ સંકલ્પ કરતાં જ કરોડો સૂર્ય સમાન તેજસ્વી સનકાદિ મુનીશ્વરોના તેમને દર્શન થયા. સનકાદિ મુનીઓના પ્રકટ થતાં નારદજીએ તેમની સમસ્યા જણાવી અને એનો ઉપાય એમને પૂછ્યો. નારદજી જ્યારે સનકાદિ મુનિઓને એમની મુશ્કેલીને દૂર કેમ કરવી એ પુછે છે ત્યારે પ્રથમ પ્રશસ્તિ કરે છે અને કહે છે કે હે સનકાદિ મુનિઓ, તમારો સમાગમ મારા મોટા ભાગ્ય ખુલવાથી થયો છે. તમે સર્વ મહાન યોગી, બુદ્ધિમાન અને વિદ્વાન છો પરંતુ છો પૂર્વજોના પણ પૂર્વજ. તમે બધા હરિકિર્તનમાં સદા તત્પર રહો છો. આથી તમને કાળની ગતિ પણ સ્પર્શી શકતી નથી. તો મારા પર કૃપા કરો અને મેં ભક્તિને એની સમસ્યાનો ઉકેલ લાવવાનું કે વચન આપ્યું છે. ત્યારે સનકાદિ કુમારો નારદજીને કહે છે કે તમે ધન્ય છો કળિયુગમાં ભક્તિ અને જ્ઞાન –વૈરાગ્યની પુનઃ પ્રસ્થાપના કરવાનું કામ તો જન હિત નું કામ છે અને તમારા જેવા વિરક્તિના શિરોમણિ જ આટલું કલ્યાણકારી વિચારી શકે. હે દેવર્ષિ, આ ઘોર કળિયુગમાં એક જ એવો યજ્ઞ છે અને તે છે શ્રીમદભાગવતનું શાસ્ત્રોક્ત વિધીવત પારાયણ. આ પુરાણમાં દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ, અને સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ અને ભક્તિયજ્ઞ બધું જ છે અને અધિકતર રીતે કળિયુગમાં શ્રીમદભાગવત, જેનું ગાન, શુકદેવજી જેવા મહાનુભવોએ કર્યું છે, તેના પુણ્યશ્લોકી શબ્દો સાંભળતાં જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને બળ મળશે અને એમના કષ્ટો ચોક્કસ દૂર થશે. શ્રીમદભાગવત પુરાણના અલૌકિક શબ્દોમાં સર્વના દુઃખ અને શોકનો વિનાશ કરવાની શક્તિ છે. આ ભાગવત પુરાણ વ્યાસજીએ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પુનઃ સ્થાપના પૃથ્વીલોકમાં થાય એટલા માટે જ સર્જાયું છે. મહાભારતના કારમા યુદ્ધ પછી, વ્યાસદેવ પોતે એક નિરાશા, હતાશા અને આશંકામાં ગોથાં ખાતા હતા ત્યારે આ પુરાણની રચના કરતાં જ એમને શાંતિ મળી હતી.
આ સાંભળતાં જ નારદજી પ્રસન્ન થયા અને સનકાદિ મુનિઓને વંદન કરીને કહ્યું કે, તમારું દર્શનમાત્ર જીવના દરેક પાપોનો નાશ કરે છે. તમે ભગવત કતાનું નિરંતર પાન કરતા રહો છો. હું ભક્તિના ઉદય માટે અને જ્ઞાન અને વૈરાગ્યના જીવન માટે આપનું શરણ લઉં છું. હે મુનિકુમારો, મારા પ્રણામ સ્વીકાર કરો.
ઈતિ શ્રીમદભાગવતમાહાત્મ્યનો ભાગવત કથાનો કુમાર નારદ સંવાદ નામનો બીજો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
ધન્યવાદ
જ્ઞાનના ટેકા વગર ભક્તિ સંકુચિત થઇ જાય છે,પરમાનંદ માટે- જ્ઞાન,ભક્તિ સાથે વૈરાગ્ય પણ એટલો જ આવશ્યક છે
યાદ આદિ શંકરાચાર્યએ અન્નપૂર્ણા સ્તોત્રની રચના કરી જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્તિની કામના કરી હતી, જેના પ્રખ્યાત છેલ્લા બે શ્લોકો નીચે આપેલા છે:
अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥१४॥
माता च पार्वती देवी पिता देवो महेश्वरः ।
बान्धवाः शिवभक्ताश्च स्वेदेशो भुवनत्रयम् ॥१५॥
LikeLiked by 1 person