મને થયું કે મારે કોઈક ઘેઘુર વડલા વિષે લખવાનું હોય કે જેની હજારો વડવાઈઓ લીલીછમ બનીને પાંગરી હોય તો હું શું લખું અને ક્યાંથી શરુ કરું? એટલું જ નહીં, પણ એ બધી વડવાઈઓને લીલીછમ રાખવા માટે વડલાએ પોતાના અંતરના અમી કેટલા અને કેવી રીતે સીંચ્યા હશે એના વિશે પણ લખવું જ જોઈએ, તો આ કામ બહુ કપરું છે. આખાયે ઘેઘુર વડલાને જેમ ન તો બાથ ભરીને હાથમાં લઈ શકું છું, બિલકુલ એવી જ રીતે કે જેમ હું આ આકાશની અનંતતાને આંખોમાં ક્યાં સમાવી શકું છું? વડીલબંધુ પૂજ્ય પ્રતાપભાઈ પંડ્યા માટે લખવા બેઠી છું તો થાય છે કે એમનો આકાશની અનંતતા સમા ચેતોવિસ્તારને અને વડલાની શીળી છાંય સાથે સતત હરિયાળી ફેલાવતી એમની હયાતીને, હું કેટલાયે પાનાં ભરીને લખું તોયે અસરકારક રીતે આલેખવા અસમર્થ છું. તો પૂ. વડીલબંધુ પ્રતાપભાઈ પંડ્યા વિષે જે પણ લખું તે વાંચતી વખતે આ મર્યાદાને ધ્યાનમાં લઈને આપ સહુ વાંચો એ જ વિનંતી કરું છું.
પૂ. મોટાભાઇ, પ્રતાપભાઈનો પ્રથમ પરિચય મને ૨૦૧૧-૨૦૧૨માં, ફિલાડેલ્ફિયામાંથી પ્રકાશિત થતાં “ગુર્જરી’ની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે, અહીં બે એરિયામાં અમે રાખેલા પ્રોગ્રામ વખતે, આદરણીય શ્રી મહેન્દ્રભાઈ થકી થયો હતો. આજે લગભગ સાત વર્ષોના વહાણા વીતી ગયા છે અને દરેક વહી જતાં વરસની સાથે મને એમના અને એમના બહોળા ને સ્નેહાળ પરિવારનો સુખદ અનુભવ થતો રહ્યો છે ને હવે તો પૂ. પ્રતાપભાઈ અને પૂ. રમાભાભીના ઔદાર્યએ મને એમના પરિવારમાં પ્રેમથી, નાની બહેન તરીકે સમાવી લીધી છે. પૂ. પ્રતાપભાઈ વિષે, એમના તકલીફો સભર શૈશવ, મુગ્ધવય ને જુવાનીના વર્ષો તથા આ બધી જ વસમી પરિસ્થિતિમાંથી “સોમાંથી સોંસરવા” નીકળવા માટેના દીવાદાંડી જેવા જીવન વિષે અનેક લોકોએ બ્લોગોમાં, અનેકાઅનેક મેગેઝીનોમાં, અને પુસ્તકોમાં ખૂબ ખૂબ લખાયું છે અને લખાતું રહેશે. છેલ્લાં થોડાક વર્ષો- બે એક દાયકાથી આદરણીય પૂ. પ્રતાપભાઈને, એમના ગુજરાતી સાહિત્યમાં કરેલા અનોખા પ્રદાન બદલ, દેશ-વિદેશની અનેક નામી સાહિત્ય સંસ્થાઓએ એમની ગરિમાને ઉજાગર કરતાં કેટલાયે સન્માન સમારંભો અને ખૂબ જ પ્રતિષ્ઠિત, અનેક એવોર્ડસથી નવાજ્યા છે. આ બધાના મૂળમાં “પુસ્તક-પરબ”ની અનોખી યોજના રહી છે, જે ફક્ત એક સાચા ગુરુજી ને એક સાચા શિક્ષક જ વિચારી શકે! આ પ્રવૃત્તિનો આરંભ મુરબ્બી આદરણીય પ્રતાપભાઈ અને રમાભાભીએ પોતાના પેન્શનની પાઈ-પાઈ આપીને કર્યો હતો. એમણે ભારતના અને વિદેશોના, સીમેન્ટ-કોંક્રીટના શહેરોમાં અને નાના ગામોમાં “પુસ્તક પરબ”નો એક તુલસીનો છોડ રોપ્યો અને આજે તો “પુસ્તક પરબ”ના અનેક તુલસીના ઉપવન ઊભા કરી દીધા છે! “પુસ્તક-પરબે” સેંકડો ગુજરાતીઓને વાંચતાં જ માત્ર નથી કર્યા પણ વિચારતાં અને લખતાં કર્યા છે, જેનો પુરાવો અમેરિકામાં, બે એરિયામાં ચાલતી “બેઠક” નામની સંસ્થા છે. આ “બેઠક” એટલે “પુસ્તક-પરબ” ની સર્જનમાં વિસ્તરેલી અને વિકસેલી પ્રવ્રુત્તિ, જેનો પાયો પૂ.પ્રતાપભાઈની મદદથી બહેનશ્રી પ્રજ્ઞા દાદભાવાળાએ ચાર વરસ પહેલાં નાખ્યો હતો. આમ, પૂ. પ્રતાપભાઈની સહાય, સહકાર અને/અથવા સમજણથી, સફળતાથી ચાલી રહેલી “પુસ્તક-પરબ” સમી સંસ્થાઓ તથા આવી અન્ય ગુજરાતી ભાષાની જાળવણી અને સંવર્ધનની પ્રવ્રુત્તિઓની ઐતિહાસિક સિદ્ધિના વ્યાપનો ક્યાસ આવનારી અનેક પેઢીઓ સુધી વિસ્તરેલો રહેશે, આથી જ એને માત્ર આજના પરિપેક્ષ્યમાં મૂલવવું શક્ય જ નથી. આવનારી પેઢી જ્યારે ગુજરાતી ભાષાના ઇતિહાસનું પરિક્ષણ કરશે ત્યારે આ “પુસ્તક-પરબ”ની સુવર્ણ અક્ષરોમાં લખાયેલી પ્રવ્રુત્તિઓની નોંધ લેવી જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સાથે એક બીજી વાત, એ કે, વડીલબંધુ પૂ. પ્રતાપભાઈએ પોતે પણ અનેક પુસ્તકો લખીને ગુજરાતી સાહિત્યને માતબર કર્યું છે. મેં એમનું “વેદવાણી” પુસ્તક વાંચ્યું ત્યારે મને થયું કે આ એક પુસ્તક જ એમના ગુજરાતી ભાષાના સંવર્ધનના યજ્ઞના હોતા બનાવવા માટે સક્ષમ છે.
આ બધું તો નોંધાયેલું છે જ પણ આજે જ્યારે મને પૂ. મોટાભાઇ, પ્રતાપભાઈ માટે લખવાનું કહેણ આવ્યું તો મારે એમની અને પૂ. રમાભાભીના જીવન-કવનના એક અનોખા પાસા વિષે લખવું છે. આ પાસું છે બેઉની સચ્ચાઈભરી સહજતા અને સહજતાભરી સચ્ચાઈ. બેઉ પતિ-પત્ની આજીવન શિક્ષક રહ્યા અને એ પણ – resourceful – એટલે કે સાધન-સંપન્ન શહેરોમાં નહીં પણ જ્યાં સાદી વીજળીથી માંડી, ચોખ્ખા પીવાના પાણીની પણ અછતવાળા ગુજરાત-સૌરાષ્ટ્રના નાના ગામડાઓમાં! તો, આવા સંજોગોમાં, જરા વિચાર કરો કે, આ વિદ્યા-વ્યાસંગી યુગલે કેટલા બધા જતન અને લગનથી પોતાના વિદ્યાર્થીઓને ભણાવ્યા હશે! અને એટલું જ નહીં, પોતાના સંતાનોને પણ એટલા જ જતન અને લગનથી ભણાવ્યા, લાયક બનાવ્યા, જેથી પોતાના અગણિત વિદ્યાર્થીઓની જેમ પોતાના સંતાનો પણ સફળ કારકિર્દીની સાથે સારા ને સાચા માનવી બને. આ સાથે, પોતાના બહોળા અને સમસ્ત પરિવારને માટે પણ આ દંપતી સદૈવ તન, મન અને ધનથી હાજર રહ્યા અને આજે પણ છે. આ બઘું એ જ માનવી કરી શકે જેને જિંદગી સાથે ઘરોબો હોય, એટલું જ નહીં આ ઘરોબો સદા સારુ રાખવા માટે અંતરની શાતા અને સચ્ચાઈ હોય, જે પ્રભુકૃપા વિના શક્ય જ નથી!
પૂ. પ્રતાપભાઈનું વ્યક્તિત્વ માભાવાળું અને પ્રભાવશાળી, પણ મોઢા પર, બધાને પોતાના કરી લે, એવું એક આછું સ્મિત સદા રહે. એમનું હ્રદય તો માખણથીયે નરમ અને રેશમથી પણ મુલાયમ. એમની પાસે કોઈ પણ વ્યક્તિ મુસીબત અથવા તો, કોઈ પણ કલ્ચરલ પ્રોગ્રામ કે કોઈ કામ કે પૈસાની જરુરિયાત માટે જાય, તેને મેં કોઈ દિવસ ખાલી હાથે આવતા જોયા નથી. એક દિવસ, મેં એમને પૂછ્યું કે, “આપ આટલા મોટા પરિવાર અને સહકર્મીઓ સાથે આટલી મમતા અને સમતાથી સદા કેમ વર્તી શકો છો?” તો, મને એમણે કહ્યું હતું તે સદા સારુ મારા મનમાં અંકિત થઈ ગયું છે. એમણે મને કહ્યું હતું, “બેન, આપણે કદી ગાઠો બાંધવી નહીં, ગાંઠો છોડવાની ઉમર હોય કે ન હોય. મારે પણ હંમેશાં આ યાદ રાખવું પડે છે. આપણા વિચારો માટે વિરોધીઓ ભલે હોય પણ કદી એમને માટે મનમાં ફેર લાવવો નહીં. આપણું કામ ચૂકાદા કરવાનું નથી પણ જ્યાં આપણી જરુર હોય ત્યાં થાય એટલી મદદ કરવા માટે ઈશ્વરે આપણને અહીં મોકલ્યા છે, એ ભૂલવું નહીં, બસ, આપણું કામ કરતાં રહેવું!” ભાભી પણ એટલા જ સરળ અને સાચા સદા રહ્યા છે, જેના કારણે, પૂ. પ્રતાપભાઈ પણ આટલી સહજતા અને સચ્ચાઈથી આજીવન રહી શક્યા છે.
કહેવાય છે કે ખોટો સિક્કો બેઉ બાજુથી એક સરખો હોવાને કારણે ખોટો હોય છે. કદાચ, માણસ અને સિક્કામાં આ ધરમૂળનો ફરક છે, કારણ, માણસ જેવો અંદર છે એવો જ બહાર હોય તો જ એ સાચો કહેવાય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો વડીલબંધુ પ્રતાપભાઈ સો ટચ સોનાના બેઉ બાજુ એક જ છાપના સિક્કા જેવા છે. એમના જેવા વડીલ અહીં બે અરિયામાં અમારી સાથે હોય છે એને અમે સહુ અમારું સદભાગ્ય સમજીએ છીએ. એમણે મને તો પોતાની નાની બહેન માની, એમના બહોળા પરિવારમાં સમાવી લીધી છે એ બદલ હું ઈશ્વરનો આભાર માનું છું કે વડીલબંધુ અને ભાભીનો વરદ હસ્ત મારા માથે છે.
મને ક્યારેક થાય છે, આ માણસ સાચે જ, કઈ માટીથી ઘડાયા છે, કે જે, અનેક મુશ્કેલીઓ સામે લડીને ‘એકલો જાને રે” ની ખુમારીથી જીવન સંગ્રામમાં, એમની ધર્મપત્ની પૂ. રમાભાભીના સાથ લઈ, નિભાવી, પોતે તો જીતીને આગળ આવે છે પણ એ સાથે, અનેક વિદ્યાર્થીઓને, પોતાના સંતાનોને અને બહોળા કુટુંબને પોતાની સાથે પ્રગતિ અને સફળતાને રસ્તે ઊર્ધ્વગામી બનાવે છે! આ માણસ, કોઈ પણ નાનામોટાના ભેદભાવ વિના, સૌને જરુરિયાત પ્રમાણે મદદ કરે છે, એટલું જ નહીં પણ પોતાના અને પોતાની પત્નીના પેન્શનની એકેએક પાઈ, ગુજરાતી ભાષાની જાળવણી માટે, દેશ-વિદેશમાં વાચન-યજ્ઞ આદરે છે એ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૮૦ વરસની ઉંમરે પણ, તન, મન અને ધન સાથે યુવાનોને શરમાવે એવા ઉત્સાહથી ભાગ લે છે. આ માણસ પારકાને પોતાના કહે, ત્યારે કોઈ પણ છોછ વિના, સુખ-દુખમાં ભાગીદાર બનીને, પોતાના બહોળા કુટુંબમાં સમાવી લે છે. પોતે લખે પણ છે અને લખાવે પણ છે અને પોતે સહજતાથી, અંતરની સચ્ચાઈથી, ખુલ્લેઆમ જીવી જાણે છે! સાચે જ, કઈ માટીથી ઘડાયા છે, મારા વડીલબંધુ, પૂ. પ્રતાપભાઈ પંડ્યા!
અસ્તુ!
“બેન, આપણે કદી ગાઠો બાંધવી નહીં, ગાંઠો છોડવાની ઉમર હોય કે ન હોય.” સરળ સ્નેહની જડીબુટ્ટી.
પૂ.પ્રતાપભાઈ અને રમાબેન વિષે જાણીને ઘણું શીખવા મળ્યું. જયશ્રીબેને સારો પરિચય કરાવ્યો.
સરયૂ પરીખ
LikeLike
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટે મા .પ્રતાપભાઈ અને રમાબેનના પરિચયે નવુ પ્રેરણાદાયી જાણવા મળ્યુ
ધન્યવાદ
LikeLike