તારા ઓષ્ઠો હલે ને મારી આંખ સાંભળે. મૃદુ મનના તરંગ અનુકંપ સાંભળે.
એક ટૂંકી સફર પછી હું ભારતથી, હ્યુસ્ટન ટેક્સાસમાં પાછી ફરી હતી. ફોન પરના સંદેશાઓમાં, મિસ.પેગીનો સંદેશો રસમય લાગ્યો. એક પુખ્ત વયના લોકોને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે હું પાંચ વર્ષથી જોડાયેલી હતી અને મિસ.પેગી Literacy Council સંસ્થાનાં વ્યવસ્થાપક હતા. સંદેશામાં કહ્યું હતું કે, “સરયૂ, એક મજાની, ટીએન, નામની બાળાને મળી શકશો? આશા છે કે એને અંગેજી શીખવવાનો સમય તમે ફાળવી શકો.”
ટીએન અને તેનાં પિતા અમારી ઓફીસમાં મળવા આવ્યા. હસતી મજાની જાપાનની ગુડિયા જેવી ટીએનને મળતા મને ખ્યાલ જ ન આવ્યો કે એ બોલતી નહોતી. એના પિતાએ પરિચય આપતા કહ્યું,
“અમે બે વર્ષ પહેલાં મલેશિયાથી અહીં આવ્યા છીએ. અમારી ટીએન હાઈસ્કૂલ પાસ છે પણ અંગ્રેજી નબળું છે તેથી કોલેજમાં પ્રવેશ મળવો મુશ્કેલ છે. ટીએન બચપણથી મૂંગી અને બહેરી છે. એને કાનમાં થોડા સમયથી, કોક્લિઅર ઇમ્પ્લાન્ટ, સાંભળી શકે તેવું સાધન, મૂકાવ્યું છે.” આટલા વર્ષોમાં પહેલી વખત કોઈ મૂક-બધિર વ્યક્તિને નજીકથી જાણવાનો પ્રસંગ આવેલો. મને થયું, ‘બસ, સાંભળી શકશે એટલે બોલતા પણ તરત શીખી જશે.’ મારી એ ભોળી ધારણા સાવ ખોટી પડશે એ કલ્પના નહોતી.
પહેલે દિવસે મેં ટીએનને તેના ભવિષ્યના સપનાઓ અને ધ્યેય વિષે થોડું લખી લાવવા કહેલું. બે પાનાં ભરીને લખાણ લઈ આવી, જેમાં તેનો ઉત્સાહ છલક્તો હતો. એને તો નર્સ કે ડોક્ટર, or graphic designer – આલેખન ચિત્રકાર બનવું હતું. ભાષાના વ્યાકરણ પરનું પ્રભુત્વ નહોતું, પણ પોતાના વિચારો લખીને બરાબર જણાવ્યા હતાં. અમારી વાતચીત કાગળ પેનના માધ્યમથી ચાલુ થઈ. તેનાં મુખ પર સ્મિત સાથે બદલાતા ભાવ મને વાંચવાં બહુ ગમતા.
મને લખીને કહે, “તમે સાઈન-લેંગ્વેજ શીખી લો.”
મેં લખ્યું, “ટીએન, પહેલાં તારે બોલતાં શીખવાનું છે. હું ઈશારાની ભાષા પછી શીખીશ.” ફરી હસીને માથું હલાવી સહમત થઈ ગઈ. એ થોડા શબ્દો બોલવા પ્રયત્ન કરતી પણ મને ન સમજાતાં લખી બતાવતી હતી. અભ્યાસનો સમય પૂરો થયો ત્યારે મને પ્રસન્નતાથી ભેટીને ચાલી ગઈ.
ટીએન તેના માતા-પિતા, એક બહેન અને એક ભાઈ સાથે મલેશિયાથી દેશાંતર કરી અહીં હ્યુસ્ટનમાં રહેવા આવેલ હતી. તેના પિતાના કહેવા પ્રમાણે, હાઇસ્કૂલના ગુણાક ઠીક હતાં તેથી હવે અંગ્રેજી સારું થાય તો કોલેજમાં પ્રવેશ મળવાની શક્યતા હતી. ટીએનને વધારે મદદ મળે તે ભાવના સાથે મેં સંસ્થાના મુખ્ય વ્યવસ્થાપક દ્વારા તપાસ કરી કે, “ટીએન માટે speech therapist, વાચા-ચિકિત્સક મળી શકે?” વ્યવસ્થાપક ઉત્સાહથી બોલ્યા, “હાં, આપણા સેવા શિક્ષકના સમૂહમાં, મિસ.લીન નામનાં થેરપિસ્ટ બહેન છે.” અમને થયું કે, ‘વાહ! હવે તો ટીએનને અભ્યાસમાં બન્ને રીતે વેગ મળશે!’ અઠવાડિયામાં બે વખત, બે કલાક જેવો સમય મારી સાથે અભ્યાસ અને બે વખત મિસ.લીન સાથે ભણવાનું ચાલું થયું.

એ મારી પાસે અંગ્રેજી શીખી રહી હતી અને હું તેની પાસેથી જીવનનાં અવનવા પાસા વિષે. ન બોલી શકે, ન સાંભળી શકે, એ વ્યક્તિની માનસિક સ્થિતિ કેવી હોય એ વિષય પર પહેલાં મને ભાગ્યે જ વિચાર આવ્યો હતો. ટીએનનો પરિચય વધતા હું જોઈ શકી કે એને પોતાની ખામીઓનુ બંધન એટલુ નહોતું, જેટલું અમને પૂર્ણાંગવાળા સમજદાર વડીલોને હતું. એ અનેક વખત અમને તેનાં વિચારોની રજુઆતથી આશ્ચર્યમાં મૂકી દેતી.
વાચા-ચિકિત્સક સાથે ઘણાં ક્લાસ કર્યા પણ બોલવામાં ખાસ સફળતા ન મળી. ટીએન થોડાં મહિનાઓથી કોલેજમાં દાખલ થવા પ્રવેશ-પરીક્ષા આપવાની તૈયારી કરી રહી હતી. પરિણામમાં ગણિતમાં સારા ગુણાંક આવ્યા પણ અંગ્રેજીમાં ઓછા હતાં. કોલેજના પ્રમુખે સહાનુભૂતિપૂર્વક થોડી બાંધછોડ કરી, પછી ટીએનને community collegeમાં પ્રવેશ મળ્યો. એ ટીએન અને એના કુટુંબ માટે સફળતાનું પહેલું પગથીયું હતું. ટીએન અમાપ ઉત્સાહથી મહેનત કરવા લાગી હતી. પણ મને ફિકર થતી કે એ ક્લાસમાં કેવી રીતે સમજશે, સાંભળશે અને બીજા વિદ્યાર્થીઓ સાથે ભળશે!
અમેરિકામાં બહેરા વિદ્યાર્થી માટે ખાસ સગવડતા કરી આપવાના નિયમ પ્રમાણે, ક્લાસમાં ટીએનની બાજુમાં નક્કી કરેલ વ્યક્તિ બેસી કોમ્પ્યુટર પર અધ્યાપકનુ વ્યાખ્યાન ટાઈપ કરે. ટીએન વર્ગમાં પ્રવક્તાના હોંઠ વાંચીને જે સમજાય તે સમજી લે. ત્યાર બાદ કમ્પ્યુટરની નોંધના આધારે આગળ અભ્યાસ કરતી. ટીએનને વિષય તૈયાર કરવામાં ખૂબ તકલિફ પડતી અને બધા કરતાં પાછળ પડી જતી. હવે અંગ્રેજી સાથે બીજા વિષયો માટે પણ એને મારી મદદની જરૂર પડવા લાગી. હું અમારી સંસ્થામાં, અને કોલેજની લાયબ્રેરીમાં પણ ટીએનને ભણાવવા જતી. એને નવા મિત્રોની પણ મદદ મળતી હતી. વાચા વગરના અને બોલતા મિત્રો સાથે જન્મદિવસ ઉજવતી, નાટક સિનેમા જોવા જતી. એક વખત “La Miserable Play” જોઈને આવી ત્યારે અત્યંત ખૂશ હતી. વિસેક વર્ષની કન્યાને બીજા પણ ઘણાં સામાજીક અને ધાર્મિક સવાલો ઊઠતાં. એક દિવસ ટીએન સાથે થયેલી ચર્ચા ખાસ યાદ આવે છે. અમે હેલન કેલર, જે મૂંગા, બહેરા અને અંધ હોવા છતાંય જીવનમાં ઘણું કરી ગયા તેમનાં વિષે વાંચતાં હતાં.
ટીએનને મેં કહ્યું, “તેઓ ગ્રેહામ બેલના સમકાલીન હતા.”
એણે નિર્દોષ ભાવથી લખીને પૂછ્યું, “તો હેલન કેલર અને મી.ગ્રેહામ બેલે લગ્ન કેમ ન કરી લીધા? એ લોકોના વારસદાર કેટલા બુદ્ધિમાન થાત ને!”… એનું મગજ ક્યાં કામ કરે છે એ વિચારથી મને હસવું આવી ગયું. મને એ પ્રસંગ પણ યાદ આવે છે. મલેશિયાની એક સફર દરમ્યાન ટીએનની ટચલી આંગળીને ઈજા થયેલી. તેને બીક હતી કે જરા વાંકી રહી જશે તો!… એ બાબત ટીએન એવી વ્યાકુળ થઈને ચિંતા કરતી હતી, જાણે તેની સામે ભવિષ્યની અન્ય મહામુશ્કેલીઓ સાવ ગૌણ હોય.
ટીએનનાં મા મને એક દિવસ કહે, “અમે બૌધ ધર્મ પાળીએ છીએ. ટીએન જરા વધારે પડતી ક્રિશ્ચન આગ્રહી લોકો અને ચર્ચ પાછળ ઘેલી થઈ રહી છે. તમે જરા સમજાવશો?” તે વાતના અનુસંધાનમાં, ધાર્મિક વિષય પર વાત કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો… એક વખત ટીએને ચોકબોર્ડ પર લખ્યું, ‘જીસસ, ઈશુ ખ્રિસ્ત, દાનવનો નાશ કરનાર ભગવાન.’ ક્લાસ પૂરો થતાં એ કહે, “આ લખાણ રહેવા દઈશ જેથી લોકો શીખી શકે.”
મેં નીચે લખ્યું, ‘કૃષ્ણની ભક્તિ કરો.’ મેં લખીને પૂછ્યું કે, “તું હવે કૃષ્ણની ભક્તિ કરીશ?” એ તો મૂંઝાઈ ગઈ. મેં એને બને તેટલી સરળ રીતે, ધર્મ અને કર્મ વચ્ચેનું સમતોલન સમજાવ્યું. શ્રધ્ધા અને ભક્તિ એ અંતરનો અનુભવ છે, તે ચર્ચાથી શીખી કે શીખવાડી ન શકાય. અને એ પ્રેમપૂર્વક ધ્યાનથી સમજતી રહી. પછી ચોકબોર્ડ સાફ કરી, મને ભેટીને ઘેર જવા નીકળી.
કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી,
કર્મ અકર્મ વિકર્મની સાથે સુકર્મની રીતિ હું સમજી.
પહેલી વખત ટીએને રીલે-ફોનથી મારો સંપર્ક કર્યો ત્યારે મને બહુ આશ્ચર્ય થયું હતું. ઓપરેટરે ફોન પર બહેરા માણસો માટેની સુવિધા વિષે મને સમજાવ્યું. ફોન કંપનીમાં ખાસ વ્યવસ્થાને કારણે, ટીએન ટાઈપ કરી ઓપરેટરને સંદેશો લખે અને ઓપરેટર સંદેશો મને વાંચી સંભળાવે. પછી હું જવાબ કહું તે ઓપરેટર એને ટાઈપ કરી પહોંચાડે. કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે ટીએન માટે આ સારી સગવડતા હતી. એ, ૨૦૦૫ની આસપાસના સમયે સેલ ફોન ખાસ ઉપલબ્ધ નહોતા.
સૌથી મોટી વાત એ બની કે ટીએને કાર ડ્રાઈવ કરવાનો પરવાનો મેળવ્યો. એના મા-પિતાની સગવડતામાં અને સાથે સાથે ચિંતામાં પણ વધારો થયો. હવે એને જ્યારે પણ મદદની જરૂર પડતી ત્યારે મારે ઘેર આવતી, તેથી અભ્યાસનો નક્કી સમય નહોતો રહ્યો. આશ્ચર્યની વાત એ હતી કે મેં તેને એક વખત ઈમેઈલમાં અમારા ઘેર આવવાનો રસ્તો બતાવેલ. એ દિવસે પહેલી વખત, અંધારા થયા પછી અમારે ઘેર આવીને ઘંટડી વગાડી! પછી તો જ્યારે પણ ઓચિંતા ઘરની ઘંટડી વાગે ત્યારે મારા પતિ દિલીપ કહેતા, “આ તારી ટીએન આવી.” …એને છેલ્લી ઘડી સુધી વિષયોની તૈયારી કરવાની હોય તેથી કેટલિક વખત હું થાકું ત્યારે ઘેર જવાનું કહું, તો હસીને ઘેર જતી રહે. પણ ઘણી વખત ઘેર ગયા પછી લગભગ આખી રાત જાગીને કામ પૂરું કરતી.
એ સમયે ટીએન કોલેજના ચોથા વર્ષમાં હતી. મિત્રો સાથે બહાર બહુ સમય પસાર કરતી અને રાતના મોડેથી કારમાં એકલી ઘેર આવતી. એના માતા-પિતાએ અને મેં ઘણી વખત ચેતવણી આપી હતી. ટીએનને ભાઈ-બહેન સાથે વાંધો પડે અથવા મા-બાપનો ઠપકો મળે ત્યારે પણ મને કહેતી અને મારી સલાહ લેતી. મેં તેને ત્રણ સુવાક્યો કહ્યાં હતાં.
Treat everyone good.
Treat your friends better.
Treat your family best.
પરીક્ષાઓના દિવસોમાં એના પિતાનો મારા પર ફોન આવ્યો અને કહે કે, “ગઈકાલે ટીએન ઘેર નથી આવી.” મને ચિંતા થઈ ગઈ. તપાસ કરતા ખબર પડી કે ભણતાં મોડું થઈ ગયું તેથી મિત્રને ઘેર ઊંઘી ગયેલી. અકળાવનાર વાત એ હતી કે એને અસલામતીની ગંભીરતા સમજાતી નહોતી. ખેર, પરિક્ષાના છેલ્લા દિવસ સુધી, તેનાં ટીચરો પાસેથી માર્ગદર્શન મેળવી જરૂરી લેસન રજૂ કરી, ટીએન પાસ થઈ ગઈ. હું graduation ceremonyમાં હાજર રહું તેવો તેનો ખાસ આગ્રહ હતો.

સેવા સંસ્થામાં સેવા આપનાર શિક્ષકોને સન્માન આપવા માટે, વાર્ષિક ઉજવણી એક સરસ ક્લબ હાઉસમાં કરવાની હતી. હું એ સેવા સંસ્થામાં દસ વર્ષથી મદદ આપી રહી હતી. દર વર્ષે એ કાર્યક્રમમાં એક જ સફળ વિદ્યાર્થીને આમંત્રિત કરવાની પ્રથા હતી. એ વર્ષે ટીએનને આમંત્રિત કરી હતી જેથી ટીએનની ખુશીનો પાર ન હતો. આગલા દિવસોમાં આવીને મને લખાણ બતાવી ગઈ જે મેં મઠારી આપ્યું. હજી તેનું અંગ્રેજી બહુ સારું નહોતું.
કાર્યક્રમને દિવસે એ એના મા-પિતા સાથે આવી હતી. બધાને પ્રેમથી હળીમળી અને આનંદથી જમીને ખાસ દિવસની મજા મ્હાણી. અમારો બોલવાનો વારો આવ્યો ત્યારે પરિચય આપતાં મેં કહ્યું, “જ્યારે મીસ.પેગીનો ફોન આવ્યો કે મારે એક મજાની કન્યાને અંગ્રેજી શીખવવાનું છે, એ સમયે મને કલ્પના ન હતી કે અમારી મુસાફરી આટલી આનંદ અને આશ્ચર્યથી ભીંજાયેલી નિવડશે. ટીએન મારી વિદ્યાર્થિની છે પણ હું તેની પાસેથી ઘણું શીખી છું. એની અને એના કુટુંબની હિંમત અને ધગશને લીધે આજે તે કોલેજની સ્નાતક બનવામાં સફળ થઈ છે. એ હકીકત છે કે અમારી મદદ મળી. પણ મદદ આપનાર સામે મદદ લેનારને હું એટલું જ સન્માન આપું છું. એણે અમારી મદદને વેગ અને તેજ આપ્યા.”
મારું વક્તવ્ય પૂરું થતાં તાલીઓ સાથે દરેકના ચહેરા પર પ્રેમભર્યું હાસ્ય હતું…ટીએનને માટે તો એ જોઈને કલ્પના જ કરવાની રહી કે, મેં શું કહ્યું હશે!
“હવે ટીએનને જે કહેવું છે તે હું વાંચીશ અને ટીએન સાંકેતિક ભાષામાં સમજાવશે.” મેં વાંચવાનું શરૂ કર્યું. ‘મારું નામ ટીએન. લગભગ પાંચ વર્ષથી મીસ.સરયૂ મને મારા ધ્યેય પર પહોંચવામાં મદદરૂપ થઈ રહ્યા છે. મને ખબર નથી કે એમનો સહારો ન હોત તો હું કઈ શ્રેણીમાં ભણતી હોત! આજે મને આ સેવા સંસ્થા, મારા મા-પિતા, મીસ.લીન અને મિસ.સરયૂનો આભાર વ્યક્ત કરવાની તક આપવા બદલ તમારા સૌનો ધન્યવાદ. મને આ વર્ષોમાં, અંગ્રેજી ઉપરાંત બીજું ઘણું શીખવા મળ્યું છે… મને ખબર છે કે હું સાંભળી કે બોલી શકવાની નથી પણ જીવનમાં પ્રગતિ કરવામાં એને રુકાવટ નહીં બનવા દઉં અને એ તમારી પાસેથી હું શીખી છું. આભાર’. ટીએનેનાં હાવભાવ અને સાંકેતિક ભાષાએ શ્રોતાના દિલ જીતી લીધાં. એ સાથે તાલીઓ અને અહોભાવ સાથે અનેક ભીની આંખો હસી રહી.
ટીએન હ્યુસ્ટન કોલેજ પૂરી કરી ડલાસ જઈ હોસ્ટેલમાં રહી, ગ્રાફિક ડીઝાઇનમાં આગળ ભણી. શરૂઆતમાં તેના માતા-પિતાને બહુ ચિંતા થઈ, પણ ટીએન આત્મવિશ્વાસ સાથે સ્થીર રહી. લાંબા સમય પછી, અમારાં ઓસ્ટિનના આવાસે એક દિવસ ઓચિંતા આવી અને સાથે આવેલ સરસ અમેરિકન યુવક, મેક્સનો પરિચય કરાવ્યો. બન્ને પ્રેમમાં હતા અને મેક્સ થોડા મહિનાઓમાં જ સાંકેતિક ભાષા શીખી ગયો હતો. ટીએન ત્યારે પણ પૂર જોશમાં સપનાઓ ગૂંથતી હતી…..
ટીએન કહેશે;
તારા ઓષ્ઠો હલે ને મારી આંખ સાંભળે.
મૃદુ મનના તરંગ અનુકંપ સાંભળે.
મારા હ્રુદિયાના ભાવ, મારી આંગળીની વાત,
મારી ભીતરમાં સાત સમંદર સળવળે.
ભલે મૂક ને બધિર, છે કુદરતની દેણ,
સૌ મદદ જો મળી પાર પહોંચી હરણ ફાળે…
અને હાં, ટીએનનો હ્યુસ્ટનથી ફરી આજે લાંબો ઈ-મેઈલ આવ્યો છે. પોતાના દિલનું દર્દ અને ખુશી મને અક્ષરભાવે કહી બતાવે છે. બાળક જેવા ભોળા ભાવે લખે છે, “મિસ. સરયૂ, મારો જન્મદિવસ આવે છે, ભેટ મોકલજો.” અને “મને આમ કોરોનાની બીકે ઘરમાં ભરાઈ રહેવું જરાય નથી ગમતું.”
∼∼∼∼∼∼

બીજા કેટલાક વિદ્યાર્થીઓની યાદ સાથે આ વિએટનામીઝ બુદ્ધિસ્ટ સાધ્વીઓને યાદ કર્યા વગર વાત પૂરી નહીં કરી શકું. ઉપરના ગ્રુપમાંથી આઠ સાધ્વીઓ મારા ક્લાસમાં અંગ્રેજી શીખવા આવી હતી. તેમની શાંત અને સરળ રીતભાતમાં સહજ સ્નેહ નીતરતો.
——–
saryuparikh@yahoo.com
Like this:
Like Loading...
આપનો ટીએન…એક વિદ્યાર્થીની લેખ ત્રણ વાર ભીની આંખે માણ્ય !
ભલ ભલા સંતોને ન સમજાતી વાત
કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી,
કર્મ અકર્મ વિકર્મની સાથે સુકર્મની રીતિ હું સમજી.
ગમી
‘ટીએને રીલે-ફોનથી મારો સંપર્ક…’ વાત આજે સમજી
ટીએને કાર ડ્રાઈવ કરવાનો પરવાનો મેળવ્યો ન માની શકાય તેવી અદભુત વાત !
Treat everyone good.
Treat your friends better.
Treat your family best. દરેકે યાદ રાખવા જેવી વાત !
ભલે મૂક ને બધિર, છે કુદરતની દેણ, વાત
સૌ મદદ જો મળી પાર પહોંચી હરણ ફાળે…ધન્ય ધન્ય
‘આઠ સાધ્વીઓ મારા ક્લાસમાં અંગ્રેજી શીખવા આવી હતી. તેમની શાંત અને સરળ રીતભાતમાં સહજ સ્નેહ નીતરતો.’ તેમના અંગે વિગતે જણાવશોજી
LikeLike
સુંદર લેખ ! બહેરા મૂંગા બાળકો સાથે કામ કરવું સહેલું નથી જ ! ઘણી જ ધીરજ અને વિશ્વાસ હોય તો જ એ ક્ષેત્રમાં કામ કરી શકાય . આવું Happy ending આવે તેનો આનંદ કાંઈ ઓર જ છે !
LikeLike
તમારો લાગણી સભર પ્રતિભાવ માટે આનંદ સાથ આભાર. પ્રજ્ઞાબેને કહ્યું તેમ, સાધ્વીઓ વિષે વધુ જરૂર લખીશ. સરયૂ પરીખ
LikeLike
આજ સુધી આવા આપણા કરતાં જરાક જુદા બાળકો વિશે ઘણું સાંભળ્યુ હતુ. હેલન કેલર તો વિશ્વની અજોડ પ્રતિભા છે જ પણ ક્યારેક આવા બાળકો સાથે કામ કરવાનું આવે ત્યારે એ અનુભવ કેવો હોઈ શકે એ આજે તમારા સ્વાનુભવથી સમજી શકાય છે.
LikeLiked by 1 person
“ટીએન કહેશે;
તારા ઓષ્ઠો હલે ને મારી આંખ સાંભળે.
મૃદુ મનના તરંગ અનુકંપ સાંભળે.
મારા હ્રુદિયાના ભાવ, મારી આંગળીની વાત,
મારી ભીતરમાં સાત સમંદર સળવળે.
ભલે મૂક ને બધિર, છે કુદરતની દેણ,
સૌ મદદ જો મળી પાર પહોંચી હરણ ફાળે…ઃ
સરયૂબહેન, તમારી વિવિધ સેવા સંસ્થા સાથે સંકળાયેલ પ્રવૃતિ અને એના અનુભવ રૂપે અમને વાંચવા મળતી અવનવી વાતો એક નવા વિશ્વના દર્શન કરાવે છે. એક વાતનો જરૂર ઉલ્લેખ કરવો પડે, અમેરિકામાં દરેક બાળકને મળતી સગવડ એ બાળકના જીવન સ્તરને પ્રગતિના પંથે લઈ જવામાં મુખ્ય ફાળો ભજવે છે ખાસ કરીને શારીરિક કે માનસિક વિકલાંગ બાળકોને. હું અઢાર વર્ષથી હ્યુસ્ટનની શાળમાં નાના આવા બાળકો સાથે કામ કરું છું, એમના રોજિંદા મસ્તી તોફાનો, તકલીફોને મારા રોજિંદા પ્રસંગો રૂપે મારા બ્લોગમાં લખું છું.
મને પણ એક એવા વિયેતનામી બાળક સાથે કામ કરવાનો અનુભવ રહ્યો છે જ્યાં માતા પિતા બન્ને મુક અને બધિર, મોટી બે બહેનો સાવ નોર્મલ અને છેલ્લો બ્રેંડન મુક અને બધિર. માતા પિતા ગાડી ચલાવી શકે, બ્રેંડન માટે કોઈ વાત માતા પિતા સાથે કરવી હોય તો, એજ રીતે ઓપરેટરને વાત થાય અને ત્યાં સંદેશો ટાઈપ કરીને મોકલાવાય. આવા ઘણા નિત નવા અનુભવો થતાં રહે છે. આટલા વર્ષોના અનુભવે હું પણ આ બાળકો સાથે રહી ઘણુ શીખી છું.
http://www.smunshaw.wordpress.com
LikeLike
સુંદર લેખ ! બહેરા મૂંગા બાળકો સાથે કામ કરવું સહેલું નથી જ ! ઘણી જ ધીરજ અને વિશ્વાસ હોય તો જ એ ક્ષેત્રમાં કામ કરી શકાય . આવું Happy ending આવે તેનો આનંદ કાંઈ ઓર જ છે !
LikeLike
સરયૂબેનની સંવેદનશીલ પ્રકૃતિ,સંસ્કારિતા અને વાત્સલ્યથી જ વિદ્યાર્થિની ટીએન ઉષ્મા પ્રાપ્ત કરી વિકાસ કરી શકે છે. પ્રેરક અનુભવ કથા.
LikeLike