(“આપણા ત્રણે વચ્ચે સરસ મૈત્રી છે. એટલે કાલની વાતની મને ગમે તેવી “મીઠી” ગેરસમજ કરી લઈ, એ મૈત્રીને ફટકો મારવાની મારી ઈચ્છા નથી જ. પણ સાથે જ, ગઈકાલે જે બન્યું એ મને ખૂબ ગમ્યું છે એ હકીકત પણ મારે તમારાથી છુપાવવી નથી. ” સ્ત્રી પુરુષની મૈત્રી અને આકર્ષણ વચ્ચેની રેખાને આલેખતી સુંદર નવલિકા. વાંચવાનું ચૂકશો નહીં)
બીટવીન ધ લાઈન્સ
તે રાત્રે ઘેર આવ્યો ત્યારે કાર્તિક કંઈક ન સમજાય એવા આનંદમાં મસ્ત હતો. અનુરાધા એને અચાનક મળી ગઈ હતી, ભેટી હતી; અને દ્રઢ આલિંગનમાં ભેટી પડી હતી. આ પહેલા આવું કદી બન્યું ન હતું. એક તો તેઓ ક્વચિત જ મળતા, અને અનુરાધા ઉષાની મિત્ર – બહેનપણી – એટલે કાયમ ઉષા સાથે હોય ત્યારે જ મળવાનું થતું. તે દિવસે પહેલી જ વાર અનુરાધા એને ઉષાની ગેરહાજરીમાં મળી હતી અને મળતાં જ ખૂબ ઉમળકાભેર આલિંગન આપીને ભેટી પડી હતી. એ બધું જેટલું મનને ગમી જાય એવું હતું એટલું જ ન સમજાય એવું પણ હતું. ને એટલે જ કાર્તિક તે દિવસે ન સમજાય એવા આનંદમાં મહાલતો હતો.
આમ જોઇએ તો અનુરાધા અને કાર્તિક વચ્ચે ’એવું ખાસ કશું’ ક્યારેય ન હતું. બંનેને એકબીજા માટે આદર હતો, એ સાચું. પણ, શિષ્ટ ગુજરાતી સાહિત્ય માટેનો બંનેનો પ્રેમ બાદ કરીએ તો અન્ય કોઈ વાતમાં બંને વચ્ચે સામાન્ય કહેવાય એવું બહુ ઓછું હતું. કાર્તિક પૂરો વિવેકવાદી એટલે કે નાસ્તિક હતો, તો અનુરાધા ભલે ભક્તાણી ન હતી છતાં એને ભગવાનના અસ્તિત્વમાં પૂરી શ્રદ્ધા હતી. એક વખત તો બીજા થોડા મિત્રો સાથે ભગવાન વિષે ચર્ચા ચાલી ત્યારે એ અને અનુરાધા લગભગ ઝઘડી પડેલા! અનુરાધાને ગરબાનો ખૂબ શોખ અને ઉષા સાથે એ ગરબામાં મધરાત પછી પણ ભટકી શકતી તો કાર્તિકને એ ખાલી ઘોંઘાટ અને ધમાધમ લાગતું! કાર્તિક સ્વભાવથી જ ગંભીર પ્રકૃતિનો હતો, તો અનુરાધા આ ઉંમરે પણ ગુલમહોરની કળી જેવી ઉલાસમૂર્તિ હતી. એના મોં પર સદૈવ હાજર રહેતું હાસ્ય સાચું અને નિખાલસ હતું.
કાર્તિક અને ઉષાના લગ્નને સાડા-ત્રણ દાયકાથી વધુ સમય થયો હતો અને સમયની સાથે-સાથે બંને વચ્ચેનો શરીરસુખ માટેનો તલસાટ ઓછો થતો ગયો હતો. લગ્નજીવનના શરૂઆતના દિવસો – અને ખાસ તો એ રાતો – કાર્તિકને હજુ સ્પષ્ટ યાદ હતા. એ દિવસોમાં જે આવેગ સાથે ઉષાનું અંગેઅંગ એને વળગી પડતું એ અનુભૂતિ પરથી કાર્તિકે એનું નામ ઉષાને બદલે ઉષ્મા કરેલું. ત્રણેક વર્ષ પછી કવિતાએ, અને એ પછી બે વર્ષે કુણાલે એમના જીવનમાં પ્રવેશ કર્યો; અને એ બંને સમજી કે સ્વીકારી શકે એથી વધુ ઝડપથી એમનાં જીવનનું કેંદ્ર અને દિશા બદલાતા ગયા. દિવસો દોડાદોડમાં અને રાત્રિઓ બીજા દિવસને પહોંચી વળવા માટેની તૈયારીમાં, યાંત્રિક રીતે પસાર થવા માંડ્યા. હા, એમાં જ ક્યારેક એકાદ એવી રાત ડોકાઈ જતી જે એમને મીઠા દિવસોનાં સ્મરણોની ઝાંખી કરાવી જતી. પણ એવી બે રાતો વચ્ચેનું અંતર વધતું જતું હતું. સાથે જ કેટલીક બીજી ઘટનાઓ પણ ઘટ્યે જતી’તી. બાળકોના જન્મ દરમિયાન સ્થગિત કરેલી પોતાની કારકીર્દિ તરફ પાછા જવાની ઉષાની ઈચ્છા સમય સાથે વધુ તીવ્ર બનતી હતી. એને ડર હતો કે જો પોતે સમયસર કામ પર પાછી નહીં ફરે તો પોતા માટે એ દિશા કાયમ ખાતર બંધ થઈ જશે. જે કંપનીમાં એણે અગાઉ કામ કર્યું હતું ત્યાંના ’બૉસ’નો એને બે-ત્રણ વાર ફોન પણ આવી ગયેલો. આખરે બાળકોની સંભાળ માટે સંતોષકારક વ્યવસ્થા થઈ શકી અને તરત જ ઉષાએ ’પાર્ટ-ટાઈમ’ કામ શરૂ કર્યું. કાર્તિકને પણ હવે કામ અંગે વારંવાર બહારગામ જવાનું થતું હતું. આવી ધકાધકીની જિંદગીમાં જે રીતે કોઇ ઉચ્ચ-મધ્યમવર્ગના કુટુંબનું જીવન બદલાતું જાય, એમ જ કાર્તિક અને ઉષાનું જીવન પણ ધીમી છતાં એકધારી ગતિએ બદલાવા માંડ્યું હતું. જીવન શુષ્ક નહોતું થયું પણ એમાંની આર્દ્રતા ઘટતી જતી’તી, પરસ્પર વચ્ચેની ઉષ્મા ઓસરતી જતી’તી; અને બંને કાંઈક લાચારી સાથે એ બદલાવ સાથે તડજોડ કરી રહ્યા હતા. ક્યારેક કાર્તિકને લાગતું કે ઉષા એના પ્રત્યે બેધ્યાન રહે છે, તો સામે ઉષાને લાગતું કે કાર્તિક વધુ પડતો ’ડીમાંડીંગ’ થતો જાય છે! પણ એવામાં જ એકાદ દિવસ બહારથી ઘેર આવી ઉષા કહેતી, “આજે નુપુરાને ત્યાં ગયેલી. એણે કારેલાનું શાક બનાવ્યું હતું. હું ખાસ તારા માટે માગી લાવી. તને ખૂબ ભાવે છે અને ઘણાં દિવસોથી મેં બનાવ્યું નથી ને, એટલે.” સાંભળીને કાર્તિકને અંતરમાં ક્યાંક ખૂબ સારું લાગતું. તો કદીક ઉષાને રાત્રે ઘેર આવતા મોડું થયું હોય અને એ રસ્તામાં હોય ત્યાં જ અચાનક એનો સેલ-ફોન રણકી ઊઠતો અને કાર્તિકનો ચિંતાતુર અવાજ પૂછતો: “બધું બરાબર છે ને? ખૂબ મોડું થયું છે ને હજી તું ઘેર નથી આવી એટલે જરા ચિંતા થાય છે.” સાંભળી ઉષાને ઝટ ઘેર પહોંચી કાર્તિકની છાતીમાં લપાઈ જવાની તદમ્ય ઈચ્છા થઈ આવતી! પણ આવી, પરસ્પરને નજીક ખેંચી લાવનાર ઘટનાઓ ખૂબ જવલ્લે જ બનતી. એના પ્રમાણમાં બંનેના મન ત્રસ્ત થાય એવી વાતો વારંવાર બનતી. એવી વાતો માટેનાં કારણો તો મોટેભાગે સાવ ક્ષુલ્લક કહેવાય એવા જ હતા. જે વીકએન્ડમાં કાર્તિકને ડ્રાઇવ કરીને ક્યાંક દૂર જવાની ઈચ્છા હોય એ જ વીકએન્ડમાં ઉષાની લેડીઝ-નાઈટઆઉટ ફૂટી નીકળતી. ને એકાદ શુક્રવારે ઉષા જલદી જમીને કોઇક મૂવી જોવા જવાનું સૂચવતી ત્યારે અઠવાડિયાના અંતે થાકેલો કાર્તિક ઘેર બેસી ટીવી પર જ કાંઇક જોવાનું કહેતો. ક્યા મિત્રોને જમવા બોલાવવા, અને કોનું જમવા માટેનું આમંત્રણ પાછું ઠેલી દેવું, એ તો કાયમ જ મોટા વિવાદનો પ્રશ્ન બની બેસતો. કાર્તિકને લાગતું કે ઉષા નાની-નાની વાતોમાં પોતા પર ગુસ્સે થયા કરે છે; તો ઉષાને થતું કે પોતાની રસોઇ અને કપડા પર કાર્તિક સમજ્યા સિવાય જ ટીકા કરે છે! ઘણીવાર તો આવી નજીવી વાતો એટલી વારંવાર બનતી કે બંનેને ખાતરીથી લાગતું કે એમની વચ્ચેનું અંતર વધતું જ જાય છે. મનની લાગણી વ્યક્ત કરી શકાય તો બે વ્યક્તિ વચ્ચેની મોકળાશ વધે છે, પણ લાગણી વ્યક્ત કરી શકાય એ માટે પણ થોડી મોકળાશ પ્રથમથી જ હોવી જરૂરી છે.
મોટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લઈ એક રવિવારે મોડી બપોરે કાર્તિક ઘેર આવ્યો ત્યારે ઉષા અને અનુરાધા બંને ડેક પર બેસી નિરાંતે ચા પીતી હતી. ફ્રીઝમાંથી બીયરની બોટલ લઈ કાર્તિક પણ એમની સાથે જોડાયો. ઉષાએ પૂછ્યું, “ટુર્નામેન્ટ કેવી થઈ?” કાર્તિકે મલકાઈને કહ્યું, “usual!” ઉષાએ પૂછ્યું, “એટલે? આ વર્ષે પણ તેં ટ્રોફી તફડાવી?” અને કાર્તિકે માત્ર માથું નમાવીને જ ’હા’ પાડી. ઉષાએ અનુરાધાની જાણ માટે સ્પષ્ટતા કરતાં કહ્યું, “અનુ, કાર્તિક આ વર્ષે ફરીથી “ન્યુ જર્સી સ્ટેટ ગોલ્ફ ટુર્નામેન્ટ” માં ચૅમ્પિયન થયો.” સાંભળીને એકાદ મુગ્ધાને અદેખાઈ આવે એવી વિસ્મયભરી આંખે અનુરાધા કાર્તિકને નિહાળી રહી. “ટ્રોફી ક્યાં છે?” ઉષાએ પૂછ્યું, અને જ્યારે કાર્તિક “અંદર, ડાઈનીંગ ટેબલ પર.” એમ બોલ્યો કે તરત જ ઊઠીને અંદર જઈ, ઉષા એ મોટી ને ચળકતી ટ્રોફી બે હાથે ઉપાડીને બહાર આવી. અનુરાધાએ ફરી એકવાર એ ટ્રોફી તરફ અને કાર્તિક તરફ અહોભાવથી જોયા કર્યું. પછી, અચાનક કશું સૂઝ્યું હોય એમ, અનુરાધા ભણી એક સૂચક નિર્દેશ કરી કાર્તિક બોલ્યો, “ઉષા, આપણે ચારે આજે અમારી ગોલ્ફ ક્લબની રેસ્ટોરાંમાં જમવા જઇએ તો!” અને ઝંખવાણી પડી ગઈ હોય એમ અનુરાધા નીચે જોઇ ગઇ, તો ઉષા ડઘાઈને બોલી ઊઠી, “ના. ના, …. એટલે જવા દે. ના, પછી ક્યારેક વાત, આજે નહીં.” હવે અચરજ પામવાનો વારો કાર્તિકનો હતો. એ મૂંઝાઈને વારાફરતી ઉષા અને અનુરાધા તરફ જોવા લાગ્યો. ઘડીભર એને થયું કે પોતે કાંઈક ભૂલ કરી બેઠો છે ને એ અપરાધી ભાવે નીચે જોવા લાગ્યો. એને અને ઉષાને શું બોલવું એ જ સૂઝતું નહોતું. બરાબર એ જ સમયે અનુરાધા બોલી, “તમે ચમકશો નહીં કાર્તિકભાઈ, પણ હું ડિવોર્સી છું. દેખીતું છે કે તમને એ વાતની ખબર નથી. પણ મને ખોટું નથી લાગ્યું, અને તમે ઓછું ન લાવતા.” પોતાની અસ્વસ્થતા છૂપાવતાં “હું તને કહેવાની જ હતી …… “ એવું કાંઈક બોલતા-બોલતા ઉષા જાણે ટ્રોફી મૂકવા જતી હોય એમ, ફરી બે હાથમાં ટ્રોફી ઊંચકી અંદર જતી રહી. પરંતુ, આવી દ્વિધા જનક પરિસ્થિતિમાંથી કાર્તિક અને અનુરાધા ખૂબ જ જલદી સ્વસ્થ થયા. બંનેના મોં પર એકસાથે જ એ સ્વસ્થતાની સાબિતી સમું એક મોકળું હાસ્ય છવાઈ ગયું. થોડીવારમાં ડેક પર પાછી ફરી ત્યારે ઉષાએ “અનુ, એમ કર, તું અહીં અમારી સાથે જ જમી લે.” કહી આખી વાતને સરસ રીતે વાળી લીધી. એ સાંજે એક વાત એ બની કે કાર્તિક અને અનુરાધા બંનેના ધ્યાનમાં આવ્યું કે તેમને સારું ગુજરાતી સાહિત્ય વાંચવાનો ખૂબ શોખ છે. કાર્તિકની નાની પણ અદ્યતન અને વ્યવસ્થિત લાઈબ્રેરી અનુરાધાને ગમી ગઈ. એમાંથી પોતાને પસંદ બે-ત્રણ ચોપડી એણે વાંચવા માટે તરત જ માગી લીધી.
પણ એ પછી પણ કાર્તિક અને અનુરાધા મહિનાઓમાં પણ ભાગ્યે જ મળ્યા. માત્ર પેલી ચોપડીઓ ઉષાને પાછી આપ્યા પછી અનુરાધાએ ઈ-મેલથી “પુસ્તકો વાંચવાની ખૂબ મજા આવી, આભાર.” એવો ટૂંકો સંદેશ કાર્તિકને મોકલ્યો.
અનુરાધાનું આયુષ્ય જેને સાદી ભાષામાં ’એકધારું’ કહેવાય એવું હતું. પ્રણવ સાથેનો લગ્ન સંબંધ પૂરો થયાને હવે દસેક વર્ષ થયા હતા. પાંચેક વર્ષ અગાઉ જ એમના દીકરો અને દીકરી પરણીને સ્વતંત્ર થયા હતા. એ બંનેના લગ્નમાં પૂરી સમજ સાથે પ્રણવ અને અનુરાધાએ મળીને આર્થિક તેમ જ સામાજિક બધી જવાબદારી વ્યવસ્થિત રીતે પાર પાડી હતી. અરે, કેટલાક મિત્રોને તો એમ પણ લાગ્યું હતું કે દીકરીના લગ્ન પછી પ્રણવ અને અનુરાધા ફરી જોડાઈ જશે. પણ એવું કશું બન્યું ન હતું. જે સમજપૂર્વક બંને એકઠા થયા હતા એ જ સમજપૂર્વક, લગ્ન પત્યા અને બીજે દિવસે જ બંને ફરી પોતપોતાની લાઈફમાં પાછા ગોઠવાઈ ગયા હતા. ડિવોર્સ-એગ્રીમૅન્ટ પ્રમાણે એનો કન્સલ્ટન્સીનો બિઝનેસ બધી મિલકત સાથે પ્રણવને ભાગે રહ્યો હતો, અને એ જ પ્રમાણે પોતાની લૉ-ફર્મનો આખો બિઝનેસ અનુરાધા રાખી શકી હતી. છેલ્લા દસ વર્ષ દરમિયાન અનુરાધાએ એમાં ભરપૂર પ્રગતિ કરી હતી. આર્થિક રીતે અનુરાધા એટલી સધ્ધર હતી કે ગમે ત્યારે ફર્મ બંધ કરે તો પણ એની લાઈફ-સ્ટાઇલમાં કશો ફરક પડવાનો ન હતો. રોજ ઊઠી કામ પર જવાનું કારણ કમાણીની જરૂર નહીં પણ મનને વ્યસ્ત રાખવાનું હતું. પાછલા ત્રણ-ચાર વર્ષથી આવા મનને વ્યસ્ત રાખવા માટેના પ્રયત્ન એને અકળાવી મૂકતા હતા. ઘણી સાંજ ’વધેલું ખાઈને’ પછી મોડે સુધી શાસ્ત્રીય-સંગીત સાંભળવામાં જ પસાર થતી. એ વખતે એકાદ બહેનપણીનો ફોન આવી ચડે તો અનુરાધાને થતું “પેલી ઝટ વાત પતાવીને મૂકી ન દે તો સારું.” મિત્રો વેકેશનમાં જાય ત્યારે મોટેભાગે બધા પોતાના જોડીદાર સાથે જ જતા. અનુરાધાને એમાં પ્રયત્ન કરીને ગોઠવાવું પડતું. આવા સમયે એકાકીપણું એને ખૂબ કઠતું. “મારા મૂલ્યોમાં હું બાંધછોડ નથી કરવાની.” એ વાત બોલવા કરતાં આચરણમાં મૂકવી કેટલી કઠિન છે, એ હકીકત અનુરાધાનું એકલાપણું એને રોજ દેખાડી દેતું હતું.
આવી પાર્શ્વભૂમાં એક દિવસ અચાનક અનુરાધા અને કાર્તિક ભરતનાટ્યમ્ ના એક કાર્યક્રમમાં મળી ગયા. કાર્તિકનું ધ્યાન નહોતું પણ અનુરાધા દૂરથી એને જોઇ દોડી આવી, અને હજી બંને કશું સમજે એ પહેલા એને દ્રઢ આલિંગનમાં ભેટી પડી. ક્ષણભર તો શું થઈ રહ્યું છે એ કાર્તિકના ધ્યાનમાં ન આવ્યું. પણ એ સમજ્યો ત્યારે અનુરાધા એના બે બાહુમાં ઘટ્ટ સમેટાઈ ગઈ હતી. એના પુષ્ટ, ઘાટીલા સ્તન કાર્તિકની છાતી સાથે ભીંસાતા હતા. કાર્તિકની આંગળીઓ અનુરાધાની પીઠ પર ધીરે-ધીરે ફરીને એની બ્રાના હૂક સાથે રમી રહી હતી. અનુરાધાના હાથ કાર્તિકને વધુ નજીક ખેંચવાની કોશિશમાં મશગૂલ હતા. બે-ચાર ક્ષણ એમ જ વીતી અને બંને એકમેકનું સામીપ્ય માણી રહ્યા. પછી, ખબર નહીં બેમાંથી કોણે પહેલ કરી, પણ ધીમે-ધીમે બંને એકમેકથી અલગ થયા. પછી અનુરાધાએ કાર્તિકના બંને હાથ પોતાના નાજુક હાથમાં લઇ એકવાર જોરથી દબાવ્યા. અને પછી છોડી દીધા. બંને હસી પડ્યા. એ પછી કાર્તિકે અનુરાધાનો હાથ પોતાના હાથમાં મજબૂત રીતે પકડીને કહ્યું, “Wow, That was the most pleasant surprise of my life!” ને અનુરાધાના મુખ પર એનું નિખાલસ હાસ્ય ખીલી ઊઠ્યું. હૉલમાં બંનેની સીટ એકબીજાથી દૂર હતી એટલે છૂટા પડ્યા, અને પ્રોગ્રામ પૂરો થયા પછી તો ગીરદીમાં મળવાનું શક્ય ન બન્યું. આથી જ, તે રાત્રે ઘેર આવ્યો ત્યારે કાર્તિક કંઈક ન સમજાય એવા આનંદમાં મસ્ત હતો. અનુરાધા એને અચાનક મળી ગઈ હતી, ભેટી હતી; અને દ્રઢ આલિંગનમાં ભેટી પડી હતી. આને શું સમજવું? ઉષાને આ વાત કેવી રીતે કહેવી? કહેવી કે ન કહેવી? અનુરાધાના મનમાં શું પોતા વિષે ખરેખર ’એવું કાંઇક’ હશે? અનુરાધાને પૂછી શકાય ખરું? આવા અનેક પ્રશ્નોમાં એને ઊંઘ આવવી અશક્ય હતું. આખરે, ’અનુરાધાને પોતે ઈ-મેલથી પૂછશે’ એવો નિર્ણય કર્યો ત્યારે ખૂબ મોડેથી એની આંખ મળી.
બીજી સવારે કાર્તિકે પહેલું કામ અનુરાધાને ઈ-મેલ લખવાનું કર્યું. :
“અનુરાધા,
પત્રના સંબોધનમાં ’પ્રિય’ લખવું કે એથી વધારે નિકટતા દેખાડતું સંબોધન કરવું, એ ગડમથલમાં છું એટલે માત્ર ’અનુરાધા’ લખ્યું છે. તમારો જવાબ શું આવે છે એ પરથી હવે પછી શું લખવું એની સૂઝ પડશે.
ગઈકાલના આપણા મિલનનો રોમાંચ હજીય શરીરમાં મીઠો કંપ જગાડે છે. મારી આંગળીઓ તમારી બ્રાની નૉટ પર રમતી હતી ત્યારે તમારા અંગમાં પ્રસરી ગયેલી ધ્રુજારીની અનુભૂતિનું સુખ હું હજી વાગોળું છું. આપણે જે રીતે મળ્યા એમ મળવાનું પૂર્વ–આયોજિત ન હોય તો પણ સાવ આકસ્મિક પણ નહોતું જ. એટલે આ કૂણી લાગણીની શરૂઆત ગઈકાલે જ નથી થઈ એ ચોક્કસ. સામાન્ય રીતે આવી લાગણી વ્યક્ત કરવાની પહેલ પુરુષ કરતો હોય છે. કાલે તમે પહેલ કરી મને માત કર્યો. કેટલીક વખત ’હાર’માં પણ માણસને ’જીત’નું સુખ મળે છે; એ ઉક્તિનો કાલે પહેલીવાર મને પ્રત્યક્ષ અનુભવ થયો!
આપણા ત્રણે વચ્ચે સરસ મૈત્રી છે. એટલે કાલની વાતની મને ગમે તેવી “મીઠી” ગેરસમજ કરી લઈ, એ મૈત્રીને ફટકો મારવાની મારી ઈચ્છા નથી જ. પણ સાથે જ, ગઈકાલે જે બન્યું એ મને ખૂબ ગમ્યું છે એ હકીકત પણ મારે તમારાથી છુપાવવી નથી. એનાથી મારું અહમ તો પોષાયું છે જ, પણ એથી યે વધુ એટલે તમે એક ’ઉપેક્ષિત’ પુરુષ હૃદયને તૃપ્ત કર્યું છે. પુરુષ સ્ત્રીના શરીરનો ભૂખ્યો હોય છે, એ માત્ર અર્ધસત્ય છે. કોઇ સમજુ સ્ત્રી માત્ર એક પ્રેમાળ નજરથી પણ પુરુષને જે આપી શકે છે, એ સમજવાની જ જાણે આપણી તૈયારી નથી હોતી. હું તમારી મૈત્રીમાંથી આવી સમજણની અપેક્ષા કરી શકું?
Anuradha, let me be frank, હું અહીં પ્લૅટોનિક પ્રેમની વાત નથી કરતો. મને ખાતરી નથી કે સાચે જ પ્લૅટોનિક પ્રેમ જેવું કાંઇ હોઈ શકે કે કેમ? મળીએ ત્યારે શક્ય હોય તો તમને ભેટવાનું, તમારા ખભા પર હાથ મૂકી બે ડગલા ચાલવાનું, કે તમને આલિંગન આપવાનું મને ગમશે જ; એટલું જ નહીં એવું ટાળવાનો હું પ્રયત્ન પણ નહીં કરું. જે છે તેને છુપાવવું મને નહીં ફાવે. એ સાથે જ, આ આપણી પરસ્પર માટેની લાગણીની વાત છે. જો આ બધું તમને મંજૂર ન હોય, કાલે જે બન્યું તે આપણે ઔપચારિક મળ્યાની જ વાત હોય, તો, every email offers an option to delete it. Please use the DELETE button. એકાદ અઠવાડિયા સુધી આ નો જવાબ નહીં આવે તો હું સમજી જઈશ.
પણ મનથી તો જવાબની રાહ જોઈશ.
કાર્તિક.”
ઈ-મેલ મળી અને ચોવીસ કલાકની અંદર જ અનુરાધાએ જવાબ લખ્યો.
“પ્રિય કાર્તિક,
પુરુષને સ્ત્રીના શરીરની કેટલી બધી ઝંખના હોય છે એનો મને અનુભવ છે. ખરેખર તો તે દિવસે તમારી આંગળીઓ અને તમારા હાથ મારા બ્રાના હૂક સુધી પહોંચીને ત્યાં જ થંભી ગયા, વધુ નીચે તરફ ન ગયા, એ હકીકત એ થોડી પળોમાં પણ મારા ધ્યાન બહાર નહોતી રહી. તમારામાં અને બીજા ઘણાં પુરુષોમાં મેં જે તફાવત જોયો છે એનું જ આ એક એંધાણ છે. ચોપડી કે વાઈનનો ગ્લાસ આપતી વખતે પણ તમે કદી જાણી જોઇને મારા હાથને સ્પર્શવા પ્રયત્ન નથી કર્યો.
મને ખબર નથી કે ઉપેક્ષિત પુરુષ અને એકાકી સ્ત્રી, એ બે માં પ્રેમ અને હમદર્દીની ઝંખના કોને વધુ હોય છે? ઉષા, તમે ને હું જરૂર સાથે સારો સમય – Quality time – ગાળી શકીએ. પણ ક્યારેક માત્ર આપણે બે જ એવું ન કરી શકીએ? એક સ્ત્રી અને એક પુરુષ પતિ–પત્ની થયા સિવાય પણ ઘનિષ્ટ મિત્ર ન બની શકે? સાથે બેસી અંગત સુખદુઃખની વાતો ન કરી શકે? સમુદ્ર તટની રેતી પર હાથમાં હાથ રાખી ચાલતા–ચાલતા સૂર્યાસ્ત ન જોઇ શકે? આમ પણ, પ્રૌઢ ઉંમરે પહોંચેલા પતિપત્ની વચ્ચે પણ આવી મૈત્રી જ સૌથી વધુ ઇચ્છનીય સંબંધ નથી શું? શરીર સુખ તો એ અવસ્થાએ નહિવત જ હોય છે ને! તો પછી એવો સંબંધ પત્ની અને પતિ વચ્ચે હોય કે કોઇપણ સ્ત્રી અને પુરુષ વચ્ચે હોય, શું ફરક પડે છે? સમાજ, એની વ્યવસ્થા, લગ્ન, ધર્મ, આ બધું માનવીને વધુ સુખી બનાવવા માટે હોવું જોઇએ કે એના સુખમાં બાધા રૂપ થવા માટે?
પણ મેં આ બધું શું લખ્યું છે? આમાં તમારા સવાલનો જવાબ છે કે નહીં, મને ખબર નથી!!
અનુરાધા.”
ત્રણ-ચાર વાર ફરીફરીને ઈ-મેલ વાંચ્યા પછી અનુરાધા ક્યાંય સુધી વિચારમગ્ન રહી. SEND બટન દબાવવું કે DELETE બટન, એ ક્યાંય સુધી એ નક્કી નહોતી કરી શકતી. પોતાને જે લખવું હતું એ જ લખ્યું છે એટલી ખાતરી હતી અને છતાં પોતાના એ બધા વિચારનો આમ ખુલ્લંખુલા એકરાર કરવો કે કેમ, એને સમજાતું ન હતું. આખરે SAVE બટન દબાવી એણે લૅપટૉપ બંધ કર્યું.
*****************
મા શ્રી અશોક વિદ્વાંસની સ્ત્રી પુરુષની મૈત્રી અને આકર્ષણ વચ્ચેની રેખાને આલેખતી બીટવીન ધ લાઈન્સ સંવેદનશીલ વાર્તા
લગ્ન એટલે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ અગ્નિની સાક્ષીએ એકબીજાને મન વચન કર્મથી અપનાવે તે મોટી ઉંમરના ભારતીયોમા જોવા મળે છે . બીજી તરફ શિક્ષિત અને સુધરેલા લોકોમાં લિવ-ઈન રીલેશન ચલણ જોવા મળે છ તેના મુખ્ય કારણમા ભંગાણ પડે તો જાણે કોઈ લેવાદેવા નાં હોય તેમ કોર્ટ કચેરીના ઝગડા વીના કે માલમિલકતની વહેચણી વિના અલગ થઈ જાય છે.એકલા રહેતાના જીવનમાં પણ સાચા પ્રેમનો અભાવ અને હંમેશની તાણ હોવાને કારણે શારીરિક અને માનસીક સંતોષના બહાના હેઠળ તે પણ ડ્રગ્સ કે નશાની આદત વધતી જાય છે. ડીપ્રેસનમાં જીવતા જોવા મળે છે.વળી સાંપ્રત સમયે જો પુરુષ ઉંચા સ્થાને પહોંચે તો મી-ટૂ આવી પડે તેમા સ્ત્રીને સારી કમાણી થાય.
અનુરાધાના-‘ એક સ્ત્રી અને એક પુરુષ પતિ–પત્ની થયા સિવાય પણ ઘનિષ્ટ મિત્ર ન બની શકે? સાથે બેસી અંગત સુખદુઃખની વાતો ન કરી શકે? સમુદ્ર તટની રેતી પર હાથમાં હાથ રાખી ચાલતા–ચાલતા સૂર્યાસ્ત ન જોઇ શકે? ‘પ્રશ્નનો કોઇ ઉકેલ આવશે ત્યાં અંતમા SEND કે DELETE ને બદલે SAVE !
LikeLike
અસ્તિત્વ નું મૂળ એ આનંદ અને તેનું સ્વરૂપ બાળક રૂપે આપણે ..
ક્ષુધા અને તૃપ્તિ એ સિક્કાની બે બાજુ .. અને તૃપ્તિ પરિણમે આનંદ માં.. જે સત્ત-ચિત્ત-આનંદ નું આનંદ સ્વરૂપ.
સંસાર ની મૂળ પ્રકૃતિ માં ની તે સર્જન-અસ્તિત્વ-સંહાર અને આ સંહાર/ મોક્ષ પહેલા ટકી રહેવું તે પરસ્પર નું આવલંબન..
સામાજિક વ્યવસ્થાએ લગ્ન ને નામે આ આવલંબન ને બહુ સંકુચિત અને તેની મર્યાદા ની બહાર નીંદનીય કરી રાખ્યું છે જેથી લોકો ગુંગળામણ અનુભવે છે.. તથા સમાજ ની દ્રષ્ટિએ અનિષ્ટ નો ભાવ સર્જાય છે.. જો કે ખરું જોતા તે આવલંબન નો ભાવ છે..,
શ્રી અશોક વિદ્વાંસે તે ભાવને સંવેદના અને મૃદુતા થી આ લધુકથા માં વણ્યો છે..
સાચો ઉકેલ તો સામાજિક નિયમ માં દ્વેષ ભાવ રહિત મર્યાદિત છૂટ નો સ્વીકાર હોઈ શકે.. જે અપરાધ ભાવને પરસ્પર ની સ્વીકૃતિ થકી આનંદ માં બદલી આપે.
મોનોપોઝ પછી સ્ત્રી ના જીવન માં પતિ ઊપરાંત પોતાની ઊંમર થી ત્રણ વર્ષ થી વધુ ન હોય તેવા સમ વયસ્ક ત્રણ થી પાંચ પુરુષ સાથે શારીરીક સંબધ ની છૂટ સાથેની મૈત્રી નો સ્વીકાર સહજ હોય તેવા સમાજની કલ્પના છે..
અમર્યાદિત સંબંધો નું અને દુષણો નું વિકરાળ અને વિશાળ જગત સનાતન/ભારતીય કલ્ચર ની બહાર અસ્તિત્વ માં છે જ.. પણ તેના સારા વિકલ્પ તરીકે વાનપ્રસ્થ અવસ્થામાં લગ્ન સંસ્થા ની બહાર વિકલ્પ તથા આલંબન બની રહે તેવું સ્વીકાર્ય સહ અસ્તિત્વ જીવન આનંદ ઉપજાવી શકે તથા કૈક વૈશ્યિક કુટણખાના બંધ કરાવી શકે.. તેવો અંદાજ છે.
એક ૯૩ અને ૮૮ વર્ષ ની વયના યુગલ ને કોઈ પણ સંબંધ વગર વિકેંડે હોલીડે-બીચ રીસોર્ટ માં વિહાર કરતા મેં સ્વયં જોયા છે.. જેની ઉપજ માત્ર પેલો સત્-ચિત્ત-આનંદ માં નો આનંદ જ !!
LikeLike
અસ્તિત્વ નું મૂળ એ આનંદ અને તેનું સ્વરૂપ બાળક રૂપે આપણે ..
ક્ષુધા અને તૃપ્તિ એ સિક્કાની બે બાજુ .. અને તૃપ્તિ પરિણમે આનંદ માં.. જે સત્ત-ચિત્ત-આનંદ નું આનંદ સ્વરૂપ.
સંસાર ની મૂળ પ્રકૃતિ માં ની તે સર્જન-અસ્તિત્વ-સંહાર અને આ સંહાર/ મોક્ષ પહેલા ટકી રહેવું તે પરસ્પર નું આવલંબન.. અને તેનો આનંદ..
સામાજિક વ્યવસ્થાએ લગ્ન ને નામે આ આવલંબન ને બહુ સંકુચિત અને તેની મર્યાદા ની બહાર નીંદનીય કરી રાખ્યું છે કે જેથી લોકો ગુંગળામણ અનુભવે છે.. તથા સમાજ ની દ્રષ્ટિએ અનિષ્ટ નો ભાવ સર્જાય છે.. જો કે ખરું જોતા તે આવલંબન નો ભાવ છે..
શ્રી અશોક વિદ્વાંસે તે ભાવને સંવેદના અને મૃદુતા થી આ લધુકથા માં વણ્યો છે..
સાચો ઉકેલ તો સામાજિક નિયમ માં દ્વેષ ભાવ રહિત મર્યાદિત છૂટ નો સ્વીકાર હોઈ શકે.. જે અપરાધ ભાવને પરસ્પર ની સ્વીકૃતિ થકી આનંદ માં બદલી આપે.
મોનોપોઝ પછી સ્ત્રી ના જીવન માં પતિ ઊપરાંત પોતાની ઊંમર થી ત્રણ વર્ષ થી વધુ ન હોય તેવા સમ વયસ્ક ત્રણ થી પાંચ પુરુષ સાથે શારીરીક સંબધ ની છૂટ સાથેની મૈત્રી નો સ્વીકાર સહજ હોય તેવા સમાજની કલ્પના છે..
અમર્યાદિત સંબંધો નું અને દુષણો નું વિકરાળ અને વિશાળ જગત સનાતન/ભારતીય કલ્ચર ની બહાર અસ્તિત્વ માં છે જ.. પણ તેના સારા વિકલ્પ તરીકે વાનપ્રસ્થ અવસ્થામાં લગ્ન સંસ્થા ની બહાર વિકલ્પ તથા આલંબન બની રહે તેવું સ્વીકાર્ય સહઅસ્તિત્વ જે આનંદ ઉપજાવી શકે તથા કૈક વૈશ્યિક કુટણખાના બંધ કરાવી શકે.. તેવો અંદાજ છે.
એક ૯૩ અને ૮૮ વર્ષ ની વયના યુગલ ને કોઈ પણ સંબંધ વગર વિકેંડે હોલીડે-બીચ રીસોર્ટ માં વિહાર કરતા મેં સ્વયં જોયા છે.. જેની ઉપજ માત્ર પેલો સત્-ચિત્ત-આનંદ માં નો આનંદ જ !!
LikeLiked by 1 person
વાર્તાનો અંત અત્યંત કલાત્મક.
LikeLike