પહેલો અધ્યાય – દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો
સચ્ચિદાનન્દરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે !
તાપત્રય્વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ !!
અર્થાત્ઃ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે, જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, પરમતત્વ સંબંધી અને ભૌતિક, એમ ત્રણેય દુઃખોના નાશ કરનારા છે.
કથા પ્રારંભઃ
પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક જ સંપૂર્ણપણે કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાનું કહે છે.
અહીંથી કથાનો પ્રારંભ થાય છે.
શૌનકજી ઋષિ સૂતજીને સવાલ કરે છે કે હે સૂતજી તમારું અગાધ જ્ઞાન, અજ્ઞાનનો અંધકાર દૂર કરવા માટે સમર્થ છે તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કરીને સહુ વૈષ્ણવો મોહ અને માયામાંથી કઈ રીતે છૂટકારો મેળવે? હે સૂતજી તમે અમને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવો કોઈ માર્ગ બતાવો કારણ ગુરુ કૃપા વિના ભગવાનનું ધામ મળવું શક્ય નથી.
શૌનકજીએ કરેલા આ પ્રશ્ન સાંભળીને સૂતજી અત્યંત પ્રસન્ન થયા અને શૌનકાદિ ઋષિમુનિઓને કહ્યું, કેઃ
“તમે સમસ્ત સંસારને સ્પર્શતો પ્રશ્ન પૂછ્યો છે અને હું જનકલ્યાણની ભાવનાથી પૂછાયેલા આ સવાલનો જવાબ અવશ્ય આપીશ. તમારા સહુના હ્રદયમાં ભગવાન માટે પ્રેમભાવ છે તેથી સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ હું તમને જણાવીશ. શ્રી શુકદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસને નિવારવા માટે એમના પિતા શ્રી વેદવ્યાસે રચેલું શ્રીમદ ભાગવતશાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ માટે આનાથી બીજું કશું જ ઉત્તમ ન હોય શકે. જ્યારે શુકદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવો ત્યાં આવ્યા અને શુકદેવજીને કહે, કે અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ. તમે આ અમૃતનો કુંભ લઈ લો અને અમને આ કથા કહો. પરીક્ષિતનું પણ આ રીતે કામ થઈ જશે તો શુકદેવજીએ કહ્યું કે ભાગવતકથા એ વેપાર નથી. એ સાંભળવા માટે સજ્જતામાં નિર્વ્યાજ કૃષ્ણ પ્રીતિ કેળવી પડે. આ કારણસર શુકદેવજીએ દેવતાઓને ભક્તિશૂન્ય ગણ્યા. ભાગવતકથાનું રસપાન કરવા માટે અદલબદલી- વિનિમય કરાય નહીં. આથી જ શુકદેવજીએ આ અધિકાર દેવોને ન આપ્યો.”
આગળ એક ઋષિ પૂછે છે, “દેવતા એટલે શું? કળિયુગમાં દેવતા પૃથ્વી પર આવશે ખરા?”
સૂતજી કહે છે, “કળિયુગમાં દેવતાની પરિભાષા બદલાય છે. આમ જુઓ તો દરેક યુગમાં, દરેક પરિસ્થિતિ અને સંજોગોને આધીન, વસ્તુઓની પરિભાષા કે પ્રાણીઓની ઉત્ક્રાંતિના સંક્રમણમાં સતત પરિવર્તન થયા જ કરતું હોય છે. દેવતાઓનો અર્થ કળિગ્રસિત સમયમાં એ છે, કે, જે મનુષ્યો સદગુણો સહિત આચાર વિચારમાં પવિત્રતા, સંવાદિતા અને મર્યાદા જાળવી શકે તે જ દેવતા સમાન હોય છે. અહીં શુકદેવજીને જ્યારે વેપાર વિનિમય અમૃત આપવાની લાલચ આપીને સોદો કરવાનું કહેતા જ, દેવતાઓ મર્યાદા ચૂક્યા અને આથી જ કથામૃતનો લાભ ખોઈ બેસે છે”. (આપણે આગળના ભાગવત મહાત્મ્યમાં પ્રકરણોમાં શ્રોતાઓની અને કથાકારની સજ્જતા વિષે વિગતવાર વાત કરી છે, તો અહીં એનું પુનરાવર્તન નથી કરવામાં આવતું)
શૌનકજી કુતુહલપૂર્વક સવાલ કરે છે, કે, “સૂતજી, પહેલાંના સમયમાં આ કથા કોને કહેવાઈ ચૂકી છે?”
સૂતજી ઉવાચ, ”પહેલાંના સમયે આ કથા દયાપરાયણ સનકાદિ મુનિઓએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. જોકે દેવર્ષિએ આ પહેલાં આ કથા બ્રહ્માજીના શ્રીમુખે સાંભળેલી પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદિએ જ તેમને કહી સંભળાવી હતી. સનકાદિ મુનિઓ ચાર નિર્મળ ઋષિઓ સંગે વિશાલાપુરીમાં સત્સંગ માટે આવ્યા હતા ત્યારે એમણે વ્યગ્ર નારદજીને ઉતાવળે ક્યાંક જતા જોયા અને પૂછતાં ખબર પડી કે નારદજી પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા અને પુષ્કર, કાશી, પ્રયાગ, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ અનેક તીર્થોમાં વિચરતા રહ્યા પણ મનની શાંતિ ન મળી. એના બદલે, નારદજીને સમજાયું કે અધર્મના સહાયક કળિયુગે આખી પૃથ્વીને દુઃખી કરી મૂકી છે અને હવે લોકોમાં સત્ય, તપ, દયા, દાન રહ્યાં નથી. એને બદલે હવે લોકો પોતાના સ્વાર્થમાં જ રાચે છે. અસત્યભાષી, આળસુ અને દંભી બની ગયા છે. લોકો અને સાધુ-સંતોમાં એમણે જ્યારે પાખંડ પ્રવેશતા જોયો ત્યારથી તેઓ ખૂબ જ વિચલિત થઈ ગયા હતા.
સનકાદિ મુનિઓએ નારદજીને પૂછ્યું, “આથી વધુ કંઈ થયું છે?”
નારદજી વ્યાકુળતાથી બોલ્યા, “હા, હું આમ ભ્રમણ કરતો કરતો શ્રીકૃષ્ણની લીલાઓ જ્યાં થઈ છે તે યમુનાને કાંઠે, વ્રંદાવનમાં આવ્યો. ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. એક યુવાન પણ નિસ્તેજ સ્ત્રી હતાશ થઈને બેઠી હતી. તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો લગભગ અચેત અવસ્થામાં સૂતા હતા અને જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. તે યુવતી એમને ઘડી ઘડી જગાડવાનો પ્રયાસ કરતી હતી પણ તે નહોતા ઊભા થઈ શકતા અને અસહાયતાથી એ સ્ત્રી રડી રહી હતી. હું તેની પાસે ગયો અને વાત કરતાં સમજાયું કે તે સ્ત્રીનું નામ ભક્તિ હતું અને એ બે વૃદ્ધો એના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય હતા. કળિયુગમાં, કાળબળે જ્ઞાન અને વૈરાગ્ય આવા ઘરડા થઈ અને જર્જર થઈ ગયા હતા. એણે મને એ પણ કહ્યું કે, ગંગાજી અને અન્ય નદીઓ પણ એમને દેવીઓના રૂપમાં મદદ કરવા આવી પણ તેઓ કશીયે મદદ ન કરી શક્યાં. ભક્તિનો પ્રભાવ પાખંડીઓએ અને દંભીઓએ નષ્ટ કરવા માંડ્યો જેથી તેમનું હીર નાશ પામ્યું પણ પોતે તો બ્રહ્માજીના પુત્રી હતાં એટલે યુવાની તો ન ગઈ પણ એમનું તેજ હરાઈ ગયું હતુમ. પણ, યમુનાના કાંઠે, વૃંદાવનમાં આવ્યા બાદ એ ફરી હતા એવા જ તેજસ્વી યુવતી બની ગયા. એમના પુત્રો, જ્ઞાન અને વૈરાગ્ય તો સમય જતાં કોઈ ગણકારતું નહોતું. આ કારણે એમનું જીવનસત્વ જ હણાતું ગયું હતું અને સાવ આમ ઘરડા અને મરવાને વાંકે જીવી રહ્યા હોય એવા થઈ ગયા હતા. ભક્તિ માતા અત્યંત દુઃખી હતાં કે એમના આમ તો સદા નવયુવાન રહેનારા પુત્રો આમ અકાળે જ ઘડપણથી ગ્રસિત થઈ ગયા હતા. એમણે મને જ્ઞાન અને વૈરાગ્યના સાજા થવાનો ઉપાય પુછ્યો. એમણે એ સવાલ પણ કર્યો કે, રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને કેમ અહીં ધરા પર રહેવા દીધો? એમને એ પણ જાણવું હતું મારી પાસેથી કે શ્રીહરિ પણ આ અધર્મ કઈ રીતે નિહાળી શકે છે.”
નારદજી પળવાર રોકાયા અને પછી સનકાદિ મુનિઓને કહ્યું, “મેં ભક્તિને કહ્યું, કે, શ્રીકૃષ્ણએ ત્રેતાયુગ અને કળિયુગના સંધિકાળે બે યુગો વચ્ચે સેતુ બાંધવા જન્મ લીધો હતો. જે દિવસે હરિ ભૂલોક છોડી ગયા તે દિવસથી કળિ આવી ગયો. પરીક્ષિતે દિગ્વિજયના સમયે કળિયુગને બંદી બનાવી લીધો હતો પણ કળિયુગ દીન બનીને પરીક્ષિતના શરણમાં આવ્યો અને શ્રીહરિનું યશોગાન અને કીર્તન કરવા લાગ્યો. પરીક્ષિત રાજાએ આ દ્રષ્ટિથી કળિયુગમાં થોડોક પણ સાર જોઈને એને રાજધર્મ પ્રમાણે જીવતો રહેવા દીધો. આ કળિયુગમાં મોટા ભાગના મનુષ્યોનું ચિત્ત નિરંતર કામ, ક્રોધ, લોભ, મોહ અને અસૂયામાં જ રાચે છે. બ્રાહ્મણો પણ મન પર કાબૂ નહીં હોવાને કારણે તથા દ્રવ્યલોભ, દંભ અને પાખંડના આશ્રયે જઈ રહ્યા છે અને શાસ્ત્રોના અભ્યાસમાંથી ધ્યાનયોગ તો જતો જ રહ્યો છે. પંડિતો પણ મુક્તિ સાધના ઓછી અને વિલાસભોગમાં વધુ રાચી રહ્યા છે. આમાં કોઈનો દોષ નથી પણ આ તો કળિનો પ્રભાવ છે.”
સનકાદિ મુનિઓ બોલ્યા, “મુનિવર તમે સત્યવચન કહ્યું છે બ્રહ્માપુત્રી ભક્તિને. અમને એ કહો કે ભક્તિએ પછી શું કહ્યું?”
નારદજી બોલ્યા, “ભક્તિએ મને કહ્યું, ‘હે દેવર્ષિ, આપનું દર્શન મારા માટે સૌભાગ્યની વાત છે. તમારી કૃપાથી ધ્રુવજીએ ધ્રુવપદ મેળવ્યું. હિરણ્યકશિપુ અને કયાધુના પુત્ર પ્રહલાદે કયાધુના ગર્ભમાં એ હતો ત્યારે તમે કયાધુને જે ભક્તિનું જ્ઞાન આપ્યું હતું, જેને એકવાર, માતાના ગર્ભમાં સાંભળીને જ માયા પર વિજય મેળવી લીધો હતો.” પછી ભક્તિએ મને નમસ્કાર કર્યા અને, મને એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવવાની પ્રાર્થના કરી.”
ઈતિ શ્રીમદભાગવતમાહાત્મ્યનો ભાગવત કથાનો ભક્તિ અને નારદનો ભેટો નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
(નોંધઃ નામ સંદર્ભ નીચે પ્રમાણે છે)
સૂતજીઃ પુરાણવિદ્યા માટે વ્યાસજીએ રોમહર્ષણને (લોમહર્ષણ) શિષ્ય બનાવી આ વિદ્યા ભણાવી. રોમહર્ષણના પુત્ર, ઉગ્રશ્રવા હતા જે પાછળથી સૂતજી કહેવાયા, રોમહર્ષણે ઉગ્રશ્રવાને કહ્યું કે મેં આ વિદ્યા વેદવ્યાસજી પાસેથી સાંભળી છે તો હવે મેં તમને આ આપી છે તો તમે એને વિસ્તારથી કથા રૂપે ૠષિઓને જઈને કહો. સૂતજી ભાગવત પુરાણ કથા એના પછી નૈમિષારણ્યમાં જઈને ઋષિઓને અને મુનિઓને કહે છે.
નૈમિષારણ્યઃ નૈમિષારણ્ય હાલના ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને કાનપુરથી બાલામાઉ ટ્રેનમાં જવાય છે. બાલામાઉથી નૈમિષારણ્યમાં જવાય છે. એવી લોકકથા છે કે ત્યાં વસતા રાક્ષસોનો શ્રી હરિએ નિમિષમાત્રમાં એટલે કે પલક ઝપકતાં જ વિનાશ કર્યો હતો આથી એ વનનું નામ નૈમિષારાણ્ય કહેવાયું.
શૌનકજીઃ વિષ્ણુ પુરાણ અનુસાર, મુનિ શૌનકજી મુનિ ગ્રિતસમદના પુત્ર હતા. મુનિ શૌનાકજી ૠગ્વેદના લેખક છે.
સુંદર શરૂઆત અને રજૂઆત.. આ ‘લોક-ડાઉન’ ના સમય ની અસમંજસ માં શ્રીમદ્ ભાગવત વાંચવાની અંતર-સપૂર્ણા થયેલી.. દૈવ યોગે મારી પાસે શ્રી રામચંદ્ર ડોંગરે કથિત શ્રીમદ્ ભાગવત ની પ્રત PDF માં iphone પર છે.. તે ૧૦ દિવસ માં વાંચવાનો અવસર મળ્યો.. અને સૃષ્ટિ બદલી ગયાની પ્રતિતી થઇ.. અને આ લેખ વાંચવા મળ્યો.. જયશ્રી બહેન મર્ચંટ નો ઉત્સાહ વધારવાનો મારો પ્રયત્ન છે.. આભાર અસ્તુ
SP
LikeLiked by 1 person
જયશ્રી વિનુ મરચંટ, શ્રીમદ ભાગવત પુરાણ અંગે સરળ ભાષામા સમજાવ્યું.
નારદજી બોલ્યા, “ભક્તિએ મને કહ્યું, ‘હે દેવર્ષિ, આપનું દર્શન મારા માટે સૌભાગ્યની વાત છે. તમારી કૃપાથી ધ્રુવજીએ ધ્રુવપદ મેળવ્યું. હિરણ્યકશિપુ અને કયાધુના પુત્ર પ્રહલાદે કયાધુના ગર્ભમાં એ હતો ત્યારે તમે કયાધુને જે ભક્તિનું જ્ઞાન આપ્યું હતું, જેને એકવાર, માતાના ગર્ભમાં સાંભળીને જ માયા પર વિજય મેળવી લીધો હતો.” પછી ભક્તિએ મને નમસ્કાર કર્યા અને, મને એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવવાની પ્રાર્થના કરી.”
રાહ આગળના હપ્તાની….
LikeLiked by 1 person