ભાઈ હરીશ દાસાણીના ત્રણ લઘુ કાવ્યો "ઉજાણી"માં મૂકતાં આનંદ અનુભવું છું. કાવ્યો સરળ, સહજ અને સાદા લાગે પણ માણો તો એમાં ઘણું મળે.
(૧.)
સ્થિર થઈ ગઇ એક ક્ષણ.
તે તું હશે કે હું હશે?
આખરી જે આ હકીકત.
તું હશે કે હું હશે?
લય લહરતી,શ્વાસ સરતી
પાતળી આવી હવા.
કોણ ગળશે?કોણ બળશે?
તું હશે કે હું હશે?
જે હતું કે ના હતું,
એવી વિમાસણ થાય છે.
ના ઘટ હશે કે પટ હશે.
તો તું હશે કે હું હશે?
પથ્થરો,રેતી,પછી માટી;
પછી જળ આવશે.
અહીં સુધી ઊંડે જશું તો
તું હશે કે હું હશે?
– હરીશ દાસાણી.
(૨.)
પવન.
જે તને સ્પર્શ કરી
આવે.
મારી પાસે
અને
હું તેને સ્પર્શ કરી
આવું તારી પાસે.
તે
આવે
મારા કક્ષમાં.
હંમેશ.
તું નહીં આવે તો
ચાલશે.
– હરીશ દાસાણી.
(૩.)
સંકલ્પ ના રહે છતાં કૃતિ થયા કરે.
કર્તા જ ના રહે છતાં કૃતિ થયા કરે.
બાળક જે બેસી જાય બાની કેડ પર સદા.
સ્વતંત્ર કંઈ કરે નહીં છતાં હરે ફરે.
મન મનભરીને માણતું અખંડ વિશ્વ આ.
ઘડિયાળ બંધ થાય ને કાંટા ફર્યા કરે.
પાણી,પ્રકાશ,માટી કે પવન નથી રહ્યાં.
આકાશ પુષ્પની સુવાસ વિસ્તર્યા કરે.
એક વાંસનો કટકો હતો. ને બંસરી બની.
એ શૂન્યતાનો સુર સતત સૃષ્ટિમાં સરે.
– હરીશ દાસાણી.
Very nice ones!
LikeLike
પાણી,પ્રકાશ,માટી કે પવન નથી રહ્યાં.
આકાશ પુષ્પની સુવાસ વિસ્તર્યા કરે.
એક વાંસનો કટકો હતો. ને બંસરી બની.
એ શૂન્યતાનો સુર સતત સૃષ્ટિમાં સરે.
કવિ શ્રી હરીશ દાસાણીના ત્રણેય સ રસ રચનામા આ વિશેષ ગમી
LikeLike