કવિતાઃ લતા હિરાણી
રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ.
આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.
હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !
નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.
શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.
એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.
– લતા હિરાણી
જેના રોમેરોમમાં ભક્તિ હતી તેવા આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાને બિરદાવતું એક સુંદર સ્તુતિગાન કવયિત્રી લતા હિરાણીની કલમે અવતર્યું છે અને તે પણ એ જ કવિના અતિ પ્રિય ઝુલણા છંદમાં પ્રગ્ટ્યું છે.
પ્રથમ પંક્તિ વાંચતાની સાથે તરત જ નરસિંહ મહેતાનું લાક્ષણિક ચિત્ર ઊભું થાય છે. ‘‘આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ…’’.
બહુ સહજ સ્પષ્ટતા જણાય જ છે કે આ કવિતા, ‘તું શ્રી કવિ’ એટલે કે, નરસિંહ મહેતાને ઉદ્દેશીને, વિશ્વના પરમ તત્વના આદિ, મધ્ય અને અંતને પૂર્ણતયા પામેલ નરસિંહ મહેતાને ઉદ્દેશીને અને તેમના કવનના ગુણગાન માટે લખાઈ છે. મહાન આદ્યકવિની રચનાઓ આજની તારીખમાં પણ અમરતા પામી રહી છે. ગોપી, કાના અને વાંસળીના સૂરમાં જેનો શ્વાસ વસતો તેમના પ્રભાતિયાંથી હજી પણ ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. એ હકીકતને પ્રશંસતી લતાબહેનની એક અલગ અંદાઝની કલ્પના આ કવિતામાં શરૂઆતથી જ કેવી ઉંચી કોટિએ જઈ પહોંચે છે! એ જ છંદોલય, એ જ પ્રેમમલક્ષણા ભક્તિભાવ, એ જ મધુરતા પણ એક નવા રૂપમાં.
આગળની પંક્તિઓમાં, હાથમાં કરતાલ લઈ, ભક્તિમાં તલ્લીન થઈ, કૃષ્ણના પ્રેમરસનું પાન કરતા અને નાચતા નરસિંહ મહેતાનું સુંદર નર્તનરૂપ ચિત્ર ખડું થાય છે. ‘હાથ કરતાલ ને એ ચરણ નાચતાં’ ગીતના શબ્દો એકદમ યથાર્થ રીતે પ્રયોજ્યા છે કે, ઘડીભર આપણને પણ નાચવાનું મન થઈ જાય! વળી આગળ એ જ વાતનો ઘેરો રંગ ઉપસાવતા શબ્દો તો જુઓ? આભમાં, બાથમા, રોમેરોમમાં, નૈણમાં, પંડમાં…. આહાહાહા…. કંઈ કેટલાંયે નરસિંહ મહેતાના પદો નજર સામે ધરી દે છે. ‘નીરખને ગગનમાં…કે અખિલ બ્રહ્માંડમાં…કે પછી જાગને જાદવા… પ્રેમરસ પાને તું મોરના પિંચ્છધર..બધાં જ પદો એકસામટા ઉડીને જાણે નજર સામે તરવરીને નાચવા લાગે છે.
સ્તુતિગાનનું એક લક્ષણ એ છે કે, મન મૂકીને વધુ ને વધુ લીન થવું, ડૂબી જવું. એ રીતે હજી નરસિંહ મહેતા વિશે વધુ વાત કરતા કવયિત્રી કહે છે કે, જૂનાગઢ શહેરમાં, દામોદર કુંડમાં, શ્રી હરિનું સ્મરણ કરતા નાગર જ્ઞાતિના આ વંશજ કૃષ્ણના ગીતોમાં તલ્લીન રહેતા અને જાણે કે આજે પણ એ વહાલી વાંસળીના સૂર ગિરનારની તળેટીમાં વાગે છે. અતિ ઋજુ હ્રદયની નમ્રતા છલકતી વાણી કવિતાને અંતે સરે છે, નરસિંહના નાથને હાથ જોડી, ઝુલણા છંદથી આજ સુધી ગાજતા આભની જાણ કરે છે. એ કહે છે કે; “
એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.
નરસિંહ મહેતાના કૃષ્ણ પ્રત્યેના ભાવમાં, સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી. તેમણે જે કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં પરમનો સાક્ષાત્કાર કર્યો છે એ ઘટનાને, એ શ્રધ્ધાને, એ રચનાઓમાં થયેલા તેમના સ્વયંભૂ પ્રગટીકરણને, લતાબહેને ખૂબસૂરત સ્તુતિગાનમાં ઢાળ્યું છે. તેમની આ કવિતામાં સચ્ચાઈ સ્પર્શે છે, નર્યો આદર અને અહોભાવ નીતરે છે. શબ્દોમાં લય, તાલ અને સંગીત છલકે છે. એટલે જ તો આ કાવ્ય એક મહામૂલા મોતી જેવું પાણીદાર બન્યું છે. વાંચીને હ્રદયમાં પ્રસન્નતા છવાઈ જાય છે.
આમ તો માત્ર ૧૦ જ પંક્તિની નાનકડી કવિતા છે. પણ એના લાઘવમાં ભાવની ભરી ભરી એકાત્મકતા છે, સઘનતા છે અને લયના મોહક આવર્તનો છે.. ઘણા શબ્દો બેશક, નરસિંહ મહેતાના છે પણ ઊર્મિભરી સ્તુતિ તો કવયિત્રીના ભીતરમાં ઓળઘોળ થઈને પથરાયેલી છે. શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણથી સભર ભક્તિ જેવાં જ જ લય, તાલ અને નાદથી ભરેલું નરસિંહ મહેતા માટેનું આ સ્તુતિગાન કાનમાં જાણે ગૂંજ્યા કરે છે, કલમને સાર્થક બનાવે છે. કવિ શ્રી વિવેક ટેલરે સાચું જ લખ્યું છે કે, ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની આ ગીતરચના છે.
મારા તરફથી કવયિત્રી લતાબહેન હિરાણીની આ કવિતા માટે તેમના જ અંદાઝમાં તેમને સલામ.
ભક્તિના તેજ ને તત્વબીથી ભર્યાં, કાવ્યને માણતા, સો સલામો.
ને હિરાની ચમકથી લચકતી લતા, ભાવથી ઝુમતાં, સો સલામો.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
સરસ રચના.
નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે….વિશેષ ગમી.
LikeLike
નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.
ધન્ય
“ઝૂલણા છંદથી આભ ગાજે” – સુ શ્રી લતા હિરાણી ની સુંદર કવિતાનું સુ શ્રી દેવિકા ધ્રુવનું સ રસ રસદર્શન
LikeLike