આંગળિયાત – રશ્મિ જાગીરદાર
કેયાને એન.આઈ.ટી. બેંગલોરમાં એડમિશન મળ્યું. ઘર છોડીને જવાનું મન નહોતું પણ હવે દિલને ઠેસ પહોંચી ચૂકી હતી. તેણે જવાની બધી તૈયારી કરી લીધી. સોહા મદદ કરશે તેવી આશા પર પાણી ફરી વળ્યું હતું. નીકળવાના દિવસે પણ સોહા હાજર ન રહી શકી. તે કામમાં ગળાડૂબ હતી. મનમાં કોચવાટ અને દુઃખ સાથે કેયા નીકળી તો ગઈ. પણ તેનાથી રહેવાતું નહોતું. મનમાં આશા હતી, સ્હેજ સમય મળશે એટલે સોહા ફોન કરશે. તે અપેક્ષા પણ ઠગારી જ નીકળી.
કેયાને સોહા માટે એટલી બધી લાગણી હતી કે, તેનો દોષ ભાગ્યે જ દેખાતો. અને દેખાય તો તેને ખોટો ઠેરવવા મથતી. અત્યારે પણ તેણે એ જ વિચાર્યું. મારી સોહા મલ્ટીટેલન્ટેડ છે. યોગ્ય માર્ગદર્શન આપવા સક્ષમ છે. જરૂરી નિર્ણય લઈ શકે છે. પોતાની બધી આવડત કામે લગાડીને તે જ્યારે પોતાની કારકિર્દી ઘડવામાં રત છે, ત્યારે આ બધું તો સહજ કહેવાય. મારે પણ કારકિર્દી ઘડવામાં મારું મન પરોવવું જોઈએ. અને પછી તો તેણે એવું મન પરોવ્યું. કે સમેસ્ટરની એક્ઝામમાં તે પ્રથમ આવી. આ ખુશખબર આપવા તેણે ઘરના નંબર પર ફોન કર્યો. જેથી બધા સાથે વાત કરી શકાય. વિભા તો હરખઘેલી થઈને રડી જ પડી. અમર પણ ખૂબ રાજી થયો. પણ સોહા ના મળી. કેયાએ છેવટે સોહાના મોબાઈલ પર ફોન કર્યો. ફોન ઊપાડ્યો નહીં. ત્યારે તો કેયાને ખરેખર ગુસ્સો આવ્યો. કંટાળો આવ્યો. તેણે બીજું સમેસ્ટર શરૂ થાય તે પહેલાં ઘરે જઈને બધાને મળવાનું નક્કી કર્યું. આ વખતે કેયાને રસ્તો જાણે લાંબો લાગ્યો. તે વિચારે ચઢી. પોતે સોહા સાથે કેવી હળી મળી ગઈ હતી! નાનપણથી ઊઠતાં વેંત તે મમ્મીને નહીં, સોહાને શોધતી. એની પાછળ પાછળ ફરતી. અને હવે? સોહા એને ફોન પર પણ નથી મળતી. તેને રડવું આવ્યું. તે છુપાવવા તેણે બુક લીધી અને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી. છતાં મન વિચારી રહ્યું, ‘હું તો માત્ર વિભાની દિકરી.’ ઘરે પહોંચી ત્યારે પણ સોહા ઘરે નહોતી. કેયાને એટલો ગુસ્સો આવ્યો કે, તેણે વિભાને ફરિયાદ કરી અને કહ્યું, “મમ્મી, સોહા પર મને એટલો ગુસ્સો આવ્યો છે, હું તેની સાથે બોલવાની જ નથી જો, અત્યારે પણ તે ઘરે નથી ને શું કામ હોય હું ક્યાં તેની સગી છું?”
સાંભળીને વિભાને હસવું આવ્યું. “હં.. હં.. હમણાં સોહા આવશે એટલે દોડશે તેને ભેટવા, હું તને ઓળખું ને!”
વિભાની વાત સાંભળી કેયાને વધારે ગુસ્સો આવ્યો. તે ઊઠીને પોતાની રૂમમાં દોડી ગઈ.
હસવું ખાળીને વિભા વિચારે ચઢી. તેને તે દિવસ યાદ આવ્યો, જ્યારે પોતાના દુઃખી જીવનના અંત સાથે મા દીકરીએ સુખનાં પ્રેમાળ જગતમાં પ્રવેશ કર્યો હતો.
કાશી માસી સાથે તેઓ અમરના ઘેર આવ્યાં હતાં. થોડીવાર બેઠાં ત્યારે સોહાએ જ પાણી આપ્યું હતું. અમર તો પછી આવ્યા હતા. અત્યારે આખું દ્રશ્ય આંખ સામે આવ્યું.
અમર ઘરે આવ્યા ત્યારે કાશીમાસીને આવેલાં જોઈને ખુશ થયા હતા. તેમની સાથે એક યુવતી અને નાની છોકરી પણ હતી. તે જોઈને તેણે પુછ્યું.
“અરે! માસી, કેમ છો તમે બધાં?”
“સહુ મઝામાં છીએ, તુ કેમ છે? આ ઘર અને નોકરીની બમણી જવાબદારી, તું કેવી રીતે પહોંચી વળે છે બેટા? તારી ચિંતા રહ્યા કરે છે. તારે લગ્ન માટે વિચારવું જોઈએ.”
“માસી, મારી બહેન સોહા હજી નાની છે. તેની જવાબદારી લેવા કોણ તૈયાર થાય?”
“જો, આજે હું આ વિભાને સાથે લાવી છું. એના લગ્ન પછી એ પતિ સાથે એક મહીનો રહી. એનો પતિ અમેરિકાથી લગ્ન માટે આવેલો. અહીંથી જ એણે વિભાના કાગળો તૈયાર કરવા માંડેલા. ત્યાં ગયા પછી પણ તે વિભાને જેમ બને તેમ જલ્દી બોલાવી લેવા પ્રયત્ન કરતો હતો. પણ વિધિના લેખને કોણ ટાળી શકે! આગળ કંઈ થાય તે પહેલાં જ એક અકસ્માતમાં તે ગુજરી ગયો. વિભા તે વખતે પેટથી હતી, આ એ જ કેયા. અમર, જો વિભા અને તુ લગ્ન કરી લો તો તમને બેઉને એક કુટુંબ મળશે અને તારી બહેન સોહા અને વિભાની દિકરી કેયા પણ સચવાઈ જશે.”
“માસી, તમે અમારૂં ભલું ઈચ્છો તેનાથી વધુ કોણ ઈચ્છે? સોહાને જન્મ આપીને અમારી મમ્મી તો ચાલી ગયેલી. મને મારો એ સમય પણ યાદ છે જ્યારે હું પણ તે વખતે માંડ તેરેક વર્ષનો હતો જ્યારે સોહાની અને મારી-અમારી મમ્મી ગુજરી ગઈ. ત્યારે પણ તમે જ અમને સંભાળી લીધેલાં. પપ્પા પણ બે વર્ષ પછી અમને મૂકીને ગયા. તમે હતાં એટલે તો અમે ઉછરી ગયાં. તમે જ વિભાને અને એની દિકરીને પૂછી લો, કારણ આજ કાલ સોહાની જવાબદારી સાથે સબંધ બાંધવા કોઈ તૈયાર નથી થતું. એ તો તમને ખબર જ છે ને?”
“બેટા, વિભા પણ તારા જેવડી જ છે. વળી એ સમજે છે કે, એને પણ કેયાની જવાબદારી છે. એને તો મેં બધું સમજાવેલું જ છે. એ તૈયાર છે. એટલે તો લાવી છું.”
માસી તો નિમિત્ત હતાં પણ ભગવાને નિરમ્યાં હોય તેમ એ લગ્ન થઈ ગયાં હતાં.
મીઠડી સોહાને જોઈને વિભા ખૂશ થઈ હતી. તેને યાદ આવ્યું હતું આશા ભોંસલેનું ગીત…
“નણદી ને નૂપુર બે એવાં અનાડી,
વ્હાલાં પણ વેરી થઈ ખાય મારી ચાડી.”
પોતે ભણતી ત્યારે વારંવાર આ ગીત ગાતી. મનના કોઈ અજાણ ખૂણે ભાવિ પિયુની સાથે અનાડી એવી નણદીની કામના પણ થઈ જતી. આજે જાણે એ ફળી. સોહા અને કેયાને વ્હાલથી ઉછેરવાનો મક્કમ નિર્ધાર કરીને તેણે પોતાનો સંસાર શરૂ કર્યો. સોહા પણ ખૂશ હતી. જન્મ ટાણે ગુમાવેલી વ્હાલસોયી માતાની છબી તેણે વિભામાં શોધી લીધી.
સોહા હવે ટીનેજર હતી. ઉંમરનો તકાજો હતો. હવે તેને પોતાની સુંદરતા, દેખાવ, ફેશન અને ટાપટીપમાં વધુ રસ હતો. ભણવામાં પણ તે અવ્વલ રહેતી. ઘર વિભાએ સંભાળી લીધું હતું એટલે ભાઈ-બેન નિશ્ચિંત હતાં. કેયા પણ શાળાએ જતી હતી. તે પણ ભણવામાં હોશિયાર હતી. તેને સોહા સાથે ખૂબ ફાવતું. સોહા તેને અભ્યાસમાં મદદ કરતી, તેની સાથે રમતી અને બહાર પણ લઈ જતી. બન્ને વચ્ચે એક અતૂટ દોસ્તી બંધાઈ ગઈ હતી. વિભા કેયાને કહેતી, ‘સોહાફિયા’ કહેજે. પણ સોહા ના પાડતી અને કહેતી. અમે તો ખાસ સખીઓ છીએ. કે પછી વ્હાલસોયી બેનડીઓ.
સમય સરકતો રહ્યો. સોહા હવે સીએ થઈને એક મોટી કંપનીમાં જોબ કરતી હતી. જવાબદારી ભરેલી પોસ્ટ પર તે સંપૂર્ણપણે સમર્પિત થઈને દક્ષતાથી કાર્યરત રહેતી. બાકીના સમયમાં તે જોબ નોલેજ અપડેટ કરતી. આ બધામાં ઘરમાં રહેવાનું ઓછું થતું. રજાના દિવસોમાં મિત્રો ઘેરી વળતા. ક્યારેક પિકનીક તો ક્યારેક નાનીમોટી ટ્રીપ ગોઠવાઈ જતી. આમ કંઈ ને કંઈ પ્રોગ્રામ ગોઠવાઈ જતા. કેયા, સોહાને મિસ કર્યા કરતી. પહેલાંની જેમ શાળાએથી આવીને સોહા સાથે ઝીણામાં ઝીણી વાત શેર કરવાનું હવે ભાગ્યે જ બનતું.
બેંગલોરથી બે સમેસ્ટરની વચ્ચે તે અત્યારે ઘરે આવી હતી પણ સોહા સાથે હજી કોઈ મિનીંગફુલ રીતે નિરાંતે બેસવાનો કે ગપ્પાં મારવાનો સમય નહોતો મળ્યો. આ દરમિયાન, સોહાનો બર્થ ડે આવતો હતો તો કેયાએ સોહાની બર્થડે પાર્ટી ઘરે ગોઠવી હતી. સોહાની ઓફિસના કલીગ્સ અને ઊંચા ગજાના ઓફિસરો, તેમ જ થોડાંક મિત્રો અને કેટલાક સગા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું.
પાર્ટીના દિવસે સવારથી કેયા ખૂશ હતી. સોહા સાથે રહેવા મળશે એ વાતે હરખઘેલી થઈને તે કામ માટે દોડાદોડી કરતી હતી. આવનાર સૌની નજર રૂપકડી, ચપળ કેયા પર અચૂક પડતી. સોહા પણ તેને વ્હાલથી જોઈ લેતી હતી.
“આ કોણ છે? સોહા.”
કોઈએ પૂછ્યું. હજી સોહા કંઈ બોલે તે પહેલાં એના દૂરના કાકી બોલ્યાં,
“એ તો આ વિભાની આંગળિયાત છે.”
આ શબ્દમાં કોને કેટલી સમજ પડી, એ તો ભગવાન જાણે, કદાચ કોઈનેય એ જાણવામાં રસ પણ નહોતો અને સમય પણ નહોતો. પણ … પણ કેયા, ખુદ આંગળિયાત, આ સાંભળીને ડઘાઈ ગઈ. ખાસ કરીને જ્યારે સોહાએ પણ તે સમયે વાતને હસી કાઢી. તે દિવસે દુભાયેલા મન સાથે કેયા ફરતી રહી. રાતે જમવામાં બધા સાથે હતાં ત્યારે ડીનર ટેબલ પર સૌની સાથે સોહાએ પણ સમેસ્ટરનાં રિઝલ્ટ માટે અભિનંદન આપ્યાં. પછી કેટલીક ઔપચારિક વાતો થઈ. સોહાએ પુછ્યું,
“કેયા, તું કેટલા દિવસ છે? મારે તો કાલે સવારે કોન્ફરન્સમાં જવાનું છે, ગોવા. ચાર દિવસ પછી આવીશ.”
“ઓહ નો, સોહા મારે પરમ દિવસે જ નીકળવું પડશે. તું એક દિવસ મોડી જા, મારે તારી સાથે કેટલી બધી વાતો કરવાની છે.”
“ના બાબા ના, આ ટ્રીપ પર તો મારા પ્રમોશનનો આધાર છે, સોરી કેયા. પણ આજે રાતે તો છું જ ને, બોલ શું કહેવું છે?”
સોહાના જવાબથી તેને દુઃખ થયું. દબાવી રાખેલો ગુસ્સો જાણે સ્પ્રિંગની માફક ઊછળ્યો. છતાં બને તેટલો કાબુ રાખીને મક્કમ અવાજે તેણે કહ્યું,
“હું ટીનેજમાં આવી ત્યારથી મેં તને તારી કારકિર્દીમાં વ્યસ્ત થતી જોઈ છે. હું એ જોઈ શકતી હતી, કે તું રોજરોજ એક પગથિયું ચડતી હતી. તારો પાવર, તારી પ્રતિષ્ઠા, તારૂં નામ, તારા પૈસા બધું જ વધતું જતું હતું. પણ સાથે સાથે આપણી વચ્ચેનું ડિસ્ટન્સ પણ વધતું ગયુ. નાની હતી ને શાળાએથી આવીને જેમ બધી વાતો કરતી તેમ અત્યારે પણ કરવી છે. હું તને મારી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ માનું છું. ખૂબ વ્હાલી બેન અને અતિ પ્રિય સખી માનું છું. પણ હું તો તારી કંઈ જ નહીં ને? હું તો સગી ભત્રીજી પણ નથી. હું તો છું માત્ર અને માત્ર ‘આંગળિયાત.’ જ ને?”
અને કેયાના ગળે ડૂમો ભરાયો, શબ્દો તેમાં જ અટવાયા, અને પળવારમાં જ કેયા ધ્રુસ્કે જડી. આ બધું એટલું તો અણધાર્યું બન્યું હતું કે બે-એક ક્ષણ તો બધાં જ ડીનર ટેબલ પર સ્તબ્ધ બની ગયાં. કળ વળતાં જ સોહા પછી જમતાં જમતાં ઊભી થઈ અને કેયાને ઊભી કરીને ભેટી પડી. તેને બાથમાં લઈને દબાવી દીધી. અને ધીમા અવાજે બોલી.
“કેયા મારી વ્હાલી કેયા, તું આવું વિચારે છે? મેં તને આટલી બધી દુઃખી કરી? પણ તું સમજ, મારી બેન. મારે હમણાં કઈંક બનવા માટે આટલા કમીટમેન્ટથી કામ કરવું પડે છે અને તારે પણ આ જ કરવું જોઈએ. આ જ સમય છે કારકિર્દી ઘડવાનો. સમય પર જરૂરી કામ ન થાય તો પછી રહી જ જાય. અને પાછળ એનાં માઠાં પરિણામો ભોગવવાં પડે. આપણે કેવી જિંદગી જીવવી છે, તે નક્કી કરીને શરૂઆતમાં તૈયારી કરવી પડે. નહીં તો પછી જિંદગી એક વૈતરાની જેમ ઢસડવી પડે. સો બી કેરફુલ ડિયર. આપણી સૌથી પહેલી અને અગત્યની ફરજ એ જ છે, કે આપણે સક્ષમ બનીએ અને ખુશ રહીએ. એટલું જ નહીં, બીજાને પણ સુખી કરવાની લાયકાત મેળવીએ.”
સોહાની વાણીમાં રહેલો સત્યનો રણકો કેયાના મુખ પર આછું સ્મિત લાવી ગયો. તે જોઈને સોહા બોલી,
“ચાલ જોઉં હવે મનમાંથી બધો કચરો ખંખેરી નાખ મારી આંગળિયાત! સાચું કહું છું, હું લગ્ન કરીને જ્યારે અને જ્યાં પણ જઈશ ત્યાં તને આંગળિયાત બનાવીને લઈ જવાની છું. સમજી? સાંભળ્યું ને તમે મોમ, ડેડ?”
************
સોહા અને કેયાના સંબંધની સુવાસ ફેલાવતી, આંગળિયાતનો જુદો જ અર્થ તારવતી વાર્તા.
LikeLiked by 1 person
સુ.શ્રી રશ્મિ જાગીરદારની વાર્તા આંગળિયાત –
વાતે યાદ આવે દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા ! આંગળિયાત વાંચતાની સાથે જ તેના પાત્રો, વાર્તા, ભાષા, સંવાદ મારા ચિત્તમાં એ હદે ચોંટી ગયા કે થોડા દિવસ સુધી હું તેના ઓરામાંથી બહાર ન આવી શકી. સતત મારી નજર સામે તેના પાત્રો ફર્યા કરતા, મારા મનમાં તેની વાર્તા ઘુંટાયા કરતી.
અને
‘આંગળિયાત’ શબ્દે કોર્ટમા ખુલાસો કરતા અસીલે કહ્યું,’સા’બ તારો બાપ મરી જાય અને તારી મા નાતરે જાય તો તું આંગળિયાત કહેવાય !
પણ
આ વાર્તામા આંગળિયાત શબ્દે કરુણ અંત આવે તેને બદલે મુ રશ્મીભાભીશ્રીએ અણકલ્પ્યો સ રસ અંત લાવ્યા….ધન્યવાદ
LikeLiked by 1 person
આજની અંગ્રેજી મીડિયમમાં ભણેલી પ્રજાને તો આ આંગળિયાત શબ્દ જાણે પરદેશી લાગશે-ભલે તે ગુજરાતી કુટુમ્બ હોય તો પણ.રશ્મિબેનની વાર્તા સરળ પ્રવાહી અને ચોટદાર અંતથી શોભે છે.
LikeLiked by 1 person