“દીપ પ્રાગટ્યથી…!”
સૌ રહ્યા દૂર અંધારના તથ્યથી
થઈ શરૂઆત જ્યાં દીપ પ્રાગટ્યથી
જૂઠની જીતનાં મૂળમાં સંપ છે
સત્યને હોય વાંધો બીજા સત્યથી!
જેમ એની નજર ત્રાંસી થઈ રહી હતી
એ રીતે હું ય ખસતો રહ્યો દ્રશ્યથી
વાંક એમાંય મારો જ લાગે મને
કોઈ ગરદન ઝૂકે, કોઈના કૃત્યથી
હોય ઈશ્વરનો ઢગલો ને એક ના મળે!
થઈ ગયો અણગમો અમને વૈવિધ્યથી
ઓલવાઈ જવાનું ગમે તે ક્ષણે!
સુખ દીવાનું ખમાતું નથી સૂર્યથી
– ભાવેશ ભટ્ટ
કવિશ્રી ભાવેશ ભટ્ટની ગઝલ, “દીપ પ્રાગટ્યથી” નો આસ્વાદ- જયશ્રી વિનુ મરચંટ
રોશનીની એક કિરણ ઢગલેઢગલા અંધકારને દૂર કરવા સમર્થ છે. અંધકાર તો દીવો જલાવતાં તાત્કાલિક પૂરતો દૂર થઈ જાય છે પણ એથી અંધારાનું, શ્યામલતાનું અસ્તિત્વ મટી નથી જતું. એ એની જગાએ દીવાની હેઠળ છુપાઈને બેસી રહે છે કે જેવો આ દીપક ઓલવાય તેવો જ અંધકાર એની પાંખ પ્રસારીને બધું જ આવરી લે. આ અંધકાર અને એની કાળાશ છે અસત્યની, અજ્ઞાનની, અવિશ્વાસની અને અસંતોષની. આ ચારેય તત્વોમાંથી કોઈ એક પણ આવરી લે તો પછી એને દૂર કરવા માટે પ્રકાશની શોધમાં જ ઘણીવાર તો જીવન આખેઆખું વિતી જાય છે. કોઈ સદગુરુ કે વિદ્યાની સાધના સાથે અંતરમાં પોતાના પરના વિશ્વાસની ખાતરી અને સંતોષની અનુભૂતિના અજવાળાં જ આ અંધારાને દૂર કરી શકે. અહીં એક સાદું સત્ય વીસરી જવાય છે કે પળવાર પણ જ્યોતિથી દૂર થયાં, એટલે તરત જ આ અંધકાર પાછો આવી જ જાય છે. આથી એકવાર જો રોશનીની કિરણ મળી તો એને કાયમ રાખવા માટે અતિઆત્મવિશ્વાસ -Over Confidence- ના છેતરામણાં રસ્તા પર ન જતાં એ તેજ કાયમ રહે એ માટે સતત બદલતા સમય સાથે Evolvement – આત્મ વિકાસની પ્રક્રિયાની સ્વીચને પણ સભાનતાથી ઓન રાખવી. આ એક મોટો સંદેશ છે કે કાળચક્રની ગતિને નિશ્વિત માની લેવાનું એટલે કે Take for granted કર્યું કે પછી પાછાં “જૈસે થે વૈસે”ની હાલતમાં ન આવીએ.
અનેકવાર એવા પ્રસંગો ઊભા થાય છે જેમાં અસત્યનો ધ્વજ ફરકાવનારને પણ સમજ હોય છે કે આ જૂઠાણું છે અને એથી એ જૂઠાણાંને સત્ય તરીકે પ્રતિપાદિત કરવા અનેક એવા વ્યક્તિઓનો સહારો લેવો પડે કે જેઓ પણ જૂઠને જ સાચમાં ફેરવી નાખવાની તજવીજમાં હોય. આ “ઝુંડ”ની માનસિકતા સામે એકલા અટૂલા સત્યને આજના ઘોર કળિયુગમાં મોઢું વકાસીને ‘એકલો જાને રે’ ની ખુમારી સાથે, હારવાનું નિશ્ચિત હોય તોયે ઊભા રહેવું પડે છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જ્યારે બેઉ બાજુએ નિર્ભેળ હકીકત સાથે સંબંધિત અને અંગત ભાવના કે અભિપ્રાયથી અસ્પૃષ્ટ – Obejctive – વસ્તુનિષ્ઠ સત્ય હોય. સત્યનો સામનો બીજા સત્ય સાથે થાય ત્યારે જીત કોની થાય એ સવાલ ઊભો થાય એ પણ સ્વાભાવિક છે પણ જીત હંમેશાં જ દેશકાળને અનુરૂપ સત્યની જ થાય છે. સત્યનો વિકલ્પ પણ સામી બાજુનું સત્ય જ હોય શકે, જૂઠાણું નહીં, હા દેખીતી રીતે જૂઠાણાંનું ટોળું, એક અટૂલા સત્યને ભલે ‘ઓવર પાવર’ કરી દે.
ઘણી વાર કોઈ વરવા કે અપ્રિય કે શરમજનક દ્રશ્યને કોઈ આડી, અછડતી નજરોથી જોઈ લેતું હોય પણ ઘણીવાર આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ કે સાવ દેખીતી રીતે એ દ્રશ્યના સ્થાનથી ખસવું શક્ય નથી હોતું પણ ધીરેથી ત્યાંથી સરકી જઈને, એ સંજોગોમાંથી નીકળી જવાનો પ્રયત્ન તો થઈ શકે જ. આવા સંજોગો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઊભા થતાં જ હોય છે ત્યારે, આટલું તો શીખી લેવું જ જોઈએ, કે,
“ઈસ તરહ ‘કતીલ’ સબસે વર્તાવ રહે અપના,
વો ભી ન બુરા માને, દિલ કા ભી કહા રખના.”
જ્યારે આપણી ચેતના સતેજ હોય અને સારા-ખરાબની કે સાચા-ખોટાની સમજ પડે ત્યારે એક સમજો કે જાદુ જ થાય છે. આપણી આજુબાજુ થતાં અન્યાય, અપકૃત્ય કે અયોગ્ય કાર્યો કરનારા અનેક હોય છે અને જ્યારે ચેતોવિસ્તાર આ અંગે જાગૃત થી ચૂક્યો હોય તો, ગુનો કોઈએ પણ કર્યો હોય, દર્દ આપણને થાય છે. આ દર્દ સાચા અર્થમાં તો જીવ માત્ર માટેની કરૂણા જ છે. આ કરૂણાનો ઉદભવ એક બહુ જ મોટી વાત છે, કારણ, એ વાત છે કુંડલીની જગાડવાની. જે, સાવ સરળતાથી, જરાયે ભાર વિના કવિ કહી જાય છે. અને, શબ્દો અહીં આછું સ્મિત કરીને જાણે કહેતા હોય, “એમાં મેં એવું તે શું કહ્યું?” આ ભૂમિકા પર કોઈ એક શેર પહોંચાડી દે ત્યારે એ શાયરને દાદ આપવી જ પડે.
દુનિયામાં વિવિધ ઈશ્વરને નામે અને ધરમને નામે થતાં અધર્મ અને અમાનવીયતાનો જોટો જડે એમ નથી.
“એક ઈશ્વરને માટે મમત કેટલો
એક શ્રદ્ધાને માટે ધરમ કેટલાં!” અને તે છતાં હરિ તો મળતાં જ નથી!
અને, આવે છે છેલ્લો શેર, જે શિરમોર સમો છે.
“ઓલવાઈ જવાનું ગમે તે ક્ષણે!
સુખ દીવાનું ખમાતું નથી સૂર્યથી.”
આખીયે દુનિયાના દુઃખનું કારણ અને સુખની ચાવી અહીં બે પંક્તિમાં શાયર ઉજાગર કરી જાય છે. આ શેરને સમજાવવા કરતાં એને થોડો વિસ્તૃત કરીને – Elaborate – કરીને મૂકું છું અને એનો હાર્દ જ્યારે હ્રદયની અંદર ધીરેધીરે ‘સીપ’ થશે તો એની મજા જ કઈં ઓર છે! અને, ટ્રસ્ટ મી, મેં એ માણી છે આથી જ હું આ ડંકાની ચોટ પરથી કહું છું. Here you go as follows:
કલ્પના કરો, એક દીવો, અંદર જેટલું તેલ પૂરેલું છે એટલો જ અને એટલી જ વાર બળશે. ઓલવાઈ જવાનું નસીબ અને ક્ષણ તો જ્યારે રાતે દીવો પ્રગટાવ્યો ત્યારે જ નક્કી થઈ ચૂક્યા છે. જેની જગ આખાને જાણ પણ છે. સવારે સૂરજ પણ ઊગીને આખા વિશ્વમાં તેજપુંજ રેલાવાનો જ છે. ઊગતો સૂરજ બૂઝતા દીપકની વાટને મસ્તીમાં ટમટમતી જુએ છે. આ મસ્તી, આ બૂઝવાનો છે ત્યારે પણ આ દીવો કરી રહ્યો છે? આમ જુઓ તો આ વાટ સાથે ટમટમવાની મજા કરતો દીવો સૂરજને ક્યાંય નડતો નથી. એને પણ ખબર છે કે આ રોશની પળ બે પળની મહેમાન છે પણ એ પળોને માણતાં એને ઓલવાય જવાનું મંજૂર છે. આ જ વસ્તુ સૂરજ સહી નથી શકતો કે એના ઉદય પામતાં જ આ બૂઝાય જવાની અણી પર આવી ગયેલો દીવો સૂરજને કુર્નિશ બજાવવામાં કાર્યરત કેમ નથી થતો? સૂરજ પવન તો નથી કે ઓલવી જાય દીવાને, પણ, સૂરજ “full-fledged” – પૂર્ણ અધિકાર સહિત, સંપૂર્ણ વિકસિત બની એ ઓલવાતા દીવાની મસ્તી અન્ય કોઇ જોઈ ન શકે એટલી એને Non-Significant – નિરર્થક ને બિનગણનાપાત્ર તો બનાવી જ શકે છે….! અને, નિર્વિવાદપણે એ જ થાય છે, રોજેરોજ!
આ એક બીનાને જેમ જેમ હ્રદયમાં સંચિત-‘સીપ”- થવા દેશો તેમ તેમ સમજાતું જશે કે કોઈના દુઃખનું કારણ, કોઈનું સુખ બને છે, ભલે પછી કોઈનું ક્ષણજીવી સુખ કોઈને જરાયે નડતું ન હોય! આ જ તો આ જગતની સર્વ સમસ્યાના મૂળમાં છે. એનું નિવારણ, કવિ ભાવેશભાઈ એમની હંમેશની અદાથી અધ્યાહાર રાખે છે, દુઃખના કારણમાં જ ગોપિત, એનું નિવારણ પણ છે, એ જ્યારે આત્મસાત થાય છે ત્યારે માંહેલાના મંદિરમાં ઉજાસ ઉજાસ થઈ જાય છે. આ અજવાળું ગઝલના આ છેલ્લા શેરને આગવી આભા આપે છે, જેના થકી, સમસ્ત ગઝલ અહીં સંપુર્ણપણે ઉર્ધ્વગામી બનીને, પોતાની સાથે વાચકને પણ ઊંચાઈ પર લઈ જાય છે.
કવિશ્રી ભાવેશ ભટ્ટની સુંદર ગઝલ “દીપ પ્રાગટ્યથી” નો સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા સ રસ આસ્વાદ-
LikeLike