“બુરા જો દેખન મૈં ચલા..”
(નીચેનો પ્રસંગ મેં ક્યાંક વાંચ્યો હતો પણ પુસ્તકનું નામ યાદ નથી આવતું. મારા સ્મરણમાંથી આ પ્રસંગ અહીં ઊતારી રહી છું. જે પુસ્તકમાંથી મારા મન પર આ પ્રસંગ કોતરાયો છે, એ અનામી પુસ્તકના સૌજન્યનો ઉલ્લેખ સાભાર કરું છું.)
એક ગામના મુખી કેટલાક ગામ નિવાસીઓ સાથે ગામની ભાગોળે, પીપળાના વૃક્ષ હેઠળ બેઠા હતા. ત્યાંથી પસાર થતા એક મુસાફરે એમને પૂછ્યું, “ભાઈ, તમે આ ગામમાં ઘણાં વર્ષોથી રહો છો?” મુખી બોલ્યા, “હા, ભાઈ, હું આ ગામનો મુખી છું.” તો પેલો મુસાફર કહે, “તો તો મને સાચી સલાહ મળશે. મુખીજી, તમારા ગામના લોકો કેવા છે? હું અત્યારે જે ગામમાં રહું છું એ છોડીને મારે બીજે ગામ રહેવા જવું છે.”
મુખી બોલ્યા, “કેમ ભાઈ, કામ ધંધા માટે ગામ છોડી રહ્યા છો?
તો પેલા પ્રવાસીભાઈ બોલ્યા, “ના, એવું નથી. હું જે ગામમાં રહું છું એ ગામના મોટા ભાગના લોકો સ્વાર્થી, ઝઘડાળુ, દંભી, કપટી અને લુચ્ચા છે. મારે એ ગામમાં રહેવું જ નથી.”
મુખી ગંભીર મુદ્રા રાખીને બોલ્યા, “ભાઈ, તો તો અમારે ત્યાં પણ આવા જ લોકો તમને મળશે.”
પેલો મુસાફર “સારું થયું તમે સાચું જ કહ્યું. રામરામ મુખી.” અને એ ચાલતો થયો.
હજુ તો મુખીની આજુબાજુ બેઠેલા લોકો કંઈ પૂછે એ પહેલાં જ બીજો પ્રવાસી ત્યાંથી પસાર થયો. એણે મુખી અને અન્ય લોકોને ત્યાં બેઠેલા જોયા અને ઊભા રહીને કહ્યું, “એ રામરામ, બાપુ.”
મુખી બોલ્યા, “રામરામ.”
મુસાફરે ઘડીક થોભીને પૂછ્યું, “બાપુ, તમે આ ગામમાં ઘણાં સમયથી રિયો છો?”
તો મુખી બોલ્યા, “હા, બાપલા, હું આ ગામનો મુખી છું.”
“મુખીજી, આ ગામના લોકો કેવા છે? હું આ બાજુ રે’વા આવવાનો વિચાર કરું છું.”
“કાં, બાપુ? તમે હમણાં જ્યાં રહો છો ત્યાં કાંઈ વાંધો પઈડો?”
“ના, રે, અમારે કાંઈ જ વાંધો નથી પડ્યો પણ મારું કામ આંઈથી માત્ર એક કોશ દૂર પડે અને હમણાં જ્યાં રે’વાનું છે ત્યાંથી પાંચ કોશ થાય છે. અમારા ગામના લોકો તો ખૂબ મદદ કરનારા, પરોપકારી, ભલા, અને માયાળુ છે. મારે બીજે ગામ રે’વાનું થાશે એના નામે એ બધા અત્યારથી જ દુઃખી છે.”
મુખીના મોઢા પર સ્મિત ફરક્યું, “તો ભાઈ, તમને આંઈ પણ આવા જ લોક મળશે, પરોપકારી, ભલા અને માયાળુ. તમતમારે કોઈ ભાર રાઇખા વના આવી રિયો અમારે ગામ! ભલે પધાઈરા બાપુ”
પેલો મુસાફર મુખીને અને બીજા ત્યાં વડિલો બેઠા હતા એ સહુને પગે લાગીને પાછો ફરી ગયો.
પેલા પ્રવાસીના ગયા પછી, મુખીની સાથે બેઠેલા લોકોએ થોડાક દુઃખી થઈને મુખીને પૂછ્યું, “બાપા, તમે પહેલા મુસાફરને કેમ કી’ધું કે આપણા ગામના માણસો લુચ્ચા, કપટી અને દંભી છે? આપણા ગામમાં તો એવું કોઈ નો’ મળે.”
મુખી બોલ્યા, “જો ભાઈ, માણસ પોતે જેવા હોય, એવા એને બધે જ દેખાય. હું નથી કે’તો કે એના ગામમાં કૉઇ કપટી, દંભી કે લુચ્ચા નઈ હોય પણ આખા ગામના બધાય એવા કઈ રીતે હોય? ઈ ભાઈ જો આંઈ આવશે તો આપણા ગામમાં પણ ઝઘડો-ટંટો કરશે! જ્યારે બીજો હતો ઈ પોતે ભલો હતો અને એને બધે ભલમનસાઈ દેખાતી હતી. વળી એને આંય આવવાનું કારણ પણ વાજબી હતું. એને આપણા ગામમાં હળીમળીને રે’તા વાર નંઈ લાગે.”
“ખુદ હું જ મારો પીછો કદી જ છોડતો નથી
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું”
- “બેફામ”
“બુરા જો દેખન મૈં ચલા બુરા ન મિલિયા કોય
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય”
- કબીર
So true
LikeLike
આપ ભલા તો જગ ભલા..
LikeLike
“બુરા જો દેખન મૈં ચલા બુરા ન મિલિયા કોય
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય”
કબીર
નજર નજરનો ભેદ છે, આપણે જેવા હોઈએ એવા જ આપણને બીજા બધાં લાગતા હોય છે. સુધરવાની જરૂર આપણને હોય છે, બીજાને નહિ એટલી સાદી સમજણ જો વિકસે તો દુનિયા બદલાઈ જાય.
LikeLike
જયશ્રી વિનુ મરચંટની અંતરની ઓળખમા
“બુરા જો દેખન મૈં ચલા બુરા ન મિલિયા કોય
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય”
વાત ખૂબ ગમી
LikeLike
જયશ્રી વિનુ મરચંટ ની અંતરની ઓળખ – સંકલનમાં બોધ કથા સાથે સાથે કબીર અને બેફામ ના શેર બહુ સુંદર રીતે ગૂંથ્યા છે. .. ભૂપેન્દ્ર શાહ
LikeLike