કાદવભર્યો રસ્તો
‘નીલુ, જો આ આપણું નવું ઘર. કહે, કેવું લાગ્યું તને?”
મેં સ્નેહથી નીલાની આંખોમાં તાકતા પૂછ્યું. એના ચહેરા પર એક લજ્જાભર્યું સ્મિત રેલાઈ ગયું. હળવેથી એણે મારા ખભા પર માથું ઢાળી દીધું. થોડા મહિના પહેલાં જ અમારાં લગ્ન થયાં હતાં. નીલુ આ નવા જીવનથી ઘણી પ્રસન્ન હતી. હંમેશા એની આંખમાં મોહક સ્વપ્નોની ભીની ભીની ચમક ઝળક્યાં કરતી.
આ ભરચક શહેરમાં અમને જ્યારે વાજબી ભાડે બે રૂમ-રસોડાવાળું મકાન મળી ગયું ત્યારે અમે ખુશ થઈ ગયા હતાં, જોકે, એ મકાનમાં બીજા પણ ચાર ભાડૂઆત રહેતા હતા અને બધાં વચ્ચે બાથરૂમ, લેટ્રિન, નળ વગેરે કોમન જ હતાં. પરંતુ મકાન ઘણું મોકાનું હતું. અહીંથી મારી ઓફિસ, કરિયાણાની દુકાન, રેશનની દુકાન, શાકમાર્કેટ વગેરે ખાસ દૂર ન હતાં. નવા ઘરમાં અમારા સહજીવનના પ્રારંભિક દિવસે ઘણા આનંદથી વીતવા લાગ્યા. નીલુ અનન્ય ઉત્સાહથી ઘર સજાવતી હતી.
અમે આ મકાનમાં રહેવા આવ્યાં તેના થોડા જ દિવસો પછીની આ વાત છે. તે દિવસે નીલુનો જન્મદિવસ હતો. અમે સવારથી જ અત્યંત આનંદિત હતાં. સાંજે પિકચર માં જવાનો પ્રોગ્રામ અગાઉથી જ ઘડાઈ ગયો હતો. ટિકિટ પણ આવી ગઈ હતી. પરંતુ સાંજે જયારે હું ઓફિસથી જરા વહેલો નીકળીને ઝટપટ ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો નીલુ મોં ચડાવીને બેઠી હતી અને એના ખોળામાં એક દસ-બાર મહિનાનો છોકરો રમતો હતો. આ પણ કેવું આશ્ચર્ય હતું! હું કંઈ સમજ્યો નહીં, નીલુને પૂછયું તો એણે રડમસ સ્વરે કહ્યું–
‘મકાનમાલિક માજીને ત્યાં મહેમાન આવ્યાં છે. એ લોકો મુન્નાને મારી પાસે મૂકીને બજારમાં ગયાં છે. કેટલાંયે રમકડાં આપ્યાં છે પણ ખોળામાંથી નીચે ઊતારતાં જ એ રડવા લાગે છે.’
“ઓહ! તો એમ વાત છે? કંઈ વાંધો નહીં, લાવ એને હું રાખું છું. તું જલદી તૈયાર થઈ જા.’ આમ કહીને એ છોકરાને મેં ખોળામાં લઈ લીધો ને માજી કયારે આવશે? એ વિચાર હીંચકતો રહ્યો.
થોડી જ વારમાં નીલુ તૈયાર થઈને બહાર આવી. હું એની ગૌર દેહલતાને જોઈ જ રહ્યો. એનાં ગોરા શરીર પર કાળી બોર્ડરવાળી આસમાની સાડી દીપી ઊઠી હતી. હાથમાં કાચની રણકતી બંગડીઓ, વાળમાં ફૂલ, કપાળ પર બે ભ્રમરની બરાબર વચ્ચે લાલ ચાંદલો… અને આંખોમાં છલકાતો સ્નેહ!
‘નીલુ, તું…તું… કેટલી સુંદર લાગે છે!’ કહેતો હું નીલુ તરફ સરકયો. ને ત્યાં જ- ‘અરે!.. અરે!…’ કહેતો એકદમ ઊભો થઈ ગયો, માજીના એ છેકરાએ મારાં બધાં કપડાં પલાળી દીધાં હતાં. અમારો મૂડ ખરાબ થઈ ગયો. છેવટે જેમતેમ કરીને નીલુએ છોકરાને સંભાળી લીધો, મેં કપડાં બદલ્યાં. માજીએ ડેલીમાં પગ મૂક્યો કે તરત મુન્નો એમને સોંપી અમે ઝટપટ રિક્ષા કરી. પિક્ચર તો ક્યારનું શરૂ થઈ ગયું હતું. અમારો પ્રોગ્રામ અને મૂડ બંને પૂરેપૂરા અપસેટ થઈ ગયા.
એમને એમ એક પછી એક દિવસ વીતતા રહ્યાં. કયારેક અમને અમારા સપના યાદ આવતાં. અમે વિચાર્યું હતું કે અમારા જીવનમાં નિત્ય વસંત ખીલતી રહેશે. લગ્નના દિવસો જેવી જ મિલનોત્સુકતા અને આનંદ-ઉલ્લાસ હંમેશા રહેશે. પરંતુ… એ બધાને માટે અહીં અવકાશ જ ક્યાં હતો? અમારું મકાન અલાયદુ હોવા છતાં જાણે બિલકુલ સહિયારું હતું. આડોશપાડોશના છોકરાંઓ સમય-કસમય જોયા સિવાય ગમે ત્યારે અંદર ઘૂસી જતાં હતા અને પડોશણો આવતાં-જતાં ઘરમાં ડોકિયાં કરતી રહેતી. આ બધાથી બચવા એક વાર ઓફિસેથી આવ્યા પછી હું ખુલ્લી હવાનો મોહ છોડી બારણું બંધ કરીને બેઠો. નીલુ પાણીનો ગ્લાસ લઈને આવી અને દિવસભરની જુદાઈથી વિચલિત થઈ જેવી મને વીંટળાઈ વળી કે ત૨ત જ “આ…હ’ કહેતી એકદમ અલગ થઈ ગઈ. મેં આશ્ચર્યથી એની સામે જોયું તો એ ક્રોધભરી નજરે બારણાની તિરાડ તરફ જોઈ રહી હતી. મને સમજાયું, પડોશીના તોફાની બારકસો તિરાડમાંથી તાકી રહ્યાં હતા.
આવી હરકતો અમારી સાથે વારંવાર થયા કરતી હતી. પણ આ સ્થિતિ હદ બહાર તો ત્યારે ખૂંચવા લાગી જયારે વેકેશનમાં અહીં આવેલાં માજીનાં દોતરા-પોતરાં જ નહીં, ખુદ માજી પણ આંગણામાં બરાબર અમારા બારણાં સામે જ પથારી નાખીને સૂવા લાગ્યા. દિવસભરની દોડધામ પછી ઢળતી સાંજે આરામથી હિંચકે બેઠાં બે સ્નેહભીની વાત કરવાનું પણ હવે અમારા નસીબમાં ન રહ્યું. કેટલાય દિવસો સુધી આ સ્થિતિ પર અમે અફસોસ કરતા રહ્યાં.
એક દિવસ સાંજે જમીને હું નીલુના ખેાળામાં માથું રાખીને ધીરે ધીરે વાતો કરતો હતો. હિંચકો હળવે હળવે ઝૂલી રહ્યો હતો. નીલુ વહાલથી મારા વાળમાં આંગળી ફેરવી રહી હતી. એક મોહક વાતાવરણ અમને વીંટળાઈ વળ્યું હતું. ત્યાં જ અચાનક મારા બાવડે કશુંક ચટકયું. હું એકદમ બેઠો થઈ ગયો અને ધ્યાનથી જોયું તો એક માંકડ ઝડપથી તિરાડ તરફ સરકી રહ્યો હતો, નીલુ એકદમ અસહાય૫ણે મારા તરફ તાકી રહી–માજીનાં ગાદલાં-ગોદડાંમાંથી હવે માંકડ અમારા ઘરમાં પણ ઘૂસ્યા હતાં. આ સ્થિતિમાં બીજું તો શું થઈ શકે? બીજા જ દિવસથી અમે ઘરમાં જાતજાતની દવાઓ છાંટવાનું શરૂ કરી દીધું. પણ આ તો રાક્ષસી માયા હતી. કોણ જાણે કેમ પણ એની સંખ્યા ધીમે ધીમે વધતી જ જતી હતી.
એ જ દિવસોમાં નીલુ મા બનવાની હતી. અમે બંને અનોખી મધુરતા સાથે અમારા પ્રથમ સંતાનના આગમનનાં મીઠાં સ્વપ્ન જોયાં કરતાં હતાં. જોકે, માંકડની જેમ જ માજીની હરકતો ૫ણ દિન-બ-દિન વધી રહી હતી. આમ થવાનું એક માત્ર કારણ એ હતું કે માજીને ઓટલે રોજ સાંજે જામતી મંડળીમાં નીલુ કયારેય ભળતી ન હતી. એને એ રીતે કામકાજ વગર બેઠાં રહેવાનું અને બીજાની નિંદા કરતાં રહેવાનું બિલકુલ પસંદ ન હતું. પરંતુ માજી પોતાની આવી ઉપેક્ષા કેવી રીતે સહી શકે? આંતરે દિવસે એ નીલુને ટોક્યા કરતાં- “અરે, આજે ફળિયું સાફ કરવાનો તમારો વારો હતો તો યે હજુ સાફ નથી કર્યું?” અથવા “અરે! નીલુબહેન તમે આટલી બધી વાર સુધી નાહતાં રહેશો તો બીજા લોકો કયારે પરવારશે?’
માંકડ અને માજી બન્નેની હરકતોથી નીલું ઘણી વ્યગ્ર રહેવા લાગી હતી. એ અવારનવાર બીજું મકાન શોધવા માટે મને કહેતી. પરંતુ આ કામ કેટલું મુશ્કેલીભર્યું હતું એ તો સૌ જાણે છે. તબિયત નાજુક હોવાને કારણે એ દિવસોમાં નીલુને પંખાની હવા સહેજે ગમતી નહીં, ને આંગણામાં તો માજીની ફોજ પથરાયેલી રહેતી, એટલે અમે બારણાં ખુલ્લાં રાખીને પણ સૂઈ નહોતા શકતાં. ઉકળાટભર્યાં એ દિવસોમાં એક રાત્રે માંડ માંડ અમારી આંખ સહેજ મીંચાઈ હતી. ત્યાં જ એકાએક નીલુ ચીસ પાડતી બેઠી થઈ ગઈ. બંને હાથ છાતીએ દાબી, આકુળવ્યાકુળ નજર આસપાસ તાકતી એ હાંફી રહી હતી. મેં એની પીઠે હાથ ફેરવતાં સાંત્વનાભર્યા સ્વરે પૂછયું- “શું થયું? કોઈ સપનું આવ્યું હતું નીલુ?” ઘડીભર એ મારી સામે તાકી રહી પછી ઉદાસ સ્વરે બોલી –
“સપનામાં મેં જોયું તો આપણો વ્હાલો બિટ્ટુ આપણી બંનેની વચ્ચે આરામથી સૂતો હતો. ત્યાં જ ન જાણે કયાંથી ઢગલો એક માંકડ આવી ચડયાં અને બિટ્ટુ પર ચડી ગયાં, એને કરડવા લાગ્યા. બિટ્ટુ ચીસાચીસ કરતો ૨ડી ઊઠયો. એનું નાનકડું કોમળ શરીર ભયંકર રીતે તરફડવા લાગ્યું હતું. આ જોઈને મારાથી ચીસ પડાઈ ગઈ.”
સપનાની વાત કરતાં કરતાં નીલુ કંપી રહી હતી. એની આંખમાંથી અવિરત આંસુ વહેતાં હતાં. મેં એને પાણી આપ્યું અને કહ્યું-“આ તો સપનું હતું પગલી. બાકી, આપણા બીટ્ટુને કોઈ આંગળી તો અડાડી જુએ.’ એમ કહી એને માથે હાથ ફેરવતો રહ્યો. ઘણી વારે માંડ એને જંપ વળ્યો અને આંખો મીંચાઈ.
પરંતુ એ દિવસથી નીલુ જાણે હારી ગઈ હતી. એ અત્યંત ઉદાસ રહેવા લાગી. આવા ઉદાસ અને તનાવભર્યા વાતાવરણમાં હું અમારા સ્નેહના પ્રથમ ચિહ્ન સમાન શિશુના સ્વાગત માટે રાજી ન હતો. છેવટે કેટલાંયે દિવસની દોડધામભરી તપાસને અંતે મોં-માંગ્યું ભાડું આપીને અમે શહેરથી દૂરની સોસાયટીમાં એક નાનું, સ્વતંત્ર મકાન રાખી લીધું. અહીંથી ઑફિસ, બજાર, થિયેટર, હોસ્પિટલ -બધું જ ઘણું દૂર હતું. ચોમાસામાં અહીં એટલો બધો કાદવ થઈ જતો કે સાઈકલ ઊંચકીને મુખ્ય રસ્તા સુધી પહેચતાં તો દમ નીકળી જતો. પરંતુ તેમ છતાં અહીં પોતાના આંગણાની જમીનમાં ગુલછડી ને ગુલાબના છોડ રાપી શકાતા હતાં એ શું ઓછું હતું?
——–X——–
“ચોમાસામાં અહીં એટલો બધો કાદવ થઈ જતો કે સાઈકલ ઊંચકીને મુખ્ય રસ્તા સુધી પહેચતાં તો દમ નીકળી જતો. પરંતુ તેમ છતાં અહીં પોતાના આંગણાની જમીનમાં ગુલછડી ને ગુલાબના છોડ રોપી શકાતા હતાં એ શું ઓછું હતું?”
ઊષાબહેનની વાર્તામાં જીવનની કુમાશ છે, કાદવમાં જ કમળ ખીલે તેમ નીલુના જીવનમાં પણ પતિ પ્રેમનુ કમળ ખીલી રહ્યું.
ચાલી સમાન ઘરમાં રહેતાં માનવ સ્વભાવનો સહજ પરિચય પણ વાર્તામાં થઈ જાય છે, અને માંકડનો ત્રાસ તો ઘણાનો અનુભવ હશે, એનો ડર અને ભય નીલુને જંપવા નહોતો દેતો અને કાંઈ અઘટિત થાય પહેલા નીલુના મુરઝાયેલા મનને ખીલવવાનો રસ્તો ભલે કાદવમાંથી પસાર થતો હોય પણ સાથે પોતાના આંગણાની મહેક પણ પસરાવી જાય છે એનુ સરસ આલેખન.
LikeLike
કબાબમા હડ્ડી જેવા માજી અને માંકડના ઉત્પાતમાંથી નીકળ્યા તો ઘરના બળ્યા વનમા ગયા તો વનમા લાગી આગ ! ત્યાં સુ શ્રી ઉષા ઉપાદ્યાયનો કાદવભર્યો રસ્તોની વાતે યાદ આવે ફ્રાન્સનાં પ્રખ્યાત કોસ્મેટોલોજિસ્ટ ‘ની ‘મડથેરપી’એ ફ્રાન્સ અને યુરોપના અન્ય દેશોમાં બહુ ચકચાર જગાવી છે.
ભારતના ગામડાંની સ્ત્રીઓ ગરીબીને કારણે સાબુ વગેરે નથી વાપરી શકતી, એટલે સાબુને બદલે માટીનો ઉપયોગ કરે છે આ જોઇ તેણે મડ થેરપીની સાથે આધુનિક કોસ્મેટિક થેરપીનું સંયોજન કરી પોતાના એક જુદા ઉપચારની શોધ કરી ! આવી રીતે નીલુએ ‘પોતાના આંગણાની જમીનમાં ગુલછડી ને ગુલાબના છોડ રોપી શકાતા હતાં …પણ નજીકમા કાદવીઓ તળાવ હોય તો કમળ પણ ઉગાડી શકાય !
સ રસ વાર્તા
LikeLike
સરસ સ્નેહાળ વાર્તા.
LikeLike